ખૂન કરવાની કળા!
સંદેશ – સંસ્કાર પૂર્તિ – 20 મે 2018
મલ્ટિપ્લેક્સ
એક અતિબુદ્ધિશાળી સિરીયલ કિલર છે, જે લોકોનો જીવ ખેંચી લેવાની અમાનવીય હરકતને એક કળા તરીકે જુએ છે! આવો અળવીતરો આઇડિયા લાર્સ વન ટ્રિઆ જેવા અતરંગી ફિલમમેકરના ભેજામાં જ પેદા થઈ શકે! કાન ફિલ્મ ફેસ્ટિવલની કેટલીય ફિલ્મો હવે આગામી ઓસ્કર સિઝન સુધી તરંગો પેદા કરતી રહેવાની.
* * * * *
શરૂઆત એક ગુડ ન્યુઝથી કરીએ. આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જેનું પ્રિમીયર યોજાયું એ નંદિતા દાસે ડિરેક્ટ કરેલી અને નવાઝુદ્દિન સિદ્દીકીની મુખ્ય ભુમિકાવાળી ‘મન્ટો’ ફિલ્મના સુંદર રિવ્યુઝ આવ્યા છે. વિવાદાસ્પદ ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મન્ટોના જીવન પર આધારિત આ ફિલ્મની રાહ જોવાની મજા આવશે. બીજા ગુડ ન્યુઝ એ છે કે કાન ફિલ્મોત્સવમાં (જે 8 મેએ શરૂ થયો હતો અને શનિવારે, 19 મેએ પૂરો થયો) આપણે ગયા અઠવાડિયે વાત કરી એના કરતાં વધારે સંખ્યામાં ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું હતું. આ એક રુટિન સમસ્યા છે કે કાન ફિલ્મોત્સવમાં ભારતથી એક્ઝેક્ટલી કેટલી અને કઈ કઈ ફિલ્મો જઈ રહી છે એની પૂરેપૂરી માહિતી છેક સુધી ઉપલબ્ધ બનતી નથી. ધીમે ધીમે ફેસ્ટિવલ આગળ વધતો જાય તેમ તેમ ભારતીય ફિલ્મોનાં નવાં નવાં નામ સપાટી પર આવતાં જાય ને આપણને થાય કે અચ્છા, આ ફિલ્મ પણ કાન ગઈ છે.
જેનો ઉલ્લેખ કરવાનો બાકી હતો એ ઇન્ડિયન ફિલ્મો કઈ છે? એક છે, ‘ટી ફોર તાજમહલ’. એના ડિરેક્ટર છે, કિરીટ ખુરાના. એમની પાંચ-પાંચ શોર્ટ ફિલ્મોને નેશનલ અવોર્ડ મળી ચુક્યો છે. ભારતની પહેલી લાઇવ-એક્શન થ્રીડી એનિમેશન ફિલ્મ તરીકે જેને પ્રમોટ કરવામાં આવી હતી તે ફ્લોપ ‘ટૂનપુર કા સુપરહીરો’ (અજય દેવગણ, કાજોલ)નું ડિરેક્શન પણ એમણે કર્યું હતું. ‘ટી ફોર તાજમહલ’ ફિલ્મમાં એક એવા અભણ ગામડિયાની વાત છે, જે અનોખી રીતે પોતાના ગામમાં સાક્ષરતા અભિયાન ચલાવે છે. બીજી ફિલ્મ હતી, ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’. એના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી છે. ફિલ્મનો વિષય ઇન્ટરેસ્ટિંગ છે. સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીનું મોત કુદરતી હતું કે એમની હત્યા થયેલી તે મામલાની છાનબીન કરવાની કોશિશ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’માં થઈ છે. કલાકારો? નસીરુદ્દીન શાહ અને મિથુન ચક્રવર્તી. વોટ અ કોમ્બિનેશન!
આ ઉપરાંત નેશનલ અવોર્ડ જીતી ચુકેલી અને પ્રાદેશિક ભાષામાં બનેલી ચાર ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. ‘વિલેજ રોકસ્ટાર’ (ડિરેક્ટર રિમા દાસ)માં આસામના એક અંતરિયાળ ગામડાની એવી નાનકડી છોકરીની વાત છે, જે ગિટાર પ્લેયર બનવાનાં સપનાં જુએ છે. ગિટાર હાથે ચડે પછી એ પોતાના ગામમાં મ્યુઝિકલ બેન્ડ શરૂ કરવા માગે છે! મલયાલમ ફિલ્મમેકર જયરાજે બનાવેલી ‘ભયંકરમ્’ ત્રણ-ત્રણ નેશનલ અવોર્ડ જીતી ચુકી છે. જ્ઞાનપીઠ અવોર્ડવિજેતા મલયાલી લેખક થાકઝી શિવશંકર પિલ્લાઇ (નામના ઉચ્ચારણમાં ભૂલચુક લેવીદેવી) લિખિત નવલકથા ‘કયાર’ના એક પ્રકરણ પર આ ફિલ્મ આધારિત છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ ઇન્ડિયન આર્મીમાં ભરતી થયેલા યુવાનોની એમાં વાત છે. ‘સિંજર’ નામની ફિલ્મ જેસરી ભાષામાં બની છે. જેસરી એ લક્ષદ્વીપમાં વપરાતી અને મલયાલમમાંથી ઉતરી આવેલી એક બોલી છે. આમાં ઇરાનમાં ઘરકામ કરતી બે સ્ત્રીઓ શી રીતે આઇએસઆઇએસના ચુંગાલમાંથી બચીને નાસી જાય છે એની કહાણી છે. ડિરેક્ટર, સંદીપ પેમ્પલી. ચોથી ફિલ્મનું ટાઇટલ છે, ‘નગર કિર્તન’. આ બંગાળી ફિલ્મ છે, કૌશિક ગાંગુલી નામના ડિરેક્ટરે તે બનાવી છે. આ ફિલ્મની કથા એક વાંસળીવાદક અને એક ટ્રાન્સજેન્ડરની આસપાસ ઘુમરાય છે.
ઊભા રહો, હજુ બે ઇન્ડિયન ફિલ્મોની વાત બાકી છે. એક છે, અનીક ચૌધરીની બંગાળી ફિલ્મ ‘વ્હાઇટ’, જે સાયલન્ટ મૂવી છે! એમાં બળાત્કારનો ભોગ બનેલી ત્રણ સ્ત્રીઓની કહાણી છે. મનોજ બાજપાઈએ પણ આ વખતે કાન ફિલ્મોત્સવમાં હાજરી આપેલી, પોતાની આગામી ફિલ્મ ‘ભોંસલે’ને પ્રમોટ કરવા. દેવાશિષ મખીજાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં એક એવા એકલવાયા હવાલદારની વાત છે જે રિટાયર થઈ ગયા પછી પણ નોકરી ચાલુ રાખવા માગે છે.
ફાઇન. હવે આ વખતની કેટલીક હોટ-એન્ડ-હેપનિંગ વિદેશી ફિલ્મો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ.
એવરીબડી નોઝઃ
કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ અને ક્લોઝિંગ ફિલ્મનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વખતના કાન ફિલ્મોત્સવનો શુભારંભ ‘એવરીબડી નોઝ’થી થયો. આ ફિલ્મના ઇરાનીઅન ડિરેક્ટર અસગર ફરહદીની અવોર્ડવિનિંગ ફિલ્મ ‘ધ સેલ્સમેન’ વિશે આપણે ભૂતકાળમાં વિગતવાર કરી ચુક્યા છીએ (‘મલ્ટિપ્લેક્સ’, 9 એપ્રિલ 2017). ‘એવરીબડી નોઝ’માં નાયિકા (પેનેલોપી ક્રુઝ) આર્જેન્ટિનીઅન પતિ (જેવિઅર બર્ડેમ) તેમજ બાળકો સાથે પોતાના વતન સ્પેન જાય છે. આમ તો આ વતનની ઉડતી મુલાકાત હતી, પણ અહીં આવ્યા પછી અમુક એવી અણધારી ઘટનાઓ બને છે અને એવાં રહસ્યો સામે આવે છે કે બધાનાં જીવનમાં ઉથલપાથલ મચી જાય છે.
સોલોઃ અ સ્ટાર વોર્સ સ્ટોરીઃ
ફિલ્મ ફેસ્ટિવલોમાં સામાન્યપણે મેઇનસ્ટ્રીમ ઇવેન્ટ ફિલ્મો ઓછી હોય, પણ આ વખતે ‘સ્ટાર વોર્સ’ સિરીઝની આ લેટેસ્ટ ફિલ્મે હાજરી પૂરાવી હતી. ‘સોલોઃ અ સ્ટાર વોર્સ સ્ટોરી’ એ સિક્વલ નહીં, પણ પ્રિક્વલ છે. એમાં અવકાશી ચાંચિયા હેન સોલોના શરૂઆતના દિવસોની વાત છે. હોલિવૂડના મોટા મજાના ફિલ્મમેકર રોન હાવર્ડે તે ડિરેક્ટ કરી છે. ‘ધ ગેમ ઓફ થ્રોન્સ’માં ડ્રેગનમાતા બનતી એમિલિયા ક્લર્કે આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ કર્યો છે.
ધ હાઉસ ધેટ જેક બિલ્ટઃ
આ ફિલ્મના ડેનિશ ડિરકેટર લાર્સ વન ટ્રિઆની અગાઉની ‘એન્ટિક્રાઇસ્ટ’ અને ‘નિમ્ફોમેનિયાક’ જેવી ચક્કર આવી જાય એવી અને લગભગ એક્સટ્રીમ કહી શકાય એવી વિવાદાસ્પદ ફિલ્મો તમે જોઈ હશે તો એક મેકર તરીકેના એમના મિજાજથી તમે વાકેફ હશો. અમેરિકામાં આકાર લેતી આ અંગ્રેજી ફિલ્મમાં એક અત્યંત ઇન્ટેલિજન્ટ એવા સિરીયલ કિલર (મેટ ડિલન)ની વાત છે, જે હત્યા કરવાની ક્રિયાને એક કળા તરીકે જુએ છે! સાચ્ચે, આવો અળવીતરો આઇડિયા લાર્સ વન ટ્રિઆના ભેજામાં જ પેદા થઈ શકે! ફિલ્મમાં ‘કિલ બિલ’ ફેમ ઉમા થર્મન પણ છે.
વ્હિટનીઃ
શ્રીદેવીનું અકાળે મોત થયું ત્યારે અમેરિકન સિંગર-એક્ટ્રેસ વ્હિટની હ્યુસ્ટનને વારે વારે યાદ કરવામાં આવતી હતી. આ સુપર ટેલેન્ટેડ કલાકારનું મોત પણ હોટલરૂમના બાથટબમાં આકસ્મિક રીતે થયું હતું. વ્હિટનીના કેસમાં જોકે વધુ પડતો શરાબ અને કોકેન ઓવરડોઝ જેવાં પરિબળોએ સામે આવ્યાં હતાં. ‘બોડીગાર્ડ’ (સલમાન ખાનવાળી નહીં, કેવિન કોસનરવાળી) ફિલ્મમાં વ્હિટનીએ ગાયેલાં ગીતો આપણને આજે પણ સાંભળવા ગમે છે. ‘બોડીગાર્ડ’માં એની એક્ટિંગ પણ મસ્ત હતી. સુપર ટેલેન્ટેડ વ્હિટની હ્યુસ્ટનના જબરદસ્ત ઘટનાપ્રચુર જીવન પરથી ડોક્યુમેન્ટરી ફિલ્મ ન બને તો જ આશ્ચર્ય કહેવાત. કેવિન મેકડોનાલ્ડ નામના સ્કોટિશ ડિરેક્ટરે બનાવેલી આ ડોક્યુમેન્ટરીમાં વ્હિટનીનાં કેટલાંક અનરિલીઝ્ડ રેકોર્ડિંગ્સ, અગાઉ ક્યારેય જોવા મળ્યા ન હોય એવા હોમ વિડીયો તેમજ લાઇવ પર્ફોર્મન્સીસનું ફૂટેજ પણ આવરી લેવાયું છે. વ્હિટનીના ચાહકો માટે આ ફિલ્મ મસ્ટ-સી છે.
ક્લાઇમેક્સઃ
અહીં ક્લાઇમેક્સ એટલે સંભોગને અંતે અનુભવાતી પરાકાષ્ઠા, ઓર્ગેઝમ. ગાસ્પર નોએ નામના મૂળ આર્જેન્ટિનાના પણ ફ્રાન્સમાં સ્થાયી થયેલા ફિલ્મમેકરની આ વિવાદાસ્પદ ફિલ્મ ખાસ્સી ન્યુઝમાં છે. ગયા વર્ષે કાન ફેસ્ટિવલમાં જ એમની ‘લવ’ નામની ઇરોટિક થ્રીડી ફિલ્મ જોઈને ઓડિયન્સ ચોંકી ગયું હતું. અગાઉ એમની ‘ઇરરિવર્સીબલ’ નામની ફિલ્મમાં નવ મિનિટ લાંબો રેપ સીન જોઈને પણ પ્રેક્ષકો હાંકાબાંકા થઈ ગયા હતા. ઓડિયન્સને આઘાત આપવામાં ગાસ્પરસાહેબ માહેર છે. આ વખતની ‘ક્લાઇમેક્સ’ ફિલ્મમાં પણ માથું ચકરાવી દે એવાં કામુક દશ્યોની ભરમાર છે. આ ફિલ્મમાં એમણે એક્ટિંગનો જરાય અનુભવ ન હોય એવા સાવ નવાનિશાળિયાઓને કાસ્ટ કર્યા છે. એમાંના મોટા ભાગના ડાન્સર છે. યાદ રહે, ગાસ્પરની ગણના એક માસ્ટર ફિલ્મમેકર તરીકે થાય છે.
બર્નિંગઃ
હારુકી મુરાકામી વિશ્વવિખ્યાત જપાની વાર્તાકાર છે, જે મેરેથોન દોડવાના શોખીન છે. એમની એક ટૂંકી વાર્તા પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. બે દોસ્તારોની આ કહાણીમાં રહસ્યનું તત્ત્વ પણ છે. ડિરેક્ટરનું નામ છે, લી ચાંગ-ડોંગ.
ધ મેન હુ કિલ્ડ ડોન કિહોટેઃ
સત્તરમી સદીમાં લખાયેલી ‘ડોન કિહોટે’ એક માસ્ટરપીસ છે. તે એક સર્વકાલીન, સર્વસ્વીકૃત મહાન નવલકથા ગણાય છે. ડોન કિહોટે આ સ્પેનિશ કથાના મુખ્ય નાયકનું નામ છે. આ કિરદારને કેન્દ્રમાં મૂકીને ‘ધ મેન હુ કિલ્ડ ડોન કિહોટે’ ફિલ્મ બનાવવાની કોશિશ છેક 2000ની સાલથી ચાલતી હતી. કંઈકેટલાય વિઘ્નો પાર કર્યા બાદ માંડ આ ફિલ્મ બની શકી. કાન ફિલ્મોત્સવનું ક્લોઝિંગ આ ફિલ્મથી થયું હતું.
સૂચિ ઘણી લાંબી થઈ શકે તેમ છે, પણ અહીં અટકીએ. આ લેખમાં ઉલ્લેખ પામેલી અને એ સિવાયની કાન ફિલ્મોત્સવ 2018ની કેટલીય ફિલ્મો હવે આગામી ઓસ્કર સિઝન સુધી ચર્ચામાં રહેવાની.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2018 )
Leave a Reply