મલ્ટિપ્લેક્સઃ આવતી કાલ વર્ચ્યુઅલ રિયાલિટીની છે?
સંદેશ – સંસ્કાર પૂર્તિ – 6 નવેમ્બર 2016
મલ્ટિપ્લેક્સ
અત્યાર સુધી આપણે ‘અવતાર’ ફેમ જેમ્સ કેમરોન જેવા સુપર ડિરેકટરોના કેસમાં સાંભળતા આવ્યા છીએ કે ફ્લ્મિની કહાણીને કલ્પી હોય અદ્દલ એવી જ રીતે પડદા પર પેશ કરવા માટે તેમણે ખાસ ટેક્નોલોજી વિકસાવી હતી. આ સ્થિતિ હવે આપણે ત્યાં ઘરઆંગણે ઊભી થઈ છે. ‘બાહુબલિ-ટુ’ માટે વિશિષ્ટ પ્રકારના વીડીયો સ્ટિચિંગ સોફ્ટવેર ધરાવતા ખાસ વર્ચ્યુઅલ રિયાલિટી કેપ્ચર કેમેરા વિકસાવવામાં આવ્યા છે.
* * * * *
થોડા દિવસો પહેલાં જ આયોજિત થયેલા મુંબઈ ફ્લ્મિ ફેસ્ટિવલમાં ‘બાહુબલિ-ટુ’ની પહેલી ઝલક દેખાડવામાં આવી. આ તો ખેર, રૂટિન વાત થઈ. જે વાતે તરત ધ્યાન ખેંચ્યું તે આ હતીઃ ‘બાહુબલિ’એ અજબગજબની વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી સાથે હાથ મિલાવ્યો છે. ફ્લ્મિ ૨૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ રિલીઝ થશે તેની પહેલાં ‘ધ સ્વોર્ડ ઓફ બાહુબલિ – અ વીઆર એકસપિરીયન્સ’ લોન્ચ કરવામાં આવશે. દેશભરના મહારનગરોમાં પચાસેક જેટલાં મોલ, મલ્ટિપ્લેકસ અને અન્ય એન્ટરટેનમેન્ટ સેન્ટરો પસંદ કરી ત્યાં ખાસ વર્ચ્યુઅલ રિયાલિટી રૂમ ઊભા કરવામાં આવશે. તમારે વર્ચ્યુઅલ રિયાલિટીના ડાબલા જેવાં ચશ્માં આંખ પર ચડાવી લેવાના, કાન પર ઇયરફેન્સ લગાવવાના અને પછી અજીબોગરીબ અનુભવ માટે રેડી થઈ જવાનું.
થિયેટર, ટીવી કે કમ્પ્યૂટર પર ફ્લ્મિ જોતા હોઈએ ત્યારે આપણી અને સ્ક્રીન વચ્ચે સતત એક પ્રકારનું શારીરિક અંતર જળવાયેલું રહે છે. ડિરેકટરે ભલેને ગમે તેટલી ક્રિએટિવિટી નિચોવીને અને રૂપિયા ખર્ચીને આલાગ્રાન્ડ વિઝ્યુઅલ્સ ઊભા કર્યા હોય, આપણે ભલેને આ બધી દ્દશ્યાવલિ જોઈને અભિભૂત થઈ જઈએ ને આફ્રીન પોકારી ઊઠીએ, પણ સ્ક્રીન અને આપણી વચ્ચેનંુ પેલું શારીરિક અંતર કયારેય દૂર થતું નથી. આપણે કયારેય જે-તે સીનમાં ‘સદેહે’ હાજર હોતા નથી, આપણે કયારેય સ્વયં કથાપ્રવાહનો હિસ્સો બનતા નથી. ફ્લ્મિ ગમે તેટલી ગમી જાય તો પણ આપણે આખરે રહીએ છીએ તો ‘દર્શક’ જ.
વર્ચ્યુઅલ રિયાલિટી એ ટેક્નોલોજી છે, જે આપણી અને સ્ક્રીન વચ્ચેનું પેલું શારીરિક અંતર સદંતર ભૂંસી નાખે છે. તે આપણને ઊંચકીને સીધા ફ્લ્મિના લોકેશન પર મૂકી દે છે, હીરો-હીરોઈન-વિલનની વચ્ચે બેસાડી દે છે. સ્ક્રીન પરની ઘટનાઓ હવે જાણે ક્ે સાચેસાચ તમારી સાથે, તમારી સામે બને છે. તમે જાણે કે બધું જ ફ્ીલ કરી શકો છો, તમે પોતે શૂટિંગ કરી રહૃાા હો અથવા તમે ખુદ વાર્તાનો એક ભાગ હો તેવી અનુભૂતિ કરી શકો છો. તમને એકચ્યુઅલી ખબર હોય કે તમે વર્ચ્યુઅલ રિયાલિટી રૂમમાં એક ખુરશી પર ડાબલાં જેવા ચશ્માં ચડાવીને મારી સીટ પર બેઠા છો, છતાંય રોલરકોસ્ટરની ફ્લ્મિ જોતી વખતે તમને એવી નક્કર લાગણી થાય કે જાણે તમે સાચે જ રાક્ષસી રોલરકોસ્ટરમાં બેઠા છો, જે વીજળીને ઝડપે ઊંધુંચત્તું-આડુંત્રાંસુ થઈ રહ્યું છે અને તમારો શ્વાસ અધ્ધર થઈ ગયો છે.
વર્ચ્યુઅલ રિયાલિટી આમ તો જૂની વાત છે. છેક ૧૯૯૪માં રિલીઝ થયેલી અને માઈકલ ડગ્લાસ – ડેમી મૂરને ચમકાવતી ‘ડિસ્કલોઝર’ નામની ઈરોટિક-થ્રિલરમાં વર્ચ્યુઅલ રિયાલિટીને આવરી લેતી એક લાંબીલચ્ચક સિકવન્સ હતી, યાદ છે? વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી ધરાવતા કેટલાય ગેમિંગ વીડિયો માર્કેટમાં ધૂમ મચાવી ચૂકયા છે. પાયલટને તાલીમ આપવા માટે જે સિમ્યુલેટર તૈયાર કરવામાં આવે છે તેમાં પણ વર્ચ્યુઅલ ટેક્નોલોજી જ ઉપયોગ થાય છેને. તમે સિમ્યુલેટરની બંધ ચેમ્બરમાં બેઠા હો, તમારી આસપાસ અસલી કોકપિટ જેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો હોય અને સામે સ્ક્રીન પર આકાશ ફેલાયેલું હોય. જુદી જુદી પરિસ્થિતિઓ, ખાસ કરીને કટોકટીની ક્ષણો એકદમ સાચુકલી લાગે તે રીતે સિમ્યુલેટ કરવામાં (એટલે કે કૃત્રિમ રીતે ઊભી કરવામાં) આવે અને એ રીતે તાલીમાર્થીને પ્લેન ઉડાડવાની ટ્રેનિંગ આપવામાં આવે.
‘ગેમિંગ વીડિયો કે એવી બે-પાંચ-સાત મિનિટના વર્ચ્યુઅલ રિયાલિટી એકસપિરિયન્સથી મને સંતોષ નહોતો,’ ‘બાહુબલિ’ સિરીઝના ડિરેકટર એસ.એસ. ચંદ્રમૌલિ મુંબઈ ફ્લ્મિ ફેસ્ટિવલની પેલી ઈવેન્ટમાં કહી રહૃાા હતા, ‘હું સ્ટોરીટેલર છું. મારે તો વાર્તા કહેવામાં વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરવો હતો. બીજું, મેં જોયું કે આપણે ગમે તેટલા ભવ્ય સેટ બનાવીએ, ગમે તેવી ઇફેકટ્સ આપીએ, પણ થિયેટરમાં સીટ પર ગોઠવાઈએ એટલે સ્ક્રીન પર બધું અસરહીન અને સપાટ જ લાગે છે. આ કમી કેવી રીતે દૂર થાય? તેનો જવાબ મને વર્ચ્યુઅલ રિયાલિટીમાં મળ્યો.’
અલબત્ત, આ આસાન નહોતું. સૌથી પહેલાં તો વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજીના અમેરિકન એકસપર્ટ્સ પાસે એ સમજવામાં આવ્યું કે ‘બાહુબલિ’ પ્રકારની ફ્લ્મિમાં વીઆર ફેર્મેટનો ઉપયોગ થઈ શકે કે નહીં, તેના થકી ધાર્યું પરિણામ લાવી શકાય કે નહીં. આ ખરેખર શકય છે તે સમજવામાં અને સ્વીકારવામાં એક વર્ષ નીકળી ગયું. અત્યાર સુધી આપણે ‘અવતાર’ ફેમ જેમ્સ કેમરોન અને ‘ગ્રેવિટી’ ફેમ અલફેન્સો કયુરોન જેવા સુપર ડિરેકટરોના કેસમાં સાંભળતા આવ્યા છીએ કે ફ્લ્મિની કહાણીને કલ્પી હોય અદ્દલ એવી જ રીતે પડદા પર પેશ કરવા માટે તેમણે ખાસ ટેક્નોલોજી વિકસાવી હતી. આ સ્થિતિ હવે આપણે ત્યાં ઘરઆંગણે ઊભી થઈ છે. ‘બાહુબલિ-ટુ’ના વર્ચ્યુઅલ રિયાલિટી એકસપિરીયન્સ માટે વિશિષ્ટ પ્રકારના વીડીયો સ્ટિચિંગ સોફ્ટવેર ધરાવતા વર્ચ્યુઅલ રિયાલિટી કેપ્ચર કેમેરા વિકસાવવામાં આવ્યા, જેને નામ આપવામાં આવ્યું, બીબી ૩૬૦. બીબી એટલે બાહુબલિનું શોર્ટ ફેર્મ. ૩૬૦નો સંબંધ ડિગ્રી સાથે છે. આ એક એવો કેમેરા છે જે ૩૬૦ ડિગ્રીએ દસેય દિશાઓને, સમગ્ર વાતાવરણને કેપ્ચર કરી શકે છે. આઠ-પગાળા ઓકટોપસ જેવા દેખાતા આ નવી નવાઈના કેમેરાએ કેવળ ભારતીય સિનેમામાં જ નહીં, પણ સંભવતઃ વિશ્વસિનેમાના ઇતિહાસમાં એક તેજસ્વી નવા પ્રકરણનો શુભારંભ કરી દીધો છે.
સિનેમેટિક વર્ચ્યુઅલ રિયાલિટીની વાત નીકળી જ છે તો આ ક્ષેત્રના અન્ય મહત્ત્વના ખેલાડીઓ વિશે ટૂંક્માં જાણી લેવું જોઈએ. સૌથી પહેલું નામ છે, ક્રિસ મિલ્ક. ઇન્ટરેકિટવ ટેક્નોલોજીનો ઉપયોગ કેવળ ગેમિંગમાં નહીં, પણ આપણી માનવીય સંવેદનાઓને જગાડે એવી કહાણીઓ કહેવામાં પણ અસરકારક રીતે થઈ શકે છે તેવું પ્રસ્થાપિત કરવાવાળા સંભવતઃ તેઓ પહેલા આદમી. આ અમેરિકન મહાશય તો ત્યાં સુધી કહે છે કે વર્ચ્યુઅલ રિયાલિટી એ સ્ટોરીટેલિંગનું અંતિમ માધ્યમ બની રહેવાનું છે કેમ કે અહીં ઓડિયન્સ અને સ્ટોરીટેલર વચ્ચે કોઈ અંતર જ રહેતું નથી. ક્રિસ મિલ્કે શરૂઆત મ્યુઝિક વીડિયોઝ બનાવીને કરી હતી. હાલ તેઓ વિધિન નામની વીઆર પ્રોડકશન કંપનીના સ્થાપક અને સીઈઓ તરીકે બિઝી બિઝી રહે છે. તેમણે ‘વોકિંગ ન્યૂયોર્ક’ અને ‘ધ ડિસપ્લેસ્ડ’ નામની બે ટૂંકી વીઆર ફ્લ્મિો બનાવી છે.
ગેબો અરોરા નામના એક એનઆરઆઈ યુનાઈટેડ નેશન્સની ફેરેન રિલેશન્સ કાઉન્સિલની ટીમના સભ્ય, ક્રિએટીવ ડિરેકટર અને સિનિયર એડવાઈઝર છે. તેઓ કહે છે કે વીઆર ટેક્નોલોજી આવશે એનો અર્થ એવો નથી કે અત્યાર સુધી આપણે જેનાથી ફ્લ્મિો બનાવતા આવ્યા છીએ તે પરંપરાગત કેમેરા આઉટ-ઓફ્-ટેડ થઈ જશે. વીઆર, પરંપરાગત સિનેમા, ટીવી, રેડિયો, રંગભૂમિ આ બધાનું સહઅસ્તિત્વ ટકી રહેશે.
યુનાઈટેડ નેશન્સે યુએનવીઆર નામની વર્ચ્યુઅલ રિયાલિટી એપ બનાવી છે. તેણે ‘કોસ્ટ ઓફ્ કોલ’ નામની વીઆર ફેર્મેટમાં બનેલી ડોકયુમેન્ટરીના અધિકારો ઓલરેડી હાંસલ કરી લીધા છે. ‘કોસ્ટ ઓફ્ કોલ’ના પ્રોડયૂસર છે, ‘શિપ ઓફ્ થિસિયસ’ નામની બેનમૂન ફ્લ્મિના રાઈટર-ડિરેકટર, આનંદ ગાંધી. ભારતની સર્વપ્રથમ વીઆર નોન-ફ્ક્શિન હોવાનું માન ‘કોસ્ટ ઓફ્ કોલ’ ખાટી જવાની છે. ફ્ૈઝા ખાને ડિરેકટ કરેલી આ ફ્લ્મિમાં કોલસાની ખાણોને લીધે માનવજીવન તેમજ જંગલો પર થયેલી વિપરીત અસરોની ચર્ચા કરવામાં આવી છે.
ક્રિસ મિલ્ક વર્ચ્યુઅલ રિયાલિટીને ‘અલ્ટિમેટ એમ્પથી મશીન’ (અન્ય માણસ પ્રત્યે સહાનુભૂતિ પેદા કરતું અદ્ભુત યંત્ર) તરીકે વર્ણવે છે. જોકે સમીક્ષકો ચેતવે છે કે પૂરતી તકેદારી રાખવામાં નહીં આવે તો વીઆર ટેક્નોલોજીના વિપરીત પરિણામો પણ આવી શકે છે. એક વાર વીઆર ટેક્નોલોજી પોપ્યુલર બનશે પછી ફ્લ્મિોના વિષયો કંઈ માત્ર નિરાશ્રિતોની પીડા કે પર્યાવરણ કે રોલરકોસ્ટરનો રોમાંચ કે ઈવન ‘બાહુબલિ-ટુ’ જેવી એડવન્ચર-ફેન્ટસી પૂરતી સીમિત નહીં રહે. હોરર, પોર્નોગ્રાફ્ી અને એકસટ્રીમ ફ્લ્મિોમાં પણ વીઆર ટેક્નોલોજીનો (ગેર)ઉપયોગ થઈ શકે છે. ખેર, આ બધી દૂરના ભવિષ્યની વાતો છે. આજની તારીખે તો સિનેમેટિક સ્ટોરીટેલિંગમાં વર્ચ્યુઅલ રિયાલિટી હજુ પહેલું કદમ માંડ ભર્યું છે. આ કટિંગ-એજ ટેક્નોલોજીને લીધે સરવાળે સિનેમાપ્રેમીઓને તો જલસો જ પડવાનો છે. સવાલ જ નથી!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply