Sun-Temple-Baanner

ઓસ્કર જીતવા માટે કેટલો સ્ક્રીન-ટાઇમ જોઈએ?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ઓસ્કર જીતવા માટે કેટલો સ્ક્રીન-ટાઇમ જોઈએ?


ઓસ્કર જીતવા માટે કેટલો સ્ક્રીન-ટાઇમ જોઈએ?

સંદેશ – સંસ્કાર પૂર્તિ – 25 ફેબ્રુઆરી 2018

મલ્ટિપ્લેક્સ

એક્ટર ફિલ્મની એકેએક ફ્રેમમાં હોય તો પણ ધારી અસર પેદા ન કરી શકે એવું બને. સામે પક્ષે દુનિયામાં એવા અદભુત અદાકારો પણ છે, જેમણે માત્ર પાંચ-પંદર-વીસ મિનિટ માટે પડદા પર દેખાઈને ઓસ્કર પોતાના નામે કરી નાખ્યા છે.

* * * * *

ઓસ્કરની સૌથી મહત્ત્વની પાંચ કેટેગરી એટલે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એકટ્રેસ. અત્યાર સુધી ફક્ત ત્રણ ફિલ્મો એવી પાકી છે, જેને આ પાંચેપાંચ ઓસ્કર મળ્યાં હોય. ‘ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સ’ (1991) તેમાંની એક. બાકીની બે એટલે ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ (૧૯૩૪) અને ‘વન ફ્લ્યુ ઓવર ધ કકૂઝ નેસ્ટ’ (૧૯૭૫).

તમને શું લાગે છે, હાંજા ગગડાવી નાખે એવી ‘ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સ’ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર મેળવનાર સર એન્થની હોપકિન્સ સ્ક્રીન પર કેટલા સમય માટે દેખાતા હશે? ગણીને સોળ મિનિટ, ફક્ત!

‘ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સ’ની વાર્તા કંઈક એવી છે કે બફેલો બિલ (ટેડ લેવિન) તરીકે ઓળખાતા સિરિયલ કિલરને ઉત્પાત મચાવ્યો છે. આ વિકૃત માણસ સ્ત્રીઓને શિકાર બનાવે છે. એ મહિલાઓનું અપહરણ કરે, પછી એની કતલ કરી શરીર પરથી ચામડી ઊતરડી લે. ક્લેરિસ સ્ટારલિંગ (જુડી ફોસ્ટર) એફબીઆઈના બિહેવિયર સાયન્સ યુનિટમાં કામ કરતી સ્માર્ટ ટ્રેઈની છે. એણે બફેલો બિલ સુધી પહોંચવા માટે એના જેવા જ બીજા એક ખતરનાક ગુનેગાર સાથે કામ પાર પાડવાનું છે. આ ગુનેગાર નંબર ટુનું નામ છે હેનિબલ લેક્ટર (એન્થની હોપકિન્સ). બહુ જ હોશિયાર સાઈકિએટ્રિસ્ટ રહી ચુકેલો આ આદમી માનવભક્ષી છે! એ જંગલી જાનવરની માફક પોતાનાં શિકારને કાચો ચાવી જાય છે! હાલ એ જેલમાં છે.

એફબીઆઈની થિયરી એવી છે કે હેનિબલ અને બફેલો બિલની વિકૃતિ અથવા તો અપરાધનું સ્વરુપ થોડુંઘણું એકસરખું છે. જો હેનિબલને વિશ્વાસમાં લઈ શકાય તો એ જરૂર બફેલો બિલના માનસ વિશે થોડોઘણો પ્રકાશ પાડી શકે, પણ હેનિબલ શા માટે એફબીઆઈની મદદ કરે? આખરે એવું નક્કી થયું કે ક્લેરિસને હેનિબલ પાસે મોકલવી. કદાચ એ મોં ખોલે પણ ખરો.

સામેના માણસને વીંધી નાખતી ખોફનાક આંખોવાળો આધેડ હેનિબલ શરુઆતમાં તો ક્લેરિસને પણ ભાવ નથી આપતો. પણ ધીમે ધીમે તેમની વચ્ચે થોડું કમ્યુનિકેશન શરુ થાય છે. અધિકારીઓ જૂઠમૂઠ કહે છે કે જો તું અમને મદદ કરીશ તો અમે તને સારી જગ્યાએ ટ્રાન્સફર કરીશું. સામે પક્ષે, હેનિબલ ક્લેરિસને કહે છે કે સૌથી પહેલાં તું તારી જિંદગીની, તારા ભૂતકાળની વાત મને કર!

ઘણું બધું બને છે. પેલા બફેલો બિલના પાપનો ઘડો અંતે ભરાય છે. ક્લેરિસના હાથે એનું મોત થાય છે અને આ બાજુ હેનિબલ સિક્યોરિટના જવાનોને ખતમ કરીને જેલમાંથી ભાગી છૂટે છે.

જેના પરથી આ ફિલ્મ બની છે તે પુસ્તકનું ટાઈટલ પણ ‘ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સ’ જ છે. થોમસ હેરિસે લખેલી આ બેસ્ટસેલર નવલકથા એક્ટ્રેસ જુડી ફોસ્ટરને એટલી બધી પસંદ પડી ગઈ હતી કે એ ખુદ પુસ્તકના રાઈટ્સ ખરીદવા માગતી હતી, પણ એ મોડી પડી. હેનિબલના પાત્ર માટે ફર્સ્ટ ચોઈસ શૉન કોનરી (જૂના જેમ્સ બોન્ડ) હતા. એમણે ના પાડી એટલે આલા દરજ્જાના બ્રિટિશ એક્ટર એન્થની હોપકિન્સની વરણી કરવામાં આવી. એન્થની હોપકિન્સે પોતાનાં પાત્રને કન્વિન્સિંગ બનાવવા સિરિયલ કિલરોની ફાઈલોનો અભ્યાસ કરેલો. જેલમાં જઈને ખૂનીઓને મળેલા અને અદાલતોમાં કેસના હિઅરિંગ વખતે પણ હાજર રહેલા. ફિલ્મનું ડિરેક્શન અને લખાણ એવાં સોલિડ છે કે જે દશ્યોમાં એન્થની ન હોય તેમાં પણ એમની હાજરી વર્તાતી રહે છે!

એક્ટર એકેએક ફ્રેમમાં હોય તો પણ ધારી અસર પેદા ન કરી શકે એવું બને. સામે પક્ષે એન્થની હોપકિન્સ જેવા દરજ્જેદાર ગણ્યાંગાંઠ્યાં દશ્યોમાં દેખાઈને પણ અમીટ છાપ છોડી શકે. આવા ઘણા કિસ્સા છે. એમાંના અમુકની વાત કરીએ તો, અગાઉ ડેવિડ નિવેન નામના એક્ટરને ‘સેપરેટ ટેબલ્સ’ (૧૮૫૮) માટે શ્રેષ્ઠ એક્ટરનો અવોર્ડ મળેલો અને એમાં એના ભાગે માત્ર પંદર મિનિટ આવેલી. ‘ડલાસ બાયર્સ ક્લબ’ (2014)માં જેરેડ લેટોએ એચઆઈવી પોઝિટિવ ટ્રાન્સસેક્સ્યુઅલનો ઓસ્કરવિનિંગ અભિનય કર્યો હતો. એના ભાગે 21 મિનિટ જેટલો જ સ્ક્રીન-ટાઇમ આવ્યો હતો. 2012માં રિલીઝ થયેલી મ્યુઝિકલ ‘લે મિઝેહાબ્લ’ (જેનો ઉચ્ચાર આપણે ટેસથી ‘લા મિઝરેબલ્સ’ કરીએ છીએ)માં તોતિંગ સ્ટારકાસ્ટ હતી, પણ 158 મિનિટ લાંબી ફિલ્મમાં ફક્ત પંદર મિનિટ માટે દેખાઈને એન હેથવેએ બેસ્ટ સર્પોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર અવોર્ડ જીતી લીધો.

ઇન્ગ્રિડ બર્ગમેનને ‘મર્ડર ઓન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ’ (1975) માટે ઓસ્કર મળેલો, જેમાં એ કેવળ 14 મિનિટ 18 સેકન્ડ દેખાયાં હતાં. ‘ધે બેડ એન્ડ બ્યુટીફુલ’ (1952) નામની ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર જીતનાર ગ્લોરિયા ગ્રેહેમને સાડાનવ મિનિટ જેટલો જ સ્ક્રીન-ટાઇમ મળ્યો હતો, તો ‘શેક્સપિયર ઇન લવ’ માટે ઓસ્કર તાણી જનાર જુડી ડેન્ચને તો માત્ર આઠ મિનિટ માટે સ્ક્રીન પર ફરક્યાં હતાં. સૌથી ઓછો સમય સ્ક્રીન પર રહીને ઓસ્કર જીતવાનો રેકોર્ડ કોના નામે બોલે છે? બીટ્રાઇસ સ્ટ્રેટ નામની અમેરિકન અભિનેત્રીના નામે. 1976માં રિલીઝ થયેલી ‘નેટવર્ક’માં એ ફક્ત પાંચ મિનિટ 40 સેકન્ડ માટે સ્ક્રીન પર ચમકીને બેસ્ટ સર્પોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર જીતી ગયેલાં!

સ્ક્રીન-ટાઇમની વાત નીકળી જ છે તો ભેગાભેગી માર્લોન બ્રાન્ડોની ‘એપોકેલીપ્સ નાઉ’નો ઉલ્લેખ પણ કરી લઈએ. વિશ્વના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં સ્થાન પામતા માર્લોન બ્રાન્ડોની આ ફિલ્મના ડિરેક્ટર પણ ગ્રેટ હતા – ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા. બન્ને સાથે મળીને અગાઉ ‘ગોડફાધર’માં ઓલરેડી અદભુત કામ કરી ચુક્યા હતા.

‘એપોકેલીપ્સ નાઉ’માં વિયેતનામનું યુદ્ધ ચરમસીમા પર પહોંચી ચુક્યું છે. અમેરિકન આર્મીના કેપ્ટન (સ્પેશિયલ ઓપરેશન્સ) વિલિયમ વિલાર્ડ (માર્ટિન શીન)ને એક ગુપ્ત અસાઇન્મેન્ટ મળે છે. વાત એમ છે કે અમેરિકન આર્મીનો એક લડાયક કર્નલ છે – વોલ્ટર કર્ટ્ઝ (માર્લોન બ્રાન્ડો), જે ઉપરીઓના આદેશનું પાલન કરવાને બદલે સ્થાનિક આદિવાસીઓની ટોળકી એકઠી કરીને એમનો સરદાર થઈને બેઠો છે. સિક્રેટ મિશન હેઠળ વિલાર્ડે નુંગ નામની નદીમાં થઈને કંબોડિયાના ગાઢ જંગલમાં ગુપચુપ પહોંચી જવાનું ને કર્નલ કર્ટ્ઝને ઉડાવી દેવાનો છે. ફિલ્મના અંતે વિલાર્ડ પોતાના મિશનમાં સફળ થાય છે.

ફિલ્મમાં બ્રાન્ડોની એન્ટ્રી બહુ જ મોડી થાય છે, પણ તેમના કિરદાર માટે જે માહોલ બિલ્ડ-અપ કરવામાં આવ્યો છે તે અફલાતૂન છે. બધું મળીને બ્રાન્ડો માંડ ૧૫ મિનિટ માટે જ સ્ક્રીન પર દેખાય છે. ફિલ્મ જોતી વખતે આપણને બરાબર સમજાય કે શા માટે આવા નાનકડા રોલ માટે માર્લોન બ્રાન્ડો જેવા મહાન એક્ટરની વરણી કરવામાં આવી છે.

જોકે માર્લોન બ્રાન્ડો સાથે કામ કરવાનો ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાનો અનુભવ જરાય સારો નહોતો રહ્યો. પા કલાકના રોલ માટે તેમને એ જમાનામાં સાડાત્રણ મિલિયન ડોલરની અધધધ ફી ચુકવવામાં આવી ત્યારે જોરદાર હલચલ મચી ગઈ હતી. બ્રાન્ડોનાં નખરાં શૂટિંગ શરુ થયું તેની પહેલાં જ શરુ થઈ ગયા હતા. હું એડવાન્સ પેટે મળેલા વન મિલિયન ડોલર રાખી લઈશ ને ફિલ્મ નહીં કરું એવી ધમકી તેઓ ઉચ્ચાર્યા કરતા. કોપોલાએ કંટાળીને એક વાર કહી દેવું પડ્યું કે તમતમારે પૈસા રાખી લો, તમારે બદલે હું જેક નિકલસન કે અલ પચીનોને સાઈન કરી લાઈશ. ખેર, બ્રાન્ડો આખરે મોડા મોડા સેટ પર હાજર થયા ખરા. કોપોલાએ માની લીધું હતું કે આવો ગ્રેટ એક્ટર જબરદસ્ત પૂર્વતૈયારી કરીને જ આવશે, પણ પહેલા જ દિવસે એમને ખબર પડી કે જે પુસ્તક પરથી આ ફિલ્મ બની રહી છે તે ‘હાર્ટ ઓફ ડાર્કનેસ’નું નામ સુધ્ધાં બ્રાન્ડોએ સાંભળ્યું નહોતું! અધૂરામાં પૂરું, તેમણે પોતાના ડાયલોગ્ઝ પણ ગોખ્યા નહોતા. કોપોલા બ્રાન્ડોના કિરદારને એકદમ સૂકલકડી દેખાડવા માગતા હતા, તેને બદલે બ્રાન્ડોએ વજન ભયંકર વધારી નાખ્યું હતું.

કોપોલાને ટેન્શનનો પાર ન રહ્યો. નછૂટકે કલોઝઅપ્સ વધારે લેવા પડ્યા. શૂટિંગ આગળ વધતું ગયું તેમ તેમ બ્રાન્ડોની હરકતોથી કોપોલા એવા ત્રાસી ગયા હતા કે એમણે પોતાના આસિસ્ટન્ટ ડિરેક્ટરને કહેવું પડ્યું કે ભાઈ, બ્રાન્ડોવાળાં સીન્સ હવેથી તું જ હેન્ડલ કરજે, મારાથી આ માણસ સાથે કામ નહીં થાય!

માર્લોન બ્રાન્ડોને ડાયલોગ્ઝ યાદ રહેતા નહોતા તે જાણીતી હકીકત છે. તેઓ શૂટિંગ દરમિયાન સંવાદોને ઈમ્પ્રોવાઈઝ કરતા. ‘અપોકેલીપ્સ નાઉ’માં એક અઢાર મિનિટનો મોનોલોગ હતો, તે પણ તેમણે પોતાની રીતે ઈમ્પ્રોવાઈઝ કર્યો હતો. શોટ લેવાયા પછી બ્રાન્ડોએ કોપોલાને કહેલું કે દોસ્ત, મેં મારું બેસ્ટ આ શોટમાં આપી દીધું છે. આનાથી વધારે હું કશું નહીં કરી શકું. તને જો અસંતોષ હોય તો મારી જગ્યાએ બીજા કોઈ એક્ટરને લઈ લે! કોપોલા કશું ન બોલ્યા. શું બોલે? બ્રાન્ડો એટલી અદભૂત રીતે મોનોલોગ બોલ્યા હતા કે કોપોલા અવાચક થઈ ગયા હતા. ફિલ્મના ફાઈનલ વર્ઝનમાં જોકે અઢાર મિનિટની તે એકોક્તિ કાપીકૂપીને બે જ મિનિટમાં સમેટી લેવામાં આવી તે અલગ વાત થઈ.

ફિલ્મ આખરે રિલીઝ થઈ અને હિટ થઈ. ઘણા વિવેચકોના મતે આ ફિલ્મ અત્યાર સુધીની શ્રેષ્ઠ ૧૦ ફિલ્મોમાંની એક છે. ના, આ ફિલ્મ માટે બ્રાન્ડોને ઓસ્કર તો નહોતો મળ્યો, પણ ઓછામાં ઓછો સમય પડદા પર દેખાઈને વધુમાં વધુ અસર શી રીતે પેદા કરવી તે એમણે દુનિયાભરના કલાકારોને જરૂર શીખવી દીધું!

સો વાતની એક વાત આ જ છેઃ ઓડિયન્સનું દિલ જીતવા માટે અભિનયનું ઊંડાણ મહત્ત્વનું છે, પડદા પર ખેંચાયા કરતી હાજરી નહીં.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.