Sun-Temple-Baanner

‘શું તારે આખી જિંદગી મીડિયોકર બનીને રહેવું છે’


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


‘શું તારે આખી જિંદગી મીડિયોકર બનીને રહેવું છે’


‘શું તારે આખી જિંદગી મીડિયોકર બનીને રહેવું છે’

Sandesh – Sanskar Purti – 5 Feb 2017

મલ્ટિપ્લેક્સ

એક જાડીયોપાડીયો, છોકરી જેવા હાવભાવ ધરાવતો અને પાર વગરની માનસિક ગ્રંથિઓથી ગ્રસ્ત રહેતો કરણ જોહર નામનો ઓકવર્ડ છોકરો શી રીતે બોલિવૂડનો સૌથી સફળ અને પાવરફુલ હસ્તીઓમાંનો એક બની ગયો

* * * * *

ફિલ્મમેકર કરણ જોહરની આત્મકથા ‘એન અનસ્યુટેબલ બોય’ આજકાલ ન્યૂઝમાં છે. આ અંગ્રેજી પુસ્તકમાં એણે પોતાના જીવનના ચડાવ-ઉતાર, ફ્લ્મિી લોકો સાથેના સંબંધો, પોતાના સ્ત્રૈણ હોવા વિશે અને સેકસ્યુઆલિટી વિશે આશ્ર્ચર્ય થાય એટલી નિખાલસતાથી લખ્યું છે. પુસ્તકનો એક અંશ અહીં જોઈએ. વાત છે કરણ અગિયાર-બાર વર્ષનો ટાબરિયો હતો ત્યારની. ભણવામાં કે બીજી એકેય પ્રવૃત્તિમાં કશું જ ઉકાળી ન શકતા કરણને પંચગીનીની એક બોર્ડિંગ સ્કૂલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ રાજીખુશીથી જવા તૈયાર તો થઈ ગયો, પણ હોસ્ટેલમાં પગ મૂક્તાં જ એના દુઃખનો પાર ન રહૃાો. એણે ભાગી જવાની કોશિશ કરી, પકડાઈ ગયો, બધા વચ્ચે અપમાનિત થયો. પાંચ જ દિવસમાં એ ધોએલા મૂળાની જેમ પંચગીનીથી પાછો મુંબઈ આવી ગયો. હવે આગળની વાત એના શબ્દોમાં જ સાંભળો. ઓવર ટુ કરણ…
0 0 0
મને બિસ્તરાં-પોટલાં સાથે પાછો આવેલો જોઈને મારી મમ્મી ગુસ્સે થઈ ગઈ. એણે ધક્કો મારીને પોતાના કમરાનો દરવાજો બંધ કરી દીધો ને ખુદ અંદર પૂરાઈ ગઈ. છેક સાંજે એણે મને પોતાની પાસે બોલાવ્યો. એમનું પહેલું જ વાકય આ હતું ‘શું તારે આખી જિંદગી મીડિયોકર બનીને રહેવું છે તું ભણવામાં મીડિયોકર છો, તને સ્પોર્ટ્સમાં જરાય રસ નથી, તું ફ્રેન્ડ્સ બનાવી શકતો નથી. શું મારે એવા છોકરાને ઉછેરીને મોટો કરવાનો છે જેના હોવા – ન હોવાથી દુુનિયામાં કોઈને કશો ર્ફ્ક પડતો ન હોય તારે કશુંક કરી દેખાડવું કે નથી કરી દેખાડવું દીકરા, તું કંઈપણ કર, પણ જે કરે તે સારામાં સારી રીતે કર. કાં તું સારું ગાતા શીખ અથવા મહેનતુ સ્ટુડન્ડ બનીને ભણવામાં સારામાં સારા માર્ક્સ લઈ આવ અથવા કોઈ સ્પોર્ટ્સમાં ખૂબ આગળ વધ. તકલીફ એ છે કે તું આમાંનું કશું જ કરતો નથી. કરવા માગતો જ નથી. તારે ખાલી આખો દિવસ મારી પાછળ પાછળ ફર્યા કરવું છે. જો, હું આ હવે બિલકુલ ચલાવી નહીં લઉં. મને એવા છોકરાની મા બનવામાં કોઈ રસ નથી જે તમામ ચીજોમાં ઢબુનો ઢ જેવો હોય.’

હું ચુપચાપ સાંભળતો રહૃાો.

‘તને શું સારું આવડે છે’ મમ્મી પૂછતી રહી, ‘એવી કઈ વસ્તુ છે જેમાં તું આગળ વધી શકે એમ છે એમ તને લાગે છે’

હું શું બોલું મમ્મીએ કહેલી એકેએક વાત સાચી હતી. એ મને સ્પોર્ટ્સ કેમ્પમાં મોકલે, આર્ટ ક્લાસ જોઈન કરાવે, પણ હું બધું અડધેથી પડતું મૂકી દેતો. કોણ જાણે કેમ, મને કશું જ કરવાનું મન જ ન થતું. હું જાડીયો હતો, મારા હાવભાવ અને વાત કરવાની રીત છોકરી જેવાં હતાં. તેને લીધે મારા મનમાં એટલી બધી ગ્રંથિઓ ઘર કરી ગઈ હતી કે હું બહારની દુનિયા સાથે હળવાભળવાનું સતત ટાળ્યા કરતો.

મારી ગ્રીન લોન્સ સ્કૂલમાં મિસ ડોરિસ નામનાં ટીચર ઇન્ટરેકટ ક્લબ નામની એક કલબ ચલાવતાં, જેમાં વકતૃત્વ સ્પર્ધા, ડિબેટ, નાટક વગેરે જેવી એકિટવિટીઝ થતી. હું આ ક્લબની ગતિવિધિઓનેે જોયા કરતો, પણ હું એટલો શરમાળ હતો કે તેમાં ભાગ ન લઈ શકતો. એક દિવસ આ ક્લબ ચાલતી હતી તે કલાસની અંદર જવાને બદલે હું કાચના બારણાની બહાર ઊભો ઊભો ડોકિયાં કરી રહૃાો હતો. મારા પર ધ્યાન પડતાં મિસ ડોરિસે મને બોલાવ્યો. કહે, ‘કાં તો તું અંદર આવ અથવા ઘરે જતો રહે. આમ બહાર ઊભા ઊભા ડોકિયાં ન કર. બોલ, તારે ઇન્ટરેકટ કલબમાં જોઈન થવું છે’

‘આઈ ડોન્ટ નો.’

‘કશો વાંધો નહીં. એક કામ કર. અંદર આવ. મારી સામે બેસ. આજની આપણી એકિટવિટી છે, ‘વન મિનિટ’.’

આ એકિટવિટીમાં એક મોટા બાઉલમાં નાની ચિઠ્ઠીઓ મૂકી હોય. સૌએ વારાફરતી એક-એક ચિઠ્ઠી ઊપાડવાની. પછી તેમાં જે શબ્દ લખ્યો હોય તે વિષય પર એક મિનિટ સુધી અટકયા વગર સડસડાટ બોલવાનું. ‘કુછ કુછ હોતા હૈ’માં પેલો એક મિનિટવાળો જે સીન છે તેની પ્રેરણા મને આના પરથી મળી હતી. એક પછી એક સૌ બોલતા ગયા. છેલ્લે મારો વારો આવ્યો. મારી ચિઠ્ઠીમાં લખ્યું હતું – મધર. ‘કુછ કુછ હોતા હૈ’માં નાની અંજલિની ચિઠ્ઠીમાંથી પણ આ જ શબ્દ નીકળે છે. મારા સંકોચનો પાર ન હતો, છતાંય કોણ જાણે કેમ મેં મા વિશે બોલવાનું શરૂ કરી દીધું. હું એકઝેકટલી શું બોલ્યો હતો તે મને અત્યારે યાદ નથી, પણ એટલું જરૂર યાદ છે કે મારું બોલવાનું પૂરું થયું પછી સૌએ તાળીઓ પાડી હતી. સૌએ પહેલી વાર મારો અવાજ સાંભળ્યો હતો. હું ઇન્ટરેકટ કલબમાં જોડાઈ ગયો.

એક વાર મને કાવ્યપઠનની ઇન્ટર-સ્કૂલ સ્પર્ધામાં ઉતારવામાં આવ્યો. મને અને બીજા એક છોકરાને ચર્ચગેટ પાસે વાયએમસીએમાં લઈ જવામાં આવ્યા. બોમ્બેની મોટી મોટી સ્કૂલોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અચાનક એક છોકરો મારી પાસે આવીને કહે, ‘હું બોમ્બે સ્કોટિશમાં ભણું છું. તું’

‘ગ્રીન લોન્સમાં.’

આ છોકરાનો ચહેરો પરિચિત લાગતો હતો, પણ એને કયાં જોયો હતો તે યાદ આવતું નહોતું. એણે મને પૂછયું, ‘તું યશ અંકલ અને હીરુ આન્ટીનો દીકરો છેને’

‘હા.’

‘હું યશ અંકલ અને પેમ આન્ટીનો દીકરો છું.’

‘ઓહ, તું આદિ છો!’

મને એકદમ યાદ આવ્યું કે બે વર્ષ પહેલાં કોઈ બર્થડે પાર્ટીમાં મેં એને જોયો હતો. યશરાજ બેનરના સર્વેસર્વા આદિત્ય યશ ચોપડા સાથે થયેલી આ મારી પહેલી વાતચીત.

હું અને આદિ બંને સ્પર્ધાના ફાયનલ રાઉન્ડ માટે કવોલિફાય થઈ ગયા, જોકે ફાયનલ કોમ્પિટિશન વખતે આદિની એક્ઝામ હોવાથી ભાગ નહોતો લીધો. એક મહિના પછી અમને સ્પીચ લખવાનું કહેવામાં આવ્યું. નશીલી ડ્રગ્સનું દૂષણ કે એવો કોઈક વિષય હતો. મને લખવાનું બહુ ગમતું. મેં મિશન બનાવી લીધું હતું કે સારામાં સારી સ્પીચ લખવી. આખરે સ્પર્ધાનો દિવસ આવ્યો. બોમ્બેની તમામ બેસ્ટ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને ટીચરો હાજર હતા. નિર્ણાયક તરીકે પર્લ પદમસી અને શેરનાઝ પટેલ જેવાં મોટા માથાં સામે બેઠા હતાં. સ્પર્ધાનું સ્ટાન્ડર્ડ ખરેખર ખૂબ ઊંચું હતું. બધા સ્પર્ધકો સરસ બોલ્યા. આખરે રિઝલ્ટની જાહેરાત થઈ. થર્ડ પ્રાઈઝ, સેકન્ડ પ્રાઈઝ અને છેલ્લે ર્ફ્સ્ટ પ્રાઈઝ.

‘એન્ડ ધ વિનર ઈઝ… ફ્રોમ ગ્રીન લોન્સ હાઈ સ્કૂલ… કરણ જોહર!’

હું શોકડ હતો. કોઈએ મને ધક્કો મારીને સ્ટેજ પર મોકલ્યો. હું ઝોમ્બીની જેમ ઉપર ગયો. મને તોતિંગ કપ આપવામાં આવ્યો. આ બધું સપનાં જેવું લાગતું હતું. ઘરે જઈને મમ્મી સામે કપ ધરીને મંે કહૃાું, ‘મમ્મી, હું ર્ફ્સ્ટ આવ્યો!’

મમ્મી રડવા લાગી. જિંદગીમાં હું પહેલી વાર હું કશુંક જીતીને લાવ્યો હતો. મારા હરખપદૂડા પપ્પાએ આખા ગામને ફોન કરી નાખ્યાઃ મારો દીકરો વકતૃત્વ સ્પર્ધામાં ર્ફ્સ્ટ આવ્યો! મમ્મી-પપ્પા બન્નેમાંથી કોઈને માન્યામાં નહોતું આવતું કે અમારો ડોબો દીકરો ખરેખર કોઈ સ્પર્ધામાં વિજેતા બન્યો છે. બીજે દિવસ સ્કૂલમાં એસેમ્બલી દરમિયાન અમારાં પ્રિન્સિપાલ મિસિસ બજાજે ગર્વભેર જાહેરાત કરી કે ઇન્ટર-સ્કૂલ ઇલોકયુશન કોમ્પિટિશનમાં આપણી સ્કૂલ વિજેતા બની હોય એવું આટલાં વર્ષોમાં પહેલી વાર બન્યું છે અને આ શકય બન્યું છે કરણ જોહર નામના સ્ટુડન્ટને લીધે.

મને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો. હું ઇન્સ્ટન્ટ સ્ટાર બની ગયો. મારા નસીબે કરવટ બદલી હોય અથવા મારી લાઈફ્માં વિરાટ પરિવર્તન આવ્યું હોય તો તેનું કારણ આ કપ છે. બસ, તે પછી સ્કૂલમાં કે સ્કૂલની બહાર કોઈપણ સ્પર્ધા હોય – વકતૃત્વ, ડિબેટ, નાટક – એમાં હું હોઉં, હોઉં ને હોઉં જ, એટલું જ નહીં, વિજેતા પણ હું જ હોઉં. સ્પોર્ટ્સમેન તરીકે હું જે મેદાનમાં નહોતો કરી શકતો તે હું સ્ટેજ પર વક્તા તરીકે કરી શકતો હતો. મારી હિન્દી અને અંગ્રેજી બંને સ્પીચ સરસ હતી. મારી સ્પીચ હંમેશા રમૂજી રહેતી. મારામાં સ્ટેજ-ફિયર નહોતો. સ્ટેજ પર હોઉં ત્યારે સામે જાણે કોઈ જ બેઠું ન હોય તે રીતે હું પર્ફેાર્મ કરી શકતો. સમજોને કે સ્કૂલની એકસ્ટ્રા-કરિકયુલર એકિટવિટીઝ પર હું છવાઈ ગયો હતો. હું હજુય શરમાળ, અંતર્મુખ અને ઓકવર્ડ હતો, પણ સ્ટેજ પર બહુ જ કોન્ફ્ડિન્ટ બની જતો. મારી આખી પર્સનાલિટી બદલાઈ રહી હતી. હું વધારે ફ્રેન્ડલી બન્યો. મેદસ્વી અને સ્ત્રૈણ હોવાની જૂની સમસ્યાઓ એમની એમ હતી, પણ એની તીવ્રતા હવે ઘટી ગઈ હતી. મેં પણ કશુંક અચીવ કર્યું છે એ હકીકતના આનંદમાં આ સમસ્યાઓનું દુઃખ દબાઈ જતું. મારો આત્મવિશ્વાસ વધ્યો એની સીધી અસર પરીક્ષાના પરિણામો પર પણ પડી. મને હવે સરસ માર્ક્સ મળવા લાગ્યા. હવે ફ્રેન્ડ્ઝ ઘરે આવતા, મને તેઓ પોતાને ત્યાં બર્થડે પાર્ટી વગેરેમાં બોલાવતા. મને સ્પોટલાઈટમાં રહેવું ગમવા લાગ્યું.

આજે પાછું વળીને જોઉં છે ત્યારે મને સમજાય છે કે મારું બોર્ડિંગ હાઉસમાંથી પાછું ફરવું, મારી મમ્મીનું લેકચર સાંભળવું અને પહેલી વાર વક્તૃત્વ સ્પર્ધામાં કપ જીતવો – મારા જીવનની આ ડિફાઈનિંગ મોમેન્ટ્સ છે.

આખરે એક દિવસ આવ્યો જ્યારે હું સ્કૂલની વક્તૃત્વ સ્પર્ધામાં છેલ્લી વાર ભાગ લઈ રહૃાો હતો. મને યાદ છે, હું બોલવા ઊભો થયો ત્યારે અનાઉન્સરે કહૃાું હતું કે આજે આપણે છેલ્લી વાર કરણ જોહરની સ્પીચ સાંભળીશું. હું સુપરસ્ટાર સ્પીકર બની ચૂકયો હતો. મારી છેલ્લી સ્પીચ પણ સરસ રહી. સૌએ તાળીઓ પાડીને મને વધાવી લીધો. મને યાદ છે, સ્ટેજ પરથી નીચે ઉતરી રહૃાો હતો ખબર નહીં કેમ, મને એકાએક એવું ફીલ થયું કે મારી અંદર ખાસ પ્રકારની એનર્જી, વાઈબ્રેશન્સ અથવા આભા પેદાં થઈ ચૂકયાં છે. તે વખતે મારી ભીતર એક લાગણી જાગી, મને તીવ્રતાથી અહેસાસ થયો કે જિંદગીમાં આગળ જઈને હું ખૂબ ફેમસ બનવાનો છું…
0 0 0
એવું જ થયું. કરણ જોહરે પચ્ચીસ-છવીસ વર્ષની ઉંમરે સુપરહિટ ‘કુછ કુછ હોતા હૈ’ બનાવી ત્યારથી એ ફેમસ માણસ છે. તમને અંગત રીતે એની ફ્લ્મિો ગમે કે ન ગમે, એની વાત કરવાની રીત, એના ટીવી શોઝ, એન્કરિંગ વગેરે પસંદ પડે કે ન પડે, પણ કરણ જોહર છેલ્લાં પંદર-વીસ વર્ષોથી હિન્દી ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ પાવરફુલ પોઝિશન ધરાવે છે તે હકીકત છે. એની કંપની ધર્મા પ્રોડકશન્સ આજે બોલિવૂડના સૌથી સફ્ળતમ બેનર્સમાં સ્થાન પામે છે. કરણે કેટલાય એકટરો અને ડિરેકટરોને લોન્ચ કરીને તેમની કરિયર બનાવી છે. સ્ત્રૈણ હોવા છતાં, એની સેકસ્યુઆલિટી વિશે સતત મજાકો થતી હોવા છતાં કરણે હતાશ થઈને પોતાના જીવનને જાતજાતની ગ્રંથિઓમાં ગૂંચવી નાખ્યું નથી. એ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસના જોરે સતત વિકસતો ગયો છે. કરણ જોહરને કમસે કમ આ બાબત પૂરતો જશ તો આપવો જ જોઈએ. એક ફ્લ્મિમેકર અને સેલિબ્રિટી તરીકે એ તમને મીડિયોકર લાગતો હોય, તો પણ.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Feb, 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.