રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન વચ્ચે શી તકરાર હતી?
Sandesh – Sanskaar purti – 25 Dec 2016
Multiplex
‘રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન ‘નમકહરામ’ના સેટ પર એકબીજા સાથે સભ્યતાથી વર્તતા, પણ અંદરખાને બંને વચ્ચે એક પ્રકારનું ટેન્શન રહૃાા કરતું,’ અસરાની યાદ કરે છે, ‘રાજેશ ખન્નામાં ‘હું મહાન છું, મને કોઈ હલાવી શકે તેમ નથી’ પ્રકારની ગુરુતાગ્રંથિ ઘર કરી ચૂકી હતી.’
* * * * *
અત્યારે ભલે હિન્દી સિનેમા પર શાહરૂખ-સલમાન-આમિરનું રાજ ચાલે છે, પણ કહેવાવાળા તો હંમેશાં કહેતા રહેવાના કે સાહેબ, એક જમાનામાં રાજેશ ખન્નાનો જે દબદબો હતો તેની સામે આ સૌ તો પાણી ભરે. અરે, રાજેશ ખન્નાને ચાહકોનો જે અધધધ પ્રેમ મળ્યો છે, એવો તો અમિતાભ બચ્ચનને પણ મળ્યો નથી. આ વાતમાં તથ્ય છે. આજે દુનિયા આખી થર્ટીર્ફ્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરશે તેના બે દિવસ પહેલાં એટલે કે ૨૯ ડિસેમ્બરે, રાજેશ ખન્નાના અઠંગ ચાહકો એમના ફેવરિટ સ્ટારની ૭૪મી જન્મજયંતી મનાવશે.
અસરાનીએ એક મુલાકાતમાં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન વચ્ચેના ખટમીઠા સંબંધ વિશે રસપ્રદ વાતો કરી હતી. યોગાનુયોગે, હિન્દી સિનેમા જેમને ‘અંગ્રેજો કે જમાને કે જેલર’ તરીકે હંમેશાં યાદ રાખવાના છે એવા ગોવર્ધન અસરાનીનો બર્થડે પહેલી જાન્યુઆરીએ આવે છે. રાજેશ ખન્ના કરતાં તેઓ એક વર્ષ અને બે દિવસ નાના. અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની ઉંમર લગભગ એકસરખી છે. અમિતાભ, રાજેશ ખન્ના કરતાં પોણાત્રણ મહિના મોટા.
માધુરી-ફ્લ્મિફેર ટેેલેન્ટ કોન્ટેસ્ટ જીતી લેવાને કરણે ત્રેવીસ વર્ષના રાજેશ ખન્નાને ફ્લ્મિોમાં બ્રેક મળ્યો હતો તે વાત સૌ જાણે છે. ‘મુંબઈના રીગલ સિનેમામાં ત્રણ બોકસ રાખવામાં આવ્યા હતા, જેમાંથી ઇન્ડસ્ટ્રીના એક નહીં પણ ત્રણ એકટરો પેદા થયા,’ અસરાની યાદ કરે છે, ‘રાજેશ ખન્ના ઉપરાંત સુભાષ ઘાઈ અને ધીરજ કુમાર પણ પેલી માધુરી-ફ્લ્મિફેર ટેલેન્ટ કોન્ટેસ્ટના વિનર્સ હતા. મને યાદ છે, એક દિવસ નટરાજ સ્ટુડિયોમાં મેં એક જુવાન છોકરાને જોયેલોે. એના ચહેરા પર પાર વગરના ખીલ હતા અને એણે ભગવા રંગનો ઝભ્ભો તેમજ લુંગી પહેર્યા હતા. મને એમ કે આ કોઈ સંન્યાસી હશે, પણ કોઈએ મને કહ્યું કે આ રાજેશ ખન્ના છે, પેલો ફ્લ્મિફેરની કોન્ટેસ્ટનો વિનર. એમની પહેલી ત્રણ ફ્લ્મિો ‘આખરી ખત’ (૧૯૬૬), ‘રાઝ’ (૧૯૬૭) અને ‘બહારોં કે સપને’ (૧૯૬૭)’ રિલીઝ થઈ ચૂકી હતી, પણ એમાંની એકેય ચાલી નહોતી. જોકે પછી ‘આરાધના’ (૧૯૬૯), ‘દો રાસ્તે’ (૧૯૬૯), ‘સચ્ચા જૂઠા’ (૧૯૭૦) અને ‘સફ્ર’ (૧૯૭૦) વગેરે ફ્લ્મિો ધૂમ ચાલી અને રાજેશ ખન્ના સુપરસ્ટાર બની ગયા.’
મુંબઈના મેટ્રો સિનેમામાં ‘દો રાસ્તે’નું પ્રીમિયર હતું. યુનાઈટેડ પ્રોડયૂસર્સ કાઉન્સિલના આઠેય પ્રોડયૂસરો – રાજ ખોસલા, જે. ઓમપ્રકાશ, પ્રમોદ ચક્રવર્તી, મોહન સહગલ, નાસિર હુસેન, શકિત સામંતા, એફ્.સી. મહેરા અને હેમંત કુમાર – સૂટબૂટ પહેરીને રાજેશ ખન્નાનું સ્વાગત કરવા કતારમાં ઊભા રહી ગયા હતા. થિયેટરની બહાર જનમેદની સતત વધતી જતી હતી. આખરે ‘ધ રાજેશ ખન્ના’ પધાર્યા. એમને જોઈને લોકો પાગલ થઈ ગયા. પેલા સુટેડ-બુટેડ પ્રોડયૂસરોને એક બાજુ હડસેલી દઈને ટોળું રાજેશ ખન્નાને જોવા, એમને સ્પર્શવા આગળ ધસી આવ્યું. સડક પરથી પસાર થઈ રહેલા લોકો પણ મેટ્રો સિનેમાના પ્રિમાઈસિસમાં ઘૂસી ગયા હતા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસે લાઠીચાર્જ કરવો પડયો. થિયેટરના ગેટથી ઓડિટોરિયમના સ્ટેજ સુધી પહોંચવામાં રાજેશ ખન્નાને ચાલીસ મિનિટ લાગી! એમાંય જ્યારે ‘બિંદીયા ચમકેગી’ ગીત આવ્યું ત્યારે ઓડિયન્સે એટલી ચિચિયારીઓ પાડી, એટલા સિક્કા અને ચલણી નોટો ઉછાળ્યા કે ન પૂછો વાત. લોકોનો ઉન્માદ પારખી ગયેલા આયોજકોએ ફ્લ્મિ પૂરી થાય તે પહેલાં રાજેશ ખન્નાને વિનંતી કરવી પડીઃ સર, તમે ‘ધી એન્ડ’ થાય તે પહેલાં જ બહાર સરકી જજો, નહીં તો આ ક્રાઉડ તમને હેરાન કરી નાખશે!
‘મેં રાજેશ ખન્ના સાથે ‘બાવર્ચી’ (૧૯૭૨)માં પહેલી વાર કામ કર્યું,’ અસરાની કહે છે, ‘સેટ પર તેઓ બધાથી અંતર જાળવી રાખતા. કેટલાય ડિરેકટરો, પ્રોડયૂસરો, લેખકો અને પત્રકારો કાયમ એમની રાહ જોતા બેઠેલા દેખાતા. બસો ભરી ભરીને ચાહકો શૂટિંગ જોવા આવતા. આ સૌને સોફ્ટ ડ્રિન્ક પિરસવામાં આવતું. બીજાઓની જેમ હું પણ રાજેશ ખન્નાને આભો થઈને જોયા કરતો.’
દરમિયાન અમિતાભ બચ્ચનનું ઇન્ડસ્ટ્રીમાં આગમન થઈ ચૂકયું હતું, પણ તેઓ ‘બંધે હાથ’, ‘સંજોગ’, ‘બંસી બિરજુ’ જેવી આજે આપણને જેમના નામ પણ ખબર નથી એવી એક પછી એક ફ્લોપ ફ્લ્મિો આપતા જતા હતા. હૃષિકેશ મુખર્જીની ‘આનંદ’ (૧૯૭૧)માં અમિતાભે સફ્ળતા જોઈ ખરી, પણ એનો મેઈન હીરો રાજેશ ખન્ના હતા, અમિતાભ નહીં. હૃષિકેશ મુખર્જીએ આ બંનેને ફરી એક વાર સાઈન કર્યા, ‘નમક હરામ’માં (૧૯૭૩). આ ફ્લ્મિનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે અમિતાભની ‘ઝંઝીર’ હજુ સુધી રિલીઝ થઈ નહોતી.
‘સેટ ઉપર રાજેશ અને અમિતાભ એકબીજા સાથે સભ્યતાથી વર્તતા, પણ અંદરખાને બંને વચ્ચે એક પ્રકારનું ટેન્શન રહૃાા કરતું,’ અસરાની યાદ કરે છે, ‘રાજેશ ખન્નામાં ‘હું મહાન છું, મને કોઈ હલાવી શકે તેમ નથી’ પ્રકારની ગુરુતાગ્રંથિ ઘર કરી ચૂકી હતી.’
હૃષિકેશ મુખર્જીએ શરૂઆતમાં જ બંનેને કહ્યું હતું કે જુઓ, મારી ફ્લ્મિમાં બે દોસ્તારોની વાત છે. એક એન્ડમાં મરી જાય છે, જ્યારે બીજો જીવીને પરિસ્થિતિનો સામનો કરે છે. બોલો, તમારે કયો રોલ કરવો છે? એ જમાનામાં ટ્રેન્ડ જેવું થઈ ગયું હતું કે ફ્લ્મિના અંતે હીરો જો મરી જાય તો ફ્લ્મિ સરસ ચાલે અને એકટરની ખૂબ વાહ-વાહ થાય. ‘આનંદ’માં ભવ્ય મોતનો આનંદ માણી ચૂકેલા રાજેશ ખન્નાએ જવાબ આપ્યોઃ હું મરીશ!
મુંબઈના મોહન સ્ટુડિયોમાં ફ્લ્મિના અંતિમ તબક્કાનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારની આ વાત છે. રાજેશ ખન્નાનો સુખડના હારવાળો ફ્રેમ કરેલો મોટો ફોટોગ્રાફ્ સેટ પર લાવવામાં આવ્યો. અમિતાભ પોતાની આદત મુજબ સમય કરતાં એક કલાક વહેલા સેટ પર પહોંચી ગયા હતા. એમણે રાજેશ ખન્નાની પેલી તસવીર જોઈ. કેઈને ક્શું ક્હૃાા વિના તેઓ પોતાના મેકઅપ રૂમમાં જઈને બેસી ગયા. સાડાદસે હૃષિકેશ મુખર્જી આવ્યા. તેમણે પોતાના આસિસ્ટન્ટને કહ્યું કે જા, અમિતાભને બોલાવી લાવ, શોટ રેડી છે. આસિસ્ટન્ટ થોડી મિનિટોમાં પાછો આવ્યોઃ સર, અમિતાભસર દરવાજો ખોલતા નથી!
કયાંથી ખોલે? અમિતાભ અંદર રિસાઈને બેઠા હતા! અમિતાભે એન્ડમાં ન મરતા હીરોનો રોલ સ્વીકારી તો લીધેલો, પણ એમના મનમાં ચચરાટ રહી ગયો હતો. એમને હતું કે ફ્લ્મિનો અંત બદલવા માટે તેઓ હૃષિકેશ મુખર્જીને મનાવી લેશે. અમિતાભને એવી તક જ ન મળી. સુખડના હારવાળો ફોટો સેટ પર આવી ગયો હતો એનો અર્થ એ હતો કે રાજેશ ખન્ના એન્ડમાં મરશે તે પાકું છે.
હૃષિકેશ મુખરજી અકળાઈને અમિતાભના મેકઅપ રૂમ પાસે ગયા. બહારથી દરવાજો ખટખટાવીને પૂછયું – ‘અમિત, કયા હુઆ?’ અંદરથી અમિતાભ કહેઃ ‘વો ફોટો…’ હૃષિકેશ મુખરજી કહેઃ ‘તું કહેવા શું માગે છે? તુમકો બોલા થા ના… તેં જ આ રોલ પસંદ કર્યો છે. હવે તું છેલ્લી ઘડીએ નાટક કરે તે કેમ ચાલે? હવે જો તું બહાર નહીં નીકળે તો અત્યારે જ પેક-અપ કરાવી દઉં છું.’
આખરે માંડ માંડ અમિતાભ બહાર આવ્યા અને શૂટિંગ આગળ વધ્યું.
જીવનમાં પાસાં કયારે અને કેવી રીતે પલટે છે તે કોણ કહી શકે છે! ‘નમક હરામ’ રિલીઝ થાય તેના પાંચેક મહિના પહેલાં, ૧૧ મે ૧૯૭૩ના રોજ, અમિતાભની ‘ઝંઝીર’ રિલીઝ થઈ. ચિક્કાર શાંતિમાં જાણે એકાએક બોમ્બ ફૂટયો હોય તેવી અસર આ ફ્લ્મિે સર્જી હતી. ‘ઝંઝીર’ થકી હિન્દી સિનેમાના એન્ગ્રી યંગ મેનનો જન્મ થયો અને પછી જે કંઈ બન્યું તે ઇતિહાસ છે. ૧૯ નવેમ્બર ૧૯૭૩ના રોજ ‘નમક હરામ’ આવી ત્યાં સુધીમાં ચિત્ર પલટાઈ ચૂકયું હતું. આ ફ્લ્મિ પણ સફ્ળ થઈ. ‘નમક હરામ’માં એક સીન છે, જેમાં રાજેશ ખન્નાનો એકિસડન્ટ થાય છે અને અમિતાભ ક્રોધથી રાતાપીળા થઈને ટોળાને પૂછે છેઃ કિસને મારા? આ ડાયલોગ વખતે ઓડિયન્સ તાળીઓનો ગગડાટ કરી મૂકતું.
યોગાનુયોગ જુઓ. એક જ સમયગાળામાં રિલીઝ થયેલી ‘ઝંઝીર’ અને ‘નમક હરામ’થી અમિતાભની ચડતી શરૂ થઈ અને રાજેશ ખન્નાની પડતીની શરૂઆત થઈ. રોમેન્ટિક લવરબોયના જમાના પર પૂર્ણવિરામ મૂકાયું અને આક્રોશથી ધધકતા મારફડીયા એન્ગ્રી યંગ મેનનો દોર શરૂ થયો!
‘રાજેશ ખન્ના સાથે મારો સંબંધ છેક સુધી સરસ રહૃાો,’ અસરાની સમાપન કરે છે, ‘એ મને ઘણી વાર ડ્રકિંસ માટે આમંત્રણ આપતા. અમે ગપ્પાં મારતા, પણ પોતાના મનની અંતરંગ વાતો તેઓ કોઈની સાથે શેર ન કરતા. નિકટની કહી શકાય એવી કોઈ વ્યકિત એમની આસપાસ નહોતી. એમને માત્ર જીહજુરિયાઓ અને ચમચાઓની સોબત જ ગમતી. પોતાનું સુપરસ્ટારડમ પૂરું થઈ ગયું છે અને કારકિર્દીનું અધઃપતન થઈ રહ્યું છે તે હકીક્ત રાજેશ ખન્ના કયારેય સ્વીકારી ન શકયા…’
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply