મલ્ટિપ્લેક્સઃ બોલિવૂડનો રુદનસમ્રાટ!
Sandesh – Sanskaar Purti – Jan 1 2017
Multiplex
‘…અને તે દિવસે મેં સોગન ખાધા કે હું લાઈફ્માં કયારેય ‘પ્રેકિટકલ’ નહીં બનું! ભાડમાં જાય શેડયુલ, ભાડમાં જાય આર્થિક ગણતરીઓ. બજેટ વધી જતું હોય તો વધારાના બે દિવસના પૈસા હું મારા ખિસ્સામાંથી ચૂકવી દઈશ, પણ ક્રિયેટિવિટી સાથે હું કયારેય છેડખાની નહીં થવા દઉં.’
* * * * *
ગેમચેન્જર. સુપરસ્ટાર વિથ મિડાસ ટચ. કોમર્સ (બોકસઓફ્સિ પર થતી જંગી કમાણી) અને ક્રેડિબિલિટી (વિશ્વસનીયતા, ગુણવત્તાની ગેરંટી) સાથે એન્ટરટેઇનમેન્ટનું અફ્લાતૂન કોમ્બિનેશન કરીને તેમાં સામાજિક સંદેશનો ઉત્તમ વઘાર કરી શકતો હિન્દી સિનેમાનો એકમાત્ર હીરો. આ બધા આમિર ખાન માટે સતત અને યોગ્ય રીતે વપરાતા વિશેષણો છે. આ સિવાય પણ આમિરની એક ખાસિયત છે, જેને અલગ તારવીને ભાગ્યે જ વાત થઈ છે. તે છે, આમિરની રુદનક્ષમતા! સ્ક્રીન પર આમિર જેટલું સરસ રડતાં બીજા કોઈ હીરોને આવડતું નથી! રડવાના દશ્યોમાં આમિર દર વખતે છગ્ગો નહીં તો કમસે કમ ચોગ્ગો તો ફ્ટકારી જ દે છે. હોલિવૂડમાં ટોમ હેન્ક્સને બેસ્ટ રડતા આવડે છે, જ્યારે બોલિવૂડમાં આમિર ખાનને!
લેટેસ્ટ ‘દંગલ’ની વાત કરીએ. બુઢ્ઢો થઈ ગયેલો હરિયાણવી પહેલવાન સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના સાહેબોને બે હાથ જોડીને આજીજી કરી રહૃાો છે કે મારી દીકરીઓએ બિચારીઓએ ભારે મહેનત કરીને ખોબા જેવડા ગામડાથી શરૂઆત કરીને નેશનલ લેવલ સુધીની સફર કાપી છે, એને મહેરબાની કરીને કાઢી ન મૂકો, એને એક ચાન્સ આપો. આ દશ્યમાં ધૂ્રજતી હડપચી સાથે રડતો આમિર એના પાત્રની અસહાયતા, લાચારી અને ઉચાટ અસરકારક રીતે વ્યકત કરી દે છે. ‘પીકે’ના ક્લાઈમેકસમાં યાન પકડતા પહેલાં અનુષ્કાને છેલ્લી વખતે અલવિદા કહી રહેલા અને મહામહેનતે આંસુને આંખોમાં દબાવી રાખવાનો પ્રયત્ન કરી રહેલા પરગ્રહવાસી આમિરના એકસપ્રેશન્સ યાદ છે?
‘તલાશ’ આમિરની કદાચ સૌથી અન્ડરરેટેડ ફ્લ્મિ છે. નાનકડો દીકરો અણધાર્યો મૃત્યુ પામ્યો છે ત્યારથી પોલીસ ઓફ્સિર આમિર જાણે પથ્થર બની ગયો છે. મૃત દીકરાનો આત્મા એને સંદેશો આપે છે કે ડેડી, બોટ તળાવમાં ઊંધી વળી ગઈ ને હું ડૂબીને મરી ગયો એમાં તમારો કોઈ વાંક નહોતો, તમારી કોઈ બેદરકારી નહોતી. તમે શું કામ ગિલ્ટ મનમાં રાખીને જીવો છો? તળાવના કિનારે મરેલા દીકરાનો કાગળ વાંચી રહેલા આમિર જે રીતે આક્રંદ કરે છે તે સંવેદનશીલ દર્શકને હલબલાવી દે છે. તમે એક દર્શક તરીકે અનુભૂતિ કરી શકો કે આમિરના આંસુ કેવળ ગ્લિસરીનનો પ્રતાપ નથી, આ આંસુ એની ભીંસાયેલી છાતીમાંથી, એની ભીતરના કોણ જાણે કયા પ્રદેશમાંથી ખેંચાઈને બહાર આવ્યાં છે. આમિરના ઓલ-ટાઈમ-ગ્રેટ પરફોર્મન્સીસમાં ‘તલાશ’નો આ સીન અનિવાર્યપણે મૂકવો પડે.
‘અકેલે હમ અકેલે તુમ’ની કલાઈમેકસમાં અદાલતનો ચુકાદો આપે છે કે આમિરે જેને એકલે હાથે જીવની જેમ સાચવ્યો હતો એ નાનકડા દીકરાનો કબ્જો વિખૂટી પડી ચૂકેલી પત્નીને સોંપી દેવો. ભૂતપૂર્વ બની ચૂકેલી સ્વકેન્દ્રી પત્ની તેડવા આવે તે પહેલાં આમિર દીકરાનો સામાન પેક કરે છે. પછી પાડોશમાં રહેતી એક ભલી મહિલા (તન્વી આઝમી) સાથે દીકરાને નીચે મોકલે છે. ઘરમાં એકલો પડતાં જ આમિર મોંફટ રુદન કરે છે. આ ૨૧ વર્ષ જૂની ફ્લ્મિમાં આમિર હજુ અદાકાર તરીકે પૂરેપૂરો મંજાયો નથી, છતાંય આ દશ્યનો સૂર બિલકુલ કરેકટ પકડાયો છે.
કેટલા બધા ઉદાહરણો છે. ‘દિલ ચાહતા હૈ’માં પિતા સાથે ફોન પર ફ્કત બે-ચાર વાકયોની આપ-લે થાય છે, પણ આ ગણતરીની ક્ષણોમાં આમિરનો રૃંધાયેલો, ભારે થઈ ગયેલો અવાજ એના કિરદારનો વિષાદ અને એકલતા આબાદ વ્યકત કરી દે છે. ‘રંગ દે બસંતી’માં આમિર ખાતાં ખાતાં રડી પડે છે તે સીનને એક માસ્ટરપીસ ગણવામાં આવે છે. સિચ્યુએશન એવી છે કે વહીદા રહેમાનનો ફૌજી દીકરા માધવનનું ફાઈટર પ્લેન ક્રેશ થતાં ઓન-ડયૂટી મૃત્યુ થઈ ગયું છે. સોહા અલી, કે જે આમિરની બહુ સારી દોસ્ત છે, તેની સાથે માધવનના લગ્ન થવાના હતા. દિલ્હીના ઇન્ડિયા ગેટ પર ભ્રષ્ટ તંત્ર વિરુદ્ધ દેખાવ કરવા એકઠા થયેલા લોકો પર પોલીસ લાઠીચાર્જ કરે છે, જેમાં વહીદા રહેમાન ખરાબ રીતે ઘાયલ થઈ જાય છે, આમિર અને બીજા દોસ્તારો પણ લોહીલુહાણ થાય છે. વહીદા રહેમાનને હોસ્પિટલમાં એડમિટ કર્યા બાદ આમિર થોડું ખાવાપીવાનું પેક કરાવીને વિદેશી ગર્લફ્રેન્ડ સૂ (એલિસ પેટન) સાથે એના ફ્લેટ પર આવે છે. ઘેરાયેલા વાદળા કોઈપણ ક્ષણે મુશળધાર વરસી પડશે તેવા આમિરના એક્સપ્રેશન્સ છે. સૂ ડાઈનિંગ ટેબલ પર પ્લેટ્સ વગેરે ગોઠવીને ખાવાનું કાઢે છે. આમિર કોળિયાં ભરવાનું શરૂ કરે છે, પણ એના મનમાં ઘમાસાણ મચ્યું છે. એ ત્રુટક-ત્રુટક બોલવાનું શરૂ કરે છે. માધવન જેવા બાહોશ અને દેશપ્રેમી ઓફ્સિરે શું કામ ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડે? સોહા… આવી મજાની છોકરી… શું વાંક હતો એનો? આમિરના મોંમાં કોળિયો છે અને એ બોલતાં બોલતાં ધોધમાર રડી પડે છે. અત્યંત અસરકારક અને દષ્ટાંતરૂપ સીન છે આ. આજની તારીખેય ફ્લ્મિોના ઓડિશન આપવા આવતા છોકરાઓને આમિરનો આ સીન ભજવી બતાવવાનું કહેવામાં આવે છે.
પણ આમિરને ખુદને આ સીન સામે ભયાનક અસંતોષ છે! હમણાં એક ન્યૂઝ ચેનલ પર આમિર અને રણવીર સિંહ વચ્ચે વાતચીતનો અફ્લાતૂન પ્રોગ્રામ ગોઠવાયો હતો, જેમાં પોતે શા માટે આ સીનથી અત્યંત નાખુશ છે તે વાત આમિરે વિગતે સમજાવી હતી. બન્યું એવું કે મુંબઈના ફ્લ્મિસિટીમાં ‘રંગ દે બસંંતી’ની ફ્રિંગી હીરોઈનના ફ્લેટનો સેટ લગાવવામાં આવ્યો હતો. શૂટિંગ શરૂ થાય તેના ત્રણ દિવસ પહેલાં આમિર, ડિરેકટર રાકેશ ઓમપ્રકાશ મહેરા અને સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાન સેટ જોવા ગયા. આમિરે સૂચન કર્યું કે આ લોકેશન પર આપણે ઘણા સીન શૂટ કરવાના છે, પણ મારો રડવાવાળો સૌથી અઘરો સીન સૌથી પહેલાં શૂટ કરીશું. બીજા દિવસે સીનનું બ્લોકિંગ કરવામાં આવ્યું એટલે કે મૂવમેન્ટ્સ નક્કી કરવામાં આવી. ત્રીજા દિવસે આમિરે કેમેરા સાથે હળવું રિહર્સલ કર્યું.
‘હું ચકાસવા માગતો હતો કે હું આ સીન કરવા માટે તૈયાર છું કે નહીં,’ આમિર કહે છે, ‘…એન્ડ આઈ વોઝ ટોટલી ધેર! જાણે કે પાણી ગ્લાસની એકદમ ધાર સુધી ભરાઈ ગયું હતું. ગ્લાસને સહેજ હલાવું તો પાણી છલકાઈને બહાર આવી જાય એટલી જ વાર હતી. રિહર્સલ પતાવીને હું ઘરે ગયો. આખી રાત એ સીન વિશે વિચારતો રહૃાો. મારા દિમાગમાં સીનનો સૂર એકદમ પકડાઈ ચૂકયો હતો. આઈ વોઝ જસ્ટ ફ્લોઇંગ! સવારે ઊઠીને શાવર લેતી વખતે ફરી એક વાર આખું દશ્ય મનોમન ભજવી નાખ્યું. આઈ વોઝ લાઈક, વાઉ… આઈ એમ રેડી ફેર ધ સીન. હું ‘ઝોન’માં પહોંચી ચૂકયો હતો અને આ જ મનઃ સ્થિતિમાં હું સેટ પર આવ્યો.’
પણ સેટ પર કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. આસિસ્ટન્ટ ડિરેકટરે મોકણના સમાચાર આપ્યા કે સર, શેડયુલ બદલાઈ ગયું છે, આજે આપણે તમારા રડવાવાળો સીન નહીં, પણ બીજો સીન શૂટ કરવાના છીએ. આમિરે ડિરેકટર રાકેશ ઓમપ્રકાશ મહેરાને બોલાવીને કહ્યું કે, યાર, ઐસા મત કર. હું રડવાવાળા સીનના જે ઈમોશન્સ છે એની એકદમ ધાર ઉપર ઊભો છું. હવે છેલ્લી ઘડીએ ફેરફાર ન કર. મહેરાએ કહ્યું કે બિનોદ પ્રધાનનું કહેવું છે કે જો તે સીન પહેલો શૂટ કરીશું તો પછી લાઈટિંગ બદલવામાં દોઢ દિવસ લાગી જશે ને સરવાળે શેડયુલ બે દિવસ વધારે ખેંચાઈ જશે. આથી આજે આપણે બીજો સીન પતાવી નાખીએ. તારા રડવાવાળો સીન ત્રણ દિવસ પછી શૂટ કરીશું.
આમિર વિચારમાં પડી ગયો. એ ફ્લ્મિ પ્રોડયૂસરનો દીકરો છે, ખુદ પ્રોડયૂસર છે, આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે કામ કરી ચૂકયો છે. એ બરાબર જાણે છે કે શેડયુલ નિર્ધારિત સમયે પૂરું થવું જ જોઈએ, કેમ કે શૂટિંગ જો એક દિવસ પણ વધારે લંબાય તો વધારાના લાખો રૂપિયા ખર્ચાઈ જાય. આ બધા પ્રેકિટકલ કારણોસર આમિરે વિરોધ કર્યા વગર વાત સ્વીકારી લીધી. પેલા રડવાવાળા સીનનું શૂટિંગ ત્રણ દિવસ પછી થયું.
‘પણ ત્રણ દિવસ પછી એ સીન હું જેવી રીતે કરવા માગતો હતો તે પ્રમાણે થયો જ નહીં!’ આમિર કહે છે, ‘હું જે રીતે ઇમોશન્સ વ્યકત કરવા માગતો હતો તે મારી અંદરથી નીકળ્યા જ નહીં. મારાથી સૂર પકડાયો જ નહીં. હું એટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો કે ન પૂછો વાત…. અને તે દિવસે મેં સોગન ખાધા કે હું લાઈફ્માં કયારેય ‘પ્રેકિટકલ’ નહીં બનું! ભાડમાં જાય શેડયુલ, ભાડમાં જાય આર્થિક ગણતરીઓ. બજેટ વધી જતું હોય તો વધારાના બે દિવસના પૈસા હું મારા ખિસ્સામાંથી ચૂકવી દઈશ, પણ ક્રિયેટિવિટી સાથે હું કયારેય છેડખાની નહીં થવા દઉં, કારણ કે પેલી મેજિક મોમેન્ટ જો હાથમાંથી જતી રહેશે તો એ કયારેય પાછી નહીં આવે…’
આટલું કહીને આમિર ઉમેરે છે, ‘લોકો જ્યારે આ સીનના ભરપેટ વખાણ કરે છે ત્યારે મનોમન મને થાય કે અરે યાર, મારું ફ્રસ્ટ્રેશન તમને કેવી રીતે સમજાવું! ફ્લ્મિમાં હાલ જે સીન છે એમાં મારા મોંમાં ખાવાનું છે ને હું રડી પડું છું. ડિરેકટરે વિચારેલું કે હું ડાઈનિંગ પર બેસીશ ને રડવા લાગીશ, પણ મેં કહ્યું કે ના, હું ખાવાનું શરૂ કરી દઈશ અને પછી ખાતાં ખાતાં રડી પડીશ. લોકોને આ ખાતાં ખાતાં રડવાવાળો ટચ બહુ ગમ્યો છે, બાકી મારું પરફેર્મન્સ કંઈ એટલું બધું સારું નથી.’
આમિરે આ દશ્ય નિર્ધારિત શેડયુલ પર શૂટ કર્યું હોત તો તે કયા લેવલ પર પહોંચ્યું હોત તેની કલ્પના જ કરવી રહી!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply