તેરે મેરે જીવન કી યહી બુનિયાદ
સંદેશ – સંસ્કાર પૂર્તિ – 18 ફેબ્રુઆરી 2018
મલ્ટિપ્લેક્સ
હિન્દી સિનેમામાં જે સ્થાન ‘શોલે’નું છે એ જ સ્થાન ભારતીય ટેલીવિઝનમાં ‘બુનિયાદ’નું છે. આજથી ત્રણ દાયકા પહેલાં દૂરદર્શન પર ટેલિકાસ્ટ થયેલી રમેશ સિપ્પીની આ ટીવી સિરીયલે ગુણવત્તાના જે માપદંડ સ્થાપિત કર્યા હતા તે આજે પણ અણનમ છે.
* * * * *
આમ તો સામેના માણસને એની ઉંમર યાદ કરાવવી અવિવેક ગણાય, પણ આ જોખમ સાથે પણ કહેવા દો કે આપણામાંથી જેમની ઉંમર કમસે કમ ચાલીસ વર્ષ હશે એ સૌને દૂરદર્શન પર 1986-87 દરમિયાન ટેલિકાસ્ટ થયેલી ‘બુનિયાદ’ સિરીયલ હજુય, આજે બત્રીસ વર્ષ પછીય, જરૂર યાદ હશે. ભારતીય મધ્યમવર્ગમાં ટીવી તે વખતે હજુ તાજું તાજું પ્રચલિત બની રહ્યું હતું. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રહાર, અઠવાડિયે એક જ વાર જોવા મળતી મોંઘેરી હિન્દી ફિલ્મ, સ્પાઇડરમેનનો કાર્ટૂન શો વગેરે જેવા મનગમતા કાર્યક્રમ જોવા માટે આપણે પાડોશીના ઘરે પહોંચી જતા હતા અથવા પાડોશીઓ આપણા ઘરે આવીને ટીવી સામે ગોઠવાઈ જતા હતા. ઇડિયટ બોક્સ તરીકે ઓળખાતું ટીવી મોટે ભાગે બ્લેક-એન્ડ-વ્હાઇટ જ હોય.
પેલાં રમૂજી દશ્યો બરાબર યાદ છે. ટીવી પર કાર્યક્રમ બરાબરનો જામ્યો હોય ત્યારે જ એકાએક વાતાવરણ ખરાબ થાય ને સ્ક્રીન પર દશ્ય હલ-હલ-ઉપર-નીચે થવા માંડે, તરડાવા-મરડાવા લાગે, કાં તો સાવ ગાયબ થઈ જાય. અવાજ-સંગીતનું સ્થાન કર્કશ ઘરઘરાટી લઈ લે. આવી કુદરતી રુકાવટ આવે એટલે કોઈક ઊભું થઈને તોતિંગ એન્ટેનાનો થાંભલો ગોળ-ગોળ ફેરવવા ઘરની બાલ્કનીમાં કે છત ઉપર જાય અને બૂમો પાડેઃ ‘આવ્યું? આવ્યું?’ (એટલે કે સ્ક્રીન પર બરાબર ક્લેરિટી આવી?) જવાબમાં ટીવી સામે બેઠેલું અધીરું ઓડિયન્સ કાગારોળ મચાવેઃ ‘હા, આવી ગયું…’ કે ‘ના, હજુ જરાક ફેરવ…’!
ચાર્મિંગ સમયગાળો હતો એ! આજે એ વિચારીને જબરું આશ્ચર્ય થાય છે કે જ્યારે ટેલિવિઝન એન્ટરટેઇનમેન્ટના આખું તંત્ર ડિફાઇન થવાની હજુ તો માત્ર શરૂઆત થઈ હતી, ચેનલના નામે એકમાત્ર દૂરદર્શન હતું અને સેટેલાઇટ્સ ચેનલ્સની એન્ટ્રી થવાને હજુ આઠ વર્ષની વાર હતી એવા તબક્કે રમેશ સિપ્પી ‘બુનિયાદ’ જેવી કદી ભુલી ન શકાય એવી માતબર ટીવી સિરીયલ લઈને આવ્યા. ‘બુનિયાદે’ અભિનય-લખાણ-ડિરેક્શન-સંગીત સહિતનાં તમામેતમામ ડિપાર્ટમેન્ટ્સમાં ઉચ્ચતમ સ્ટાન્ડર્ડ સ્થાપ્યા. હા, ‘બુનિયાદ’ આવી તે પહેલાં ભારતીય ઓડિયન્સ અશોકકુમારવાળી ‘હમ લોગ’ (1984-1986) ટીવી સિરીયલની આનંદ માણી ચુક્યું હતું. ‘હમ લોગ’ પણ ‘બુનિયાદ’ જેવો જ લેન્ડમાર્ક ટીવી શો. આ બન્ને મેગા શો લેખક એક જ – મનોહર શ્યામ જોશી!
‘બુનિયાદ’ લોન્ચ થઈ એ વખતે રમેશ સિપ્પી પૂરા ચાલીસ વર્ષના પણ થયા નહોતા. એમના બાયોડેટામાં ‘સીતા ઔર ગીતા’, ‘શોલે’, ‘શાન’, ‘શક્તિ’ અને ‘સાગર’ જેવી ફિલ્મો ઓલરેડી ઉમેરાઈ ચુકી હતી. કલ્પના કરો કે આટલો સક્સેસફુલ ડિરેક્ટર જ્યારે પહેલી વાર એક ટીવી સિરીયલ લઈને આવતો હોય ત્યારે કેવું એક્સાઇટમેન્ટ ફેલાયું હશે અને એ શો પાસેથી કેટલી ઊંચી અપેક્ષા રાખવામાં આવી હશે. ‘બુનિયાદે’ તે અપેક્ષાઓ માત્ર સંતોષી નહીં, પણ ઓડિયન્સને ધાર્યા કરતાં પણ ઘણું વધારે આપ્યું.
‘બુનિયાદ’ ભારત-પાકિસ્તાનના ભાગલાના પશ્ચાદભૂમાં આકાર લેતી અત્યંત સંવેદનશીલ પારિવારિક કહાણી છે. રમેશ સિપ્પી ખુદને હંમેશાં ‘પાર્ટિશન બેબી’ તરીકે ઓળખાવતા આવ્યા છે. ઓગસ્ટ 1947માં ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે તેઓ સાત મહીનાના હતા. દેશના ભાગલાની થીમ એમને ન સ્પર્શે તો જ આશ્ર્ચર્ય. શોની તજવીજ શરૂ થઈ ત્યારે તેઓ મનોહર શ્યામ જોશીને મળ્યા, ચર્ચા કરી. રમેશ સિપ્પી કન્વિન્સ થઈ ગયા કે ‘બુનિયાદ’ લખવા માટે આ પરફેક્ટ માણસ છે. હોમવર્કના ભાગરૂપે સિપ્પીએ ‘ડલાસ’ અને ‘ડાયનેસ્ટી’ જેવી એ સમયની હિટ અમેરિકન સોપ ઓપેરા જોઈ કાઢી. વિષયની દષ્ટિએ તેને ‘બુનિયાદ’ સાથે કશું લાગતુંવળગતું નહોતું, પણ આ શોઝ જોવાને લીધે સિરીયલના વ્યાકરણ અને સ્ટ્રક્ચર વિશે ઘણી માનસિક સ્પષ્ટતા થઈ ગઈ. રમેશ સિપ્પીને એક વાત એમને જડબેસલાક રીતે સમજાઈ ગઈ કે દરેક એપિસોડના અંતે મજબૂત હૂક પોઈન્ટ હોવો જ જોઈએ કે જેથી ઓડિયન્સના મનમાં ‘હવે શું થશે?’ એવો સવાલ થાય અને નેકસ્ટ એપિસોડ જોવાની ઉત્સુકતાને વળ ચડે.
કાસ્ટિંગ શરૂ થયું. અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, ધર્મેન્દ્ર, કમલ હસન, રિશી કપૂર, હેમા માલિની, જયા ભાદુડી જેવાં ફિલ્મી દુનિયાનાં ધરખમ કલાકારો સાથે કામ કરી ચુકેલા રમેશ સિપ્પીએ 0બુનિયાદ માટે અજાણ્યા અને નવા નિશાળીયા એકટરોને પસંદ કર્યા. એમાંના ઘણા દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી તાલીમ લઈને આવ્યા હતા. આલોક નાથ માસ્ટર હવેલીરામ બન્યા. આલોક ‘બાબુજી’ નાથ એ વખતે મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા. ‘બુનિયાદ’ના માસ્ટરજીના યાદગાર રોલે એમની લાઇફ સેટ કરી નાખી. અનિતા કંવર નાયિકા લાજોજી બન્યાં. એમનું કોઈ નાટક જોઈને જાવેદ અખ્તર પ્રભાવિત થયેલા અને એમણે રમેશ સિપ્પીને એનું નામ રિકમન્ડ કરેલું. આ ઉપરાંત વિજયેન્દ્ર ઘાટગે, દિલીપ તાહિલ, કિરણ જુનેજા (જેમની સાથે રમેશ સિપ્પીએ પછી લગ્ન કર્યાં), ઝીનત અમાનના જન્નતનશીન પતિ મઝહર ખાન, કંવલજીત સિંહ, કૃતિકા દેસાઈ, આલિયા ભટ્ટનાં મમ્મી સોની રાઝદાન,.. એકબીજાનાં માથાં ભાંગે એવાં આ સુપર ટેલેન્ટેડ કલાકારો હતાં.
મુંબઈના ફિલ્મસિટીમાં સેટ લગાડવામાં આવ્યો. અઠવાડિયામાં બે દિવસ સવારના સાતથી રાતના અગિયાર વાગ્યા સુધી નોનસ્ટોપ શૂટિંગ ચાલે. રમેશ સિપ્પી કલાકારો પાસે ખૂબ રિહર્સલો કરાવે અને જ્યાં સુધી બેસ્ટ શોટ ન મળે ત્યાં સુધી તંત ન છોડે. ફિલ્મ હોય કે સિરીયલ, રમેશ સિપ્પી પરફેક્શન અને ડિટેલિંગના માણસ છે. માત્ર એક્સપ્રેશન્સ જ નહીં, ઉચ્ચારણો, લઢણ, કપડાં, સ્કીન પર દેખાતી ચીજવસ્તુઓ આ બધું જ પરફેક્ટ જોઈએ. જેમ કે, એક દિવસ કોઈ સીનમાં ચાવીવાળા વાજાની જરૂર હતી. રમેશ સિપ્પીએ સેટ પર જઈને જોયું કે વાજું ગેરહાજર છે. બીજો કોઈ ડિરેક્ટર હોય તો સીનમાં થોડો ફેરફાર કરીને કદાચ વાજા વગર ચલાવી લે, પણ ‘ચાલશે’ શબ્દ સિપ્પીસાહેબની ડિક્શનરીમાં ક્યારેય નહોતો. એમણે કહ્યુઃ આ સીનમાં વાજું જોઈએ એટલે જોઈએ. ગમે ત્યાંથી, કોઈ પણ રીતે તેને હાજર કરો. એના સિવાય શૂટિંગ આગળ નહીં વધે! આખરે બે-ત્રણ કલાકે પ્રોડકશન ટીમે માંડ માંડ ક્યાંકથી વાજુ મેનેજ કર્યું તે પછી જ કામ આગળ વધ્યું.
‘બુનિયાદ’ સિરીયલ અઠવાડિયામાં બે વાર ટેલિકાસ્ટ થતી – દર મંગળવારે અને શનિવારે. એપિસોડ શરૂ થાય એટલે સૌથી પહેલાં અનુપ જલોટાએ ગાયેલું ટાઇટલ સોંગ રેલાયઃ ‘કહીં તો હૈ સપના ઔર કહીં યાદ, કહીં તો હસીં રે કહીં ફરિયાદ…. પલછીન પલછીન તેરે મેરે જીવન કી યહી બુનિયાદ….’ સિરીયલને નિશ્ચિત ઘાટ આપવામાં સંગીતનું યોગદાન મહત્ત્વપૂર્ણ હોય છે. ‘બુનિયાદ’નું સંગીત તૈયાર કર્યું ત્યારે ગાયક-સંગીતકાર ઉદય મઝુમદાર માંડે બાવીસેક વર્ષના હતા. બે ટીવી શોમાં સંગીત આપવાનો અનુભવ ધરાવતા આ યુવાનની રમેશ સિપ્પી સાથે ઓળખાણ અમિત ખન્નાએ કરાવી હતી. અમિત ખન્ના ‘બુનિયાદ’ના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતા. પ્રારંભિક બ્રિફ મળી તે પછી ઉદય મઝુમદારે ભાગલાને કારણે અસર પામેલા હિન્દુ-મુસ્લિમ સમાજના પ્રતીક જેવા વૈદિક મંત્રોચ્ચાર અને મસ્જિદની અઝાનનું મિશ્રણ કરીને થીમેટીક મ્યુઝિક કમ્પોઝ કર્યું. આ મ્યુઝિકલ પીસ અને તે પછી પણ જે રીતે સંગીતસર્જન થતું રહ્યું તેના પરથી રમેશ સિપ્પીને એક વાતની ખાતરી થઈ ગઈ કે આ યુવાન કેવળ ‘મ્યુઝિકલ પર્સન’ નથી, એ ‘થિંકિંગ મ્યુઝિકલ પર્સન’ છે! ‘બુનિયાદ’નો સમગ્ર અનુભવ ઉદય મઝુમદાર માટે જાણે સંગીતની યુનિર્વસિટીમાંથી ગ્રેજ્યુએશન કરીને તગડી ડિગ્રી મેળવી હોય એવો જેવાે સમૃદ્ધ પૂરવાર થયો.
ક્યારેક કલાકારોના પર્ફોર્મન્સથી રમેશ સિપ્પી ખૂબ ખુશ હોય તો ડિનર અને ડ્રિન્ક્સની પાર્ટી આપતા. શૂટિંગના બે દિવસ બાદ કરતાં બાકીના પાંચ દિવસ પોસ્ટ પ્રોડક્શનનું કામકાજ ચાલતું. આ સિરીયલ 105 એપિસોડ્સ ચાલી. માસ્ટરજી, લાજોજી, વીરાવાલી, રોશન વગેરે જાણે ખુદના પરિવારનો હિસ્સો હોય એટલી હદે ઓડિયન્સનું તેમની સાથે સંધાન થઈ ગયું હતું.
હિન્દી સિનેમામાં જે સ્થાન ‘શોલે’નું છે એ જ સ્થાન ભારતીય ટેલીવિઝનમાં ‘બુનિયાદ’નું છે. આ સિરીયલનું પછી તો સ્મોલ સ્ક્રીન પર એકાધિક વખત રિપીટ ટેલિકાસ્ટ પણ થયું. ‘બુનિયાદ’ની યાદ તાજી કરવી હોય તો યુટ્યુબ પર લટાર મારીને એકાદ એપિસોડ જોઈ કાઢજો. મોજ પડશે. રમેશ સિપ્પીની આત્મકથા ટૂંક સમયમાં બહાર પડવાની છે. એ વાંચવાની તો સોલિડ મોજ પડવાની છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year Feb, 2018 )
Leave a Reply