એક કરોડ રૂપિયાનો ચેક
———————–
‘અભિજાત, તું મુંબઈ આવે પછી તારો માંહ્યલો કરપ્ટ ન થઈ જવો જોઈએ. જ્યારે (‘જો’ નહીં, પણ ‘જ્યારે’) તારો માંહ્યલો કરપ્ટ થઈ જશે ત્યારે હું તને તગેડી મૂકીશ.’
—– મલ્ટિપ્લેક્સ – Divya Bhaskar ————
અભિજાત જોશી આપણા સૌના પ્રિય ફિલ્મલેખક છે. અભિજાત જોશી એટલે ‘લગે રહો મુન્નાભાઈ’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘પીકે’ અને ‘સંજુ’ સહિત વિનોદ ચોપરા પ્રોડક્શન્સની 11 ફિલ્મોના અત્યંત તેજસ્વી લેખક. એમણે ડિરેક્ટર-પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડાના સંગાથમાં લખેલું એક અફલાતૂન અંગ્રેજી પુસ્તક તાજું તાજું પ્રગટ થયું છે. પુસ્તકનું નામ છે, ‘અનસ્ક્રિપ્ટેડઃ કન્વર્ઝેશન ઑન લાઇફ એન્ડ સિનેમા’. લેખક તરીકે ‘વિધુ વિનોદ ચોપડા વિથ અભિજાત જોશી’ એ રીતે ક્રેડિટ મૂકાઈ છે. આ પુસ્તક વાસ્તવમાં આ ટેલેન્ટેડ જોડી વચ્ચે થયેલા ઊંડાણભર્યા સંવાદોનું સૂઝપૂર્વક થયેલું સંપાદન છે. અભિજાત પ્રશ્નો પૂછતા જાય, પૂરક માહિતી આપતા જાય અને વિનોદ પોતાની લાક્ષાણિક શૈલીમાં વિસ્તારપૂર્વક વાતો કરતા જાય. તેમાં કંઈકેટલાય કિસ્સાઓ આવે, જીવન અને સિનેમાને લગતી ઇનસાઇટ આવે, દિલ-દિમાગમાં તણખા પેદા કરી દે તેવી વિચારકણિકાઓ આવે.
અભિજાત જોશી, વિધુ વિનોદ ચોપરાને 26 વર્ષ પહેલાં મળ્યાં હતા. તે વખતે અભિજાત સ્વયં 26 વર્ષના હતા. સમજોને કે વિધુ વિનોદ ચોપરાને તેઓ લગભગ અડધી જિંદગીથી ઓળખે છે. બન્યું હતું એવું કે અભિજાતે લખલું સૌથી પહેલું નાટક ‘અ શાફ્ટ ઑફ સનલાઇટ’ બીબીસી વર્લ્ડ સવિસ પ્લેરાઇટ કોન્ટેસ્ટમાં વિજેતા બન્યું હતું. ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં આ નાટક ભજવાયું ત્યારે દૈવયોગે વિધુ વિનોદ ચોપરાએ ત્યાં હાજર હતા. એમને નાટક ગમી ગયું. શો પૂરો થયા પછી એમણે અભિજાતને સંદેશો મોકલાવ્યો કે મુંબઇ આવવાનું થાય ત્યારે મને મળજો. વિનોદે માની લીધું હતું કે આ લેખક કોઈ મોટી ઉંમરના ભાઈ હશે, ઇંગ્લેન્ડ-અમેરિકામાં ભણ્યા હશે, સોફિસ્ટિકેટેડ હશે, પણ થોડા દિવસો પછી મુંબઇના પોતાના ઘરમાં તેઓ અભિજાતને મળ્યા ત્યારે એમણે જોયું કે આ તો અમદાવાદ જેવા પ્રમાણમાં નાના શહેરમાં મોટો થયેલો તરવરિયો જુવાનિયો છે.
અભિજાત જોશી પુસ્તકમાં લખે છે, ‘એ પહેલી જ મુલાકાતમાં વિનોદનો ચાર્મ, એમની ખામીઓ, મોટા મનના માણસ બની શકવાની એમની ક્ષમતા, ટૂંકમાં, જે બાબતો એમના વ્યક્તિત્ત્વને ડિફાઇન કરે છે, તે સઘળી પ્રગટ થઈ ગઈ.’
કઈ કઈ હતી આ બાબતો? અભિજાત જોશીએ તેનું રીતસર લિસ્ટ બનાવ્યું છે. લખે છેઃ
‘વિનોદે મને કહ્યું કે ‘અ શાફ્ટ ઑફ સનલાઇટ’ જેવું બ્રિલિયન્ટ નાટક એમણે લાંબા સમયથી જોયું નથી. એ જ મુલાકાતમાં, થોડી વાર પછી, એટલી જ દઢતા સાથે વિનોદ એવું પણ બોલ્યા કે લખાણના થોડા છૂટાછવાયા ચમકારાના બાદ કરતાં મારું નાટક તદ્દન એવરેજ હતું… અને એટલે જ વિનોદને લાગ્યું તે તેઓ મને તાલીમ આપી શકશે. વિનોદે કહ્યું કે ભારતના શ્રેષ્ઠ ડિરેક્ટર હોવાના નાતે ખરેખર તો એમણે ટોમ સ્ટોપાર્ડ જેવા એક ઑસ્કર અને ચચ્ચાર ટૉની અવૉર્ડ જીતી ચૂકેલા નાટ્યલેખક સાથે કામ કરવું જોઈએ, પણ હાલ પૂરતું હું તારાથી (એટલે કે અભિજાતથી) કામ ચલાવી લઈશ. થોડી વાર પછી વિનોદ પાછા એવુંય બોલ્યા કે ટોમ સ્ટોપાર્ડ કરે છે તેવી શબ્દરમતમાં એમને કોઈ રસ નથી અને ‘અ શાફ્ટ ઑફ સનલાઇટ’માં હું જે કક્ષાની તીવ્રતા અને વિષાદ ઊપસાવી શક્યો છું એવું સ્ટોપાર્ડનો બાપ પણ ન કરી શકે. વિનોદે મને કહ્યું કે તું તાત્કાલિક તારી કોલેજના લેક્ચરરની નોકરી છોડી દે ને મારી સાથે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવા માંડ, મને મારા પગાર (મહિને છ હજાર રુપિયા) જેટલું મહેનતાણું મળી જશે. મેં એમને એમ કહીને ના પાડી કે હું નોકરી નહી છોડું, કેમ કે મને કોલેજિયનોને ભણાવવાનું કામ ગમે છે. વિનોદે તરત મારો આ નિર્ણય વધાવી લીધો, પોતાના ગુરુ ઋત્વિક ઘટક વિશે હૃદયસ્પર્શી વાતો કરી ને આશા વ્યક્ત કરી કે હું મુંબઈ આવીને ફિલ્મો લખવાનું કામ શરૂ કરું પછી મારો માંહ્યલો કરપ્ટ ન થઈ જવો જોઈએ. ભેગાભેગું મને એમ પણ કહી દીધું કે જ્યારે (‘જો’ નહીં, પણ ‘જ્યારે’) મારો માંહ્યલો કરપ્ટ થઈ જશે ત્યારે એ મને તગેડી મૂકશે.’
આ જ મુલાકાત દરમિયાન વિધુ વિનોદ ચોપડાએ અભિજાતને ઊંચા માંહ્યલો શરાબ પાયો, સારામાં સારું ભોજન કરાવ્યું. એમણે કહ્યું કે તારે અમદાવાદ જવાની ઉતાવળ ન હોય તો થોડા દિવસ મુંબઇ રોકાઈ જા, થોડુંક લખી જો, તારી હોટલનું બિલ હું ભરી દઈશ. અભિજાત સહમત થયા. વિનોદને જેવી ખબર પડી કે અભિજાત પાસે વીસીઆર (વિડિયો કેસેટ રેકોર્ડર) નથી કે તરત એમને એક વીસીઆર આપ્યું ને કહ્યું કે આ તું તારી સાથે અમદાવાદ લેતો જજે ને વહેલામાં વહેલી તકે ‘સિટીઝન કેન’, ‘એઇટ એન્ડ અ હાફ’, ‘ઓલ ધેટ જાઝ’, ‘ધ ગૉડફાધર’ અને કુરોસાવાની ‘રેડ બિઅર્ડ’ જેવી ક્લાસિક વિદેશી ફિલ્મો જોઈ કાઢજે. વિનોદે ઉમેર્યું, ‘આ ફિલ્મો તને જબરદસ્ત પ્રેરણા આપશે અને જો પ્રેરણા ન આપે તો તારે મારી સાથે ફિલ્મો લખવા પાછા મુંબઈ આવવાની જરૂર નથી. બલકે સમજી લેજે કે તારે ફિલ્મો લખવાની કોશિશ સુધ્ધાં કરવા જેવી નથી.’
સદભાગ્યે પેલી ક્લાસિક ફિલ્મો જોઈને અભિજાતને જોરદાર ધક્કો લાગ્યો. વિધુ વિનોદ ચોપડાના તેઓ ક્રિયેટિવ કંપેનિયન બન્યા ને પછી, અગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઇઝ હિસ્ટરી.
‘લગે રહો મુન્નાભાઈ’ જેવી બમ્પર હિટ ફિલ્મ રિલીઝ થઈ તે અરસામાં અભિજાતના પિતાજી જયંત જોશીને માસિવ સ્ટ્રોક આવ્યો ને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અભિજાત અમદાવાદ દોડ્યા. બે જ દિવસમાં એમને વિધુ વિનોદ ચોપડા તરફથી કુરિયરમાં એક કવર મળ્યું. તેમાં ‘લગે રહો મુન્નાભાઈ’ માટે અભિજાતનો લેખક તરીકેનો પુરસ્કાર હતો. 2–6માં ફિલ્મની સ્ક્રિપ્ટ માટે છથી આઠ લાખ રૂપિયા મળે તો એ સારા ગણાતા. વિધુ વિનોદ ચોપડાનો ઉત્સાહ જોઈને અભિજાતને એવું તો લાગતું જ હતું કે આ ફિલ્મ માટે તેઓ આના કરતાં વધારે પુરસ્કાર આપશે…. પણ રકમ આટલી મોટી હશે તે એમની કલ્પના બહારનું હતું. પેલા કુરિયરમાં આવલા ચેક પર લખાયેલી રકમ હતી – એક કરોડ રૂપિયા, ફક્ત! તે વખતના એક કરોડ એટલે આજના છથી સાત કરોડ સમજી લો.
અભિજાત સ્તબ્ધ થઈને થોડી મિનિટો એમ જ બેસી રહ્યા. પછી ચેક લઈને હોસ્પિટલ ગયા. બિછાને સૂતેલા પિતાજીના હાથમાં ચેક મૂક્યો. હોસ્પિટલમાં આવ્યા પછી પિતાજીએ પહેલી વાર વાંચવાનાં ચશ્માં માગ્યાં. ચશ્માં પહેરીને એમણે ચેકમાં લખેલી રકમ જોઈ. ક્યાંય સુધી જોતા જ રહ્યા. પછી ધીમેથી બોલ્યા, ‘ક્લાસ… ક્લાસ…’ એમનો કહેવાનો અર્થ એ હતો કે ‘લગે રહો મુન્નાભાઈ’ના સ્ક્રિપ્ટરાઇટિંગ માટે વગર માગ્યે, સામેથી એક કરોડ જેવું તોતિંગ મહેનતાણું આપીને વિધુ વિનોદ ચોપરાએ પોતાના ક્લાસનો, પોતાની ખાનદાની અને ઉદારતાનો પરચો આપ્યો છે. પિતાજી શિક્ષક હતા, દીકરો પણ શિક્ષક હતો. બન્ને બરાબર સમજતા હતા કે એક શિક્ષકના નસીબમાં ભાગ્યવિધાતા એક કરોડ રૂપિયાનો ‘પગાર’ રોજ-રોજ લખતા નથી…
અભિજાત જોશીએ લખેલું અને નસરીન મુન્ની કબીરે એડિટ કરેલું ‘અનસ્ક્રિપ્ટેડઃ કન્વર્ઝેશન ઑન લાઇફ એન્ડ સિનેમા’ વાંચજો. તે પણ વિધુ વિનોદ ચોપરાની આ ચેષ્ટા જેવું જ ‘ક્લાસ’ છે. સિનેમાને પ્રેમ કરનારા, સિનેમામાં કરીઅર બનાવવા માગતા કે બનાવી ચુકેલા ઉત્સાહીઓએ અનિવાર્યપણે વાંચવું પડે તેવું આ પુસ્તક છે. સિનેમાની કળા વિશે પણ આવાં અફલાતૂન પુસ્તકો રોજ-રોજ લખાતાં નથી.
– Shishir Ramavat
#AbhijatJoshi #VidhuVinodChopra #ShishirRamavat #Unscripted #Multiplex #DivyaBhaskar
Leave a Reply