ભારત તરફથી ઑસ્કરની સ્પર્ધામાં ઉતરેલી જલીકટ્ટુ ફિલ્મ આજકાલ ન્યુઝમાં છે. આ મલયાલી ફિલ્મ અને તેના સુપર ટેલેન્ટેડ ડિરેક્ટર લિજો પેલિસરી વિશે એક વર્ષ પહેલાં લેખ આજે ફરી શૅર કરું છું. લિજોની ફિલ્મો કન્ટેમ્પરરી ક્લાસિક ગણાય છે. આર્ટહાઉસ સિનેમા અને એન્ટરટેનિંગ સિનેમા વચ્ચેની ભેદરેખા ભૂંસતા લિજો જેવું બહુ ઓછા ફિલ્મમેકરોને આવડતું હોય છે.
—- મલ્ટિપ્લેક્સ – દિવ્ય ભાસ્કર ———
નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડીયો જેવાં અફલાતૂન ડિજિટલ પ્લેટફૉર્મ્સ પર આપણે વિદેશી ફિલ્મો અને વેબ શોઝમાં એવા ખોવાઈ જઈએ છીએ કે સાવ બાજુમાં દટાયેલો ખજાનો ક્યારેક ધ્યાન બહાર રહી જાય છે. તે છે ભારતીય ભાષાની ઉત્તમ ફિલ્મો અને તેના સર્જકોનો ખજાનો. આ ખજાનાનું એક ઝગમગતા રત્ન એટલે લિજો જોઝ પેલિસરી. વાંચવામાં અટપટું લાગતું આ નામ એક તેજસ્વી મલયાલમ ફિલ્મમેકરનું છે. નવ વર્ષમાં સાત ફિલ્મો ડિરેક્ટ કરનાર લિજોએ માત્ર ભારતના નહીં, પણ દુનિયાભરના ફિલ્મરસિયાઓ તેમજ ફિલ્મપંડિતોનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતની ‘ડેવલપિંગ’ ઇન્ડસ્ટ્રી સાથે કેરળની ‘વેલ-ડેવલપ્ડ’ ઇન્ડસ્ટ્રીની તુલના કરવાની ન હોય, છતાંય જાણી લો કે આપણે ત્યાં જેમ છેલ્લાં સાતેક વર્ષથી ન્યુ વેવ સિનેમાએ આકાર લીધો છે એવું જ કંઇક કેરળમાં પણ બની રહ્યું છે. કેરળની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ 2-1–11થી નવો પ્રવાહ શરૂ થયો છે. લિજો પેલિસરી મલયાલમ ન્યુ વેવ સિનેમાનું આગળ પડતું નામ ગણાય છે.
ચાલીસ વર્ષીય લિજો પેલિસરીની સર્જકતાની તાકાત અને એમની ફિલ્મમેકિંગની સ્ટાઇલ સમજવા માટે આ ત્રણ ફિલ્મો જોવી પડે -‘જલીકટ્ટુ’ (2-19), ‘ઈ.મા.યાઉ’ (2-18) અને ‘અંગમલી ડાયરીઝ’ (2-17). અબ્બી હાલ આ ત્રણેય નામ તમારા મોબાઇલમાં અથવા કાગળ પર કશેક નોંધી લો. ‘જલીકટ્ટુ’ અને ‘ઈ.મા.યાઉ’ અમેઝોન પ્રાઇમ પર, જ્યારે ‘અંગમલી ડાયરીઝ’ નેટફ્લિક્સ પર અવેલેબલ છે.
‘જલીકટ્ટુ’નો આધાર ‘માઓઇસ્ટ’ નામની એક ટૂંકી મલયાલી નવલિકા છે. એના લેખક એસ. હરીશે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી છે. વાર્તા માંડ ચાર વાક્યની છે. કેરળનું એક નાનકડું પહાડી ગામ છે. એના કતલખાનામાંથી એક જંગલી ભેંસ હલાલ થાય તે પહેલાં જ છટકીને નાસી જાય છે ને આમતેમ દોડીને ઉધામા મચાવી મૂકે છે. ગામના પુરુષો એને કોઈ પણ ભોગે પકડવા મથે છે. બસ, આટલું જ. ફિલ્મ જોતાં જોતાં તમને સમજાય છે કે અહીં ભેંસ પકડવાની પ્રવૃત્તિ તો કેવળ એક પ્રતીક છે. મૂળ વાત માણસમાં ધરબાયેલી મૂળભૂત હિંસક વૃત્તિની છે. ફિલ્મ આગળ વધતી જાય તેમ તેમ મનુષ્ય અને જનાવર વચ્ચેની ભેદરેખા ઓગળતી જાય છે. તમને થાય કે ખરેખર જંગલી કોણ છે – ભેંસ કે આ માણસો?
