મલ્ટિપ્લેક્સ – ફ્રોમ સ્ટુડન્ટ વિથ લવ
Sandesh – Sanskaar Purty – 13 April 2014
મલ્ટિપ્લેક્સ
નાનપણમાં તીવ્રતાથી ઝિલાયેલા સંસ્કારો આખા જીવનનો નકશો ઘડી નાખતા હોય છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘નોઆહ’ અને મલ્ટિપલ ઓસ્કર નોમિનેટેડ ‘બ્લેક સ્વાન’ના પ્રતિભાશાળી ડિરેક્ટર ડેરેન અરોનોફ્સ્કીના કિસ્સામાં આ વાત કેવી રીતે સાચી પડી?
* * * * *
હોલિવૂડમાં એક તેજસ્વી નામ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેજીથી ઊપસી આવ્યું છે- ડેરેન અરોનોફ્સ્કી. તાજેતરમાં ભારત સહિત દુનિયાભરમાં રિલીઝ થયેલી અને ઇન્સ્ટન્ટ હિટ ઘોષિત થયેલી ‘નોઆહ’ ફિલ્મના એ ડિરેક્ટર. ‘નોઆહ’ આ વર્ષની મોસ્ટ-અવેઇટેડ ફિલ્મોમાંની એક છે. આમેય રસેલ ક્રો જેવો બબ્બે વાર બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી ચૂકેલો અદાકાર જેમાં કામ કરતો હોય તે ફિલ્મ આપોઆપ હાઈ પ્રોફાઇલ બની જવાની. વળી, ફિલ્મનો વિષય બાઈબલની એક કહાણી પર આધારિત હોવાથી ઓડિયન્સ અને ઈન્ડસ્ટ્રી બન્નેની ઉત્કંઠા વધી ગયેલી.
શું છે ‘નોઆહ’માં? સૃષ્ટિ પર એટલી અંધાધૂંધી ફેલાઈ ગઈ છે કે સર્જનહાર પોતાના જ સર્જનથી નાખુશ છે. તેઓ સઘળું ભૂંસીને, નષ્ટ કરીને એકડે એકથી શરૂ કરવા માગે છે. નોઆહ નામનો પુરુષ, જે સર્જનહાર સાથે કમ્યુનિકેટ કરી શકે છે, એ એક વિરાટ વહાણ બનાવે છે. પ્રલય વખતે નોઆહને પાગલ ગણતાં ગામવાસીઓ અને પશુપક્ષીઓ નર-માદાની જોડીમાં વહાણ પર સવાર થઈ જવાથી બચી જાય છે અને ક્રમશઃ સૃષ્ટિનો ક્રમ આગળ વધે છે. અમુક લોકો ‘નોઆહ’ને ‘૨૦૧૨’ પ્રકારની ડિઝાસ્ટર મૂવિ તરીકે જુએ છે, તો અમુક એને પર્યાવરણની કટોકટી વિશેની ફિલ્મ તરીકે મૂલવે છે. નોઆહની કથા પરથી ‘ઈવાન ઓલમાઈટી’ નામની મોડર્ન સેટઅપમાં બનેલી કોમેડી ફિલ્મ તમે કદાચ જોઈ હશે. આ ફિલ્મ જોકે ફ્લોપ થઈ હતી. ‘નોઆહ’ની ખૂબ તારીફ થઈ છે, થોડી ઘણી ટીકા અને વિવાદ પણ થયાં છે, પણ એક વાત સૌએ સ્વીકારવી પડી છે કે ડેરેન અરોનોફ્સ્કી એક સુપર ટેલેન્ટેડ વર્સેટાઈલ ફિલ્મમેકર છે.
૪૫ વર્ષીય ડેરેન અરોનોફ્સ્કીએ ફિલ્મ સ્કૂલમાં રીતસર ફિલ્મમેકિંગની ટ્રેનિંગ લીધી છે. એમની પહેલી જ ફિલ્મ ‘પાઈ’એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એમણે બનાવેલી છએ છ ફિલ્મોમાં તેમની નિશ્ચિત સિનેમેટિક લેંગ્વેજ અને ખુદની પર્સનાલિટીની સજ્જડ છાપ દેખાય છે. કોઈ ડિરેક્ટરની કરિયરની પહેલી છ ફિલ્મોમાં કામ કરનાર ચચ્ચાર એક્ટરો ઓસ્કર નોમિનેશન સુધી પહોંચી જાય એટલે દુનિયાભરના અદાકારો તેમના તરફ સ્વાભાવિકપણે આકર્ષાવાના. આ ચાર એક્ટર્સ એટલે એલને બર્સ્ટીન (‘રિક્વિમ ફોર અ ડ્રીમ’માટે), મિકી રુર્કી અને મારીઆ ટોમેઈ (બન્નેને ‘ધ રેસ્લર’ માટે) અને નેટલી પોર્ટમેન (‘બ્લેક સ્વાન’ માટે). નેટલી તો ૨૦૧૦માં બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કાર જીતી ગઈ હતી.
ડેરેન અરોનોફ્સ્કીનાં પાત્રોમાં કોઈ ને કોઈ વાતનું લગભગ પાગલપણાની કક્ષાનું ઓબ્સેશન હોય છે. આ પાત્રો સતત કશાકની શોધમાં હોય છે. ‘પાઈ’ના નાયકને બ્રહ્માંડનો ભેદ શોધવો છે, ‘ધ ફાઉન્ટન’માં ભૂતકાળ અને ભવિષ્યકાળને જીવતાં કરવાની મથામણ છે, ‘રિક્વિમ ફોર ધ ડ્રીમ’માં પાત્રો એવા યુટોપિયાની શોધમાં છે કે જ્યાં ફક્ત સુખ અને ખુશાલી હોય, જ્યારે ‘બ્લેક સ્વાન’ની નેટલી પોતાની ક્રિએટિવિટીના ઉચ્ચતમ સ્તર પર પહોંચીને પોતાના નૃત્યમાં પરફેક્શન શોધે છે.
ડેરેન લખી લખીને ફિલ્મમેકર બન્યા છે. ‘નોઆહ’ સાથે સંકળાયેલો એક સરસ કિસ્સો ડેરેન એક ઇન્ટરવ્યૂ દરમિયાન યાદ કરે છે, “હું સ્કૂલમાં હતો ત્યારે મારાં એક ટીચર હતાં, મિસિસ Vera Fried નામનાં. મારા પર એમની ખૂબ અસર છે. મને યાદ છે, સાતમા ધોરણમાં હતો ત્યારે એક વાર ક્લાસમાં આવીને એમણે કહ્યું – છોકરાંવ, નોટ કાઢો, પેન લો અને ‘શાંતિ’ વિષય પર એક કવિતા લખો. મને શું સૂઝ્યું કે મેં નોઆહ વિશે કવિતા લખી. પછી ખબર પડી કે યુનાઈટેડ નેશન્સે યોજેલી કોઈ સ્પર્ધાના ભાગરૂપે ટીચરે અમારી પાસે આ લખાવ્યું છે. જોગાનુજોગ હું એમાં ફર્સ્ટ આવ્યો. પછી મેં યુનાઈટેડ નેશન્સના ઓડિટોરિયમમાં એનું પઠન પણ કર્યું. ટીચરે તે વખતે કહેલું – વેરી ગૂડ, ડેરેન. મોટો થઈને તું લેખક બને ત્યારે તારી પહેલી ચોપડી મને અર્પણ કરજે.”
બાર-તેર વર્ષના છોકરા માટે આ બહુ મોટી વાત કહેવાય. એ માંડયો કવિતાઓ અને વાર્તાઓ લખવા. એમના હાથમાંથી કલમ અને કી-બોર્ડ એ પછી ક્યારેય ન છૂટયાં. મોટા થઈને ફિલ્મડિરેક્ટર-રાઇટર બન્યા બાદ ‘નોઆહ’ પર કામ કરવાનું શરૂ થયું ત્યારે ડેરેનને સ્ક્રિપ્ટ પરથી ગ્રાફિક નોવેલ બનાવવાનો વિચાર આવ્યો. પોતાનાં ટીચરે કહેલી વાત યાદ કરીને ડેરેને નક્કી કરી લીધું કે આ ગ્રાફિક નોવેલ હું ખરેખર મિસિસ ફ્રીડને અર્પણ કરીશ. સવાલ એ હતો કે આટલાં વર્ષો પછી હવે એને શોધવાં ક્યાં? ડેરેનનાં મમ્મી નિવૃત્ત ટીચર છે. એમણે પોતાનાં સંપર્કો કામે લગાડીને રિટાયરમેન્ટ માણી રહેલાં મિસિસ ફ્રીડને શોધી કાઢયાં. પોતાનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ, જે હવે સેલિબ્રિટી ફિલ્મમેકર બની ગયો હતો, તેણે આ રીતે યાદ કર્યાં એટલે ટીચર રાજીના રેડ થઈ ગયાં.
“ટીચરને પછી અમે ‘નોઆહ’ના સેટ પર પણ ખાસ તેડાવ્યાં હતાં,” ડેરેન કહે છે, “ત્યાં સૌની વચ્ચે પેલી ગ્રાફિક નોવેલ તેમને અર્પણ કરી. એટલું જ નહીં, રસેલ ક્રો સાથે એક સીન પણ કરાવ્યો. ટીચરને અમે એક આંખવાળી ચુડેલનો રોલ આપ્યો છે. ફિલ્મમાં આ સીન છે!”
આ અનુભવ પછી મિસિસ ફ્રીડનું આયુષ્ય નક્કી એક વર્ષ વધી જવાનું એ તો નક્કી! એ હવે હરખાઈને સૌને કહે છે કે જે છોકરાને મેં સ્કૂલમાં ભણાવ્યો હતો એણે મને બિગ બજેટ ફિલ્મમાં આવડા મોટા હીરો સાથે એક્ટિંગ કરવાની તક આપીને મારી જિંદગી સુધારી નાખી! “હકીકત એ છે કે મિસિસ ફ્રીડે મારી લાઇફ બનાવી છે,” ડેરેન કહે છે, “તે દિવસે જો એમણે મારી પાસે નોઆહની કવિતા લખાવી ન હોત અને પ્રોત્સાહન આપીને લખતો કર્યો ન હોત તો હું કદાચ ફિલ્મમેકર બન્યો ન હોત!”
નાનપણમાં તીવ્રતાથી ઝિલાયેલા સંસ્કારો આખા જીવનનો નકશો ઘડી નાખતા હોય છે. ડેરેનની મોટી બહેન હાઈસ્કૂલમાં ભણતી હતી ત્યારે બેલે ડાન્સિંગના ક્લાસ કરતી. નાનકડો ડેરેન જોતો કે બહેન આમાં ખૂબ મહેનત કરી રહી છે. થોડાં વર્ષ પછી જોકે એણે બેલેના ક્લાસમાં જવાનું બંધ કરી દીધું, પણ ડેરેનના મનના કોઈક ખૂણે બહેનનો ડાન્સ, પગની આંગળીઓની ટોચ પર આખું શરીર ઊંચકીને થતી કલાત્મક અંગભંગિમાઓ, એ માહોલ વગેરે અંકિત થઈ ગયું હતું. આ બધું ‘બ્લેક સ્વાન’માં કમાલની ખૂબસૂરતીથી બહાર આવ્યું. આ અદ્ભુત ફિલ્મને બેસ્ટ ડિરેક્શન સહિતનાં પાંચ-પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં. અગાઉ નોંધ્યું છે તેમ, દિમાગ ચકરાવી મૂકે એવું ગજબનાક પરફોર્મન્સ આપીને નેટલી પોર્ટમેન બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર જીતી ગઈ. ડેરેને નાનપણમાં બહેનને બેલે ડાન્સિંગ કરતાં જોઈ ન હોત તો કદાચ આવી યાદગાર ફિલ્મ બનાવી શક્યા હોત કે કેમ તે સવાલ છે.
દિમાગના પટારામાંથી બાળપણની કઈ સ્મૃતિ કેવી રીતે બહાર આવશે ને કેવો ચમત્કાર કરી દેખાડશે એની આપણને ક્યાં ખબર હોય છે!
શો-સ્ટોપર
“જિંદગી જીવવાની દિશા આપણા પેશન તરફની હોવી જોઈએ. આ રીતે જીવવાથી બીજાઓને દોષ દેવાનો વારો નથી આવતો,કેમ કે સારું-ખરાબ જે કંઈ પરિણામ આવે તે માટે જવાબદાર આપણે જ હોઈએ છીએ. સો જસ્ટ ફોલો યોર પેશન!”
– ડેરેન અરોનોફ્સ્કી
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply