મલ્ટિપ્લેક્સ : આપણને વિદ્યા બાલન શા માટે ગમે છે?
Sandesh – Sanskar Purty – 6 Dec 2014
મલ્ટિપ્લેક્સ
લાંબા સાંઠીકડા જેવા પગ ખુલ્લા કરીને આઇટમ સોંગ પર ઠુમકા મારતી પતલી પતલી હિરોઇનોની તુલનામાં વિદ્યા સાચુકલી લાગે છે. એની સાથે ઓડિયન્સ અલગ સ્તર પર કનેક્ટ થઈ શકે છે. ભૂતકાળમાં વિદ્યા રિજેક્શન અને નિરાશાના ભયંકર તબક્કામાંથી પસાર થઈ છતાં ટકી ગઈ, લડતી રહી તેનું આ પરિણામ છે.
* * * * *
‘કોફી વિથ કરન’ શોના રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ જોહર ગેસ્ટ બનીને આવેલા સ્ટાર લોકોને હંમેશાં આ પ્રશ્ન પૂછતોઃ ટેલેન્ટની દૃષ્ટિએ આ અભિનેત્રીઓને ક્રમમાં ગોઠવો – કરીના કપૂર, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, પરિણીતિ ચોપડા, અનુષ્કા શર્મા. આ હિરોઇનોનાં લિસ્ટમાં કરણ ક્યારેય વિદ્યા બાલનનું નામ ન મૂકતો. કદાચ એનું કારણ એ હતું કે વિદ્યાની કેટેગરી જ અલગ છે,એની ભ્રમણકક્ષા નોખી છે. એ બીજી ફિલ્મી કન્યાઓ કરતાં જુદી છે. વિદ્યા બાલનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ‘ચોથી ખાન’ કહેવામાં આવે છે. એણે શાહરુખ-સલમાન-આમિર સાથે હજુ સુધી એક પણ ફિલ્મ કરી નથી તે અલગ વાત થઈ.
વિદ્યાને ‘ચોથી ખાન’નું લેબલ ‘ધ ડર્ટી પિક્ચર’ અને ‘કહાની’ની બમ્પર સક્સેસ પછી મળ્યું. આ બન્ને હિરોઇન-સેન્ટ્રિક ફિલ્મો બેક-ટુ-બેક આવી. ‘ધ ડર્ટી પિક્ચર’ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં લગભગ વલ્ગર કિરદારો કરીને આખરે આત્મહત્યા કરનાર સિલ્ક સ્મિતા પર આધારિત હતી. બહુ જ જોખમી ફિલ્મ હતી આ. તે ઊંધા મોેંએ પછડાઈ શકી હોત. બન્યું એના કરતાં ઊલટું. વિદ્યાનું બિન્ધાસ્ત પરફોર્મન્સ જોઈને લોકો ચકિત થઈ ગયા. સિલ્કના ચીપ પણ દયા ઉપજાવે એવા પાત્રનો એ એકદમ કરેક્ટ સૂર પકડી શકી. બોલિવૂડની હિરોઇન ત્રીસ વર્ષની થાય એટલે એની કરિયર પૂરી થઈ જાય, એણે સ્લિમ-એન્ડ-ટ્રિમ રહેવું જ પડે, એકલી હિરોઇનના જોરે ફિલ્મ હિટ ન થાય. વિદ્યાએ આ બધા નિયમોને ઊંધાચત્તા કરી નાખ્યા.
વિદ્યાની છેલ્લી બે ફિલ્મો ‘ઘનચક્કર’ અને ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ જોકે જમાવટ નહોતી કરી શકી. લેટેસ્ટ ‘બોબી જાસૂસ’ આ શુક્રવારે રિલીઝ થઈ. આ ફિલ્મ બમ્પર હિટ થાય કે સુપર ફ્લોપ જાય, ઓડિયન્સના ચિત્તમાંથી વિદ્યા પદભ્રષ્ટ થવાની નથી. લાંબા સાંઠીકડા જેવા પગ ખુલ્લા કરીને આઇટમ સોંગ પર ઠુમકા મારતી પતલી પતલી હિરોઇનોની તુલનામાં વિદ્યા સાચુકલી લાગે છે. એની સાથે ઓડિયન્સ અલગ સ્તર પર કનેક્ટ થઈ શકે છે. ભૂતકાળમાં વિદ્યા રિજેક્શન અને નિરાશાના ભયંકર તબક્કામાંથી પસાર થઈ છતાં ટકી ગઈ, લડતી રહી તેનું આ પરિણામ છે.
વિદ્યા ટ્રેડિશનલ તામ-બ્રામ એટલે કે તમિલ બ્રાહ્મણ પરિવારની દીકરી છે. ફિલ્મોમાં કામ કરવાની ચટપટી એ ટીનેજર થઈ ત્યારથી શરૂ થઈ ગઈ હતી, પણ મમ્મી-પપ્પાએ કહી દીધું: પહેલાં ભણવાનું પૂરું કર, પછી બીજું બધું. વિદ્યાએ મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં બીએ વિથ સોશિયોલોજી કર્યું, પછી એમએ પણ કર્યું. ફિલ્મની પહેલી ઓફર મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી મળી. હીરો મોહનલાલ હતા. મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં એમનું બહુ મોટું નામ. કોણ જાણે શું થયું કે મોહનલાલને ફિલ્મમેકરો સાથે કોઈક વાતે વાંધો પડી ગયો. ફિલ્મ અધવચ્ચેથી અટકી પડી જે પછી ક્યારેય પૂરી ન થઈ. જેવી રીતે આપણે ત્યાં આમિર ખાનની ફિલ્મ અધૂરી રહી જાય તેવું બનતું નથી તેવી રીતે મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં મોહનલાલની ફિલ્મ લટકી પડે તે લગભગ અકલ્પ્ય કહેવાય તેવી વાત ગણાય.
બીજી મલયાલમ ફિલ્મમાંય એવું થયું. ચાર દિવસ કામ કર્યા બાદ વિદ્યાને કોઈ કારણ બતાવ્યા વિના એને કાઢી મૂકવામાં આવી ને એની જગ્યાએ બીજી કોઈ હિરોઇનને લઈ લેવામાં આવી. ઇન્ડસ્ટ્રીમાં ગણગણાટ શરૂ થઈ ગયો. કેમ આમ થયું? પેલી વિદ્યા બાલન નામની ન્યૂકમર બૂંદિયાળ છે, એનાં પગલાં પડયાં ને મોહનલાલની ફિલ્મની વાટ લાગી ગઈ! આવી વાત ફેલાતાં કેટલી વાર લાગે? મોહનલાલની હિરોઇન તરીકે સિલેક્ટ થઈ હતી એટલે માત્ર એના જોરે વિદ્યાને ધડાધડ કુલ બાર ફિલ્મો મળી ગઈ હતી, પણ વિદ્યા પનોતી છે એવી છાપ ઊભી થતાં આ તમામ ફિલ્મોમાંથી એને પડતી મૂકવામાં આવી!
વિદ્યાએ તમિલ ફિલ્મોમાં ટ્રાય કરવાનું શરૂ કર્યું. વિદ્યાની અપશુકનિયાળવાળી છાપ અહીં પણ પહોંચી ચૂકી હતી. વિદ્યાને એની પહેલી તમિલ ફિલ્મમાંથી પણ પડતી મૂકવામાં આવી. બીજી ફિલ્મ શરૂ થઈ પછી સેટ પર ખબર પડી કે આ તો સેક્સ કોમેડી છે. એને જે સ્ટોરી સંભળાવવામાં આવી હતી તે કંઈક જુદી હતી. આ વખતે વિદ્યા ખુદ ખસી ગઈ. તે સાથે મલયાલમ ઉપરાંત તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરવાજા પણ એના માટે બંધ થઈ ગયા.
કામ મેળવવા માટે ઘાંઘી થયેલી વિદ્યાને આખરે એક મ્યુઝિક વીડિયોમાં ચમકવાનો મોકો મળ્યો. યુફોરિયા બેન્ડનો આ વીડિયો હતો. પ્રદીપ સરકાર ડિરેક્ટર હતા. વિદ્યાના હાર્ડ લક જુઓ. આ વખતે મ્યુઝિક કંપનીનો કંઈક કાનૂની લોચો ઊભો થયો ને મ્યુઝિક વીડિયો ક્યારેય બન્યો જ નહીં!
ત્રણ-ચાર વર્ષની આકરી સ્ટ્રગલમાં વિદ્યાએ શું મેળવ્યું? કશું નહીં. બાર મલયામલ ફિલ્મોમાંથી જાકારો મેળવ્યો. બે તમિલ ફિલ્મોમાં લાત પડી. એક મ્યુઝિક વીડિયો કર્યો પણ એય રિલીઝ ન થયો. આટલાં બધાં રિજેક્શન સહેવાં સહેલાં નથી. માણસનું દિલ ભાંગી જાય, હિંમત હારી જાય, પોતે ખરેખર બૂંદિયાળ છે, એવું માનવા લાગે, પણ વિદ્યા જેનું નામ. એ તૂટી નહીં, એણે આશા ન છોડી,હાર ન માની. કદાચ સહનશક્તિની પરાકાષ્ઠા આવી જાય પછી પણ માણસ ગમેતેમ કરીને જુસ્સો ટકાવી રાખે, શક્તિનું એકેએક ટીપું નિચોવાઈ ગયું હોય છતાં પૂરી તાકાતથી લડવાનું ચાલુ રાખે તો ઉપરવાળો સામે જોતો હોય છે. પ્રદીપ સરકાર પોતાની કરિયરની પહેલી ફિલ્મ બનાવી રહ્યા હતા – ‘પરિણીતા’. વિધુ વિનોદ ચોપડા જેવા ટોચના પ્રોડયુસર, સંજય દત્ત-સૈફ અલી ખાન જેવા બબ્બે મોટા હીરો. પ્રદીપ સરકારે જીદ કરીઃ હિરોઇન તરીકે હું વિદ્યા બાલનને જ લઈશ, હું ઓળખું છું એ છોકરીને, એ સરસ કામ કરશે. વિધુ વિનોદ ચોપડા એમ આસાનીથી કેવી રીતે માની લે? વિદ્યાનાં ગણ્યાં ગણાય નહીં એટલી વાર ઓડિશન લેવામાં આવ્યાં. આ પ્રોસેસ મહિનાઓ સુધી ચાલી. વિદ્યા દરેક ઓડિશનમાં પોતાનું બેસ્ટ આપતી રહી. આખરે ચોપડાસાહેબ માન્યા.’પરિણીતા’માં વિદ્યા લીડ હિરોઇન બની. આ વખતે ફિલ્મ વિના વિઘ્ને પૂરી થઈ ને રિલીઝ થઈ. એટલું જ નહીં, બમ્પર હિટ પુરવાર થઈ. લોકોને વિદ્યા બાલન નામની આ નવી હિરોઇન ખૂબ ગમી. ત્યારબાદ એક પછી એક ફિલ્મો આવતી ગઈ. અમુક સારી, અમુક નબળી. ‘લગે રહો મુન્નાભાઈ’ અને ‘ભૂલભૂલૈયા’ જેવી ફિલ્મો વખણાઈ તો ‘હે બેબી’ અને ‘કિસ્મત કનેક્શન’ માટે એની ટીકા પણ થઈ.
વિદ્યાને સમજતાં વાર ન લાગી કે ટિપિકલ હિરોઇનની જેમ બનીઠનીને રૂપાળાં દેખાવાની કે નાચવા-ગાવાની જરૂર નથી. એણે પોતાની ઓરિજિનાલિટી સાચવી રાખવાની છે. ‘ઇશ્કિયા’માં બ્રિલિયન્ટ પરફોર્મન્સ આપીને એ પાછી ફોર્મમાં આવી. ‘નો-વન કિલ્ડ જેસિકા’માં એનો નોન-ગ્લેમરસ રોલ પ્રશંસા પામ્યો. ત્યારબાદ ‘ધ ડર્ટી પિક્ચર’ અને ‘કહાની’એ તો વિદ્યાને કરિયરના શિખર પર પહોંચાડી દીધી.
“પણ ‘ઘનચક્કર’ની નિષ્ફળતાએ મને ઘણું શીખવી દીધું છે,” વિદ્યા એક મુલાકાતમાં કહે છે, “મને સમજાયું છે કે મારાં ગમે તટેલાં વખાણ થાય, પણ હું કંઈ અજેય નથી. હું ગમે ત્યારે ફ્લોપ જઈ શકું છું. ‘ઘનચક્કર’ વખતે મારી પર બબ્બે હિટ ફિલ્મોને લીધે જાગેલી અપેક્ષાઓનો બોજ હતો. હું પહેલી વાર ફિલ્મનું બોક્સઓફિસ કલેક્શન કેવું થશે, એ હન્ડ્રેડ કરોડ ક્લબમાં પહોંચશે કે નહીં ને એવું બધંુ વિચારવા માંડેલી. એક એક્ટ્રેસ તરીકે મારે આવા બધામાં પડવાનું હોય જ નહીં. મને સમજાયું છે કે મારે ફક્ત મારા કામને એન્જોય કરવાનું છે, ફિલ્મનું રિઝલ્ટ મારા હાથમાં નથી.”
આ વાત ‘બોબી જાસૂસ’ને પણ એટલી જ લાગુ પડે છે. ખેર, અગાઉ કહ્યુ તેમ, રિઝલ્ટ જે આવે તે, વિદ્યાનું ઓડિયન્સ સાથેનું સંધાન જળવાઈ રહેવાનું.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply