મલ્ટિપ્લેક્સ – ગિલ્ટનો રંગ કેવો?
Sandesh – Ardh Saptahik purti – 19 Oct 2016
મલ્ટિપ્લેક્સ
કલાકાર – પછી એ ચિત્રકાર હોય, શિલ્પકાર હોય, લેખક હોય કે એક્ટર હોય – એનો માંહ્યલો કેવી રીતે એની કૃતિઓમાં ઝળકી જતો હોય છે?
* * * * *
વાચન-લેખન જ જેનું જીવન છે એવો લેખક અમુક ચોક્કસ શબ્દ સરખી રીતે’હેન્ડલ’ કરી શકતો ન હોય એવું બને? આંકડાઓની એકધારી પટ્ટાબાજી ખેલવી જેનો ધર્મ છે એવો અકાઉન્ટન્ટ કોઈ ચોક્કસ આંકડાને બરાબર ‘હેન્ડલ’ ન કરી શકે તેમ બને? ચિત્રકળા જેનું પેશન છે એવો ચિત્રકારને કોઈ ચોક્કસ રંગ ‘હેન્ડલ’ કરતી વખતે અસ્થિર થઈ જતો હોય એવું બને?
હા, બને.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી ચિત્રકાર અતુલ ડોડિયાએ કહેલી એમના નાનપણની એક વાત સાંભળીને, રાધર, વાંચીને જબરું કૌતુક થયું હતું. આ વાત અતુલ ડોડિયાએ ઉત્તમ લેખક-નાટ્યકાર નૌશિલ મહેતાને કહી હતી, જે તેમણે પછી ‘ફાર્બસ’ મેગેઝિનના તાજા અને દૃળદૃાર વિશેષાંક માટે લખેલા પોતાના મસ્તમજાના પ્રલંબ લેખમાં ઉતારી.
નૌશિલ મહેતાની પહેલાં, એક લેખક-કયુરેટર અને કોલકાતાના જાણીતા અંગ્રેજી અખબારના એક સંપાદૃક સાથે અતુલ ડોડિયાની લંબાણપૂર્વક વાતચીત ચાલી હતી. ચારેક દિૃવસ સુધી બન્ને વચ્ચે ગુફતગૂ થયા કરી. વાતવાતમાં સંપાદૃકસાહેબે એકાએક ‘સાઈકિયાટ્રિસ્ટ પૂછે એવો’ તીરછો સવાલ ફેંક્યો કે અતુલભાઈ, તમે ઘાટકોપરની ચાલીમાં ઉછર્યા છો તો તમારા એ ઘરમાં તે વખતે ફર્નિચર કેવું હતું?
‘આ સવાલના જવાબમાં ભળતો મસાલો બહાર આવ્યો,’ અતુલ ડોડિયા કહે છે, ‘મેં એમને એક એવી વાત ઘટનાની વાત કરી જે મેં કોઈને નથી કરી, કેમ કે સ્મરણશકિત હોવા છતાં એ ઘટના ક્યાંક અંદૃર ધરબાઈ ગયેલી.’
શું હતી એ ઘટના? આનો જવાબ અતુલ ડોડિયાના શબ્દોમાં જ સાંભળોઃ
‘થયેલું એવું કે અમારે ઘરે રોઝવુડની બનેલી બે સુંદર કેબિનેટ્સ હતી. બાપુજીના બેડરુમમાં. નાનકડી હતી. એમની ઉપર માળિયું આવે. ત્યાં મારાં ચિત્રો, પોર્ટફેલિયો, ઘરવખરીમાં આડો આવતો સામાન, હાર્ડવેરનો સામાન અને ઇનેમલ પેઇન્ટના ડબા રહેતા. પેઇન્ટ લીલો – પ્રોપર ગ્રીન.
માળિયેથી મારી ચીજવસ્તુ લેવા-મૂકવામાં એક દિવસ મારાથી એકાદ દસ લિટરનો ડબો આડો પડી ગયો હશે, આપોઆપ ખૂલી ગયો હશે. તે રંગ રેલાયો, ફેલાયો. જાડો ચમકતો લીલોચટ્ટક રંગે માળિયેથી બહાર નીકળીને કેબિનેટ પર પડયો… એની અંદર પેસ્યો.
મારા બાપુજી કપડાંના શોખીન. ફંકડી ફઉન્ટન પેન વાપરે, વિદેશી ઘડિયાળ, સ્ટાઇલિશ જોડાં પહેરે. કોટ-જેકેટ, સરસ સિલાઈના શર્ટ્સ અને નીચેથી વાળેલા ટ્રાઉઝર્સના રસિયા. એ લીલો ઇનેમલ રંગ બધું પલાળીને ભોંયની લાદી પર ફેલાયો ત્યાર સુધી અમારું કોઈનું ધ્યાન ન ગયું.
આ ઘટના રાતે થઈ હશે અને સવારે ઝાડું કાઢતા છોકરાનું ઝાડું ચોંટી ગયું ત્યારે એણે જોયું કે ત્યાં રંગ પડયો છે અને જામી ગયો છે. એણે મને પૂછયું કે આ રંગ કયાંથી આવ્યો? ત્યારે કબાટ ખોલ્યું અને જોયું કેવા હાલ થયેલા! જે વઢ પડી છે મને! એ યાદ નથી કે બાપુજીએ એકઝેકટલી શું બોલેલા, કદાચ હું બહુ નાનો હતો, પણ નીચી મૂંડી કરીને વઢ ખાધાનું યાદ છે.’
આ આખો કિસ્સો વર્ણવ્યા પછી અતુલ ડોડિયા ઉમેરે છેઃ ‘કમાલની વાત એ છે કે મારાં ચિત્રોમાં આજેય લીલો રંગ હેન્ડલ કરવો મને કપરો પડે છે. એવો લીલો રંગ જવલ્લે જ મારા કામમાં તમને દેખાશે. અલબત્ત, હું લીલો રંગ કયારેક જ વાપરું છું, પણ એમેરાલ્ડ ગ્રીન કે ઘેરા લીલા સ્વરૂપે.’
આં સાંભળીને પેલા સંપાદકે એક સ્ટેટમેન્ટ કરી નાખ્યું – ‘ગ્રીન ઇઝ ધ કલર ઓફ્ ગિલ્ટ ફેર યુ!’ અર્થાત્ લીલા રંગનો સંબંધ નાનપણમાં પેલી ઘટનાને કારણે ચિત્રકારના મનમાં જાગેલા તીવ્ર અપરાધીભાવની લાગણી સાથે હોઈ શકે. એવું બને કે ખુદની બેદરકારી, કપડાં તથા બીજી ચીજવસ્તુઓને થયેલું નુકસાન અને બાપુજીની વઢ – આ સૌની સ્મૃતિઓનું પડીકું પેલા લીલા રંગમાં ઝબોળાઈને એમના ચિત્તના કોઈ પડળમાં લપાઈ ગયું હોય, એક ગિલ્ટ બનીને. શકય છે કે ચિત્ર બનાવતી વખતે તે લીલોતરું ગિલ્ટ અભાનપણે સપાટી પર ડોકિયાં કરી જતું હોય, જેને કારણેે આટલા મોટા ચિત્રકાર હોવા છતાંય અતુલ ડોડિયાને લીલો રંગ હેન્ડલ કરવામાં મુશ્કેલીનો અનુભવ થતો હોય!
આ થિયરીમાં કેટલું તથ્ય છે તે આપણે જાણતા નથી, પણ તે ભારે ઇન્ટરેસ્ટિંગ એ તો નક્કી. સામયિકના લેખમાં અતુલ ડોડિયાએ બીજી કેટલીય ઇન્ટરેસ્ટિંગ વાતો કહી છે. માણસ કલા વિશે બહુ બધું જાણતો હોય, એને બહુ બધી ખબર પડતી હોય, દુનિયાભરના ચિત્રકારોના નામો છાંટી શક્તો હોય અને તેમની ચિત્રશૈલીઓ વિશે એ પટ્ પટ્ પટ્ કરતો અઘરા શબ્દોમાં વર્ણનો કરી શકતો હોય તો તે શું હંમેશાં ઇચ્છનીય બાબત છે? માણસનું જ્ઞાાન કલા-સંગ્રહ માણવામાં એની મદદ કરે છે કે વિઘ્નો ઊભા કરે છે?
આ સવાલ પૂછીને અતુલ ડોડિયા કહે છે, ‘જાણકારો જ કલા માણી શકે એ ધારણા ભૂલભરેલી હોઈ શકે. તમે જે જાણો છો એ કયારેક તમારી જોવાની પ્રક્રિયામાં દખલ પણ કરી શકે. મારો ઉછેર મુંબઈના પરામાં થયો – ઘાટકોપરની ચાલીમાં. મારા કુટુંબીઓ કે પાડોશીઓને આધુનિક કલાના કક્કાનીય ખબર નહોતી. પણ મારું થતું કામ કે પૂરું થયેલું કામ જોઈને તેમના પ્રતિભાવો મોટા ભાગે સચોટ અને સાચા હતા અને આજેય હોય છે. એથી મને થાય છે, ના, કલા કેવળ કલારસિકોની જાગીર નથી. સામાન્ય માણસો – જેમને કલા વિશે કંઈ જાણકારી નથી – તેઓ આ કલા માણી શકે છે. હા, કયારેક કોઈ કલાકૃતિની ખૂબી ચીંધવી પડે, કયારેક એકાદ ઐતિહાસિક વિગત કહેવી પડે. પણ નજીવી ટિપ્પણીઓના આધારેય તેઓ ઉત્તમ કલા ભરપૂર માણી શકતા હોય છે.’
અતુલ ડોડિયા ભારતના સૌથી સફળ અને સૌથી મોંઘા કન્ટેમ્પરી આર્ટિસ્ટોમાં સ્થાન પામે છે. એમના એક-એક ચિત્રની કિંમત લાખોમાં નહીં, કરોડોમાં પહોંચે છે. તેઓ કહે છે, ‘અહીં ચિત્રકળાની વાત ચાલે ને નક્કી કોઈ બોલી ઊઠે, ‘આપણને તો સીધી લીટી દોરતાં ન આવડે…’ કે ‘મોડર્ન આર્ટમાં આપણું કામ નહીં…’ કે ‘આવું તો મારી ચાર વરસની બેબી પણ ચીતરી શકે…’ ચિત્ર કરવા બેસું ત્યારે આવાય વિચારો મારા માથામાં ભમતા હોય છે!’
આમ કહીને તેઓ ઉમેરે છે, ‘હું દઢપણે માનું છું કે હું કલાકૃતિ મારા માટે નથી બનાવતો. હું જ મારી કૃતિનો પહેલો દર્શક, પહેલો ચાહક, પહેલો વિવેચક… પણ એની રચના પૂરી થયા પછી એ કૃતિ મારે કોઈને દેખાડવી હોય. મારી કૃતિ જોતાં દર્શકના મારે હાવભાવ વાંચવા હોય… એના અંગેઅંગની ભાષા ઉકેલવી હોય! દરેક કૃતિ જોનારને કંઈક આપતી હોય છે… એને નિહાળીને દરેક જોનાર કશુંક પામતો હોય છે… દરેક જોનારને શું પહોંચ્યું એ મારે કળી લેવું હોય છે. આખરે કળા પ્રદર્શનનો હેતુ શું છે? અલબત્ત, કલાની બજાર છે અને અમે અમારું કામ વેચીએ છીએ – એ આર્થિક દુનિયાની ના નહીં – પણ પ્રદર્શનનો મૂળ હેતુ શેરિંગનો છે… કે મેં આ કર્યું છે તો બધા આવો અને માણો પોતપોતાની રીતે! જે આનંદ મને કલાકૃતિની રચના કરતી વખતે થાય છે એવો જ ઉલ્લાસ મને થાય છે જ્યારે લોકો એને નિહાળે છે ત્યારે!’
‘ફાર્બસ’ના સ્પેશિયલ ઇશ્યુમાં ૮૬ વર્ષની પકવ ઉંમરે મૃત્યુ પામેલા નામાંકિત ચિત્રકાર જેરામ પટેલ વિશે પણ લેખ છે. તેમણે દાયકાઓ પહેલાં પોતાની કેફ્યિત આપતા લખેલું કે –
‘ચિત્ર રચતી વખતે હું હંમેશાં આક્રમણ જ કરતો હોઉં છું… ધારો કે હું લાલ રંગનો પ્રયોગ કરું છું. એનો અર્થ એ થાય છે કે કોઈક ચોક્કસ રંગ ઉપર, કોઈક ચોક્કસ જગા માટે એ કોઈક ચોક્કસ કારણોસર મેં હુમલો કર્યો છે. આ બધું એની મેળે બનતું આવતું હોય છે. કામ શરૂ કરું છું ત્યારે મારા મનમાં કશું સ્પષ્ટ હોતું નથી. એ બધું સ્વાભાવિક ક્રમે અનાયાસે જ આવતું હોય છે. આ જગા માટે લાલ છે, આ પીળા માટે છે કે આ કાળા માટે છે… રંગોને નાટકના પાત્રોની જેમ અભિનય કરતાં જોવામાં રસ છે. મુખ્ય વાત તો એ છે કે હું કશું જ આમ જુઓ તો ચોક્કસપણે કરવા માગતો નથી. મારે તો માત્ર લાલને એની પોતાની ખાસ જગાએ, કાળાને એની જગાએ અને કથ્થઈને એની જગાએ જોવા હોય છે અને એ જ પ્રમાણે બીજા રંગો બાબતે કહી શકું. અહીં કોઈ એવી દલીલ કરી શકે કે આવું તો કોઈપણ કરી શકે. હા, નિશંકપણે જરૂરથી એ કરી જ શકે, જેમ બાળકો પણ કરે છે. કશું જ પણ વિચાર્યા વગર રંગો લઈને એ તો કાગળ પર ચિતરડા કરતાં જ હોય છે ને!’
અતુલ ડોડિયાએ પોતાનાં ચિત્રોને લોકો સામે પ્રદર્શિત કરવાની અને શેરિંગના આનંદની વાત કરી છે, તો જેરામ પટેલ આ સ્થિતિને જરા જુદી રીતે મૂકે છેઃ
‘એક ચિત્ર કર્યા પછી હું એને અલબત્ત નીરખું છું પણ એ એવી રીતે કે જે રીતે નૈસર્ગિક પદાર્થને જોતો હોઉં. જેમ કે એક લેન્ડસ્કેપને આપણે જોઈએ છીએ કે પછી ઝાડને જોઈએ છીએ કે પછી એક પથ્થરને પણ જોતાં હોઈએ છીએ. મનમાં કોઈ પૂર્વગ્રહ રાખ્યા વિના જોતો હોઉં છું. આ મેં બનાવ્યું છે માટે એના માટે મને મમત હોય કે લાગણી હોય એવું કશું એમાં નથી હોતું… કોઈ અન્યના ચિત્ર વિશે પણ એવું જ કહી શકું. એને કોઈ નૈસર્ગિક પદાર્થ તરીકે જ હું જોવાનું પસંદ કરું છું.’
કલાકારનો માંહૃાલો – પછી એ ચિત્રકાર હોય, શિલ્પકાર હોય કે લેખક હોય કે અભિનેતા – એ કેવી રીતે એની કૃતિઓમાં ઝળકી જતો હોય છે? બહુ રસપ્રદ છે આ સવાલ અને એનો જવાબ ચોક્કપણે બહુરંગી હોવાનો!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply