મલ્ટિપ્લેક્સ: પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ.
Sandesh – Sanskar Purti – 3 May 2015
મલ્ટિપ્લેક્સ
મોહમ્મદ રફી, મુકેશ અને કિશોર કુમારના અવાજમાં ગાઈ શકતા કંઈકેટલાય ડુપ્લિકેટ્સ આવ-જા કરતા રહ્યા છે, પણ ‘વોઇસ ઓફ મન્નાડે’નું બિરુદ હકથી ધારણ કરી શકે એવો કોઈ સર્વસ્વીકૃત ગાયક આવ્યો નથી. મન્ના ડેની આ ગ્રેટનેસ છે.
* * * * *
પહેલી મેને આપણે ગુજરાતદિન તરીકે ઓળખીએ છીએ. આ દિવસ હિન્દી સિનેમાના દિગ્ગજ ગાયક મન્ના ડેનો બર્થડે પણ છે. ૧ મે, ૧૯૧૯ના રોજ એમનો જન્મ. મૃત્યુ હજુ દોઢેક વર્ષ પહેલાં જ ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ થયું. ૯૪ વર્ષનું સમૃદ્ધ આયુષ્ય અને એવી જ સમૃદ્ધ એમની મ્યુઝિકલ કરિયર. મન્ના ડેએ કેવાં કેવાં અદ્ભુત ગીતો આપ્યાં છે આપણને. એક બાજુ મન-હૃદયમાં તીવ્ર સ્પંદનો પેદાં કરી દે તેવાં “અય મેરે પ્યારે વતન” (કાબુલીવાલા, ૧૯૬૮), ‘પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ’ (મેરી સૂરત તેરી આંખેં, ૧૯૬૩), ‘કૌન આયા મેરે મન કે દ્વારે’ (દેખ કબીરા રોયા, ૧૯૫૭) જેવા શાસ્ત્રીય રાગ આધારિત ગીતો છે, બીજી બાજુ ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ’ (શ્રી ૪૨૦, ૧૯૫૫), ‘નૈન મિલે ચૈન કહાં’ (બસંત બહાર, ૧૯૬૫), ‘ચુનરી સમ્હાલ ગોરી’ (બહારોં કે સપનેં, ૧૯૬૭) જેવાં રોમેન્ટિક ગીતો છે, તો ત્રીજી તરફ ‘એક ચતુર નાર બડી હોશિયાર’ (પડોસન, ૧૯૬૮), ‘એ ભાઈ જરા દેખ કે ચલો’ (મેરા નામ જોકર, ૧૯૭૦), ‘ચલત મુસાફિર મોહ લિયો રે’ (તીસરી કસમ, ૧૯૬૬) જેવાં મસ્તીભર્યાં ફન-સોંગ્સ છે. મોહમ્મદ રફી, મુકેશ અને કિશોર કુમારના અવાજમાં ગાઈ શકતા કંઈકેટલાય ડુપ્લિકેટ્સ આવ-જા કરતા રહ્યા છે, પણ ‘વોઇસ ઓફ મન્નાડે’નું બિરુદ હકથી ધારણ કરી શકે એવો કોઈ સર્વસ્વીકૃત ગાયક આવ્યો નથી. મન્ના ડેની આ ગ્રેટનેસ છે.
એમનું મૂળ નામ પ્રબોધચંદ્ર ડે. સંગીતમય માહોલમાં તેમનો ઉછેર થયો. એમના કાકા કે.સી. ડે વિખ્યાત ગાયક હતા, જે તેર વર્ષની ઉંમરે અંધ થઈ ગયેલા. મન્ના ડેના પિતા અને મોટા કાકા એન્જિનિયર હતા. એ બન્નેનો પૂરપૂરો આગ્રહ કે મન્ના ડેએ સૌથી પહેલાં ભણતર પૂરું કરવાનું, શક્ય હોય તો વકાલતની લાઇનમાં આગળ વધવાનું, પછી બીજી વાત. અન્ડરગ્રેજ્યુએટ થયા પછી મન્ના ડે સામે બે વિકલ્પો ઊભા થયાઃ હવે સંગીતમાં આગળ વધવું છે કે લોના ક્ષેત્રમાં આગળ વધવું છે? મન્ના ડેએ પસંદગી કરીઃ સંગીત. સ્વાભાવિક છે કે પિતાજી આ નિર્ણયથી ખુશ ન થયા, પણ દીકરાને તેમણે રોક્યો નહીં. કાકા હવે ગુરુ બન્યા. જીવનભર અપરિણીત રહેલા કે.સી. ડેને મન્ના ડે માટે પુત્રવત્ લગાવ હતો. ભત્રીજા પાસે તેઓ સંગીતની કઠોર સાધના કરાવતા. મન્ના ડેને કુસ્તીનો અને પતંગ ઉડાવવાનો પણ બહુ શોખ હતો. તેઓ કાં તો સંગીતમાં રમમાણ હોય અથવા તો બોક્સિંગ-પતંગબાજી કરતા હોય.
શુદ્ધ શાસ્ત્રીય સંગીતના માહોલમાં કે.સી. ડે સુગમ સંગીત આમ જનતા સામે લઈ આવ્યા. આ એક માસ્ટર સ્ટ્રોક હતો. સુગમ સંગીત ક્રમશઃ ખૂબ લોકપ્રિય બનતું ગયું. મન્ના ડેનો પાયો શાસ્ત્રીય સંગીતનો ખરો, પણ એમને તેમાં એટલો બધો રસ કદી ન પડયો. એમને થતું કે એકનો એક રાગ બે-ત્રણ કલાક સુધી વગાડયા કરીને શ્રોતાઓની ધીરજની કસોટી શું કામ કરવી જોઈએ. કલકત્તામાં રવીન્દ્રનું સંગીત છવાયેલું હતું. મન્ના ડે એમાંથી બહાર આવવા માગતા હતા. કાકા સાથે તેઓ મુંબઈ આવી ગયા. એમણે જોકે કલ્પના નહોતી કે મુંબઈમાં સ્થાન બનાવવું મુશ્કેલ પુરવાર થવાનું. મુંબઈવાળા બંગાળીઓને આઉટસાઉડર તરીકે જુએ અને મજાક કરેઃ બાબુમોશાય, અહીં શું કરો છો? પાછા બંગાળ જાઓ ને રસગુલ્લા ખાઓ!
મન્ના ડેને પ્લેબેક સિંગર તરીકે પહેલો બ્રેક બાવીસેક વર્ષની ઉંમરે ‘રામરાજ્ય’ ફિલ્મમાં મળ્યો. તરત જ એમના પર ધાર્મિક ગીતો ગાતાં સિંગરનો થપ્પો લાગી ગયો. એમને જે ઓફર મળતી તે આ જ પ્રકારનાં ગીતોની મળતી. મોટી ઉંમરનો સફેદ દાઢીવાળો કોઈ કેરેક્ટર આર્ટિસ્ટ સ્ક્રીન પર ભજન-બજન ગાવાનો હોય તો તેના માટે મન્ના ડેને બોલાવવામાં આવતા. તેઓ ફ્રસ્ટ્રેટ થઈ ગયા. તેમને સમજાતું નહોતું કે મુંબઈમાં સ્ટ્રગલ ચાલુ રાખવી કે પાછા કલકત્તાભેગા થઈ જવું.
ખેર, મન્ના ડેના નસીબમાં ખૂબ બધી શોહરત લખાઈ હતી. તેઓ ધીમે ધીમે પાર્શ્વગાયક તરીકે પોતાનું સ્થાન દૃઢ કરતા ગયા. ટોચના લગભગ બધા જ સંગીતકારો સાથે એમણે કામ કર્યું. એસ.ડી. બર્મન તો ત્યાં સુધી કહેતાં કે જો ગીતકારે દિલના ઊંડાણથી શબ્દો લખ્યા હોય તો માત્ર બે જ સિંગર એવાં છે, જે આ શબ્દોમાં આત્માનો સંચાર કરી શકે – એક છે લતા મંગેશકર અને બીજા છે, મન્ના ડે! ‘પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ’ તેમજ ‘અય મેરે પ્યારે વતન’ – મન્ના ડેના આ બે ગીત એસ.ડી. બર્મનનાં ફેવરિટ હતાં.
‘બૈજુ બાવરા’ના ભારત ભૂષણ એ જમાનામાં મોટા સ્ટાર હતા. ‘બસંત બહાર’નાં લગભગ બધાં ગીત મોહમ્મદ રફી ગાવાના હતા, પણ શંકર-જયકિશનની જોડીવાળા શંકરે ખાસ મન્ના ડે માટે એક ગીત તૈયાર કર્યું. ભારત ભૂષણના ભાઈ શશી ભૂષણ ‘બૈજુ બાવરા’ના પ્રોડયુસર હતા. એમણે વિરોધ નોંધાવ્યોઃ નહીં, “ફિલ્મનાં તમામ ગીત રફીસાબ પાસે જ ગવડાવો.” શંકર અડગ રહ્યા. તેમણે કહ્યું: “જો તમારે મન્ના ડેનું ગીત ન જોઈતું હોય તો અમારે આ ફિલ્મ કરવી જ નથી. તમે બીજા કોઈ સંગીતકારને લઈ લો!” આ ગીત હતું, ‘સૂર ના સજે ક્યા ગાઉં મૈં’. પછી શશી ભૂષણ આ ગીત સાંભળીને મન્ના ડેને ભેટી પડયા હતા. તેમણે કબૂલ્યું પણ ખરું કે આ ગીત તમારા સિવાય બીજું કોઈ આટલી સરસ રીતે ગાઈ શક્યું ન હોત!
‘કેતકી ગુલાબ જુહી ચંપા ચમેલી’ ગીતની કહાણી પણ ઇન્ટરેસ્ટિં છે. શંકરે મન્ના ડેને કહી રાખેલું કે દોસ્ત, તારી પાસે અમે એવું ક્લાસિકલ ડયુએટ ગવડાવાના છીએ કે તું જિંદગીભર યાદ રાખીશ. તારી સાથે કોણ સિંગર હશે એ તને પછી કહીશું. તું બસ, ફલાણા ફલાણા રાગની પ્રેક્ટિસ કરવા માંડ! મન્ના ડેએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી. થોડા દિવસ શંકર-જયકિશને એમને બોલાવ્યા. ગીતની તર્જ તૈયાર થઈ ગઈ હતી. જે ગાયકની સાથે મન્ના ડેએ જુગલબંદી કરવાની હતી એ બીજું કોઈ નહીં પણ સ્વયં ભીમસેન જોશી હતા! સિચ્યુએશન એવી હતી કે હીરો અને એના પ્રતિસ્પર્ધી વચ્ચે ગાવાની હરીફાઈ ચાલી રહી છે, જેમાં હીરો આખરે જીતી જાય છે. મન્ના ડેએ હીરો માટે ગાવાનું હતું. મન્ના ડે કાંપી ઊઠયાઃ સૌથી પહેલાં તો મારે ભીમસેન જોશી સાથે મુકાબલો કરવાનો ને એમાં એમને હરાવી દેવાના, એમ? ઇમ્પોસિબલ!
મન્ના ડે એટલા બધા નર્વસ થઈ ગયા હતા કે કેટલાય દિવસ સુધી લગભગ અન્ડરગ્રાઉન્ડ રહ્યા. એમણે વિચાર્યું કે શંકર-જયકિશન આખરે બીજા કોઈ સાથે રેર્કોિંડગ કરી લેશે પછી હું બહાર નીકળીશ. મન્ના ડેનાં પત્ની સુલોચનાને વાતની જાણ થતાં જ ભડકી ઊઠયાં: શેઇમ ઓન યુ. તમારે આ ગીત ગાવું જ પડશે! ગીત આખરે રેકોર્ડ થયું. અત્યંત કઠિન ક્લાસિકલ કંપોઝિશન હતું આ. રિઝલ્ટ અફલાતૂન આવ્યું. ખુદ ભીમસેન જોશી મન્ના ડેના પર્ફોર્મન્સથી પ્રભાવિત થયા. તેમણે કહ્યું પણ ખરું કે તમે ક્લાસિકલ મ્યુઝિક પર ફોકસ કેમ કરતા નથી?
રોશને પણ મન્ના ડેમાં રહેલા ગાયકને પડકારવામાં કશું બાકી નહોતું રાખ્યું. ‘ના તો કારવાં કી તલાશ હૈ’ જુગલબંદીમાં રફી હીરો માટે ગાવાના હતા અને મન્ના ડેએ ઉસ્તાદ માટે અવાજ આપવાનો હતો. રોશને કહ્યું કે બન્નેની ગાયકીમાં ફર્ક સ્પષ્ટપણે વર્તાવો જોઈએ. મન્ના ડેએ આ ગીતમાં જે રીતે આલાપ લીધો એ સાંભળીને રોશન પુલકિત થઈ ગયા હતા. અનિલ બિશ્વાસ તો ત્યાં સુધી કહેતાં કે રફી-મુકેશ-કિશોરનાં ગીતો મન્ના ડે ગાઈ શકે છે, પણ મન્ના ડેનાં ગીતો આ ગાયકો નહીં ગાઈ શકે! મન્ના ડે જોકે મોહમ્મદ રફીને સર્વશ્રેષ્ઠ માનતા હતા. એક જમાનામાં મન્ના ડે હીરો માટે પ્લેબેક કરતા અને રફીસાબ કોરસમાં ગાતા. એમનો હાથ ઝાલીને કોરસસિંગરમાંથી મેઇન સિંગર બનાવવામાં મન્ના ડે તેમજ કે.સી. ડેનું મહત્ત્વનું યોગદાન છે.
રાજ કપૂર પોતાનાં મોટાં ભાગનાં ગીતો મુકેશ પાસે ગવડાવતા, પણ તેમણે મન્ના ડે પાસે પણ કેટલાંક અવિસ્મરણીય ગીતો ગવડાવ્યાં છે. ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ’ના રેર્કોિંડગ વખતે ગાયકો અને સાજિંદાઓ સવારથી રિયાઝ કરી રહ્યા હતા. રાજ કપૂર સાંજે મ્યુઝિક રૂમમાં આવવાના હતા, પણ એમને બહુ મોડું થઈ ગયું. બધા પેકઅપ કરીને તૈયારીમાં હતા ત્યાં રાજ કપૂર પધાર્યા. સૌની દિલથી માફી માગી, બધા માટે ચા મંગાવી ને સંગીતની રમઝટ પાછી શરૂ થઈ. જેવું મન્ના ડે અને લતાએ ગાવાનું શરૂ કર્યું કે રાજ કપૂરના ક્રિએટિવ ભેજામાં વિચારોના તણખા ફૂટવા માંડયા. એમણે બધાને જરા ખસેડીને ઓરડામાં જગ્યા કરી, કોઈક પાસે છત્રી મગાવી અને આ ગીતના શબ્દો પર પર્ફોર્મ કરવા માંડયા. ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’માં રાજ-નરગિસનું છત્રી સાથેનું વિઝ્યુઅલ આપણા ચિત્તમાં છપાઈ ગયું છે. આ વિઝ્યુઅલ આવી રીતે પેદા થયેલું!
મન્ના ડેએ હિન્દી અને બંગાળી ઉપરાંત કેટલીય ભારતીય ભાષાઓમાં ગીતો ગાયાં છે. ‘જ્યાં સુધી સંગીતના સાત સૂર રહેશે ત્યાં સુધી મન્ના ડેનાં ગીતો ગૂંજતા રહેશે’ – આ વાક્ય ભલે ટિપિકલ ક્લ્શિે લાગે, પણ એ શતપ્રતિશત સાચું છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply