આશીષ કક્કડ સફળ ફિલ્મમેકર હતા કે નિષ્ફળ?
—————————-
અર્બન ગુજરાતી સિનેમાના પાયાના પથ્થર જેવા આશીષ કક્કડે બે ફિલ્મો બનાવી. આ ફિલ્મની નાયિકાઓ નેહા મહેતા અને આરતી પટેલ એમને શી રીતે યાદ કરે છે?
— Multiplex – દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ ———
ગુજરાતી ફિલ્મમેકર આશીષ કક્કડનું 49 વર્ષની વયે તાજેતરમાં અવસાન થયું ને ગુજરાતી સિનેમા, રંગભૂમિ અને ટેલીવિઝનના ક્ષેત્રમાં પ્રકંપ આવી ગયો. અર્બન અથવા તો ન્યુ વેવ ગુજરાતી સિનેમાના પ્રારંભની વાત આવે છે ત્યારે આશીષ કક્કડની પહેલી ફિલ્મ ‘બેટર હાફ’નો માનભેર ઉલ્લેખ કર્યા વગર ચાલતું નથી.
‘આ ફિલ્મનો હિસ્સો હોવાનો મને ગર્વ છે,’ ફિલમની નાયિકા નેહા મહેતા કહે છે, ‘’બેટર હાફ’નીય પહેલાં વિપુલ શર્માએ ડિરેક્ટ કરેલી ‘લવ ઇઝ બ્લાઇન્ડ’ (2–5) નામની ગુજરાતી ફિલ્મ આવેલી, જેમાં સોનાલી કુલકર્ણી નાયિકા હતી અને આ ફિલ્મ મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થઈ હતી. મને તે વખતે પણ ભરપૂર આનંદ થયો હતો.’
આશીષ કક્કડને બધાં જ પ્રકારનાં કામ કરતાં નેહાએ જોયા છે – થિયેટર, ટેલીવિઝન, સિનેમા, પ્રોડક્શન ડિઝાઇન, વૉઇસ ઑવર, કાસ્ટિંગ… ‘હી વોઝ અ મલ્ટિટાસ્કર,’ નેહા મહેતા કહે છે, ‘મેં જોયું છે કે સામાન્યપણે મનોરંજનના ક્ષેત્રમાં એક-બે પ્રોજેક્ટ કરી લીધા પછી લોકોમાં હવે વધારે પૈસા કેમ બનાવી લેવા તે પ્રકારની માનસિકતા આક્રમક બની જતી હોય છે, પણ આશીષભાઈમાં ‘હવે વધારે કામ કેવી રીતે મેળવવું’ તે પ્રકારનો આક્રમક એટિડ્યુડ આવી જતો. મેં એમને એક વાર પૂછેલું કે આશીષભાઈ, કામની પાછળ આટલું બધું કેમ ભાગો છો? તેમણે કહેલું કે દોસ્ત, મજા આવે છે. કામ કરીને, થાકીને હું જે રીતે રાતે સૂઈ જઉં છુંને, એ મજા અલગ છે. હી વોઝ અ પર્સન ઑફ લેબર વિથ સ્ટાઇલ! આશીષ કક્કડે બહુ જલદી પોતાની કાલ્પનિક નિષ્ફળતાને પચાવી લીધી હતી. કાલ્પનિક નિષ્ફળતા એટલે ચિક્કાર પૈસા બનાવી ન શકવાની નિષ્ફળતા. એમનો એટિટ્યુડ એવો હોય કે, ‘ઠીક છે, યાર… ના કમાયા તો ના કમાયા!’ મેં એમની નાણાભીડ જોઈ છે, પણ તેમનું ઝનૂન ક્યારેય ઓછું થતું જોયું નથી.’
આશીષ કક્કડ અને નેહા મહેતાનો પરિચય ઘણો જૂનો. મૌલિન મહેતાના ડિરેક્શનમાં બનેલી બે ગુજરાતી ફિલ્મોમાં નેહા નાયિકા બન્યાં હતાં – ‘પ્રેમ એક પૂજા’ (2–6) અને ‘જન્મોજનમ’ (2–7). આ બન્ને ફિલ્મોમાં આશીષ કક્કડ અસોસિએટ ડિરેક્ટર હતા.
‘આ ફિલ્મોના મેકિંગ દરમિયાન આશીષભાઈએ મને એક વાર પૂછ્યું હતું કે નેહા, તું કમર્શિયલ ફિલ્મો તો કરે જ છે, પણ હું તને કશીક અલગ પ્રકારની ફિલ્મ કરવાનું કહું તો તું કરે ખરી? મેં કહેલું કે, જ્યારે તમે આવી ફિલ્મ કરવાનું નક્કી કરો તે દિવસે મને કહી દેજો. હું આવી જઈશ… અને એક દિવસ મારા પર એમનો ફોન આવ્યોઃ તું ધર્મેન્દ્ર ગોહિલને ઓળખે છે? મેં કહ્યું, હા. મને કહે, એને તું તારી સાથે સુખેથી રહેવા દઈશ? બહુ અચ્છો એક્ટર છે. મેં કહ્યું, એ તો મરીઝ છે, મરીઝ. (ધર્મેન્દ્ર ગોહિલે ‘મરીઝ’ નામના ઉત્તમ નાટકના ટાઇટલ રોલમાં અદભુત અભિનય કર્યો છે.) આશીષભાઈ કહે, બસ તો પછી, મારી ફિલ્મમાં આપણે એને તારો પતિ બનાવવો છે!’
આ ફિલ્મ એટલે ‘બેટર હાફ’ (2-1-). અમદાવાદમાં દસ જ દિવસમાં આખી ફિલ્મનું શૂટિંગ આટોપી લેવામાં આવ્યું. સીધીસાદી વાર્તા, સીધીસાદી ફિલ્મ. અમદાવાદમાં વસતા એક યુવાન વર્કિંગ કપલ સામે લગ્ન કર્યા બાદ કેવી કેવી સમસ્યાઓ ઊભી થાય છે ને તેમણે કેવાં કેવાં સમાધાનો કરવાં પડે છે તેની વાત આ ફિલ્મમાં છે. આ ફિલ્મ સહજપણે સમજાવી દે છે કે એકબીજાની જરૂરિયાત હોવી અને એકબીજા પ્રત્યે પ્રેમ હોવો આ બન્ને અલગ બાબત છે!
‘બેટર હાફ’નો સિનેમેટિક પરિવેશ સાવ નવો હતો. તેમાં અંગ્રેજી શબ્દોના મિશ્રણવાળી જે સહજ ગુજરાતી ભાષા બોલાતી હતી તેવી ગુજરાતી સિનેમાના ઑડિયન્સે ક્યારેય સાંભળી નહોતી. આ સાચા અર્થમાં એક અર્બન ફિલ્મ હતી. ફિલ્મમાં એક સાવ સાદો, લગભગ મોન્ટાજ શોટ જેવો, પણ ગુજરાતી સિનેમા માટે નવો કહેવાય એવો બેડરૂમ સીન પણ હતો. સ્વાભાવિકપણે જ નેહાને આ દશ્ય ભજવવામાં સંકોચ થયેલો. એમણે આશીષ કક્કડ સાથે દલીલો પણ કરી હતી. નેહા કહે છે, ‘આશીષભાઈએ ત્યારે મને કહેલું કે નેહા, એક વાર આ સીનને મારા દષ્ટિકોણથી જો, એક વાર મારા વિઝનને તારા વિઝનમાં ઉતારીને જો! મેં એમની વાત માની લઈને એ સીન કર્યો ત્યારે આશીષભાઈ રીતસર ભાવુક બની ગયા હતા. આશીષભાઈ પાસેથી હું ખૂબ બધું શીખી છું.’
‘બેટર હાફ’ પછી 2-16માં આશીષ ક્કકડના ડિરેક્શનમાં બનેલી એમની બીજી અને છેલ્લી ફુલલેન્થ ફિચર ફિલ્મ આવી – ‘મિશન મમ્મી’. આ ફિલ્મનાં મૂળિયાં એટલે ધીરુબહેન પટેલે લખેલું અને મનોજ શાહે ડિરેક્ટ તેમજ પ્રોડ્યુસ કરેલું ‘મમ્મી તું આવી કેવી?’ નામનું નાટક. આરતી પટેલે ‘મિશન મમ્મી’નાં મમ્મીની ભુમિકા સુંદર રીતે ભજવી છે.
‘’બેટર હાફ’ એક સ્વીટ ફિલ્મ હતી,’ આરતી પટેલ કહે છે, ‘ગુજરાતી સિનેમાના તે વખતના માહોલમાં ‘બેટર હાફ’ એક ફિલ્મ તરીકે તો વેગળી હતી જ, પણ આશીષે જે રીતે એને રિલીઝ કરી તે પણ નવું હતું. એના મનમાં ખૂબ બધા આઇડિયાઝ હતા કે ફિલ્મની આ રીતે પણ પબ્લિસિટી થઈ શકે, એને મુંબઇ જઈને આ રીતે પણ મિડીયાને દેખાડી શકાય, એની ડીવીડી પણ પ્લાન થઈ શકે અને એવું કેટલુંય. આશીષના આ તમામ પ્રયત્નો ગુજરાતી સિનેમા માટે ચીલો ચાતરનારા પૂરવાર થયા.’
આશીષ કક્કડ સાથે આરતી પટેલનો વર્ષો જૂનો નાતો. એમના ડિરેક્ટરપતિ સંદીપ પટેલના આસિસ્ટન્ટ તરીકે આશીષ કક્કડે કામ કર્યું છે. આરતી પટેલ કહે છે, ‘’મિશન મમ્મી’નું શૂટિંગ તો 2-16ના મે મહિનામાં થયું હતું, પણ બાળકલાકારો સાથે તેમણે આગલા વર્ષના નવેમ્બર-ડિસેમ્બરથી જ વર્કશોપ શરૂ કરી દીધા હતા. બાળકોને ટેક્નિકલ આંટીઘૂંટીમાં બાંધ્યા વગર સહજ રીતે પર્ફોર્મ કરવા દેવાનો એનો અભિગમ. ફિલ્મના સહલેખક દીપક સોલિયા સાથે તેઓ ચર્ચા કરે, દશ્યો ફાયનલાઇઝ કરતો જાય. આખરે ફાયનાન્સની સમસ્યાઓ ઉકેલાઈ પછી એણે પંદર-વીસ દિવસમાં આખી ફિલ્મ શૂટ કરી નાખી. એક ડિરેક્ટર તરીકે એ બહુ જ સ્પષ્ટ. હૃષિકેશ મુખર્જીની જેમ એ પણ માને કે ફિલ્મ બહુ જ સહજ લાગવી જોઈએ. હું એને ક્યારેક મજાકમાં કહેતી કે આશિયા, તું મારી પાસે આટલું બધું નેચરલ પર્ફોર્મન્સ કરાવીશ તો અભિનયના અવોર્ડ માટે મારી ક્યારેય ગણના જ નહીં થાય!’
જે ડિરેક્ટર સાથે મિત્રતાના સ્તરે વેવલેન્થ મળતી હોય એની સાથે કામ કરવાનો આનંદ અલગ જ હોવાનો. શૂટિંગ કે ડબિંગ દરમિયાન આશીષ કક્કડ ક્યારેક ટકોર કરતાઃ ‘આ શોટમાં આરતીબેન દેખાઈ ગયાં. ફરીથી કરીશું?’ આ ટકોરનો અર્થ એવો થાય કે આ શોટમાં આરતી પટેલે પોતે વાસ્તવિક જીવનમાં જેવાં છે એવાં એટલે કે સ્વતંત્ર મિજાજ અને સ્વતંત્ર વ્યક્તિત્ત્વ ધરાવતી મહિલા જેવો નહીં, પણ ‘મિશન મમ્મી’ની નાયિકા અપર્ણા જેવી ભીરુ અને પ્રમાણમાં ગરીબડી પ્રકારની સ્ત્રી જેવો અભિનય કરવાનો છે!
આરતી પટેલ એક રમૂજી કિસ્સો યાદ કરે છે, ‘અમે ગુજરાતી સિનેમા સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓ માટે એક વૉટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. કોણ જાણે શું થયું કે એક પછી એક બધા તેમાંથી નીકળતા ગયા. પછી હું આશીષને કહેતી કે આશિયા, આપણે અહીં પર્સનલ ચેટ કરીએ તોય વાંધો નથી, કારણ કે આ ગ્રુપમાં હવે તું અને હું બે જ બચ્યાં છીએ!’
આશીષ કક્કડે હવે પછી એક રિક્ષાચાલકના જીવન પર આધારિત ફિલ્મ બનાવી હોત, જો તેમને આવશ્યક ફાયનાન્સ મેળવવામાં ફરી પાછી સમસ્યા નડી ન હોત તો. ‘જે ડિરેક્ટર બહુ જ ચોખ્ખા છે એમને ફાયનાન્સ મળવામાં તકલીફ થવાની જ છે,’ આરતી પટેલ સમાપન કરે છે.
આશીષ કક્કડ જેવા નવો પ્રવાહ જન્માવનાર ચોખ્ખા ડિરેક્ટરે સુધ્ધાં જો આવશ્યક નાણું મેળવવા માટે સતત સંઘર્ષ કરવો પડતો હોય અને નેહા મહેતા કહે છે તેમ કાલ્પનિક નિષ્ફળતા પચાવી લેવી પડતી હોય તો તેને ગુજરાતી સિનેમાજગતની કરૂણતા ગણવી જોઈએ.
– શિશિર રામાવત
Leave a Reply