‘ઈ.મા.યાઉ’ ટાઇટલ મલયાલમમાં ‘જિસસ મૅરી જૉસેફ’નું શોર્ટ ફૉર્મ છે. અહીં એક ખ્રિસ્તી સદગૃહસ્થ મૃત્યુ પામે છે ને એમનો દીકરો મોટા પાયે અંતિમ વિધિઓનું આયોજન કરે છે. આ કટાક્ષિકા છે. વાત મૃત્યુની હોવા છતાં વચ્ચે વચ્ચે રમૂજ છંટાતી રહે છે. ‘અંગમલી ડાયરીઝ’ને ગેંગસ્ટર ડ્રામા કહી શકાય. અહીં અંગમલી નામના નગરમાં ગુંડાટોળકીના લીડર બનવા માગતા યુવાનની વાત છે. ‘જલીકટ્ટુ’ની માફક ‘અંગમલી ડાયરીઝ’ પણ એક માસ્ટરપીસ ગણાય છે. ગુજરાતી ફિલ્મમેકરો, ફોર ધેટ મેટર, કોઈ પણ ભાષાના ફિલ્મમેકરને ટૂંકા બજેટની સમસ્યા સૌથી પહેલાં સતાવતી હોય છે. જાણી લો કે ‘અંગમલી ડાયરીઝ’નું બજેટ ફક્ત ત્રણ કરોડ રૂપિયા હતું, જ્યારે ‘જલીકટ્ટુ’ ચાર કરોડમાં બની ગઈ હતી. લિજો પેલિસરી વીસથી ત્રીસ દિવસમાં પોતાની ફિલ્મો શૂટ કરી નાખે છે. લિજોની ફિલ્મો એ વાતની સાબિતી છે કે જો સ્ક્રિપ્ટ જડબેસલાક હોય અને તગડું પ્લાનિંગ હોય તો ટૂંકા બજેટમાં પણ ઉત્તમોત્તમ પરિણામ અચીવ કરી શકાય છે.
લિજો પેલિસરીનું કામ એટલું પ્રભાવશાળી છે કે આ માણસને, એની ક્રિયેટિવ પ્રોસેસને સમજવા માટે એમના ખૂબ બધા પ્રિન્ટ અને વિડીયો ઇન્ટરવ્યુઝમાંથી પસાર થવાનું આપણને મન થાય. એક જગ્યાએ તેઓ કહે છે, ‘હું એટલો સ્માર્ટ નથી કે લિખિત મટીરિયલ વગર શૂટિંગ કરી શકું. મારે મન સ્ક્રિપ્ટ સૌથી અગત્યની છે. એ ટકોરાબંધ હોવી જ જોઈએ. મારી વાર્તા અને પાત્રો વિશે હું પૂરેપૂરો કન્વિન્સ્ડ હોઉં, એક ડિરેક્ટર તરીકે જે-તે લખાણને હું સ્ક્રીન પર સરસ રીતે ઉતારી શકીશ એટલો કૉન્ફિડન્સ મારામાં આવે તે પછી જ હું શૂટિંગ શરૂ કરી શકું છું. હું શરૂઆતથી માનતો આવ્યો છું કે પહેલાં સાહિત્ય (સ્ક્રિપ્ટ) આવે છે, પછી સિનેમા.’
અગાઉ લિજોને એમની સાથે કામ કરવા તૈયાર થાય તેવા લોકો શોધવા પડતા હતા, પણ આજે તેઓ સ્વેચ્છાએ નક્કી કરી શકે છે કે કોની સાથે કામ કરવું. તેઓ કહે છે, ‘મને સરળ અને હળવાફુલ લોકો સાથે કામ કરવું ગમે છે. લેખક, એક્ટર્સ, ટેક્નિશિયન્સ સાથે મારી પાક્કી કેમિસ્ટ્રી હોય તે બહુ મહત્ત્વની છે.’
લિજોના સ્વગર્સ્થ પિતાજી જોઝ પેલિસરી મલયાલમ થિયેટર અને સિનેમાના સફળ અભિનેતા રહી ચુક્યા છે. આથી ઘરમાં ફિલ્મી માહોલ શરૂઆતથી હતો. લિજો નાનપણથી ઘરથી દૂર, હોસ્ટેલમાં રહીને ભણ્યા છે. કૉલેજમાં તેઓ ખૂબ નાટકો કરતા. ડિરેક્શન ઉપરાંત એક્ટિંગ પણ કરતા. કૉલેજકાળમાં એક વાર એમનો પગ ભાંગ્યો ને તેમણે લાંબા સમય સુધી પથારીવશ રહેવું પડ્યું. લિજોએ આ સમયનો ઉપયોગ વાંચવામાં કર્યો. ટોલ્સટોય, ચેખોવ જેવા રશિયન લેખકોને વાંચ્યા, લેટિન અમેરિકન સાહિત્ય વાંચ્યું ને પછી ધીમે ધીમે તેઓ સિનેમા તરફ વળ્યા. નાનપણમાં ‘શોલે’એ લિજો પર તીવ્ર પ્રભાવ પેદા કર્યો હતો. સ્ટેન્લી કુબ્રિકની ફિલ્મોના તેઓ મોટા પ્રશંસક છે.
લિજોની ફિલ્મોમાં પિતા-પુત્રના સંબંધની વાત અવારનવાર આવે. કમાલની કોરિયોગ્રાફી ધરાવતાં ટોળાંના દશ્યો આવે. ખાવાપીવાનાં, વાનગીઓનાં દશ્યો ખૂબ આવે. તેઓ ખૂદ ખ્રિસ્તી છે અને ખ્રિસ્તી સ્કૂલમાં ભણ્યા છે એટલે એમની ફિલ્મોમાં ખ્રિસ્તી પાત્રો તેમજ પરિવેશ પણ ખૂબ દેખાય. એમની ફિલ્મો એનર્જીથી ફાટ ફાટ થતી હોય. ‘અંગમલી ડાયરીઝ’માં કેટલાય એક્ટરો અને સેંકડો જુનિયર આર્ટિસ્ટોને આવરી લેતો ખાસ્સો કોમ્પ્લિકેટેડ એવો અગિયાર મિનિટ લાંબો વન-ટેક શોટ છે. ‘જલીકટ્ટુ’માં પણ લાંબા અને અઘરા શોટ્સ છે. લિજોની ફિલ્મોની સાઉન્ડ ડિઝાઇન વિશેષપણે ધ્યાન ખેંચે એવી હોય છે. ‘જલીકટ્ટુ’ની ઓપનિંગ સિકવન્સમાં અવાજો અને વિઝ્યુઅલ્સની જુગલબંદી જોજો. લિજોની ફિલ્મોની સ્ટોરી બે-ચાર વાક્યોમાં સાંભળો તો તમને લાગે કે આ આર્ટ ફિલ્મ હશે, પણ તમે ફિલ્મ જોવા બેસો એટલે તમારી આંખો ધી એન્ડ સુધી સ્ક્રીન પરથી હટવાનું નામ ન લે. આર્ટહાઉસ સિનેમા અને એન્ટરટેનિંગ સિનેમા વચ્ચેની ભેદરેખા ભૂંસતા લિજો જેવું બહુ ઓછા ફિલ્મમેકરોને આવડતું હોય છે.
જો આપણે લિજો પેલિસરી જેવી ઘરઆંગણાની પ્રતિભાઓથી સાથે સારી રીતે પરિચિત હોઈશું તો વિદેશની ફિલ્મો અને ફિલ્મકારોને અલગ દષ્ટિકોણથી મૂલવી ને માણી શકીશું. લિજો પેલિસરીની ફિલ્મો જોજો. મોજ પડશે.
-શિશિર રામાવત
(દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 18 ડિસેમ્બર 2-19, રવિવાર)
Leave a Reply