Sun-Temple-Baanner

ગો…ગોવા…ગોન!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ગો…ગોવા…ગોન!


મલ્ટિપ્લેક્સ : ગો…ગોવા…ગોન!

Sandesh – Sanskaar Purti – 8 Dec 2013

મલ્ટિપ્લેક્સ

ગોવામાં યોજાઈ ગયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે કઈ ફિલ્મો ગાજી?

* * * * *

નશીલા ગોવામાં નવેમ્બરમાં માત્ર નઠારો તહલકા કાંડ જ નહોતો થયો, એક મસ્તમજાની ઇવેન્ટ પણ થઈ હતી – ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (આઈએફએફઆઈ). ૨૦થી ૩૦ નવેમ્બર દરમિયાન યોજાઈ ગયેલા આ ફેસ્ટિવલમાં એક અંદાજ મુજબ દુનિયાભરની ૩૨૬ ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. તેમાંની ૧૫ ફિલ્મો એવી હતી, જે ઓસ્કર-૨૦૧૪માં ઓલરેડી નોમિનેટ થઈ ચૂકી છે. બધી ફિલ્મો વિશે વાત કરવા જેટલો અવકાશ નથી, પણ ચાલો, ગોવાના ફિલ્મી જલસામાં વિજેતારૂપ બનેલાં પિક્ચરો વિશે થોડું જાણીએ. અવોડ્ર્ઝ સમજીવિચારીને યોગ્ય ફિલ્મોને અને કલાકારોને જ આપવામાં આવ્યા હશે, એવું આપણે હાલ સગવડ પૂરતું સ્વીકારી લઈએ.

‘બીટ્રીઝીસ વોર’ નામની ફિલ્મને ગોલ્ડન પીકોક અવોર્ડ મળ્યો. આ ફિલ્મ કરતાંય એ જ્યાં બની છે તે દેશની કહાણી વધારે ઈન્ટરેસ્ટિંગ છે. ઈસ્ટ તિમોર નામના દેશનું નામ સાંભળ્યું છે? સાઉથ-ઈસ્ટ એશિયામાં ઈન્ડોનેશિયા પાસે આ ટચૂકડો આઈલેન્ડ કન્ટ્રી આવ્યો છે. તેના પર સોળમી સદીથી પોર્ટુગલનું રાજ ચાલતું હતું. તે ઓળખાતું પણ પોર્ટુગીઝ તિમોર તરીકે. છેક ૧૯૭૫માં પોર્ટુગલે એને આઝાદ કર્યું. હજુ તો મુક્તિના શ્વાસ લે- ન લે ત્યાં ઈન્ડોનેશિયાએ એના પર કબજો જમાવી દીધો. સ્થાનિક લોકોના લોહિયાળ સંઘર્ષ અને યુનાઈટેડ નેશન્સની દરમિયાનગીરીના પરિણામ સ્વરૂપે ૧૯૯૯માં ઈન્ડોનેશિયન આર્મીએ ત્યાંથી ઉચાળા ભર્યા. આખરે ૨૦૦૨માં આ પ્રદેશનું ‘ઈસ્ટ તિમોર’ એવું નામકરણ કરવામાં આવ્યું અને તેને સ્વતંત્ર દેશ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો. એકવીસમી સદીમાં દુનિયાના નક્શા પર અસ્તિત્વમાં આવેલો આ સૌથી પહેલો નવો દેશ.

સંઘર્ષમય ઇતિહાસ ધરાવતા અને પા-પા પગલી ભરી રહેલાં આ અલ્પવિકસિત દેશમાં સિનેમા કલ્ચરની શરૂઆત થઈ છે.’બીટ્રીઝીસ વોર’ આ દેશની સર્વપ્રથમ ફિલ્મ છે. ઓસ્ટ્રેલિયન ફિલ્મમેકરોની મદદથી કેવળ બે લાખ ડોલર્સના બેબી-બજેટમાં આ ફુલલેન્થ ફીચર ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મની કહાણીમાં દેશના ઇતિહાસનું પ્રતિબિંબ ન પડે તો જ આશ્ચર્ય. બીટ્રીઝ ફિલ્મની નાયિકાનું નામ છે. પોર્ટુ-ગીઝોએ દેશ મુક્ત કર્યો એ વર્ષે, ૧૯૭૫માં, તોમસ સાથે એનાં લગ્ન થાય છે. થોડા મહિનાઓ પછી ઈન્ડોનેશિયન લશ્કર ગામડાંઓમાં અમાનુષી કત્લેઆમ ચલાવે છે, કેટલાંય લોકોને બંદી બનાવીને લઈ જાય છે. એમાં તોમસનો નંબર પણ લાગી જાય છે. આખરે ૧૯૯૯માં ઈન્ડોનેશિયાના લશ્કરી શાસનમાંથી મુક્તિ મળી પછી તોમસ ગામ પાછો ફરે છે. બીટ્રીઝ રાજી રાજી થઈ જાય છે, પણ એને ક્યાં ખબર છે કે જે માણસને પોતાનો પતિ ગણે છે એ વાસ્તવમાં તોમસનો હમશકલ છે! તો અસલી તોમસ ક્યાં ગયો? કોણ છે આ બહુરૂપિયો? ફિલ્મ આ ગુથ્થી સુલઝાવતી આગળ વધે છે.

‘ધાઉ ગિલ્ડસ્ટ ધ ઈવન’ નામની તુર્કીશ ફિલ્મને સ્પેશિયલ જ્યુરી અવોર્ડ યા તો સિલ્વર પીકોક અવોર્ડ મળ્યો. આ ટાઈટલ શેક્સપિયરના એક સોનેટ પરથી લેવાનું આવ્યું છે. માણસમાત્ર મૂંઝવણનો શિકાર છે, તે આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મની વાર્તાનો કેન્દ્રીય વિચાર છે. ડિરેક્ટર ઓનુર ઉનુલુએ અહીં મેજિક રિઅલિઝમનો છૂટથી ઉપયોગ કર્યો છે. સિમેલ નામનો એક યુવાન છે. આગની દુર્ઘટનામાં એની મા અને ભાઈ-બહેન સૌ મૃત્યુ પામ્યાં છે. દુઃખી દુઃખી થઈ ગયેલો સિમેલ પણ મરવા માગે છે. સિમેલનું ગામ અસાધારણ છે. અહીં આકાશમાં બે સૂર્ય અને રાત્રે ત્રણ ચંદ્ર ઊગે છે. ગામના લોકો વિશિષ્ટ શક્તિઓ ધરાવે છે. જેમકે, એક પાડોશીને અમરત્વનું વરદાન મળ્યું છે, એક સ્ત્રી છે, જે ઇચ્છે ત્યારે અદૃશ્ય થઈ શકે છે, એક કિરદાર તાળી પાડીને સમયને વહેતો અટકાવી શકે છે. સિમેલ એક છોકરીના પ્રેમમાં પડીને એની સાથે લગ્ન કરે છે. એને એમ કે હવે એના દુઃખના દિવસો પૂરા થયા,પણ થાય છે કશુંક બીજું જ. ફિલ્મમાં બધું જ પ્રતીકાત્મક છે. તમારે જે અર્થ કાઢવો હોય તે કાઢી લેવાનો!

‘અ પ્લેસ ઇન હેવન’ નામની ઈઝરાયલી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એલોન મોનીને બેસ્ટ એક્ટર (મેલ)નો અવોર્ડ મળ્યો. સાવ ટૂંકમાં કહીએ તો, અહીં એકલતા અનુભવી રહેલા એક રિટાયર્ડ જનરલ (એલોન મોની)ની વાત છે. એ મરણપથારીએ પડયા છે. એમના મનમાં કડવાશ છલકાય છે. રૂઢિચુસ્ત યહૂદી દીકરા સાથે આત્મીયતાભર્યું કમ્યુનિકેશન થઈ શકતું નથી. બાપ ઇચ્છે છે કે દીકરો કંઈક એવા પ્રયત્નો કરે કે જેથી મર્યા પછી એનો આત્મા નર્કની પીડાથી દૂર રહે.

બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ)નો અવોર્ડ મળ્યો બોકઝારસ્કા મેગડેલ નામનાં અભિનેત્રીને, ‘ઇન હાઇડિંગ’ નામની પોલિશ ફિલ્મ માટે. એની વાર્તા કંઈક એવી છે કે બીજા વિશ્વયુદ્ધના સમાપ્તિના દિવસો છે. જેનિના (મેગડેલ)ની માતાનું કરુણ મોત થઈ ગયું છે. ઘરમાં એ અને એના ફોટોગ્રાફર પિતા બે જ છે. પિતા એક યહૂદી દોસ્તની દીકરીને ઘરમાં છુપાવવા માગે છે. જેનિનાની જરાય ઇચ્છા નથી કે કોઈ અજાણી છોકરી પોતાની સાથે રહેવા આવે, પણ પિતાની વાત માન્યા વિના છૂટકો નથી. એક વાર સ્ટ્રીટ રાઉન્ડઅપ દરમિયાન પિતાની ધરપકડ થાય છે. હવે ઘરમાં બે છોકરીઓ જ છે. બન્ને એકલતા અનુભવે છે, બન્નેનાં મનમાં ફફડાટ છે. એકમેક સિવાય એમની પાસે કોઈ સહારો નથી. ધીમે ધીમે તેમની વચ્ચે દોસ્તી થાય છે. તાણભરી પરિસ્થિતિમાં પેદા થયેલી આત્મીયતા શારીરિક નિકટતામાં પરિણમે છે. યુદ્ધ પૂરું થાય છે. આગંતુક છોકરી હવે ધારે તો ઘર છોડીને મુક્ત વાતાવરણમાં જઈ શકે છે, પણ હવે સ્થિતિ એવી સર્જાઈ ગઈ છે કે એકબીજાં વગર તેઓ રહી શકે તેમ નથી!

આ તો થઈ વિદેશી ફિલ્મો. છેલ્લે ‘અપુર પાંચાલી’ નામની ફિલ્મની વાત કરી લઈએ. તેના ડિરેક્ટર કૌશિક ગાંગુલીને ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો. સત્યજિત રાયની ‘પાથેર પાંચાલી’ આપણે જોઈ છે. એમાં અપુ બનેલો પેલો ક્યૂટ બાળકલાકાર યાદ છે? એનું નામ છે સુબીર બેનર્જી. ‘પાથેર પાંચાલી’ તો અમર બની ગઈ, ખૂબ વાહવાહી મળી, આજેય મળે છે, પણ સુબીર ગાંગુલીએ જુવાન થયા પછી આજ સુધી એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી. ‘પાથેર પાંચાલી’ એમની પહેલી ને છેલ્લી ફિલ્મ. એવા અસંખ્ય બાળકલાકારો છે, જે નાનપણમાં યાદગાર પાત્ર ભજવીને લોકોનાં દિલમાં સ્થાન બનાવી લે છે, પણ મોટા થયા પછી ક્યાં ખોવાઈ જાય છે તેની કોઈને ખબર પડતી નથી. ‘અપુર પાંચાલી’ યાદગાર બાળકલાકારમાંથી અનામી આમ આદમી બની ગયેલા સુબીર બેનર્જીની કહાણી છે.

તક મળે ત્યારે આ ફિલ્મો જોવા જેવી ખરી!

શો-સ્ટોપર

મુંબઈ શહેર નથી, એક વિરાટ ઓફિસ છે. અહીં લોકો બહારથી કામ કરવા ને કરિયર બનાવવા આવે છે. સૌનો કોઈ બોસ છે, કોઈ સુપિરિયર છે. વતન અલાહાબાદમાં પગ મૂકતાં જ જાણે હું દબંગ હોઉં એવી ફીલિંગ આવવા લાગે, પણ મુંબઈમાં મારી તાસીર બદલાઈ જાય છે.

– તિગ્માંશુ ધૂલિયા (ફિલ્મમેકર)

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.