મલ્ટિપ્લેક્સ : લાફ… ક્રાય… ડ્રામા!
Sandesh- Sanskar Purti- 4 Jan 2014
મલ્ટિપ્લેક્સ
એલ-સી-ડી અર્થાત લાફ-ક્રાય-ડ્રામા! સીન એવો બનાવવાનો કે એમાં કાં તો ઓડિયન્સને ખૂબ હસવું આવવું જોઈએ અથવા રડવું આવવું જોઈએ યા તો કશોક મોટો ડ્રામા બનવો જોઈએ. આ ત્રણમાંથી એકેય વસ્તુ બનતી ન હોય તો સીન રાખવાનો જ નહીં! આ છે ‘પીકે’, ‘થ્રી ઈડિયટ્સ’ અને ‘લગે રહો મુુન્નાભાઈ’ જેવી સુપરડુપર હિટ ફિલ્મોના લેખક અભિજાત જોશીની મેજિક ફોર્મ્યુલા!
* * * * *
થેન્ક ગોડ! ‘ક્વીન’ જેવી નિતાંત સુંદર ફિલ્મથી પ્રારંભ થયેલા ૨૦૧૪ના વર્ષનો અંત ‘પીકે’ જેવી અફલાતૂન ફિલ્મથી થયો. ‘પીકે’ રિલીઝ થઈ ત્યાં સુધીમાં ઉત્તેજના, અટકળ અને ઈંતજાર આ ત્રણેય તત્ત્વો એટલાં તીવ્ર થઈ ચૂક્યાં હતાં કે જાણે હિંદુસ્તાનમાં કોઈ મોટી સિનેમેટિક ઘટના આકાર લઈ રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. તે વખતે કોઈએ કલ્પના સુધ્ધાં કરી હતી ખરી કે ‘પીકે’ દેશમાં આટલી મોટી બબાલ ખડી કરી દેશે! ફિલ્મ રિલીઝ થઈ પછી શરૂઆતના દિવસો તો શાંતિથી પસાર થયા, પણ પછી ધીમે ધીમે વિવાદ વકરતો ગયો.
ખેર, આપણી આસપાસ ‘પીકે’ના વિવાદનો કાગારોળ એટલો તીવ્ર બની ચૂક્યો છે કે તેમાં નવું કશું ઉમેરણ કરવું નથી. દેશના કરોડો લોકો ઓલરેડી આ ફિલ્મ માણી ચૂક્યા છે અને ભરપેટ વખાણી ચૂક્યા છે. આપણે આ લેખમાં ફક્ત ફિલ્મનાં ક્રિયેટિવ પાસાં પર ફોકસ કરીએ. વિવાદ વકરે તેની બહુ પહેલાં ‘પીકે’ના લેખક અભિજાત જોશીએ ફિલ્મ વિશે મસ્તમજાની વાતો કરી હતી. તેને રસપૂર્વક માણીએ.
“સૌથી પહેલાં ‘પીકે’નો આઇડિયા ૨૦૦૪માં ‘લગે રહો મુન્નાભાઈ’ લખાઈ રહી હતી તે દરમિયાન આવ્યો હતો,” અભિજાત જોશી વાત માંડે છે, “તે વખતે પૂરેપૂરી સ્પષ્ટતા નહોતી, પણ હું અને રાજુ બન્ને આ આઇડિયાથી એક્સાઇટેડ હતા. તે વખતે વિચારેલું કે ક્યારેક ભવિષ્યમાં આના પર કામ કરીશું. મુન્નાભાઈ પછી જોકે ‘થ્રી ઇડિયટ્સ’ આવી ગઈ. ‘થ્રી ઇડિયટ્સ’નું કામ પૂરું થતાં જ થયું કે ચલો, વો જો આઈડિયા થા ઉસ પર ટ્રાય કરતે હૈં.”
અમદાવાદમાં જન્મેલા, ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણેલા અને ૨૦૦૩થી ઓહાયો (અમેરિકા)ની ઓટરબીન કોલેજમાં પ્રોફેસર તરીકે પ્રવૃત્ત એવા ૪૫ વર્ષીય અભિજાત જોશીની ગણના આજે ભારતના સર્વોત્તમ સ્ક્રીનપ્લે-રાઈટર્સમાં થાય છે, પણ આ હકીકતની સહેજ અમથી સભાનતા પણ તેમની વાતો કે વર્તનમાં ક્યારેય ડોકાતા નથી. ‘પીકે’ અભિજાત જોશી અને રાજકુમાર હિરાણીએ સંયુક્તપણે લખી છે- ‘લગે રહો…’ અને ‘થ્રી ઈડિયટ્સ’ની જેમ. પોતાની રાઈટિંગ પ્રોસેસ વિશે વાત કરતાં અભિજાત કહે છેઃ
“સમજોને કે ડિસેમ્બર ૨૦૦૯થી અમે ‘પીકે’ પર કામ કરવાનો શુભારંભ કર્યો. સૌથી પહેલાં તો અમારે એ ચકાસવું હતું કે જે આઇડિયા પાંચેક વર્ષ પહેલાં આવ્યો હતો તે હજુ પણ અમને એકસાઈટ કરી શકે છે કે કેમ. તે વિચારમાં અમને જાગતાં-સૂતાં ચોવીસે કલાક રમમાણ રાખી શકવાનુ કૌવત છે કે કેમ. આથી પહેલો એક મહિનો તો મેં અને રાજુએ ‘પીકે’વાળા આઇડિયા પર ફક્ત વાતો કરી. અમને સમજાયું કે આ વિષય માટે અમે બન્ને સ્ટ્રોંગલી ફીલ કરીએ છીએ ને આ વાર્તા તો કહેવી જ છે.”
અગાઉની ફિલ્મોની માફક આ વખતે પણ શરૂઆત તો કેવળ એક કેન્દ્રીય વિચાર, યુનિક આઈડિયા યા તો થીમથી જ થઈ હતી. પછી તે થીમને કેન્દ્રમાં રાખીને બન્નેની મૌખિક ચર્ચા ચાલતી રહી. જે કંઈક વાંચ્યું, સાંભળ્યું કે અનુભવ્યું હોય તે એકબીજા સાથે શેર થતું રહ્યું. અભિજાત અને રાજુમાં એક સરસ વાત કોમન છે. બન્ને પોતપોતાના પિતાજીથી ખૂબ પ્રભાવિત છે અને તેમની સાથે ઊંડાણપૂર્વક સંવાદ સાધી શકે છે. પ્રોફેસર જયંત જોશી પાસે સાહિત્ય, કળા અને સમાજજીવનની ઊંડી સમજ છે, તો દેશના વિભાજન વખતે સિંધથી હિજરત કરીને હિંદુસ્તાન આવેલા રાજુના પિતા સુરેશ હિરાણી પાસે અનુભવોની સમૃદ્ધિ ઉપરાંત કમાલનો તાર્કિક દૃષ્ટિકોણ પણ છે. આ બન્નેના ઇનપુટ્સ લેખકોને ખૂબ ઉપયોગી બન્યા.
“આ બધું એક-બે મહિના ચાલ્યું,” અભિજાત વાત સાંધે છે, “એપ્રિલ ૨૦૧૦માં અમને પૃથ્વી પર આવી ચડેલા પરગ્રહવાસીનું કેરેક્ટર સૂઝ્યું. અમને થયું કે આ એક એવું કિરદાર છે, જેનો ઉપયોગ કરીને અમારે જે વાત કહેવી છે તે કહી શકીશું. આમ, પહેલાં થીમ વિશે સ્પષ્ટ થયા, ત્યારબાદ કેરેક્ટર મળ્યું ને બ્રોડ પ્લોટ ઘડાયો. ત્રીજો તબક્કો હતો, રેન્ડમ સીન્સ લખવાનો. અમે વિચારીએ કે આ પરગ્રહવાસીના પાત્રને અમુક સ્થિતિમાં મૂકીએ તો શું થાય. અમે કલ્પના કરી કરીને દૃશ્યો લખતાં ગયા. આ સીન્સ સ્ટોરીમાં ક્યાં ફિટ થશે એની તે વખતે અમને ખબર ન હોય. મૂળ વાર્તા એવી હતી કે યાનનું ફ્યુઅલ ખતમ થઈ જતાં એક પરગ્રહવાસીએ પૃથ્વી પર ઊતરવું પડે છે. જો એને યુરેનિયમ મળે તો જ યાન ફરી ચાલુ થઈ શકે તેમ છે. એ પૃથ્વીવાસીઓની મદદ માગે છે. લોકો એને કહે છે કે ભાઈ, તને તો ભગવાન જ મદદ કરી શકે તેમ છે. આથી પેલો પરગ્રહવાસી પછી ભગવાનની શોધમાં નીકળે છે. આ મૂળ વાર્તામાં પછી જોકે ઘણાં ફેરફાર કર્યા.”
અભિજાત અને રાજુએ સ્ક્રીનપ્લે લખવાની એક અકસીર ફોર્મ્યુલા વિકસાવી છે. તે છે એલ-સી-ડી અર્થાત લાફ-ક્રાય-ડ્રામા! સીન એવો બનાવવાનો કે એમાં કાં તો ઓડિયન્સને ખૂબ હસવું આવવું જોઈએ અથવા રડવું આવવું જોઈએ યા તો કશોક મોટો ડ્રામા બનવો જોઈએ. આ ત્રણમાંથી એકેય વસ્તુ બનતી ન હોય તો સીન રાખવાનો જ નહીં!
અભિજાત કહે છે, “તમે જોજો કે અમારી ફિલ્મોમાં માત્ર માહિતી આપતાં હોય તેવાં દૃશ્યો ભાગ્યે જ હશે. અલબત્ત, વાર્તાને આગળ વધારવા માટે આ પ્રકારના લિન્ક સીન ક્યારેક જરૂરી બની જતા હોય છે, પણ આવા સીનની આગળપાછળ સૂઝપૂર્વક પેડિંગ થવું જોઈએ. કેવળ ઈન્ફર્મેશન કે એક્સપોઝિશન (સમજૂતી, વર્ણન) આપતો સીન ફક્ત બે મિનિટનો હોય તો પણ એ બે મિનિટ પૂરતી ફિલ્મ મરી જાય છે. આવા પાંચ-છ શુષ્ક સીન આવી જાય તો નેરેટિવ બેસી જાય અને પછી એમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ થઈ જાય.”
ઓડિયન્સને હસાવતાં, રડાવતાં કે ચોંકાવી દેતા નમૂનેદાર સીન લખવા કેટલા કઠિન હોય છે એ તો અનુભવે જ સમજાય. અભિજાતના દિમાગમાં કેવી રીતે આવે છે આવાં અફલાતૂન દૃશ્યો? “હું અને રાજુ ચાલતાં ચાલતાં ખૂબ વાતો કરીએ, સતત વાતો કરીએ,” અભિજાત હસે છે, “વોક લેતી વખતે શરીરમાં એક્ઝેક્ટલી કેવી કેમિકલ પ્રોસેસ થતી હશે એની તો ખબર નથી, પણ પગ ચાલતાં હોય ત્યારે દિમાગમાં આઇડિયાઝ સારા આવે છે! કોઈ સીન બરાબર બેસતો ન હોય તો જ્યાં સુધી તે પૂરેપૂરો ક્રેક ન થાય ત્યાં સુધી અમે એનો તંત છોડતા નથી. મારા માટે સીન લોક થવો તે બહુ મોટી વાત છે.”
આ રીતે ૩૦થી ૪૦ સીન લોક થાય એટલે સમજોને કે ઇન્ટરવલ પહેલાંનો કાચો મસાલો તૈયાર થઈ ગયો. પછી આ તમામ સીનને વ્યવસ્થિત ક્રમમાં મૂકીને નવેસરથી ચકાસવામાં આવે. વાર્તાને સુરેખ બનાવવા માટે લોક થઈ ગયેલા સીનને ખોલીને નવેસરથી મઠારવોય પડે. આ રીતે ૧૩ મહિનાની જબરદસ્ત મહેનત પછી ‘પીકે’ની આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ. ઓગસ્ટ ૨૦૧૧માં આમિર ખાનને નેરેશન આપવામાં આવ્યું.
“આમિર એવો એક્ટર છે જેને તમારા પાસ્ટ રેકોર્ડ સાથે કોઈ મતલબ નથી, પછી એ ગમે તેટલો ભવ્ય કેમ ન હોય!” અભિજાત સ્મિતપૂર્વક કહે છે, “એને તો તમે હવે શું લાવ્યા છો ને કેવું લાવ્યા છો તેમાં રસ હોય. એણે નેરેશન સાંભળ્યું. ફર્સ્ટ હાફ એને બહુ ગમ્યો, પણ સેકન્ડ હાફમાં હજુ વધારે કામ કરવું પડશે એવું તેને લાગ્યું. અમે થોડો સમય માગ્યો. સેકન્ડ હાફમાં જે કંઈ કચાશ હશે તે ઝડપથી દૂર કરી શકીશું એવી અમને ખાતરી હતી. નવેમ્બર, ૨૦૧૧માં નવી સ્ક્રિપ્ટ સાથે ફરી આમિરને મળ્યા. આ વખતે આમિર બહુ જ ખુશ થયો અને એણે દિલથી સ્ક્રિપ્ટની તારીફ કરી.”
હવેનો તબક્કો હતો સ્ક્રિપ્ટને વધારે સમૃદ્ધ, વધારે ધારદાર, વધારે અસરકારક બનાવવાનો… અને આ પ્રોસેસ ભયંકર લાંબી ચાલી,લગભગ બે-અઢી વર્ષ! સો કરતાં વધારે ડ્રાફ્ટ્સ લખાયા. ‘પીકે’ને અભિજાત અમસ્તા જ તેમની સૌથી કઠિન ફિલ્મ નથી કહેતા. આ સમયગાળામાં પરેશ રાવળ-અક્ષયકુમારવાળી ‘ઓહ માય ગોડ’ પણ આવી ગઈ. આ ફિલ્મમાં પણ ભગવાન અને ધાર્મિકતાના સંદર્ભમાં તીખા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ‘પીકે’ના વિષયનું જે અનોખાપણું હતું તે ‘ઓહ માય ગોડ’ને કારણે જોખમાતું હતું, પણ ‘પીકે’ની ટીમ પોતાની સ્ક્રિપ્ટ પર કોન્ફિડન્ટ હતી. શૂટિંગ શરૂ થયું અને આખરે જે મસ્તમજાની ફિલ્મ બની તે આપણી સામે છે. ફિલ્મ લક્ષ્યવેધ કરવાને બદલે નિરર્થક વિવાદ પેદા કરી નાખશે એવું તો ‘પીકે’ની ક્રિયેટિવ ટીમના મનમાંય ક્યાંથી હોય. ખેર…
આમિર ખાન એક એવો અદાકાર છે જેનામાં વાતને વધારે પ્રભાવશાળી બનાવી શકવાનું કૌવત છે. “એના દિમાગમાં આખેઆખી સ્ક્રિપ્ટ જ નહીં, પણ તેમાં જેે ક્રમિક ફેરફારો થયા હોય તે બધું જ રીતસર છપાઈ જાય છે,” અભિજાત કહે છે, “એક જ આઈડિયા પર વર્ષો સુધી કામ કરવાને કારણે ક્યારેક એવું બને કે અમે લેખકો અમારી ઓબ્જેક્ટિવિટી કોઈક સીન પૂરતા કદાચ ગુમાવી બેસીએ, પણ આમિર અમને ઓરિજિનલ સૂરથી સહેજ પણ ચસકવા ન દે. ‘પીકે’માં એણે પોતાની તમામ ઈન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીઝ અને પચીસ વર્ષોનો અનુભવ કામે લગાડી દીધો છે.”
‘કરીબ’ અને ‘મિશન કશ્મીર’થી ફિલ્મયાત્રા શરૂ કરનાર અભિજાતની બે ઔર ફિલ્મો આવી રહી છે- ‘વઝીર’ અને ‘બ્રોકન હોર્સીસ’.બે ચેસ પ્લેયર્સની વાત કરતી ‘વઝીર’ મૂળ હોલિવૂડ માટે કન્સીવ થઈ હતી. ‘સિક્સ્ટી ફોર સ્કવેર્સ’ ઓરિજિનલ ટાઇટલ હતું. ડસ્ટિન હોફમેન અને રોબિન વિલિયમ્સ જેવા ટોચના એક્ટરોએ એમાં રસ પણ દેખાડયો હતો, પણ કોઈક કારણસર આ ફિલ્મ બની ન શકી. તે હવે ‘વઝીર’ નામે હિન્દીમાં બની છે, જેમાં અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરે કામ કર્યું છે. વિધુ વિનોદ ચોપડાએ હોલિવૂડ માટે ફિલ્મ બનાવવાની દાયકાઓ જૂની મંશા આખરે ‘બ્રોકન હોર્સીસ’થી પૂરી કરી છે. અમેરિકન-મેક્સિકન બોર્ડર પર આકાર લેતી આ મેઈનસ્ટ્રીમ હોલિવૂડ ફિલ્મમાં તમને ‘પરિંદા’ના શેડ્ઝ દેખાશે.
અભિજાત છેલ્લે કહે છે, “ફિલ્મ રાઈટર તરીકેના મારા આટલાં વર્ષોના અનુભવો પરથી હું બે વસ્તુ શીખ્યો છું- સ્ટિક ટુ યોર કન્વિક્શન્સ. તમારે જે કહેવું છે તે જ કહો. બીજાઓને કેવું લાગશે તેની ફિકર ન કરો… એન્ડ નેવર ગિવ અપ! જ્યાં સુધી સીન કે સ્ક્રિપ્ટ ક્રેક ન થાય ત્યાં સુધી એકધારા મચ્યા રહો…!”
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply