મલ્ટિપ્લેક્સઃ પ્રીટી મેન
સંદેશ – સંસ્કાર પૂર્તિ – ૩૧ જુલાઈ ૨૦૧૬
મલ્ટિપ્લેક્સ
હોલિવૂડની સૌથી લોકપ્રિય, સૌથી સફળ અને સદૃાબહાર રોમેન્ટિક ફિલ્મોની ચર્ચા થાય છે ત્યારે ‘પ્રીટી વુમન’ના ઉલ્લેખ વગર વાત પૂરી થઈ શકતી નથી. તેના ડિરેકટર ગેરી માર્શલ તાજેતરમાં મૃત્યુ પામ્યા. સડકછાપ રુપજીવિની અને ધનાઢ્ય બિઝનેસમેનની લવસ્ટોરીવાળી ‘પ્રીટી વુમન’ની નિર્માણકથા ફિલ્મ જેટલી જ ઈન્ટરેસ્ટિંગ છે.
* * * * *
અમેરિકાના સિનિયર ફિલ્મમેકર ગેરી માર્શલનું તાજેતરમાં ૮૧ વર્ષની ઉંમરે અવસાન થયું ત્યારે એમના આત્માની શાંતિ માટે હોલિવૂડની સેલિબ્રિટીઓએ ધડાધડ ટ્વિટ કરી નાખ્યાં હતાં. જરુરી નથી કે બધ્ધેબધ્ધાં ટ્વિટ્સ ઠાલી ઔપચારિકતા માટે જ કરવામાં આવ્યા હોય. હળવીફુલ પ્રકૃતિ ધરાવતા ગેરી માર્શલ ફિલ્મી વર્તુળમાં ખાસ્સા પોપ્યુલર હતા. એમના બાયોડેટામાં ‘પ્રીટી વુુમન’ જેવી સુપરડુપર અને એવરગ્રીન રોમેન્ટિક ફિલ્મ બોલે છે. અલબત્ત, ગેરી માર્શલને ભલે વૂડી એલન કક્ષાના માસ્ટર ફિલ્મમેકરોની પંગતમાં બેસાડી ન શકાય, પણ એમણે જુલિયા રોબર્ટ્સ અને રોબિન વિલિયમ્સ જેવી કેટલીય પ્રતિભાઓની કરીઅર બનાવવામાં સિંંહફાળો આપ્યો છે તે હકીકત છે. ગેરીની ચાર ફિલ્મોમાં કામ કરનાર જુલિયા ખુદૃને એમની ‘ફેક કિડ’ (સારી ભાષામાં, માનસપુત્રી) ગણાવે છે.
‘પ્રીટી વુમન’ ગેરી માર્શલ અને જુલિયા રોબર્ટ્સ બન્નેની કરીઅરની સફળતમ ફિલ્મ. ૧૯૯૦માં રિલીઝ થયેલી આ ફિલ્મ બજેટ હતું એ જમાનામાં ૧૪ મિલિયન ડોલર અને એણે બિઝનેસ કર્યો ૪૬૩ મિલિયનનો, મતલબ કે રોકેલા નાણાં કરતાં ૩૪ ગણો વધારે! ગેરીએ ૩૪ વર્ષની ફિલ્મી કરીઅરમાં ‘પ્રીટી વુમન’ ઉપરાંત ‘રનઅવે બ્રાઈડ’, ‘પ્રિન્સેસ ડાયરીઝ’, ‘વેલેન્ટાઈન્સ ડે’ (જેમાં એમણે લગભગ અડધા હોલિવૂડને કાસ્ટ કર્યું હતું) જેવી કુલ ૧૮ ફિલ્મો ડિરેકટ કરી હતી. છેલ્લી ‘મધર્સ ડે’ તો હમણાં એપ્રિલમાં જ રિલીઝ થઈ હતી. હલકીફુલકી રોમેન્ટિક કોમેડી બનાવવામાં ગેરીની હથોટી હતી.
ફિલ્મોમાં આવતા પહેલાં ગેરીએ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં રાઈટર-પ્રોડ્યુસર તરીકે વીસ વર્ષનો અનુભવ લીધો હતો. શરુઆત એમણે સ્ટેન્ડઅપ કોમેડિયનને જોકસ લખી આપનાર લેખક તરીકે કરી હતી. પછી ‘ધ ટુનાઈટ શો’ જેવા સફળ ટીવી શો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરુ કર્યું. ત્યાર બાદૃ ‘ધ ઑડ કપલ’, ‘હેપી ડેઝ’ જેવી કેટલીય સિરીયલો લખી અને એમાંની કેટલીક પ્રોડ્યુસ પણ કરી. ટીવી પર કામ કરીને કંટાળ્યા એટલે સિનેમા તરફ નજર દૃોડાવી અને ફિલ્મડિરેકટર તરીકે પણ સફળ થયા.
શું હતું ‘પ્રીટી વુમન’? વિવિયન નામની એક જુવાન સડકછાપ વેશ્યા છે (અંગ્રેજીમાં જેને હૂકર કહે છે તે, જુલિયા રોબર્ટ્સ). ભડકામણા કપડાં પહેરીને એ એક વાર લોસ એન્જલસની સડકો પર ગ્રાહકની શોધમાં રખડતી હોય છે ત્યારે એનો ભેટો એડવર્ડ નામના એક અત્યંત ધનાઢ્ય બિઝનેસમેન સાથે થઈ જાય છે. બન્ને વચ્ચે સોદૃો થાય છે. પેલો કહે છે – હું છ દિૃવસ આ શહેરમાં રહેવાનો છું. મને રાત-દિૃવસ કંપની આપીશ? એક રાતના ત્રણસો ડોલરના હિસાબે છ રાતના તને અઢારસો ડોલર ગણી આપીશ. બોલ, છે મંજૂર? વિવિયન કહે છે – પણ હું દિૃવસમાં ય તારી સાથે હોઈશને. દિૃવસના પૈસા તારે એકસ્ટ્રા આપવા પડશે. એડવર્ડ કહે છે – ઓકે.
‘પ્રીટી વુમન’ના સેટ પર જુલિયા રોબર્ટ્સ અને રિચર્ડ ગેરને સીન સમજાવી રહેલા ગેરી માર્શલ
આ છ દિૃવસ અને છ રાત દૃરમિયાન બન્ને વચ્ચે માત્ર શરીરનો નહીં, લાગણીનો સંબંધ પણ બંધાય છે. તેમની વચ્ચે નોકઝોંક પણ થાય છે ને ઝઘડીને વિખૂટા પડે છે. પછી બેયને અહેસાસ થાય છે કે સામેનાં પાત્રને લીધે પોતાનું જીવન વધારે સમૃદ્ધ, વધારે સભર બન્યું છે. વિવિયને વેશ્યાવૃત્તિને હંમેશ માટે છોડીને આગળ ભણવાનો નિર્ણય લે છે, જ્યારે એડવર્ડ પણ પોતાની કેટલીક કમીઓને સુધારવાની કોશિશ કરવાનું નક્કી કરે છે. આખરે બન્ને પ્રેમીઓનું મિલન થાય છે ને ખાઈ, પીને રાજ કરે છે.
આ ફીલ ગુડ ફિલ્મની પડદૃા પાછળની નિર્માણકથા પણ ખાસ્સી ઈન્ટરેસ્ટિંગ છે. ડિઝની સ્ટુડિયોએ આ વિષય પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે શરુઆતમાં મૂળ વાર્તા અલગ હતી. ઓરિજિનલ ડ્રાફ્ટમાં વિવિયનને ચાલીસની થવા આવેલી ખખડી ગયેલી વેશ્યા બતાવવામાં આવેલી. આ વેશ્યા ડ્રગ્ઝની બંધાણી છે અને એેને ડિઝનીલેન્ડ જવાનું ખૂબ મન છે. બિઝનેસમેન એની સામે શરત મૂકે છે કે જો તારે મારી સાથે રહેવું હોય તો અઠવાડિયા સુધી નશીલી દૃવાને હાથ સુધ્ધાં નહીં લગાડવાનો. ફિલ્મનો એન્ડ એવો હતો કે એડવર્ડ રોષે ભરાઈને વિવિયનને કારમાંથી ઉતારી દૃઈને રવાના થઈ જાય છે અને પેલી ડિઝનીલેન્ડ જવા બસ પકડે છે. ડિઝનીના સાહેબોએ ગેરીને કહ્યું – જુઓ, ફિલ્મની સ્ક્રિપ્ટ તો રેડી છે, પણ છેલ્લે છેલ્લે તે બહુ ડાર્ક બની જાય છે. તમે એને હળકીફુલકી મોડર્ન લવસ્ટોરીમાં કન્વર્ટ કરી શકશો? ગેરી કહે – ઓકે. સ્ક્રિપ્ટ નવેસરથી લખવામાં આવી. ઓરિજિનલ ટાઈટલ ‘થ્રી થાઉઝન્ડ ડોલર’ બદૃલીને ‘પ્રીટી વુમન’ કરવામાં આવ્યું.
ટાઈટલ રોલ માટે શેરોન સ્ટોન, મિશેલ ફાયફર, જિના ડેવિસ, મડોના, બો ડેરેક, એમા થોમ્પસન, બ્રિજેટ ફોન્ડા, કિમ બેસિન્જર સહિતની કંઈકેટલીય અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોઈકને આ રોલ વધારે પડતો બોલ્ડ લાગ્યો. કોઈ ઉંમરમાં કાં તો નાની પડતી હતી યા તો મોટી પડતી હતી. કોઈ વિકલ્પ ન બચ્યો એટલે આખરે જુલિયા રોબર્ટ્સને લેવી પડી. તે વખતે એકવીસ વર્ષની જુલિયા હોલિવૂડમાં સાવ નવીસવી હતી. એને અગાઉ‘સ્ટીલ મેગ્નોલિઆસ’ નામની ફિલ્મ માટે ઓસ્કર નોમિનેશન જરુર મળ્યું હતું, પણ હોલિવૂડમાં કે હોલિવૂડની બહાર એનું નહોતું નામ બન્યું કે નહોતી એની કોઈ ઈમેજ ઊભી થઈ.
હીરો માટે ક્રિસ્ટોફર રિવ, ડેન્ઝલ વોિંશગ્ટન, ડેનિયલ જેવા કેટલાય એકટરનો વિચાર કરવામાં આવ્યો હતો. અરે, અલ પચીનોએ તો રિડીંગ રિહર્સલ્સ સુધ્ધાં કર્યાં હતાં, પણ પણ એમણે કોઈક કારણસર ના પાડી દૃીધી. એક વાર ચાર્લ્સ ગ્રોડિન નામના એકટર સાથે જુલિયા રોબર્ટ્સનો સ્ક્રીન ટેસ્ટ લેવાનો હતો. ગેરીએ કહ્યું, ‘જુલિયા, સાંભળ. આ ચાર્લ્સ ગ્રોડિન તારા કરતાં કમસે કમ દૃસ ગણો વધારે ફની માણસ છે. આપણે અત્યારે સ્ક્રીનટેસ્ટમાં જે સીન કરવાનાં છીએ એમાં તું સહેજ ઢીલી પડીશ તો પણ એ તને કાચોકાચો ખાઈ જશે ને તું સીનમાં દેખાઈશ પણ નહીં. એ તને ડોમિનેટ ન કરી જાય તે જોવાની જવાબદૃારી તારી.’ રિહર્સલ બાદૃ શૂટિંગ શરુ થયું. ગરીએ જોયું કે જુલિયા ચાર્લ્સને બરાબર ટક્કર આપે છે. ગરીના મનમાં જુલિયા માટે એવી છાપ ગંભીર પ્રકૃતિની છોકરી તરીકે પડી હતી, પણ કેમેરા ચાલુ થતાં જ એ બહુ જ ચાર્મિંગ, રમતિયાળ અને જીવંત બની જતી હતી.
બન્યું એવું કે ચાર્લ્સ ગ્રોડિન ‘પ્રીટી વુમન’ ન કરી શક્યા એટલે હીરોની શોધ પાછી આગળ વધી. એકટરો સાથે મીટીંગ કરવાની હોય ત્યારે ગેરી હંમેશાં જુલિયાને પોતાની સાથે લઈ જતા. એક વાર બન્ને રિચર્ડ ગેરને મળવા ગયાં. ચાલુ મીટીંગે ગેરી ઓિંચતા ઊભા થયા ને ‘હું જરા કૉફી લઈને આવું છું’ એમ કહીને નીકળી ગયાં. થોડે દૃૂરથી જઈને એમણે જુલિયા-રિચર્ડ તરફ નજર કરી. તેઓ સમજવા માગતા હતા કે પોતાની ગેરહાજરીમાં આ બન્ને એકબીજા સાથે કમ્ફર્ટેબલ છે કે નહીં? ભલે દૃૂરથી એકેય અક્ષર સંભળાતો નથી, પણ વાતચીત કરતી વખતે બેયની બૉડી લેંગ્વેજ કેવી છે? એમની વચ્ચે સરસ કેમિસ્ટ્રી રચાય એવી શક્યતા દેખાય છે? ગેરીને આ બધા સવાલના જવાબમાં ‘હા’માં મળ્યો. ગરીની અનુભવી આંખે જોઈ લીધું કે બેયની જોડી સ્ક્રીન પર સરસ લાગશે!
એવું જ થયું.
શૂટિંગ દૃરમિયાન રિચર્ડ કેટલીય વાર મીઠી ફરિયાદૃ કરતા કે ગેરી, આ જુલિયા તો ગજબની છે. કેટલું અદૃભુત કામ કરે છે. એ એકલી જ કાફી છે આખી ફિલ્મને ઊંચકી જવા માટે. તમારે હીરોની જરુર જ શી છે? ગેરી માર્શલે પછી કબૂલ્યું હતું કે રિચર્ડ ગેરની જગ્યાએ કોઈ સાધારણ એકટર હોત તો જુલિયા આખી ફિલ્મ પર છવાઈ જાય છે એ વાતે વિરોધ કર્યો હોત, પોતાના રોલને જુલિયાના રોલ કરતાં વધારે દૃમદૃાર બનાવવા જાતજાતના ઉધામા કર્યા હોત, પણ રિચર્ડ ગેરે એવું કશું જ ન કર્યું. એમણે ઈન્સિક્યોર થયા વગર જુલિયાને ઉડવા માટે પૂરતી મોકળાશ આપી. રિઝલ્ટ આપણી સામે છે.
સડકછાપ વેશ્યાનો અભિનય કરતી વખતે જો નબળી એકટ્રેસ હોય તો કિરદૃારને ચીપ કે વલ્ગર બનતાં જરાય વાર ન લાગે, પણ જુલિયાએ આ પાત્રને એવી રીતે ભજવ્યું છે કે હીરોની સાથે સાથે ઓડિયન્સ પણ એના પ્રેમમાં પડી જાય છે. રુપજિવીનીનું પાત્ર હોવા છતાં જુલિયાએ એક સ્ત્રી તરીકેની ગરિમા સતત જાળવી રાખી છે.
‘પ્રીટી વુમન’ની જબરદૃસ્ત સફળતાને લીધે જુલિયા રોબર્ટ્સ રાતોરાત ગ્લોબલ સુપરસ્ટાર બની ગઈ. મેરીલ સ્ટ્રીપ જેવી મેરીલ સ્ટ્રીપને પાછળ રાખીને જુલિયાએ આ ફિલ્મ માટે બેસ્ટ એકટ્રેસનો ઓસ્કર અવોર્ડ જીતી લીધો. વર્ષો સુધી હોલિવૂડની ટોચની એકટ્રેસ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખીને અને એકએકથી ચડિયાતી ફિલ્મો કરીને એણે પૂરવાર કર્યું કે એ કંઈ વન-ફિલ્મ-વંડર નહોતી. ‘પ્રીટી વુમન’ને લીધે હીરો રિચર્ડ ગેરની કરીઅરને નવું ઈંધણ મળ્યું. આ ફિલ્મ પ્રેક્ષકોને એટલી બધી ગમી કે હોલિવૂડની સૌથી લોકપ્રિય, સૌથી સફળ અને સદૃાબહાર રોમેન્ટિક ફિહ્લમોની ચર્ચા થાય છે ત્યારે ‘પ્રીટી વુમન’ના ઉલ્લેખ વગર વાત પૂરી થઈ શકતી નથી.
દૃરેક નોંધપાત્ર ડિરેકટરની કરીઅરમાં ઘણું કરીને એક એવી ફિલ્મ જરુર હોય છે જે એના માટે સજ્જડ રેફરન્સ પોઈન્ટ બની જાય. આ ન્યાયે ગેરી માર્શલ હંમેશાં ‘પ્રીટી વુમન’ના ડિરેકટર તરીકે યાદૃ રહેવાના.
શો-સ્ટોપર
ગેરી વહાલથી ભેટે ત્યારે મને એટલી હૂંફ અને સલામતીનો અનુભવ થાય છે કે મને ક્યારેક રડવાનું મન થઈ જાય છે.
– જુલિયા રોબર્ટ્સ (ગેરી માર્શલના મૃત્યુના થોડાં મહિનાઓ પહેલાં)
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply