કોણ કેટલું કમાય છે?
Sandesh – Sanskaar purti – 24 Sept 2017
Multiplex
* * * * *
સૌથી વધારે પૈસા બનાવનારા દુનિયાના લેટેસ્ટ ટોપ-ટેન ફિલ્મસ્ટાર્સમાં આપણા ત્રણ-ત્રણ હીરોનાં નામ બોલે છે. ‘ફોર્બ્સ’ મેગેઝિનના આંકડા કહે છે કે જૂન 2016થી જૂન 2017 વચ્ચે શાહરૂખ ખાને ૩૮ મિલિયન ડોલર (લગભગ બે અબજ ૪૪ કરોડ રૂપિયા), સલમાન ખાને ૩૭ મિલિયન ડોલર (આશરે બે અબજ ૩૮ કરોડ રૂપિયા) અને અક્ષયકુમારે ૩૫.૫ મિલિયન ડોલર (લગભગ બે અબજ ૨૮ કરોડ રૂપિયા)ની કમાણી કરી. સામે પક્ષે, આમિર ખાન, અમિતાભ બચ્ચન, રજનીકાંત, એ.આર. રહેમાન કે બીજા કોઈ ભારતીય સિતારાનું નામ દુનિયાના સૌથી વધારે કમાણી કરતા ટોપ-ટેન જ નહીં, ટોપ-થર્ટી એન્ટરટેનર્સમાં પણ નથી..
આમ તો દીકરીને પરણાવવાની હોય ત્યારે સંભવિત મુરતિયો કેટલી કમાણી કરે છે તે હકથી પૂછી શકાય, બાકી કોઈની આવક વિશે પૃ્ચ્છા કે ચર્ચા કરીએ તો અવિવેક ગણાય. લગ્નોત્સુક યુવકોની જેમ ફ્લ્મિસ્ટારો પણ અપવાદરૂપ ગણાય. તેઓ સેલિબ્રિટી છે, જાહેર જીવન જીવે છે. એમના ડ્રોઇંગરૂમથી માંડીને બેડરૂમમાં શું ચાલે છે ત્યાં સુધીનું બધ્ધેબધ્ધું મીડિયામાં સરેઆમ ચર્ચાતું હોય ત્યારે એમની કમાણી વિશે વાત કરવામાં ખાસ વાંધો નથી. એટલેસ્તો ‘ફોર્બ્સ’ જેવું વિશ્વવિખ્યાત મેગેઝિન મબલખ કમાણી કરતાં કલાકારોનું લિસ્ટ દર વર્ષે બહાર પાડે છે.
આપણને સૌથી વધારે પૈસા બનાવનારા એકટરોમાં રસ એટલા માટે છે કે ‘ફોર્બ્સ’નાં લેટેસ્ટ ટોપ-ટેનમાં આપણા ત્રણ-ત્રણ હીરોનાં નામ બોલે છે – શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષયકુમાર. આ ત્રણેય જણાએ ગયા વર્ષે હોલિવૂડના સુપરસ્ટાર ટોમ હેકન્સ (‘કાસ્ટ અવે’, ‘ફેરેસ્ટ ગમ્પ’, ‘શિડલર્સ લિસ્ટ’) કરતાંય વધારે કમાણી કરી, બોલો. ‘ફોર્બ્સ’ કંઈ ફલતુ ગોસિપ કરતું કૂથલીખોર ચોપાનિયું નથી. તે ખૂબ ઊંચી પ્રતિષ્ઠા ધરાવતું જવાબદાર સામયિક છે. ફ્લ્મિી સિતારાઓના કમાણીના આંકડા આંકડા અંદાજિત છે, પણ આ આંકડા એકત્રિત કરવામાં ‘ફોર્બ્સ’’ની એડિટોરિયલ ટીમે ખાસ્સી જહેમત લીધી જ હશે એવું માની લેવાનું. આવકના આ ફ્ગિર્સ પહેલી જૂન ૨૦૧૬થી પહેલી જૂન ૨૦૧૭ સુધીની કમાણી દર્શાવે છે. સરકારને ભરવો પડતો ટેકસ, સ્ટાફ્ના પગારો તેમજ એજન્ટો, મેનેજરો અને વકીલોની ફીની રકમ બાદ કર્યા પહેલાંના આ આંકડા છે.
ઓકે, તો ૧-૬-૨૦૧૬થી ૧-૬-૨૦૧૭ વચ્ચે આપણા હિન્દી હીરોલોગે કેટલી કમાણી કરી? શાહરૂખ ખાને ૩૮ મિલિયન ડોલર (લગભગ બે અબજ ૪૪ કરોડ રૂપિયા), સલમાન ખાને ૩૭ મિલિયન ડોલર (આશરે બે અબજ ૩૮ કરોડ રૂપિયા) અને અક્ષયકુમારે ૩૫.૫ મિલિયન ડોલર (લગભગ બે અબજ ૨૮ કરોડ રૂપિયા). આપણને સહેજે સવાલ થાય કે આમાં આમિર ખાનનું નામ કેમ નથી? મીડિયાના અહેવાલો પ્રમાણે એણે પ્રોડયૂસ કરેલી ‘દંગલે’ ટોટલ ૧૭ અબજ રૂપિયા બોકસઓફ્સિ પરથી ઊઘરાવ્યા છે તો એ ફદિયાં કયાં ગયાં? વેલ, આના જવાબ તો એક આમિર પોતે અને બીજા કદાચ ‘ફોર્બ્સ’ વાળા જ આપી શકે. ‘ફોર્બ્સ’ અનુસાર દુનિયાના સૌથી વધારે કમાણી કરતા ટોપ-ટેન જ નહીં, ટોપ-થર્ટી એન્ટરટેનર્સમાં પણ આમિર ઉપરાંત અમિતાભ બચ્ચન, રજનીકાંત, એ.આર. રહેમાન કે બીજા કોઈ ભારતીય સિતારાનું નામ નથી.
આ બધાના આપણે જબરા ફેન છીએ, પણ આખી દુનિયામાં સૌથી વધારે કમાણી કરનાર એન્ટરટેનર નંબર વનના સિંહાસન પર જે હોલિવૂડ-સ્ટાર બિરાજે છે એના નામથી આપણી આંખો કે કાન જરાય ટેવાયેલાં નથી. એ છે માર્ક વાલબર્ગ. એની બાર મહિનાની કમાણી છે ૬૮ મિલિયન ડોલર એટલે કે આશરે ચાર અબજ ૩૭ કરોડ રૂપિયા, ફ્કત. માર્કભાઈએ એવી તો શું કમાલ કરી નાખી કે લક્ષ્મીદેવી એમના પર અત્યંત પ્રસન્ન થઈ ગયાં?
૪૬ વર્ષના માર્ક વાલબર્ગને આપણે ‘પ્લેનેટ ઓફ્ ધ એપ્સ’ અને ‘ધ ડીપાર્ટેડ’ જેવી ફ્લ્મિોમાં જોયા છે. એમને ખાસ તો ‘ટ્રાન્સફોર્મર્સ’ સિરીઝની ફ્લ્મિો બહુ ફ્ળી છે. હોલિવૂડના હીરો બન્યા તેની પહેલાં તેઓ રેપર હતા એટલે કે રેપ સોંગ્સ લખતા હતા અને ગાતા-વગાડતા હતા. લિસ્ટમાં બીજા નંબર પર છે, ‘ધ રોક’ તરીકે ઓળખાતા ડ્વેઇન જોન્સન. છેલ્લે પ્રિયંકા ચોપડાવાળી ‘બેવોચ’ નામની નબળી ફ્લ્મિમાં આપણે એમને જોયા. એચબીઓની ‘બોલર્સ’ નામની ટીવી સિરીઝે તેમને સોલિડ પૈસા રળી આપ્યા છે. સૌથી વધારે કમાણી કરનારા નંબર વન અને નંબર ટુ એન્ટરટેનર્સની માફ્ક નંબર થ્રી પર ગોઠવાયેલો ટકલુ હીરો પણ હથોડાછાપ છે – વિન ડીઝલ. વિન ડીઝલને છેલ્લે દીપિકા પદુકોણવાળી ‘ટ્રિપલ એકસઃ ધ રિટર્ન ઓફ્ ઝેન્ડર કેજ’ અને ‘ગાર્ડિઅન્સ ઓફ્ ધ ગેલેક્સી’ જેવી ફ્લ્મિોમાં ચમકયો હતો.
હવે આખેઆખા ટોપ-ટેન લિસ્ટ પર એક્ નજર ઘુમાવી લોઃ
૧. માર્ક વાલબર્ગ (૬૮ મિલિયન ડોલર),
૨. ડ્વેઇન ‘ધ રોક’ જોન્સન (૬૫ મિલિયન ડોલર),
૩. વેન ડીઝલ (૫૪.૫ મિલિયન ડોલર),
૪. એડમ સેન્ડલર (૫૦.૫ મિલિયન ડોલર),
૫. જેકી ચેન (૪૯ મિલિયન ડોલર),
૬. રોબર્ટ ડાઉની જુનિયર (૪૮ મિલિયન ડોલર),
૭. ટોમ ક્રુઝ (૪૩ મિલિયન ડોલર),
૮. શાહરૂખ ખાન (૩૮ મિલિયન ડોલર),
૯. સલમાન ખાન (૩૭ મિલિયન ડોલર) અને
૧૦. અક્ષયકુમાર (૩૫.૫ મિલિયન ડોલર).
આ તો બધા પુરુષ કલાકારો થયા. અભિનેત્રીઓનું શું? ૨૦૧૬-‘૧૭ દરમિયાન સૌથી વધારે કમાણી હોલિવૂડની એમા સ્ટોને કરી – આશરે એક અબજ ૬૭ કરોડ રૂપિયા. એમા સ્ટોનનું ‘લા લા લેન્ડ’નું પર્ફેર્મન્સ જોઈને આપણે ઝુમી ઉઠયા હતા. ભેગાભેગું હાઈએસ્ટ પેઇડ એકટ્રેસીસની ટોપ-ફઇવ નામાવલિ પર પણ નજર ફેરવી લોઃ
૧. એમા સ્ટોન (૨૬ મિલિયન ડોલર),
૨. જેનિફર એનિસ્ટન (૨૫.૫ મિલિયન ડોલર),
૩. જેનિફર લોરોન્સ (૨૪ મિલિયન ડોલર),
૪. મેલિસા મેક્કાર્થી (૧૮ મિલિયન ડોલર)
અને
૫. મિલા કુનિસ (૧૫.૫ મિલિયન ડોલર).
એક વાત નોંધવા જેવી છે. એમા સ્ટોન ભલે મહિલાઓમાં ટોપ પર હોય, પણ જો સ્ત્રી-પુરુષોનું સંયુકત લિસ્ટ બનાવવામાં આવે તો એનું સ્થાન છેક પંદરમા નંબર પર આવે છે. ‘લા લા લેન્ડ’માં એમા સ્ટોનનો હીરો બનેલા રાયન ગોસલિંગનું સ્થાન હીરો-હીરોઈનના સંયુકત લિસ્ટમાં ચૌદમું છે અને એ નંબર વન હીરોઈન કરતાંય વધારે કમાયો છે – બાર મહિનામાં ૨૯ મિલિયન ડોલર. ફ્લ્મિમાં નાયક-નાયિકા બંનેનું એકસરખું મહત્ત્વ હોય તો પણ એક્ટ્રેસને એક્ટર કરતાં ઓછી ફી શા માટે ચુકવવામાં આવે છે એવી કાગારોળ માત્ર આપણે ત્યાં જ નહીં, હોલિવૂડમાં પણ જોરશોરથી થાય છે.
એક ઇન્ટરેસ્ટિંગ અવલોકન એવું છે કે અમેરિકન ફ્લ્મિોમાં જેટલાં ડાયલોગવાળાં પાત્રો હોય છે એમાંથી સ્ત્રીઓના ભાગે માત્ર ૨૮.૭ ટકા રોલ્સ જ આવે છે. બાકીની તમામ ભૂમિકાઓ પુરુષોના ભાગે જાય છે. ‘સુધરેલા’ હોલિવૂડમાં પણ અભિનેત્રી ચાલીસ વર્ષ વટાવે એટલે એની માર્કેટ ડાઉન થઈ જાય છે.
પ્રિયંકા ચોપડા આપણે હોલિવૂડમાં ઇમ્પોર્ટ કરેલું મહત્ત્વનું નામ છે. અમેરિકામાં એણે સરસ જમાવટ કરી છે. પ્રિયંકા કેટલું કમાય છે? ‘ક્વોન્ટિકો’ સિરીયલમાં એનો મેઇન રોલ છે. અહેવાલ મુજબ, સિરીયલના પ્રત્યેક એપિસોડ દીઠ એને બે મિલિયન ડોલર (લગભગ ૧૨ કરોડ ૮૬ લાખ રૂપિયા) ચુકવવામાં આવે છે. ‘ક્વોન્ટિકો’ની બે સીઝન પૂરી થઈ અને પ્રત્યેક સીઝનમાં બાવીસ-બાવીસ એપિસોડ હતા. માંડી લો હિસાબ. પ્રિયંકા દેખીતી રીતે જ ટેલિવિઝનની સૌથી કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. પ્રિયંકા ચોપડાનું નેટ વર્થ ૨૮ મિલિયન ડોલર (લગભગ એક અબજ ૮૦ કરોડ રૂપિયા) જેટલું હોવાનો અંદાજ છે. ‘ફેર્બ્સ’ના લેટેસ્ટ નહીં, પણ ગયા વર્ષના લિસ્ટમાં દુનિયાની ટોપ-ટેન હાયેસ્ટ પેઇડ એકટ્રેસિસના લિસ્ટમાં દીપિકા પદુકોણનું નામ હતું. દીપિકાએ પ્રિયંકા કરતાં પણ વધારે કમાણી કરેલી. જોકે આ વખતના ટોપ-ટેન લિસ્ટમાંથી દીપિકા આઉટ થઈ ગઈ છે.
મજાની વાત જુઓ. પ્રિયંકા વિદેશ જઈને સખ્ખત મહેનત કરીને કમાય છે, પણ અનુષ્કા શર્મા તો ઇન્ડિયામાં બેઠાં બેઠાં એના કરતાં વધારે નેટ વર્થ ધરાવે છે – ૩૫ મિલિયન ડોલર એટલે કે લગભગ સવાબે અબજ રૂપિયા! (આ નેટ વર્થવાળા આંકડા ‘ફોર્બ્સ’ના નહીં, પણ અન્ય મીડિયા રિપોર્ટમાંથી ટાંકયા છે.) ચાલો, સારું છે. લોકો આડાઅવળા ધંધા કરવાને બદલે પ્રતિભાને જોરે તોતિંગ કમાણી કરે તે સારું જ છે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply