Cannes 2017 – મૃત પ્રેમિકા વીસ વર્ષે ભૂત બનીને પાછી ફરે ત્યારે…
સંદેશ – સંસ્કાર પૂર્તિ – બુધવાર – ૨૧ મે ૨૦૧૭
મલ્ટિપ્લેકસ
એક સાથે કેટલીય સ્ત્રીઓને પ્રેમજાળમાં ફસાવતો છેલછોગાળો સૈનિક્, ક્ડિનેપ થઈ જતું મહાકાય પ્રાણી , ગામલોકો જેને ડાકણ ગણે છે એ નાનક્ડી બાળકી, પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહેલા રેફ્યુજીઓ… આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વિષય વૈવિધ્ય ઊડીને આંખે વળગે એવું છે.
* * * * *
ફ્રાન્સમાં કાન નામના રુપકડા શહેરમાં હાલ જગવિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. (સ્પેિંલગ ભલે CANNES હોય, પણ તેનો ઉચ્ચાર કાન થાય, કાન્સ નહીં.) માત્ર વર્લ્ડ સિનેમામાં જ નહીં, ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભારે દૃબદૃબો છે. કાન ફેસ્ટિવલની આ સિત્તેરમી એડિશન છે. ૨૮ મેએ આ બાર દિવસીય ફેસ્ટિવલની પૂર્ણાહૂતિ થશે. અહીં જેનું સ્ક્રીિંનગ થઈ રહ્યું છે એમાંની કેટલીય ફિલ્મો આખી વર્ષ ગાજતી રહેશે અને છેક આગામી ઓસ્કર સુધી એના પડઘા સંભળાયા કરશે. આ વખતના કાન ફેસ્ટિવલમાં કઈ ફિલ્મોની સૌથી વધારે ચર્ચા છે? જોઈએ.
ઈસ્માઈલ્સ ઘોસ્ટ્સ – કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલની ઓપિંનગ ફિલ્મનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વખતના કાન ફેસ્ટિવલનો શુભારંભ ‘ઈસ્માઈલ્સ ઘોસ્ટ્સ’ નામની ફ્રેન્ચ ફિલ્મના પ્રિમીયરથી થયો. શું છે તેની સ્ટોરી? એક ફિલ્મમેકર છે. પહેલી નજરે તો એવું જ લાગે કે પોતાની પત્ની સાથે એ ઠીક ઠીક ખુશહાલ જિંદૃગી જીવી રહ્યો છે. એની નવી ફિલ્મનું શુટિંગ શરુ થાય એટલી જ વાર છે, પણ કોણ જાણે ક્યાંથી એની ભૂતપૂર્વ પ્રેમિકા ઓિંચતાં એના જીવનમાં પાછી પાછો પ્રવેશે ક્રે છે. કરેકશન. એ ભૂતપૂર્વ પ્રેમિકા નહીં, પણ પ્રેમિકાનું ભૂત છે, કેમ કે એ તો વીસ વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી. ભૂતિયા ગર્લફ્રેન્ડની એન્ટ્રીથી ફિલ્મમેકરના સંબંધોમાં ભૂકંપ આવી જાય છે. એને હવે ભાન થાય છે કે પોતાની પ્રેમિકાને એ ક્યારેય ભુલ્યો જ નહોતો.
અરનોદૃ દૃીપ્લીશા નામના ડિરેકટરે બનાવેલી ફિલ્મના કલાકારોમાં એક નામ પરિચિત છે – શાર્લોટ ગેન્સબર્ગ કે જેણે ફિલ્મમેકરની પત્નીની ભુમિકા ભજવી છે. શાર્લોટને અગાઉ આપણે લાર્સ વન ટ્રિઆ નામના વિવાદૃાસ્પદૃ ડેનિશ ફિલ્મમેકરની ‘એન્ટિક્રાઈસ્ટ’ (આ કોલમમાં આ ફિલ્મ વિશે આપણે વિગતે વાત કરી ચુકયા છીએ. મારા બ્લોગ પર જઈને સર્ચ મારો. મળી જશે.) અને ‘નિમ્ફોમેનિયાક’ જેવી અતિ વિવાદૃાસ્પદૃ ફિલ્મોમાં ખતરનાક ભુમિકાઓમાં જોઈ ચુક્યા છીએ. અલેહાન્દ્રો ઇનારીતુની ખૂબ વખણાયેલી ‘ટ્વેન્ટીવન ગ્રામ્સ’માં પણ શાર્લોટનો સરસ રોલ હતો.
હેપ્પી એન્ડ – આ ફિલ્મના ડિરેકટર છે, માઈકલ હાનેકે. ૭૫ વર્ષની ઉંમર છે, પણ આ મૂળ ઓસ્ટ્રેલિયન ફિલ્મમેકર આ ઉંમરે પણ અફલાતૂન ફિલ્મો બનાવી જાણે છે. ૨૦૦૯માં એમને ‘ધ વ્હાઈટ રિબન’ નામની ફિલ્મના નિર્દેશન બદૃલ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ડિરેકટરનો ગોલ્ડન પામ અવોર્ડ મળ્યો હતો. ૨૦૧૨માં ‘આમોર’ નામની અદૃભુત ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. આ ફિલ્મે પણ માઈકલને ગોલ્ડન પામ અવોર્ડ તો અપાવ્યો જ, પણ સાથે સાથે આ તેણે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ઓસ્કર અવોર્ડ પણ જીતી લીધો હતો. (ડિટ્ટો. આ કોલમમાં આપણે ‘આમોર’ વિશે પણ વિગતવાર ચર્ચા કરી ચુકયા છીએ. મારા બ્લોગ પર જઈને Amour સર્ચ મારશો એટલે લેખ મળી જશે.) આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં માઈક્લ હાનેકેની ‘હેપ્પી એન્ડ’નું સ્ક્રીિંનગ થવાનું છે. તેમાં ફ્રાન્સના એક નગરમાં રેફ્યુજી તરીકે કટોકટીનો સામનો કરી રહેલા પરિવારની વાત છે. ધારો કે ‘હેપ્પી એન્ડ’ માટે પણ માઈકલ હાનેકેને સર્વશ્રેષ્ઠ ડિરેકટરનો અવોર્ડ મળે તો કાન ફિહ્લમ ફેસ્ટિવલના ઇતિહાસમાં ત્રણ-ત્રણ વાર ગોલ્ડન પામ અવોર્ડ જીતનારા પહેલા ડિરેકટર તરીકે એમનું નામ સુવર્ણાક્ષરે નોંધાઈ જશે.
ઓક્જા – મિજા નામની એક કોરીઅન છોકરી છે. એના બેસ્ટ ફ્રેન્ડનું નામ છે, ઓક્જા. ઓક્જા ભયાનક દેખાવ અને રાક્ષસી કદૃ ધરાવતું વિરાટ પ્રાણી છે. જોકે બિચારું ડાહ્યું અને ફ્રેન્ડલી છે. એક દિૃવસ આ જાનવરને કોઈ ઉઠાવી જાય છે અને અમેરિકા મોકલી આપે છે. મિજા કોઈ પણ હિસાબે આ પ્રાણીને બચાવવા માગે છે, કેમ કે જો એ એમ ન કરે તો મોટી કોર્પોરેટ કંપની એના હાલહવાલ કરી નાખે. તો આ છે ‘ઓક્જા’નું કથાનક. કાન ફેસ્ટિવલમાં સામાન્યપણે આ પ્રકારની ‘કમર્શિયલ’ થીમ ધરાવતી ફિલ્મો ઓછી સિલેકટ થાય છે, પણ ‘ઓક્જાની વાત અલગ છે, કેમ કે આ ફિલ્મ બનાવનારા બોન્ગ જૂ-હૂ નામના ડિરેક્ટર વર્ષોથી કાન ફેસ્ટિવલના આયોજકોના ફેવરિટ રહ્યા છે.
ધ બિગાઈલ્ડ – અંગ્રેજીમાં ટુ બિગાઈલ એટલે કોઈને મોહિત કરી દેવા. બિગાઈલ્ડ એટલે મોહિત થઈ ગયેલા. આ ફિલ્મ સોફિયા કપોલાએ બનાવી છે. સોફિયા કપોલા એટલે ‘ગોડફાધર સિરીઝ બનાવીને અમર થઈ ગયેલા ફિલ્મમેકર ફ્રાન્સિસ ફોર્ડ કપોલાની દૃીકરી. ૪૬ વર્ષીય સોફિયાના નામે ‘લોસ્ટ ઇન ટ્રાન્સલેશન’ જેવી ખૂબ વખણાયેલી ફિલ્મ બોલે છે. એમને આ ફિલ્મનો ઓરિજિનલ સ્ક્રીનપ્લે લખવા બદૃલ ઓસ્કર મળેલો.
‘ઘ બિગાઈલ્ડ’માં શું છે? લગભગ દૃોઢસો વર્ષ પહેલાંના અમેરિકાનો સમયગાળો છે. માનવવસ્તીથી દુર કોઈ અંતરિયાળ જગ્યાએ હવેલી જેવી લેડીઝ હોસ્ટેલ ઊભી છે. અહીં રહેતી છોકરીઓ સીધુંસાદું અને ગોઠવાયેલું જીવન જીવે છે. એક દિૃવસ અચાનક એક ઘાયલ સિપાહી (કોલિન ફરેલ) અહીં આવી ચડે છે. સૌથી સિનિયર સ્ત્રી (નિકોલ કિડમેન) એને ઘરમાં લાવે છે, એની સારવાર કરે છે. એ વખતે ક્યાં કોઈને ખબર હતી કે આ અજાણ્યા હેન્ડસમ પુરુષના આવવાથી સૌના જીવનમાં ભયંકર ઉથલપાથલ થઈ જવાની છે. પુરુષ સ્વભાવે રસિક છે, ચાર્મિંગ છે. કામવાળી સહિત લગભગ બધી યુવતીઓ સાથે એ ઈશ્કના પેચ લડાવવા લાગે છે. સ્ત્રીઓ પણ સિપાહી પર મોહિત થઈ ગઈ છે. પેલો સૌને વારાફરતી રમાડ્યા કરે છે. સેક્સ્યુઅલ ટેન્શન, ઈર્ષ્યા, માલિકીભાવ અને બદૃલાની ભાવનાથી હોસ્ટેલનો માહોલ છલકાઈ જાય છે. બધી સ્ત્રીઓ સાથે વારાફરતી મજા કરતા સિપાહીએ જોકે આખરે ભયંકર હિંસાના ભોગ બનવું પડે છે.
થોમસ કલિનેલ નામના લેખકે લખેલી આ જ ટાઈટલવાળી નવલકથા પરથી આ ફિલ્મ બની છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સોફિયા કપોલા ખાસ ફોર્મમાં નથી. બધાને એ જોવામાં રસ છે કે ‘ઘ બિગાઈલ્ડ’થી તેઓ પાછાં ફોર્મમાં આવે છે કે કેમ.
ફ્લેશ એન્ડ સેન્ડ – હમણાં થોડી વાર પહેલાં જ ઉપર જેનો ઉલ્લેખ કર્યો એ અલેહાન્દ્રો ઈનારીતુ એક એવા મેક્સિકન ડિરેક્ટર છે જેમની ફિલ્મોની દુનિયાભરના ફિલ્મી રસિયાઓ અધ્ધર શ્ર્વાસે રાહ જોતા હોય છે. ‘બેબલ’, ‘બર્ડમેન’ અને ‘ધ રેવનન્ટ’ જેવી અદૃભુત ફિલ્મો આ માણસના બાયોડેટામાં બોલે છે. આમાંની છેલ્લી બે ફિલ્મો માટે એમણે ૨૦૧૪ અને ૨૦૧૫માં બેક-ટુ-બેક બે વખત બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર જીતી લીધો હતો. આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઇનારીતુ ‘ફ્લેશ એન્ડ સેન્ડ’ લઈને આવ્યા છે. ના, આ રેગ્યુલર ફિચરલેન્થ ફિલ્મ નથી, બલકે માત્ર સાડાછ મિનિટની વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) ફિલ્મ છે. વીઆર ફિલ્મમાં તમારે તોતિંગ સાઈઝના ગોગલ્સ જેવું ઉપકરણ આંખો પર પહેરી લેવાનું હોય છે, જેના કારણે તમે માત્ર દૃર્શક બની રહેતા નથી, બલકે ખુદૃ જાણે ફિલ્મમાં ચાલતી ઘટમાળનો હિસ્સો હો એવો અનુભવ કરો છો. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કોઈ વીઆર ફિલ્મ સિલેકટ થઈ હોય એવું આ વખતે પહેલી વાર બન્યું છે. આમાં ઇમિગ્રન્ટ અને રેફ્યુજી તરીકે જીવતા લોકોની કઠણાઈની વાત છે.
આ ફિલ્મ શૂટ કોણે કરી છે? ઇમેન્યુએલ લુબેઝ્કીએ. ઈમેન્યુએલ લુબેઝ્કી કોણ? બેક-ટુ-બેક ત્રણ વખત બેસ્ટ સિનેમેટોગ્રાફરનો ઓસ્કર જીતવાનો વર્લ્ડ રેકોર્ડ જેના નામે બોલે છે, તે. આ ફિલ્મો એટલે ‘ગ્રવિટી’ (૨૦૧૩), ‘બર્ડમેન’ (૨૦૧૪) અને ‘ધ રેવનન્ટ’ (૨૦૧૫), જેનાં વિઝ્યુઅલ્સ જોઈને આખી દુનિયા ઝુમી ઉઠી હતી. કલ્પના કરો, ઈનારીતુ અને લુબેઝ્કી જેવા બે જબરદૃસ્ત ટેલેન્ટેડ કલાકારોએ ભેગા થઈને જે વર્ચ્યુઅલ રિયાલિટી ફિલ્મ બનાવી છે તે કેટલી અફલાતૂન હશે!
બેઝ્ડ ઓન ટ્રુ સ્ટોરી – આ એક થ્રિલર છે જેને ડિરેકટ કરી છે, રોમન પોલન્સ્કીએ. ૮૩ વર્ષના રોમન પોલન્સ્કી એક માસ્ટર ફિલ્મમેકર છે. આપણને આજેય એમની ‘રોઝમેરીઝ બેબી’ નામની યાદૃગાર હોરર ફિલ્મ જોવાનો જલસો પડે છે. એન્ડ યેસ, રોમન પોલન્સ્કી એ વિવાદૃાસ્પદૃ ફિલ્મમેકર છે, જેમના પર સગીર વયની બાળા સાથે શરીર સંબંધ બાંધવાનો આરોપ પૂરવાર થઈ ચુકયો છે. આ ગુના સબબ છેલ્લાં ૪૦ વર્ષથી તેઓ અમેરિકામાં પગ મૂકી શકયા નથી. ખેર, આપણે આ વિવાદૃમાં હાલ ન પડતાં એમની લેટેસ્ટ ફિલ્મ વિશે વાત કરીએ. ‘બેઝ્ડ ઓન ટ્રુ સ્ટોરી’માં એક એવી ભેદૃી સ્ત્રીની વાત છે, જે એક ફેમસ લેખકના જીવનમાં ધરાર ઘુસવાની કોશિશ કરે છે. આ સ્ત્રીની ભુમિકા પોલન્સ્કીની પત્ની ઇમેન્યુએલ સિગનરે ભજવી છે.
લવલેસ – આન્દ્રે ઝિવ્યાગિન્ટસેવ જેવું અટપટું નામ ધરાવતા રશિયન ફિલ્મમેકરની આ ફુલલેન્થ ફિલ્મ છે. ભૂતકાળમાં એમની ‘લેવિએન્થન’ નામની ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનું ઓસ્કર નોમિનેશન મળી ચુક્યું છે. આ વખતની ફિલ્મમાં એક એવા પરિવારની વાત છે જેમાં પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થયા કરે છે. બન્નેને માત્ર ક્રોધ અને તિરસ્કાર વ્યક્ત કરતાં આવડે છે. પ્રેમ કેવી રીતે વ્યક્ત કરાય તે જાણે કે તેઓ શીખ્યાં જ નથી. આવા માંદૃલા માહોલમાં સંતાનનો ઊછેર કેવો થાય? આ કપલનો દૃીકરો ત્રાસીને ક્યાંક નાસી ગયો છે. આથી એનું પગેરું શોધવા પતિ-પત્નીએ નછૂટકે એકબીજા સાથે સંપીને પગલાં ભરવાં પડે છે. આ ફિલ્મ માટેય કાન ફેસ્ટિવલમાં આ વખતે ઠીક ઠીક હવા બની છે.
જેના વિશે ઉત્સુકતા ફેલાઈ છે એવી આ સિવાયની પણ બીજી ઘણી ફિલ્મો છે, જેમ કે, ‘વંડરસ્ટ્રક’ (બે મૂકબધિર બાળકોની વાત, જે ક્રમશ – પચાસ વર્ષના અંતરાલમાં ફેલાય છે), ‘આઈ એમ નોટ અ વિચ’ (જેમાં એક નવ વર્ષની બાળકીને ગામમાં બધા ડાકણ ગણે છે), ‘ધે’ (આમાં તરુણાવસ્થા પાછળ ઠેલવા માટે હોર્મોન્સ લેતા ટ્રાન્સજેન્ડર ટાઈપના કિશોરની વાત છે), ‘ધ કિલીંગ ઓફ સેક્રેડ ડીઅર’ (ખતરનાક ટીનેજરની વાત કરતી આ સાઈકોલોજિકલ થ્રિલરમાં ‘ધ બિગાઈલ્ડ’નાં બે કલાકારો રિપીટ થાય છે – કોલિન ફરેલ અને નિકોલ કિડમેન), ‘રિડાઉટેબલ’ (આ ફિલ્મમાં મહાન ફ્રેન્ચ ફિલ્મમેકર ગોદૃાર્દૃ સાથે એન વિઆઝેમ્સ્કી નામની એકટ્રેસના રોમાન્સની વાત છે) વગેરે.
આ બધું તો જાણે બરાબર, પણ ભારતીય ફિલ્મોનું શું? આપણને જરાય ન ગમે એવી હકીકત એ છે કે આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલની મુખ્ય કેટેગરીઝમાં ભારતની એક પણ ફુલલેન્થ ફિચર ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું નથી. સદૃભાગ્યે સમ ખાવા પૂરતી એક શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ઊતરશે, જેનું ટાઈટલ છે, ‘આફ્ટરનૂન ક્લાઉડ્સ’. પુનાની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)માં ભણતા સ્ટુડન્ટ્સે આ ફિલ્મ તૈયાર કરી છે. આ ઉપરાંત અન્ય એફટીઆઈઆઈ સ્ટુડન્ટ્સની ‘કલ્પવૃક્ષ’ નામની એક ઓર શોર્ટ ફિલ્મ વિશે પણ વાત કરવી છે. આવતા રવિવારે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply