મલ્ટિપ્લેક્સ – ઇમ્તિયાઝ આજકલ – માણસ પોતાનું બેસ્ટ વર્ઝન કેવી રીતે બની શકે?
Sandesh- Sanskar Purti- 29 Dec 2015
મલ્ટિપ્લેક્સ
‘સેલ્ફ-ડાઉટ અને લઘુતાગ્રંથિ-આ બેય વસ્તુ આજની તારીખેય મારામાં છે. હું જાણું છું કે હું એક સફળ ડિરેક્ટર છું અને લોકો મારી પ્રશંસા કરે છે પણ મારી અસલામતીનો સંબંધ હું એક વ્યક્તિ તરીકે કેવો છું એની સાથે છે. લોકોને લાગે છે કે હું બહુ ક્રિયેટિવ છું ને જિંદગી વિશે ઊંડી સમજ ધરાવું છું પણ મારી બેવકૂફી અને અપરિપકવતા વિશે હું જ જાણું છું. મારે સતત મારી જાત સાથે યુદ્ધ કરતાં રહેવું પડે છે.’
* * * * *
ફિલ્મને જોયા વગર તેના મેકિંગ વિશે કે તેની ટીમ વિશે પોઝિટિવ સૂરમાં લખવું હંમશાં ખૂબ જોખમી હોય છે, જેનાં ખૂબ ઢોલનગારાં વાગ્યાં હોય અને જેણે ખૂબ અપેક્ષાઓ જન્માવી હોય એવી ફિલ્મ તદ્દન નબળી સાબિત થઈ શકે છે. ‘બોમ્બે વેલ્વેટ’થી ‘શાનદાર’સુધીના તાજા દાખલા આપણી આંખ સામે છે. આવું બને ત્યારે ભોંઠપની લાગણી જાગે અને થાય કે અરેરે, નાહકનો આવડો મોટો લેખ એક ફાલતુ ફિલ્મ વિશે લખી નાખ્યો. આ લખાઈ રહ્યુંું છે ત્યારે’તમાશા’ રિલીઝ થવાને થોડા દિવસની વાર છે પણ આજનો અંક તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હશે, તે ઉત્તમ છે, સાધારણ છે, નિરાશાજનક છે કે સાવ બકવાસ છે તે વિશે ચુકાદો આવી ગયો હશે. ‘તમાશા’ જોઈ નથી એટલે ફિલ્મ વિશે ઝાઝી વાત ન કરીએ પણ એના રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી વિશે ચર્ચા જરૂર કરી શકાય. આ માણસનો ટ્રેકરેકોર્ડ એટલો મસ્ત-મજાનો છે કે આટલું રિસ્ક લેવામાં વાંધો નથી.
‘સોચા ન થા’થી ‘જબ વી મેટ’થી ‘લવ આજકલ’થી ‘રોકસ્ટાર’થી ‘હાઈવે’… ઇમ્તિયાઝઅલીની ફિલ્મો આપણને શા માટે ગમે છે?પ્રેમનું હોવું, પ્રેમનું ન હોવું, પ્રેમ હોવા અને ન હોવા વચ્ચેની કોઈ સ્થિતિ હોવી, પ્રેમને પુનઃ નવા સ્વરૂપમાં સમજવો, ટૂંકમાં, પ્રેમ અથવા તો રોમેન્ટિક સંબંધના અલગ અલગ શેડ્ઝને ઇમ્તિયાઝઅલી ખૂબસૂરતીથી અને તાજગીભર્યા અંદાજમાં પેશ કરી શકે છે એટલે આપણને એમની ફિલ્મો અપીલ કરે છે. હા, મજાની વાત એ છે કે પ્રેમ વિશેના ઇમ્તિયાઝઅલીના ખુદના વિચારો ચમકાવી દે તેવા છે.
‘હું પ્રેમ શબ્દથી જોજનો દૂર રહું છું!’ ઇમ્તિયાઝ કહે છે, ‘પ્રેમ જેવી કન્ફ્યુઝિંગ વસ્તુ બીજી એકેય નથી. અલગ અલગ લોકો માટે પ્રેમનો અલગ અલગ અર્થ છે, વળી, પ્રેમ વિશેના આપણા ખયાલો પણ બદલાતા રહે છે. તમે આજે જેને પ્રેમ કહેતા હો તેને કાલે પ્રેમ ન ગણો તે બિલકુલ શકય છે. મને મિસકોમ્યુનિકેશન ગમતું નથી, આથી ‘પ્રેમ’ને બદલે હું ‘અફેક્શન'(કુમાશભરી લાગણી હોવી, ગમવું) જેવા સ્પેસિફિક શબ્દ વાપરવાનું પસંદ કરું છું. શૂટિંગ વખતે હું હીરોને એવું કયારેય નહીં કહું કે આ લાઈન બોલતી વખતે તને ‘પ્રેમની ફીલિંગ’ થઈ રહી છે. હું એક્ટરને એ રીતે સૂચના આપીશ કે, ‘આ ડાયલોગ બોલતી વખતે તને હીરોઈનને ભેટી પડવાની ઇચ્છા થઈ રહી છે’ અથવા ‘તારા મનમાં આ ક્ષણે હીરોઈનને ચૂમી લેવાની તીવ્ર ઇચ્છા જાગી છે’ વગેરે. આ રીતે એક્ટરને સમજવામાં આસાની રહે છે. અરે, હું તો મારી દીકરીને વહાલ કરતી વખતે પણ ‘આઈ લવ યુ’ કહેતો નથી!’
તો શું લવ અને લસ્ટ(વાસના) વચ્ચે શું ભેદ છે એવો ચાંપલો સવાલ પૂછો તો ઇમ્તિયાઝઅલીનો જવાબ હશે – ‘સૌથી પહેલાં તો આવો ભેદ હોવો જોઈએ જ શા માટે? લવ અને લસ્ટ જેવી પ્રોફાઉન્ડ લાગણીઓને શબ્દોમાં કેવી રીતે સમજાવી શકાય?’
ઇમ્તિયાઝ અલી ડિવોર્સી છે. ફિલ્મમેકર તરીકે સફળ થયા પછી તેઓ લગ્નનાં બંધનમાંથી મુક્ત થયા. વચ્ચે એક અખબારને ઇમ્તિયાઝે આપેલો ઇન્ટરવ્યૂએ ઠીક ઠીક વિવાદ પેદા કર્યો હતો. ઇમ્તિયાઝે કહેલું કે લગ્નને કારણે માણસ ખુદના અતિ નબળા વર્ઝન જેવો બની જાય છે.(‘અતિ નબળા’ની જગ્યાએ ઇમ્તિયાઝે ગાળનો પ્રયોગ કર્યો હતો.) તાજેતરમાં ‘તમાશા’નાં પ્રમોશન દરમિયાન ‘ફિલ્મ કંપેનિયન’ નામની એક મસ્ત-મજાની ફિલ્મી વીડિયો-ચેનલે ઇમ્તિયાઝઅલી અને રણબીર કપૂર વચ્ચે સંવાદ ગોઠવ્યો હતો.(સુપર્બ વીડિયો-ચેનલ છે આ. દરેક સિનેમાપ્રેમીએ યૂ ટયૂબ પર જઈને ‘ફિલ્મ કંપેનિયન’ ખાસ સબસ્ક્રાઇબ કરવી.) વાતવાતમાં રણબીરે ઇમ્તિયાઝને પેલો ઇન્ટરવ્યૂ યાદ કરાવીને હસીને પૂછે છે – ‘તમે પેલું લગ્ન વિશેનું સ્ટેટમેન્ટ શા માટે આપેલું?શું તમે લગ્નવિરોધી છો? નેશન વોન્ટ્સ ટુ નો…’ જવાબમાં ઇમ્તિયાઝે જોકે વાત વાળી લીધી હતી.
નાનપણમાં ઇમ્તિયાઝ સાવ સાધારણ હતા. ભયંકર શરમાળ, ભણવામાં ઢ, સ્પોર્ટ્સમમાં ય મીંડું. ભલું થજો થિયેટરનું કે જેને કારણે ઇમ્તિયાઝમાં અભિનય અને ડિરેક્શનની રુચિ પેદા થઈ. ‘આકસ્મિકપણે’ ફિલ્મલાઈનમાં આવી ગયેલા ઇમ્તિયાઝ અલી આજે ચુમાલીસ વર્ષની વયે પણ નાનપણમાં જે જાતજાતની ગ્રંથિઓ અનુભવતા હતા એમાંથી બહાર આવી શકયા નથી, તેઓ કહે છે, ‘કોઈ સામાજિક પ્રસંગ હોય કે પાર્ટી-બાર્ટી હોય ત્યારે લોકો સાથે વાતો કરતાં મને આજેય આવડતું નથી. આવા માહોલમાં મને બહુ જ ઓકવર્ડ ફીલ થવા લાગે છે. સેલ્ફ-ડાઉટ(પોતાની ક્ષમતા વિશે શંકા હોવી) અને લઘુતાગ્રંથિ-આ બેય વસ્તુ આજની તારીખેય મારામાં છે. હું જાણું છું કે હું એક સફળ ડિરેક્ટર છું અને લોકો મારી પ્રશંસા કરે છે પણ મારી અસલામતીનો સંબંધ હું એક વ્યક્તિ તરીકે કેવો છું એની સાથે છે. લોકોને લાગે છે કે હું બહુ ક્રિયેટિવ છું ને જિંદગી વિશે ઊંડી સમજ ધરાવું છું પણ મારી બેવકૂફી અને અપરિપકવતા વિશે હું જ જાણું છું. મારે સતત મારી જાત સાથે યુદ્ધ કરતાં રહેવું પડે છે. અમુક લોકો મને સૂફી કહે છે. મને થાય કે જે ખરેખર સૂફી લોકો છે એમને થતું હશે કે ઇમ્તિયાઝ અલી જેવા નૈતિકતાના મામલે દેવાળું કાઢી ચૂકેલા ખોખલા માણસને તમે સૂફીની પંગતમાં કેવી રીતે બેસાડી શકો ?’
લોકો ઇમ્તિયાઝ અલીની ફિલ્મો પર રોમ-કોમ(રોમેન્ટિક કોમેડી)નો થપ્પો લગાવે છે પણ તેઓ પોતાની ફિલ્મોને લવસ્ટોરીનાં ખાનામાં મૂકતાં નથી. એમના હિસાબે, ‘જબ વી મેટ’માં આકસ્મિકપણે ભેગા થઈ ગયેલા અને એકબીજાની પર્સનાલિટી પર પ્રભાવ પાડતાં બે પાત્રોની વાર્તા છે. એન્ડમાં હીરો-હીરોઈન ભેગાં થાય છે કે કેમ યા તો પરણે છે કે નહીં તે વાતનું ખાસ મહત્ત્વનું નથી.’લવ આજકલ’, ‘રોકસ્ટાર’ અને ‘હાઈવે’માં કોમ્પ્લીકેટેડ માનવીય સંબંધોની વાર્તા છે.
‘જબ વી મેટ’નું કરીના કપૂરનું કિરદાર ઓડિયન્સને વર્ષો સુધી યાદ રહેવાનું છે અને અન્ય ફિલ્મમેકરો માટે મહત્ત્વનો રેફરન્સપોઇન્ટ બની રહેવાનું છે. આ પાત્ર ઇમ્તિયાઝ અલીને કેવી રીતે સૂઝ્યું હતું? દિલ્હીની કોલેજમાં ભણતા હતા ત્યારે એક વાર બસમાં મુસાફરી કરતી વખતે એક અતિ વાચાળ યુવતી એમની બાજુની સીટ પર બેઠી હતી. કશી ઓળખાણ નહીં છતાંય એની નોનસ્ટોપ વાતો અટકવાનું નામ લેતી નહોતી. મનમાં આવે તે બધું જ વગર વિચાર્યે ભરડી નાખતી હતી, જેમ કે, વાતવાતમાં એ બોલી પડી કે, ‘છેને તે દિવસે મારે એક મેરેજમાં જવાનું હતું પણ હું ન ગઈ, કેમ કે, મારા પિરિયડ ચાલુ થઈ ગયા હતા. મેં મસ્ત વ્હાઈટ ડ્રેસ કરાવ્યો હતો પણ પિરિયડમાં વ્હાઇટ ડ્રેસ કેવી રીતે પહેરાય? એટલે પછી મેં જવાનું જ માંડી વાળ્યંુ…’ છેલ્લે છૂટાં પડતાં પહેલાં એવુંય બોલી ગઈ કે, ઈતના કુછ બોલ રહી હું ઈસકા મતલબ યે નહીં હૈ કિ મેરે બારે મેં આપ કુછ ભી સોચો! આ અતિ વાતોડિયણ છોકરીમાં એક પ્રકારની નિર્દોષતા હતી. વર્ષો પછી ‘જબ વી મેટ’માં કરીના કપૂરનું કિરદાર ઘડતી વખતે એ છોકરી મહત્ત્વનો રેફરન્સ સાબિત થઈ.
‘મેં ‘જબ વી મેટ’ લખવાનું શરૂ કર્યું ત્યારે મારા મનમાં વાર્તા જેવું કશું હતું જ નહીં,’ ઇમ્તિયાઝ અલી કહે છે, ‘હું જસ્ટ જોઈ રહ્યો હતો કે આ જે કંઈ લખાઈ રહૃાું છે એમાંથી વાર્તા જેવું કશું નીપજે છે કે કેમ, એક પ્રસંગ એવો લખાયો કે નાયિકાને છોકરાવાળા જોવા આવ્યા છે. છોકરાનાં મનમાં ગેરસમજ પેદા કરવા માટે નાયિકા હીરોને-કે હજુ પૂરો દોસ્ત પણ બન્યો નથી-એને ભેટી પડે છે અને પૂછે છે – આદિત્ય, કયા વો દેખ રહા હૈ? બસ, આ પ્રસંગ લખાયો ત્યારે પહેલી વાર મને લાગ્યું હતું કે આમાંથી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું કશુંક બનાવી શકાશે ખરુંં!’
જરૂરી નથી કે કોઈ વ્યક્તિ કે ઘટના પરથી જ ફિલ્મ બનાવવાની પ્રેરણા મળે. કયારેક કોઈ વિચાર યા તો અનુભૂતિ ફિલ્મની પ્રક્રિયા ટ્રિગર કરી શકતી હોય છે, જેમ કે, ‘રોકસ્ટાર’ રિલીઝ થયા પછી ઇમ્તિયાઝ અલી અને રણબીર કપૂર એકવાર મુંબઈની બાંદરાસ્થિત ‘ઇન્ડિગો’ રેસ્ટોરાંમાં બેઠા બેઠા ગપ્પાં મારી રહ્યા હતા. વાતવાતમાં ઇમ્તિયાઝે કહ્યું કે જો યાર, મારા મનમાં એક વિચાર કયારનો ઘૂમરાયા કરે છે. કદાચ એના પરથી કશુંક બનાવી શકાય. વિચાર એવો છે કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વિન્ડો સીટ પર બેસીને બારીની બહાર જોવાનું આપણને ગમતું હોય છે. બહારનું દૃશ્ય સતત બદલાયા કરતું હોય. બહાર ઝાડ, પહાડ, તળાવ, ખેતર, ખેતરમાં કામ કરતાં લોકો દેખાય. આપણને એમની પાસે પહોંચી જવાનું મન થાય પણ એવું કરી ન શકીએ, કેમ કે, આપણે ટ્રેનના બંધિયાર ડબ્બામાં બેઠા છીએ. બહાર આઝાદી છે, મોકળાશ છે જ્યારે ટ્રેનના ડબ્બામાં શિસ્તમાં રહેવું પડે, કાયદા પ્રમાણે ચાલવું પડે. અહીં એક સિસ્ટમ ગોઠવાયેલી છે, જો આ સિસ્ટમને તોડીને બહાર નીકળીએ તો જ આઝાદીનો અહેસાસ થઈ શકે, બસ, વિચારના આ તણખામાંથી ‘તમાશા’ ફિલ્મનો જન્મ થયો. શરૂઆતમાં ફિલ્મનું વર્કિંગ ટાઇટલ પણ ‘વિન્ડો સીટ’ રાખવામાં આવ્યું હતું.
ઇમ્તિયાઝ અલી કહે છે, ‘આપણા સૌની એક સેલ્ફ-ઈમેજ હોય છે, જેમાં આપણે ખુદને બહુ જ સ્માર્ટ, હોશિયાર અને સર્વગુણસંપન્ન મનુષ્ય તરીકે જોતાં હોઈએ છીએ. આ એક પાસું થયું. આપણાં વ્યક્તિત્ત્વનું બીજું પાસું પણ છે, જે બહુ બોરિંગ હોય છે. આપણે સતત આ બંને પાસાંને એકબીજામાં ભેળવીને તેમની વચ્ચેનો ફર્ક દૂર કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. સાચો, લાગણીથી છલોછલ અને ઈમાનદાર સંંબંધ માણસને એનું બેસ્ટ વર્ઝન બનવામાં મદદ કરે છે. ‘તમાશા’માં હું આ જ કહેવા માગું છું.’
શો-ટાઇમ
સબ-ટાઇટલ્સ વગર હું ઇંગ્લિશ ફિલ્મો જોઈ શકતી નથી. થિયેટરમાં ચલાવી લેવું પડે પણ કમ્પ્યૂટર પર કે હોમથિયેટરમાં જો સબ-ટાઇટલ્સ આવતાં ન હોય તો ફિલ્મ જોવાનું જ બંધ કરી દઉં છું.
-વિદ્યા બાલન
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply