મલ્ટિપ્લેક્સ : ડિપ્રેશન, ડિબેટ અને દીપિકા
Sandesh- Ardh Saptahik Purti- 29 March 2015
મલ્ટિપ્લેક્સ
* * * * *
દીપિકા પદુકોણે માનસિક દર્દીઓની મદદ માટે એણે જે સંસ્થા સ્થાપી છે એ કેટલી જેન્યુઈન હોવાની?શુ એ મેન્ટલ હેલ્થનો ઝંડો પબ્લિસિટી માટે ફરકાવી રહી છે? વાંકદેખા એવુંય કહેવાના કે આવું કરવાના એને પૈસા મળ્યા હશે. હકીકત એ છે કે નંબર વન હિરોઈન બન્યા પછી દીપિકા ડિપ્રેશન નામના નર્કમાં જઈને પાછી ફરી છે. એના આશય અને પ્રયત્નો વિશે શંકા-કુશંકા કરવાનો મતલબ નથી. મેન્ટલ હેલ્થની વ્યાપક સમસ્યા વિશે નક્કરપણે પોતાનાથી થાય એટલું કરવા માગતી દીપિકાના આશયમાં કશી બનાવટ નથી એવું આપણે સ્વીકારી લઈએ. દીપિકાને ડિપ્રેશન દરમિયાન એક્ઝેક્ટલી શું થયું હતું? આ સવાલનો જવાબ વિગતે જાણવા જેવો છે, કેમ કે એના જેવી માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે.
થોડા અરસા પહેલાં દીપિકા પાદુકોણે એક એવી અંગત વાત જાહેર કરી હતી કે તે સાંભળીને સૌ ચોંકી ઊઠયા હતા. ૨૦૧૩ એટલે દીપિકાની કરિયરનું બેસ્ટ યર. ‘રેસ-૨’, ‘યે જવાની હૈ દીવાની’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ અને ‘રામલીલા’ જેવી બેક-ટુ-બેક સુપરહિટ ફિલ્મો આપીને એ અધિકારપૂર્વક નંબર વન પોઝિશન પર પહોંચી ગઈ હતી. એણે ઢગલાબંધ એવોર્ડ્ઝ જીત્યા. પર્સનલ લાઇફ પણ સરસ જઈ રહી. આવા યાદગાર વર્ષનું મીઠું હેંગઓવર મહિનાઓ સુધી અકબંધ રહેવું જોઈતું હતું. બન્યું એના કરતાં વિપરીત. ૨૦૧૪ના પ્રારંભમાં જ એ ડિપ્રેશનનો ભોગ બની. ડિપ્રેશન એટલે એક પ્રકારનો માનસિક રોગ, જેમાં માણસને તીવ્ર બેચેની લાગે અને ભયંકર ખાલીપાની લાગણી જીવવું ઝેર કરી નાખે.
સામાન્યપણે માનસિક બીમારીની વાત છુપાવવામાં આવતી હોય છે, કેમ કે આપણા સમાજમાં માનસિક દર્દી એટલે પાગલ એવી એક ભ્રામક છાપ છે. આમ છતાંય નોર્મલ થઈ ગયા પછી દીપિકાએ હિંમતભેર એક અખબારને પોતાના ડિપ્રેશન વિશે ઇન્ટરવ્યૂ આપ્યો. બોલિવૂડ અને આમજનતા સૌ આંચકો ખાઈ ગયાં કે દીપિકા પાદુકોણ જેવી સુપર સક્સેસફુલ અને ટોપ એક્ટ્રેસને કઈ વાતનું ડિપ્રેશન હોઈ શકે? લેટેસ્ટ સમાચાર એ છે કે દીપિકાએ એક ડગલું આગળ વધીને ડિપ્રેશન તેમજ અન્ય માનસિક બીમારીઓના દર્દીઓની મદદ માટે સંસ્થા સ્થાપી છે. એનું નામ રાખ્યું છે, લિવ-લાફ-લવ ફાઉન્ડેશન. તાજેતરમાં એણે એક ટીવી ચેનલ પર ડિપ્રેશનના પોતાના પીડાદાયી અનુભવ વિશે ઝીણવટભેર વાત કરી હતી.
કહેનારાઓ કહેવાના કે દીપિકા આ બધું પબ્લિસિટી ખાતર કરી રહી છે. વાંકદેખા એવુંય કહેવાના કે દીપિકા માનસિક બીમારીના કોઝનો ઝંડો લઈને એટલા માટે ફરી રહી છે કે એને આવું કરવાના પૈસા મળ્યા હશે. એણે જે ફાઉન્ડેશન સ્થાપ્યું છે એ કેટલું જેન્યુઇન છે તે વિશેય શંકા થવાની. ખેર, આ પ્રકારની શંકા-કુશંકાનો આ તબક્કે કશો મતલબ નથી. મેન્ટલ હેલ્થની વ્યાપક સમસ્યા વિશે નક્કરપણે પોતાનાથી થાય એટલું કરવા માગતી દીપિકાના આશયમાં કશી બનાવટ નથી એવું આપણે સ્વીકારી લઈએ છીએ. દીપિકાને ડિપ્રેશન દરમિયાન એક્ઝેક્ટલી શું થયું હતું? આ સવાલનો જવાબ વિગતે જાણવા જેવો છે, કેમ કે દીપિકા જેવી માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે.
“ગયા વર્ષની પંદરમી ફેબ્રુઆરીની વાત છે,” દીપિકા પાક્કી તારીખ ટાંકીને વાત કરે છે, “તે સવારે હું રોજની જેમ ઊઠી તો ખરી, પણ ઊઠયા પછી ખબર જ ન પડે કે મારે શું કરવાનું છે, ક્યાં જવાનું છે. એટલી બધી ખરાબ ફીલિંગ થવા લાગી કે હું ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. આ પહેલી વાર નહોતું. આવું મને છેલ્લાં કેટલાય સમયથી થઈ રહ્યું હતું.”
દીપિકા મુંબઈમાં એકલી રહે છે. સદ્ભાગ્યે તે દિવસોમાં દીપિકાનાં મમ્મી-પપ્પા અને નાની બહેન અનિશા બેંગલુરુથી મુંબઈ એનાં ત્યાં આવ્યાં હતાં. ઇન ફેક્ટ, તેઓ એ દિવસે પાછાં બેંગલુરુ જવાનાં હતાં. પરિવાર મુંબઈ આવ્યો હોય અથવા દીપિકા બેંગલુરુ ગઈ હોય ત્યારે વિખૂટા પડતી વખતે થોડા ઢીલા પડી જવું સ્વાભાવિક છે, પણ આ વખતે એરપોર્ટ જવાના થોડા કલાકો પહેલાં દીપિકા મમ્મી-પપ્પા પાસે બેઠી હતી ત્યારે હીબકાં ભરીને રડવા લાગી. માંડ શાંત થઈ. થોડી વાર પછી પાછી મોટે મોટેથી રડી પડી. અઢાર વર્ષની ઉંમરથી દીપિકા પોતાના પગ પર ઊભી થઈ ગઈ છે. ખૂબ મજબૂત મનની છોકરી છે એ. તેથી જ આજે એ જે રીતે વારે વારે રડી પડતી હતી તે જોઈને મમ્મીને અજુગતું લાગ્યું. એમણે દીકરીને પાસે બેસાડીને પ્રેમથી પૂછયું કે બેટા, શું વાત છે? કેમ આજે આટલું બધું રડે છે? કોઈએ તને કશું કહ્યું? પર્સનલ લાઇફમાં કોઈ પ્રોબ્લેમ છે? દીપિકાએ કહ્યું કે મમ્મી, કશો જ પ્રોબ્લેમ નથી, બધું જ બરાબર છે. દીપિકાને ખુદને સમજાતું નથી કે આજે એને શું થઈ રહ્યું છે. મમ્મીએ ત્વરીત નિર્ણય લઈ લીધો. તેમણે પતિ પ્રકાશ પાદુકોણ (વિખ્યાત બેડમિન્ટન પ્લેયર)ને કહ્યું: દીપિકાની હાલત ઠીક નથી લાગતી. એક કામ કરો, તમે નાની અનિશાને લઈને બેંગલુરુ નીકળો, હું દીપિકા પાસે રોકાઈ જાઉં છું.
“અને મમ્મી એક આખો મહિનો સતત મારી સાથે રહી,” દીપિકા કહે છે, “પણ આની પહેલાંના દિવસો ભયંકર હતા. ક્યારેક હું ખુશ હોઉં ને પછી ઓચિંતા રડવા માંડું. સેટ પર એકાએક મારી વેનિટી વેનમાં દોડીને એકલી એકલી રડયા કરું. એરપોર્ટ પર પ્લેનની રાહ જોતી હોઉં ત્યારે પણ આવું થાય. લોકોની નજરથી બચવા વોશરૂમ તરફ દોડીને દરવાજો અંદરથી લોક કરી ફૂટી ફૂટીને રડતી રહું. એક વાર મારે દિલ્હીમાં એક ઇવેન્ટમાં બોલવા જવાનું હતું. લેક્ચર પહેલાં હું હોટલની રૂમમાં એટલું બધું રડી. પછી માંડ માંડ સ્વસ્થ થઈ, મેકઅપ ઠીક કરી, ચહેરા પર સ્માઇલ લાવી ઇવેન્ટમાં પહોંચી. વક્રતા જુઓ, મારે તે દિવસે ‘નંબર વન હિરોઇન હોવું એટલે શું’ તે વિષય પર બોલવાનું હતું! હું અમેરિકા ફક્ત એક એવોર્ડ લેવા માટે ફંક્શન એટેન્ડ કરવા ગઈ હતી. મને એમ કે મુંબઈના માહોલથી દૂર રહીશ તો જરા ચેઇન્જ જેવું લાગશે. ત્યાં લોકોની વચ્ચે હોઉં ત્યાં સુધી બધું ઠીક લાગતું, પણ જેવી હોટલના કમરામાં એકલી પડું એટલે પાછી એ જ હાલત. મને સમજાતું જ નહોતું કે મને શા માટે આટલું લો ફીલ થાય છે, મને કઈ વાતનું રડવું આવે છે. ભૂખ લાગે પણ જમવા બેસું તો ગળેથી કોળિયા ન ઊતરે. સવારે ઊઠું ત્યારે ભયંકર થાક વર્તાય અને ઊભા થવાની જ ઇચ્છા ન થાય. એ દિવસોમાં એવું લાગતું હતું કે જાણે કોઈએ મને કાળી કોટડીમાં પૂરી દીધી છે અને હું એ કોટડીમાંથી કેમેય કરીને બહાર આવી શકું તેમ નથી.”
તે દિવસોમાં દીપિકાની ‘હેપી ન્યૂ યર’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મમાં આપણે દીપિકાને હસતી, નાચતી, કોમેડી કરતાં જોઈએ છીએ, પણ તેના શૂટિંગ દરમિયાન અંદરખાને એ તીવ્ર પીડાદાયી મનોદશામાંથી પસાર થઈ રહી હતી તેવી કલ્પના પણ થઈ શકે છે? મેકઅપ કરીને, કોસ્ચ્યુમ ચડાવીને શોટ આપવાના, લોકો અને મીડિયા સામે મોઢું હસતું રાખવાનું, તમામ કમિટમેન્ટ્સ નિભાવવાના ને પછી એકલા પડતાં જ જાણે કોઈએ ખીણમાં ધક્કો મારી દીધો હોય તેવી માનસિક પરિસ્થિતિમાં ફેંકાઈ જવાનું. દીપિકા કહે છે, “તે દિવસોમાં હું યંત્ર જેવી થઈ ગઈ હતી. જાણે ઓટો-પાઇલટ પર કામ કરતી હતી. હું કોઈ સાથે મનની વાત શેર પણ કરી શકતી નહોતી. એવું નહોતું કે મારે છુપાવવું હતું, પણ હું શું શેર કરું? મને ખુદને સમજાતું નહોતું કે આ ટેમ્પરરી ફેઝ છે કે કાયમી છે?” પણ મમ્મી એક મહિનો પડછાયાની જેમ સાથે રહી અને ચિત્ર બદલાયું.
દીપિકાની નાની બહેન અનિશાએ જ મમ્મીને સલાહ આપી કે આપણે એનાઆન્ટીની મદદ લઈએ. પ્રોફેશનલ કાઉન્સેલર એના ચંડી પાદુકોણ પરિવારનાં વર્ષોજૂનાં મિત્ર છે. એનાને સમજાતાં વાર ન લાગી કે મામલો સિરિયસ છે. દીપિકા એની સામે એક જ વાત દોહરાવતી હતીઃ આઈ એમ ફીલિંગ એમ્પ્ટી. દીપિકાને મળ્યા પછી એનાએ સાઇકિયાટ્રિસ્ટ પાસે જવાની સલાહ આપી. દીપિકા સતત નકારતી રહી. કેટલીય સમજાવટને અંતે એ માંડ બંગલુરુના ડો. શ્યામ ભટ્ટ નામના માનસ ચિકિત્સક પાસે આવવા તૈયાર થઈ. ડો. ભટ્ટે ડિપ્રેશનનું નિદાન કરી તરત સારવાર શરૂ કરી. દવાદારૂને લીધે દિમાગમાં થઈ ગયેલા કેમિકલ લોચા ધીમે ધીમે દૂર થયા. બે આખા મહિના બેંગલુરુમાં પરિવાર સાથે રહ્યા બાદ એ ડિપ્રેશનની અસરમાંથી પૂરેપૂરી બહાર આવી ગઈ.
“મારા એક ફ્રેન્ડના ફ્રેન્ડે આ જ અરસામાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરીને જીવ ટૂંકાવ્યો.” દીપિકા કહે છે, “એટલો ખુશમિજાજ છોકરો. આપણને કલ્પના પણ ન આવે કે અંદરથી તે આટલો બધો રિબાતો હશે. એક હદ કરતાં વધારે એ ડિપ્રેશન સહી ન શક્યો ને એણે સ્યુસાઇડ કરી નાખ્યું. આ ઘટનાએ મને હલાવી દીધી. મેં લિવ-લાફ-લવ ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો એનું એક કારણ આ પણ છે. હું પોતે નરક જેવી યાતના ભોગવીને બહાર આવી છું. જો મારા પ્રયત્નોથી એક માણસનો જાન પણ બચશે તો હું મારી જાતને સફળ માનીશ.”
એક અંદાજ પ્રમાણે ભારતની ૩૬ ટકા પ્રજા ડિપ્રેશનથી પીડાય છે. ભારતની ૭૦ ટકા વસતીની ઉંમર ૩૫ વર્ષ કરતાં ઓછી છે. ૧૫થી ૨૯ વર્ષના વયજૂથમાં આત્મહત્યાનું પ્રમાણ આપણા દેશમાં દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતાં ઊંચું છે. જે રીતે સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતાં આ પરિસ્થિતિ ભવિષ્યમાં વકરવાની છે. શરીરની જેમ મન પણ બીમાર થઈ શકે છે. એમાં કશું જ અસાધારણ નથી. મેન્ટલ હેલ્થ વિશે લોકોમાં જાગૃતિ વધશે તો જ માનસિક બીમારી સાથે જોડાયેલી શરમ યા તો કલંકની ભાવના ઝાંખી થશે અને ડિપ્રેશન સહિતના દિમાગના રોગોનું પ્રમાણ ઘટશે. દીપિકા પાદુકોણ જેવી સેલિબ્રિટી મેન્ટલ હેલ્થના ક્ષેત્રમાં સક્રિય બને તે સારું જ છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply