મલ્ટિપ્લેક્સ – ફિલ્મ લેખક કઇ રીતે બની શકાય?
Sandesh – Sanskaar Purti – 9 march 2014
મલ્ટિપ્લેક્સ
ફુલટાઇમ કોર્સ કરો તો જ સારા ફિલ્મ રાઇટર બની શકાય તે બિલકુલ જરૃરી નથી. સલીમ-જાવેદ જેવાં ઉદાહરણો આપણી સમક્ષ હાજર જ છે. ક્રિએટિવિટી, સ્વયં શિસ્ત અને ખંત થકી તમેય સારા સ્ક્રીનપ્લે રાઇટર બની શકો છો.
* * * * *
કંગના રનૌતની ‘ક્વીન’ શુક્રવારે રિલીઝ થઈ. ‘ક્વીન’ની પ્રમોશનલ એક્ટિવિટી શરૃ થવાની હતી ત્યારે કંગના ગાયબ હતી. કેમ? કેમ કે એ ન્યૂ યોર્ક ફિલ્મ એકેડેમીમાં સ્ક્રીનપ્લે રાઇટિંગનો બે મહિનાનો કોર્સ કરવા ગઈ હતી. જોકે, ફુલટાઇમ કોર્સ અધૂરો મૂકીને એણે નછૂટકે મુંબઈ પાછું આવી જવું પડયું. બાકીનો સિલેબસ એ ઓનલાઇન પૂરો કરી શકી કે નહીં તે અલગ મામલો છે, પણ આજનો આપણો વિષય આ છેઃ સ્ક્રીનપ્લે રાઇટિંગ કોર્સ. કંગના જેવી ઓલરેડી સ્થાન જમાવી ચૂકેલી બિઝી એક્ટ્રેસને પણ જેના માટે પૂરાં આઠ અઠવાડિયાં ફાળવવાનું, અટેન્ડ કરવાનું મન થઈ ગયું એ સ્ક્રીનપ્લે રાઇટિંગ કોર્સમાં એક્ઝેક્ટલી હોય છે શું?
સ્ક્રીનપ્લે અથવા સ્ક્રિપ્ટ એટલે ફિલ્મની વાર્તાનું વિસ્તૃત સ્વરૃપ. રામગઢ નામના ગામમાં ગબ્બરસિંહ નામના ગુંડાએ ત્રાસ ફેલાવ્યો છે, તેથી ગામના લાચાર ઠાકુર જય અને વીરુ નામના બે બહાદુર કેદીને તેડાવે છે. આ બન્ને ભાઈબંધો ગબ્બરનો જોરદાર મુકાબલો કરે છે ને આખરે સૌ સારાં વાનાં થાય છે. આ ‘શોલે’નો બેઝિક સ્ટોરી-આઇડિયા થયો. આ વાર્તાની શરૃઆત એક્ઝેક્ટલી કયા બિંદુથી થાય છે? વાર્તા કઈ રીતે ટ્વિસ્ટ-ટર્ન્સ લેતી લેતી અંત સુધી પહોંચે છે? એક પછી એક પાત્રો કેવી રીતે ઇન્ટ્રોડયુસ થતાં જાય છે?પ્રસંગોની ગૂંથણી શી રીતે થાય છે? પ્રત્યેક પાત્રની ખાસિયતો શી રીતે બહાર આવે છે? ખાસ તો, એકેએક સીનમાં એક્ઝેક્ટલી શું બને છે? આ તમામ સવાલોના જવાબનો સરવાળો એટલે સ્ક્રીનપ્લે. આના પછીનો તબક્કો એટલે ડાયલોગ યા તો સંવાદનો. પ્રત્યેક સીનમાં જે-તે કેરેક્ટર એક્ઝેક્ટલી કઈ લાઇન બોલે છે? એ બોલતી વખતે તે શું કરી રહ્યો છે- એ ઊભો છે, બેઠો છે, સૂતો છે, સિગારેટ પી રહ્યો છે? એવું બને કે આખા સીનમાં એક પણ સંવાદ ન હોય, માત્ર મૂવમેન્ટ્સ હોય. જેમ કે, વિલનની પાછળ હીરો હાથ ધોઈને પડયો હોય અને શાકભાજીની લારીઓ, એક ઉપર એક ગોઠવેલાં માટલાં ને સ્ટેન્ડ પર ચડાવેલી સાઇકલોનો કચ્ચરઘાણ બોલાવી રહ્યા હોય તો આ લાંબા સીનમાં એક પણ ડાયલોગ ન હોય. આ પ્રકારની ઝીણી ઝીણી વિગતો સાથેનું કામ પૂરું થાય એટલે ડાયલોગ વર્ઝનવાળો સ્ક્રીનપ્લે રેડી થયો ગણાય.
સ્ક્રીનપ્લે પાયો છે અને દરેક સારી ફિલ્મનું તોસ્તાન માળખું કાગળ પર ટાઇપ થયેલા સ્ક્રીનપ્લે પર ઊભું હોય છે. પાયો નબળો તો માળખું પણ નબળું. પાયો જેટલો સ્ટ્રોંગ, ઇમારત મજબૂત હોવાની શક્યતા એટલી જ સ્ટ્રોંગ. સ્ક્રીનપ્લે રાઇટિંગ એક કળા છે, મા સરસ્વતીના આશીર્વાદથી માંહ્યલો જો ક્રિએટિવિટીથી છલકાતો હોય તો જ લેખક બની શકાય છે એ બધું બરાબર છે, પણ સ્ક્રીનપ્લે રાઇટિંગ એક સ્કિલ પણ છે, કૌશલ્ય છે. કૌશલ્ય કેળવી શકાતું હોય છે. તો સ્ક્રીનપ્લે રાઇટિંગનું કૌશલ્ય ક્યાં શીખી શકાય? ફિલ્મ લેખક બનવું હોય તો શું કરવું? એનો કોર્સ ક્યાં થાય? આવા પ્રશ્નો ઘણી વાર પુછાતા હોય છે.
પૂનાની જાણીતી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (FTII) તમને બે વિકલ્પો આપે છે. અહીં તમે ડિરેક્શન એન્ડ સ્ક્રીનપ્લેનો ત્રણ વર્ષનો કોર્સ કરી શકો છો, જેમાં ડિરેક્ટર-કમ-રાઇટર બનવાની તાલીમ અપાય છે. તમારે ફક્ત ફિલ્મ લેખન શીખવું હોય તો એક વર્ષનો સ્ક્રીનપ્લે કોર્સ કરી શકો છો. આ કોર્સ દરમિયાન ફિલ્મ લેખનના વ્યાકરણની શાસ્ત્રીય સમજ મળે, કલ્પનાશક્તિ ખીલે, તે માટેનાં ઓજારો મળે અને ખાસ તો, સિનેમા પ્રત્યેનું તમારું પેશન ઔર તીવ્ર બને તે પ્રકારનો માહોલ મળે.
ધારો કે તમે એક વર્ષ કે ત્રણ વર્ષનો ફુલટાઇમ કોર્સ (જે ક્યારેક ચાર-પાંચ વર્ષ સુધી ખેંચાઈ જતો હોય છે) કરી શકો તેમ ન હો તો? બીજો મહત્ત્વનો સવાલઃ શું ફિલ્મ રાઇટર બનવાનો આ એકમાત્ર રસ્તો છે? શું બોલિવૂડ-હોલિવૂડમાં મસ્તમજાની ફિલ્મો લખનારા તમામ લેખકોએ આ પ્રકારના કોર્સ કર્યા જ હોય છે? આ તમામ સવાલના જવાબ છેઃ ના. ‘શોલે’ જેવી કેટલીય મેગાહિટ ફિલ્મોની સુપરડુપર લેખક બેલડી સલીમ-જાવેદ ક્યારેય કોઈ ફિલ્મ સ્કૂલમાં ગયા નહોતા. આજની તારીખે બોલિવૂડના શ્રેષ્ઠ ફિલ્મ લેખકોમાંના એક ગણાતા જયદીપ સાહનીએ (જેમણે ‘કંપની’, ‘ખોસલા કા ઘોંસલા’, ‘ચક દે ઇન્ડિયા’ જેવી કમાલની ફિલ્મો લખી છે) કોઈ કોર્સ કર્યો નથી. અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ અને એવા તો કેટલાંય હોટ એન્ડ હેપનિંગ રાઇટર્સ, ડિરેક્ટરો ક્યારેય કોઈ ફિલ્મ ઇન્સ્ટિટયૂટનાં પગથિયાં ચડયાં નથી. આ સૌ ફિલ્મો લખવાનું મેળે શીખ્યા છે. જાત અભ્યાસથી, અનુભવથી, શિસ્તથી.
ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમેકર અને સ્ક્રીનપ્લે-ડિરેક્શનના ટીચર જગન્નાથન કૃષ્ણન સરસ વાત કરે છે, “અગાઉની વાત જુદી હતી, પણ આજે ઇન્ટરનેટને કારણે આપણી સામે દુનિયાભરની ફિલ્મો અને સિનેમા સંબંધિત એટલી બધી વેબસાઇટ્સ ઉપલબ્ધ છે કે કોર્સ કરવા બહાર જવાની જરૃર જ નથી. ઓનલાઇન કોર્સ પણ થઈ શકે છે. લાંબા ગાળાના ફુલટાઇમ કોર્સ કરવાને બદલે ટૂંકો ફિલ્મ એપ્રિશિયેશન કોર્સ કરી શકાય છે. સ્ક્રીનપ્લે રાઇટિંગ માટેના સેમિનાર અને વર્કશોપમાં ભાગ લઈ શકાય છે. આ બધાં સરસ માધ્યમો છે, જેના થકી ફિલ્મ રાઇટિંગ માટે જરૃરી સમજ અને કૌશલ્યો વિકસાવી શકાય છે.”
www.iversity.org નામની વેબસાઇટ પર જાતજાતના ઓનલાઇન કોર્સ થઈ શકે છે, જેમાં ફિલ્મ રાઇટિંગ સંબંધિત કોર્સનો પણ સમાવેશ થાય છે. સિનેમા લેખન પ્રત્યે પેશન ધરાવનારાઆએ આ વેબસાઇટ્સ પણ જોઈ જવીઃ
– nofilmschool.com
– storyandplot.com
– oscars.org/education-outreach/teachersguide/screenwriting,
– imsbb.com/scripts
– raindance.org
– dartmouth.edu
– writeitsideways.com.
યુ ટયૂબ પર ફિલ્મમેકિંગનાં અન્ય પાસાં ઉપરાંત ફિલ્મ રાઇટિંગ વિશેના વીડિયોઝ પણ છે. ted.com (ટેડ) પર સ્ક્રીનપ્લે રાઇટિંગ ટાઇપ કરીને સર્ચ કરી જોવું. આ તો અમુક જ નામ થયાં. તમે ગૂગલદેવના દરબારમાં જશો એટલે તમારી સામે ફિલ્મ રાઇટિંગ સંંબંધિત મટીરિયલનો દરિયો ખૂલી જશે. સરસ ફિલ્મોના આખેઆખા સ્ક્રીનપ્લે માટેની કેટલીય વેબસાઇટ્સ છે. વિદેશી ઉપરાંત કેટલીક ઉત્તમ હિન્દી ફિલ્મોના સ્ક્રીનપ્લે પુસ્તક સ્વરૃપે ઉપલબ્ધ છે. જેમ કે, ‘થ્રી ઇડિયટ્સ’. ફિલ્મ રાઇટર બનવા માગતા શોખીનો માટે આ મસ્ટ છે.
“ફિલ્મ લેખન વિશે સિડ ફિલ્ડનાં પુસ્તકો એક સમયે ખૂબ પોપ્યુલર હતાં, પણ હવે તે ઓલ્ડ-ફેશન ગણાવાં લાગ્યાં છે.” જગન્નાથન કહે છે, “રોબર્ટ મેક્કી (Robert McKee) લિખિત ‘સ્ટોરી’ અને જોન વોરહોસ (John Vorhaus) લિખિત ‘ક્રિએટિવ રૃલ્સઃ રાઇટર્સ વર્કશોપ’ આ બન્ને પુસ્તકો હું રિકમન્ડ કરું છું.”
તમે ફિલ્મ લખવા માગતા હો કે વાર્તા કે નવલકથા લખવા ઇચ્છતા હો, અમુક પાયાના સિદ્ધાંતો સમાન રહેવાના. લેખક બનનારે ખૂબ, ખૂબ, ખૂબ વાંચવું જ પડે. ફિલ્મ લેખક બનનારે વધારામાં અલગ અલગ શૈલીની અઢળક ફિલ્મો જોવી જોઈએ. જગન્નાથન કહે છે, “માત્ર કલાસિક ફિલ્મો જોવાનો આગ્રહ ન રાખવો, કારણ કે આ ફિલ્મો આપણને દંગ કરી દે છે, અભિભૂત કરી દેશે. ખરાબમાં ખરાબ ફિલ્મો પણ જોવાની, કારણ કે તેમાંથી પણ ખૂબ શીખવાનું મળે છે. તમને તરત સમજાતું રહેશે કે ક્યાં કેવી ભૂલો છે, શું બહેતર થઈ શકે તેમ હતું. નવલકથા પરથી કેટલીય ઉત્તમ ફિલ્મો બની છે. ઉદાહરણ તરીકે, સ્ટિફન કિંગની ‘ધ શોશંક રિડમ્પશ’નોવેલ. આ નવલકથા અને તેના પરથી લખાયેલી ઓસ્કર વિનર ફિલ્મનો સ્ક્રીનપ્લે બન્ને વાંચવાં અને ક્યાં કેવા કેવા ફેરફાર કરવામાં આવ્યા છે તેનો અભ્યાસ કરવો. આવાં તો ઘણાં દૃષ્ટાંતો છે. ગ્રાફિક નોવેલ અને કોમિક્સ પણ સ્ટોરી ટેલિંગનાં જ સ્વરૃપો છે. જે કોઈ માધ્યમ થકી વા-ર-તા કહેવાતી હોય તે બધું જ વાંચવું. એ રીતે નવા નવા એપ્રોચની જાણકારી મળશે.”
જગન્નાથન અમુક સરસ એક્સરસાઇઝ સજેસ્ટ કરે છે. તમારી કોઈ પણ મનગમતી ફિલ્મ લો. ધારો કે
ઇમ્તિયાઝ અલીની કરીના-શાહિદવાળી ‘જબ વી મેટ’ તમારી ફેવરિટ ફિલ્મ છે. તમારા કમ્પ્યૂટર કે ડીવીડી પ્લેયર પર એને જોવી શરૃ કરો અને પોઝ કરતાં કરતાં એક પછી એક દરેક સીનમાં શું કન્ટેન્ટ છે તે એક નોટબુકમાં લખતા જાઓ. ડાયલોગ નહીં, પણ ફક્ત ટૂંકી વિગત. આ રીતે પાંચ-છ પાનાંમાં આખી ફિલ્મ લખાઈ જશે. આ પ્રકારના લખાણને બીટ-શીટ કહે છે. તમે તમારા હાથે તમારી ફેવરિટ ફિલ્મ આ રીતે ‘લખશો’ એટલે કેટલાય ઉઘાડ થશે. તમને સમજાશે કે વાર્તા કેવી રીતે આગળ વધે છે, ક્યાં કઈ વાતને કેટલં મહત્ત્વ આપવામાં આવ્યું છે, વગેરે.
બીજી એક્સરસાઇઝ તરીકે છાપાંમાં આવેલી કોઈ ન્યૂઝ આઇટમની ઘટનાને જુદા જ એંગલથી જોવી. ધારો કે ‘એક પરિણીત પુરુષે આત્મહત્યા કરી જીવ ટૂંકાવ્યો’ એવા સમાચાર હોય તો તમે તેની લાપતા પત્નીનું કાલ્પનિક વર્ઝન તૈયાર કરો. આ રીતે એક જ ઘટનાને અલગ અલગ પોઇન્ટ ઓફ વ્યૂથી જોવાની દૃષ્ટિ કેળવાશે.
“એક ડાયરી મેન્ટેન કરો,” સમાપન કરતાં પહેલાં જગન્નાથન ઔર એક સૂચન કરે છે, “તમે જે કોઈ ફિલ્મો જુઓ છો તે શું કામ ગમી કે શું કામ ન ગમી તે વિગતે તેમાં લખો. આ રીતે તમારા દિમાગમાં આ બધું વધારે સારી રીતે સચવાશે, નવા સંદર્ભો સ્પષ્ટ થશે અને હા, શરૃઆતમાં તમે જે સ્ક્રીનપ્લે લખશો તે ઘણું કરીને નબળો હશે, પણ તેનાથી બિલકુલ ડરવાનું નહીં. લખતા રહો. સેલ્ફ સ્ટડી દ્વારા સ્ક્રીન રાઇટર બનવું હોય તો શિસ્ત અને ખંત – આ બે પૂર્વશરત છે.”
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply