વો ઇન્સાન બનને આયા હૂં…
સંદેશ-સંસ્કાર પૂર્તિ-29 જુલાઈ 2019
મલ્ટિપ્લેક્સ
‘મારી સ્ટ્રગલ એ નહોતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને બ્રેક મળે, મારી સ્ટ્રગલ એ હતી કે મારું પેટ ભરેલું હોય!’
* * * * *
‘આ છોકરો મોટો થઈને કાં તો નેતા બનશે અથવા તો અભિનેતા!’
આઝાદ કુમાર નાના હતા ત્યારે એમના નાનાજીએ કોણ જાણે શી રીતે આ ભવિષ્યવાણી કરી નાખી હતી. આઝાદ કુમાર એટલે ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ સિરીયલને લીધે વિખ્યાત થયેલા અને થોડા દિવસો પહેલાં હાર્ટ અટેકને લીધે સ્વર્ગસ્થ બન્યા એ ડો. હંસરાજ હાથી. પુત્રનાં લક્ષણ પારણામાંથી જ દેખાવાં માંડ્યાં હતાં. નાનપણમાં જ તેઓ મેદસ્વી બની ગયેલા. એ વખતે કોઈએ ક્યાં કલ્પના કરી હશે કે આઝાદ કુમારની અતિ ભરાવદાર દેહયષ્ટિ જ ભવિષ્યમાં એમની ઓળખ બનવાની છે અને એમને ખૂબ બધી પ્રસિદ્ધિ અપાવાની છે!
થોડા સમય પહેલાં આઝાદ કુમાર ઉર્ફ ડો. હાથી સાથે ‘તારક મહેતા…’ના સેટ પર ખાસ્સો સમય પસાર કરવાનું બન્યું હતું. ખૂબ બધી વાતો કરી હતી એમણે પોતાના જીવન વિશે. બિહારના સાસારામ નામના નાનકડા ગામમાં એમનો જન્મ. ઉછેર પણ અહીં જ. માતાપિતાનું એકનું એક સંતાન. દિમાગ તેજ, પણ ભણવામાં મન ન ચોંટે. કાચી ઉંમરે એમનામાં બહુ છોકરમત હતી. તેઓ મેટ્રિક થયા, પણ કોલેજ ન કરી શક્યા. તરૂણાવસ્થામાં આઝાદ ફિલ્મો ખૂબ જોતા. જ્યાં આજની તારીખે પણ વિજળીના ધાંધિયા છે એવા ગામમાં મોટા થઈ રહેલા આ છોકરાના મનમાં સપનાં અંજાવાં લાગ્યાં હતાં. એમને સતત થતું કે આ ફિલ્મલાઇનમાં મારી પણ એક જગ્યા પહેલેથી નિશ્ચિત થયેલી છે. બસ, હું આ જગ્યા શોધી લઉં એટલી વાર છે!
ડો. હાથીની વેશભૂષા ધારણ કરીને મેકઅપ કરાવતાં કરાવતાં આઝાદ કુમાર કહી રહ્યા હતા, ‘હું સૌથી પહેલાં તો દિલ્હી ગયો. મારે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લેવું હતું, પણ તે માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી હતું. હું પછી વિજય શુક્લના થિયેટર ગ્રુપમાં જોડાઈ ગયો. તિહાર જેલના કેદીઓ માટે અમે શો કરેલો. મારી કરીઅરનું એ સૌથી પહેલું પર્ફોર્મન્સ. હનુમાનજી પૃથ્વી પર આવે છે તે પ્રકારનો નાટકનો વિષય હતો.’
આઝાદ કુમારનો સ્ટ્રગલનો તબક્કો ખાસ્સો લાંબો ચાલ્યો હતો. ક્યારેક રેલવે સ્ટેશનની બહાર બેન્ચ પર સૂઈ રહેવું પડતું. ધીમે ધીમે દિલ્હીમાં બનતી સિરિયલોમાં નાનાંનાનાં રોલ મળવા લાગ્યા. દૂરદર્શન પર ટેલીકાસ્ટ થયેલી ‘જિંદગી ઇસ પલ, જિંદગી ઉસ પલ’ એમાંની એક. ટકી રહેવા માટે જનપથ વિસ્તારમાં નકલી ફોરેનર બનીને તેઓ ઘડિયાળ, ચશ્માં, હેટ વગેરે વેચતા. આમાંથી એમણે તે જમાનામાં પંદર-વીસ હજાર રૂપિયાની કમાણી કરેલી! 1996માં ગણપતિ મહોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો હતો એ દિવસોમાં તેમણે મુંબઈમાં પગ મૂક્યો.
‘મારી સ્ટ્રગલ એ નહોતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને બ્રેક મળે, મારી સ્ટ્રગલ એ હતી કે પેટ ભરેલું હોય. હું ઘણાં વર્ષો આમતેમ ભટક્યો. જુહુમાં એક જગ્યાએ પેઇંગગેસ્ટ તરીકે રહેતો. આપવા માટે પૈસા નહોતા એટલે મને કાઢી મૂક્યો. મારો સામાન પણ ન આપ્યો. હોટલ સેન્ટોરની પાછળ સુલભ શૌચાલય પાસે ઓટલા પર હું સૂઈ રહેતો. સવાર પડે ત્યારે ચાદર મોઢા પર ખેંચી લેતો કે જેથી મોર્નિંગ વોક કરવા નીકળેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો મને જોઈ ન લે. મારે આ જ લોકો સામે સ્ટ્રગલ કરવાની હતી, કામ માગવા જવાનું હતું.’
ડો. હાથીએ આ સ્થિતિમાં મહિનાઓ કાઢ્યા હતા? આખરે ટીનુ વર્માની ‘બજરંગ’ નામની ફિલ્મમાં એમને કામ મળ્યું. સની દેઓલ અને કરિશ્મા કપૂરની મુખ્ય ભુમિકાવાળી આ ફિલ્મ ક્યારેય પૂરી જ ન થઈ. તે પછી આમિર ખાનની ‘મેલા’ ફિલ્મમાં કામ મળ્યું, પણ તેમાં એમનું કિરદાર એસ્ટાબ્લિશ ન થઈ શકયું. ‘જુનિયર જી’ નામની સિરીયલમાં તેઓ ઇન્સપેક્ટર બન્યા. આ રીતે નાની નાની ભુમિકાઓ મળતી ગઈ. ઇન્ડસ્ટ્રીનાં આંતરિક વર્તુળોમાં આઝાદની ઓળખ એક સારા પર્ફોર્મર તરીકે ઊભી થતી ગઈ. ‘ફન્ટૂશ’માં ડબલ રોલ કર્યો. પરેશ રાવલ અને ગુલશન ગ્રોવર સાથે સીન્સ કર્યાં. ‘લગાન’ની મજાક ઉડાવતી ‘થકાન’ નામની ફિલ્મમાં કામ કર્યું, પણ આ ફિલ્મેય ક્યારેય પૂરી જ ન થઈ.
2000ની સાલથી એમને નવો શોખ લાગ્યો – લખવાનો! એમણે કવિતાઓ લખવા માંડી. એક ફેસ્ટિવલ ફિલ્મ માટે ગીત પણ લખ્યું, જે શાને ગાયેલું. આઝાદને પ્રિયદર્શનની ફિલ્મ ‘ક્યોં કિ…’માં કામ મળ્યું અને પછી યુટીવીની બાળકો માટેની સિરિયલ ