મલ્ટિપ્લેક્સ : ફ્લેશબેક ૨૦૧૩
Sandesh – Sanskar Purti – 22 Dec 2013
મલ્ટિપ્લેક્સ
આ વર્ષે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કઈ ટેલેન્ટ્સ ઊભરી? કોણે ધ્યાન ખેંચ્યું? કોણે લાંબી રેસના ઘોડા હોવાનો ભરોસો પેદા કર્યો? પેશ છે એક સિંહાવલોકન.
* * * * *
સમયને જતાં ક્યાં વાર લાગે છે. હજુ હમણાં ૨૦૧૩ની શરૂઆતમાં અતરંગી ‘મટરૂ કી બીજલી કા મન્ડોલા’ આવી હતી ને લો, જોતજોતામાં વર્ષ પૂરું પણ થઈ ગયું. વેલ, ઓલમોસ્ટ. ૨૦૧૩માં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કઈ ટેલેન્ટ્સ ઊભરી? કોણે ધ્યાન ખેંચ્યું? કોણે લાંબી રેસના ઘોડા હોવાનો ભરોસો પેદા કર્યો? ચાલો, સિંહની જેમ પાછળ ગરદન ઘુમાવીને વીતેલાં વર્ષ પર નજર ફેરવીને જવાબો શોધવાનો પ્રયત્ન કરીએ. આજે ફક્ત બિહાઈન્ડ-ધ-સ્ક્રીન તરખાટ મચાવનાર અથવા તો તરખાટ મચાવવાની કોશિશ કરનાર કલાકારોની વાત કરીશું. શરૂઆત કરીએ, ૨૦૧૩ના બ્રાન્ડ-ન્યૂ ડિરેક્ટર્સથી.
આનંદ ગાંધી :
હિન્દી સિનેમાના ઇતિહાસમાં કદાચ કોઈ આર્ટ ફિલ્મનું થયું ન હોય એવું ભવ્ય અને ગ્લેમરસ સ્વાગત મુંબઈના આ સુપર ટેલેન્ટેડ ગુજરાતી યુવાનની સર્વપ્રથમ ફીચર ફિલ્મ’ધ શિપ ઓફ થિસિઅસ’નું થયું. એક મિનિટ. ‘ધ શિપ ઓફ થિસિઅસ’ પર આર્ટ ફિલ્મનું લેબલ ચીટકાડીને એની અપીલને સીમિત કરી નાખવાની ભૂલ કરવા જેવી નથી. વિચારશીલ દર્શકને સતત જકડી રાખે અને અંદરથી ઝંકૃત કરી દે એવી આ ફિલ્મ વિશ્વસ્તરે પોંખાઈ અને ઘરઆંગણે પણ ખૂબ જોવાઈ. આનંદ ગાંધી નામના આ વિચક્ષણ યુવાને પુષ્કળ આશાઓ જન્માવી છે. એના પ્રોડક્શન હાઉસમાં બનેલી આગામી ફિલ્મ ‘તુમ્બાડ’ની ક્વોલિટી ફિલ્મના ચાહકો અધ્ધર શ્વાસે રાહ જોઈને બેઠા છે.
રિતેશ બત્રા :
મૂળ તો એ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર, પણ એમની પહેલીવહેલી ફીચર ફિલ્મ ‘ધ લંચબોક્સે’ જબરી હવા ઊભી કરી. પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે અને પછી ઘરઆંગણે. એક વિધુર ક્લર્ક (ઈરફાન ખાન) અને રૂટિન જીવન જીવી રહેલી સીધીસાદી હાઉસવાઈફ (નિમરત કૌર)ની આ અનોખી લવસ્ટોરી સહેજ ઓવરરેટેડ ખરી, પરંતુ ભારતની આ વખતની ઓસ્કર એન્ટ્રી તરીકેનું નોમિનેશન એને મળશે એવું લાગતું હતું. એની તીવ્ર હરીફાઈ ‘ધ શિપ ઓફ થિસિઅસ’ સાથે હતી, પણ કોણ જાણે શું ભેદભરમ થયા કે આ બેય સહિત કેટલીય લાયક ફિલ્મોને પાછળ રાખીને ‘ધ ગૂડ રોડ’ નામની ફિલ્મ ઓસ્કર રેસમાં આગળ થઈ ગઈ. ખેર.
Kannan ઐયર :
વિશાલ ભારદ્વાજે પ્રોડયુસ કરેલી સુપરનેચરલ ફિલ્મ ‘એક થી ડાયન’ને મિશ્ર પ્રતિસાદ મળ્યો. ફર્સ્ટટાઈમ ડિરેક્ટર Kannan ઐયરે ફિલ્મનો પૂર્વાર્ધ મસ્ત જમાવ્યો, પણ સેકન્ડ હાફમાં ગરબડ કરી નાખી. કોંકણા સેન શર્માનું પરફોર્મન્સ આ ફિલ્મનો મોટો પ્લસ પોઈન્ટ છે. Kannan ઐયરના કૌવતનું ખરું માપ એમની હવે પછીની અને જુદા પ્રકારની ફિલ્મો પરથી નીકળશે.
અજય બહલ :
વચ્ચે ‘બીએ પાસ’ નામની સહેજ વિવાદાસ્પદ ફિલ્મ આવી હતી. ફિલ્મનું ટાઈટલ ભલે શૈક્ષણિક રહ્યું પણ કન્ટેન્ટ પૂરેપૂરું સેક્સ્યુઅલ હતું. મા-બાપ વગરનો, મામૂલી દેખાવ ધરાવતો, બીએ ભણતો છોકરો (શાદાબ કમલ) એક કામુક આન્ટી (શિલ્પા શુક્લા) થકી સેક્સ રેકેટમાં ઊંડો ઊતરતો જાય છે. આખરે એનો અંજામ અતિ કરુણ આવે છે. ફેસ્ટિવલ ફિલ્મ જેવી ફીલ ધરાવતી અને બોલ્ડ દૃશ્યોની ભરમારવાળી આ ફિલ્મની ઠીક ઠીક તારીફ થઈ હતી. મહેશ ભટ્ટ આ નવા નિશાળિયા ડિરેક્ટરથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. અજય બહલની આગામી ફિલ્મ એક જપાની નોવેલ પર આધારિત છે. મર્ડર મિસ્ટરીની થીમ ધરાવતી આ ફિલ્મનું ટેન્ટેટિવ ટાઈટલ છે, ‘ઈન્ફોર્મર’.
સોનમ નૈયર :
એક જાડ્ડીપાડ્ડી ગોળમટોળ ટીનેજરની વાત કરતી ‘ગિપ્પી’ નામની સ્વીટ, સિમ્પલ આ વર્ષે ફિલ્મ આવી હતી. મહિલા ડિરેક્ટર સોનમ નૈયરે ઉંમરમાં આવી રહેલી તરુણીની સમસ્યાઓને હળવાશથી રજૂ કરી હતી. સોનમના બાયોડેટામાં’વેકઅપ સિડ’નું નામ પણ બોલે છે. આ ફિલ્મમાં અલબત્ત, તેમણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવી હતી.
વિશેષ ભટ્ટ :
મૂકેશ ભટ્ટના સુપુત્ર અને મહેશ ભટ્ટના ભત્રીજા વિશેષે ડિરેક્ટ કરેલી ‘મર્ડર-થ્રી’ હાડોહાડ કમર્શિયલ ફિલ્મ હતી. મર્યાદિત બજેટમાં ઉપરાછાપરી હિટ ફિલ્મો આપતાં મહેશ-મૂકેશ ભટ્ટનાં વિશેષ ફિલ્મ્સ બેનરનું નામ આ પાટવી કુંવર પરથી તો પડયું છે. રણદીપ હૂડા, અદિતી હૈદર અને સારા લોરેન નામની નવી કન્યાને ચમકાવતી ‘મર્ડર-થ્રી’ને એની આગલી પ્રિકવલ્સ સાથે ટાઇટલને બાદ કરતાં નહાવાનિચોવવાનોય સંબંધ નહોતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર વિજયપતાકા ફરકાવી નથી, પણ વિશેષ ભટ્ટ આગળ જતાં બહેતર ફિલ્મો આપી શકશે એવી આશા જરૂર બંધાય છે.
અશિમા છિબ્બર :
‘મેરે ડેડ કી મારુતિ’ નામની લો-બજેટ કોમેડી ફિલ્મ જોઈ હતી તમે? દિલ્હીના ટિપિકલ પંજાબી પરિવારમાં દીકરીનાં લગ્ન છે. જમાઈને દહેજમાં યા તો ભેટમાં મારુતિ કાર આપવાનું નક્કી થયું છે, પણ બહેનનો અપલખણો ભાઈ કાર ગાયબ કરી નાખે છે. જોકે અણીના સમયે ગાડી હાજર પણ કરી દે છે. ૨૦૧૩ની આ સરપ્રાઈઝ હિટ છે. ટાઈમપાસ માટે ટીવી પર જોવા જેવી ખરી.
અહિશોર સોલોમોન જેવું કેમેય કરીને યાદ ન રહે એવું નામ ધરાવતા ફર્સ્ટ-ટાઈમરની ફિલ્મ પણ ખાસ યાદ રાખવાને લાયક નથી – ‘જોન ડે’. તેમાં નસિરુદ્દીન શાહ અને રણદીપ હૂડા જેવા કલાકારો હતા, તો પણ. આ વર્ષે ‘ફુકરે’ નામની સરપ્રાઈઝ હિટ આવી હતી. એના ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાનું નામ પહેલી વાર પ્રકાશમાં આવ્યું, પણ આ તેમની પહેલી ફિલ્મ નહોતી. ભૂતકાળમાં ‘તીન થે ભાઈ’ નામની સુપરફ્લોપ ફિલ્મ તેઓ બનાવી ચૂક્યા છે. તે જ પ્રમાણે ડિરેક્ટર-બેલડી કૃષ્ણા ડી.કે. અને રાજ નિદીમોરુ ભલે ઝોમ્બી ફિલ્મ ‘ગો ગોવા ગોન’થી જરા લાઈમલાઈટમાં આવ્યાં, પણ તેઓય અગાઉ ‘નાઈન્ટીનાઈન’ નામની ફિલ્મ બનાવી ચૂક્યાં છે.
હવે પડદા પાછળના થોડા ઔર કલાકાર કસબીઓની નોંધ લઈ લઈએ. સંજય ભણસાલીની ‘રામ-લીલા’ થકી ત્રણ ટેલેન્ટેડ યંગસ્ટર્સની કરિયરની શરૂઆત થઈ છે. એક છે, આપણા વડોદરાની અને બુલંદ સ્વરની માલિકણ ભૂમિ ત્રિવેદી, જેણે ‘રામ chahe લીલા chahe’ આઈટમ સોંગ ગાયું છે. આ ફિલ્મની લેખકજોડીનું નામ છે સિદ્ધાર્થ અને ગરિમા. તેમણે સંજય ભણસાલી સાથે સ્ક્રીનપ્લેનું સહલેખન કર્યું છે, ડાયલોગ્ઝ લખ્યાં છે અને ફિલ્મનાં ઘણાં ખરાં ગીતો પણ લખ્યાં છે.
આ વર્ષે ‘આશિકી-ટુ’નું એક ગીત બહુ જ ચગ્યું છે- ‘સુન રહા હૈ…’ તે અંકિત તિવારી નામના કાનપુરના યુવાને ગાયું છે. ભૂતકાળમાં ‘દો દૂની ચાર’ અને ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર’નું મ્યુઝિક એમણે કમ્પોઝ કર્યું હતું, પણ ખરી પ્રસિદ્ધિ ‘આશિકી-ટુ’ના આ મસ્તમજાના ગીતની ગાયકીથી જ મળી.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply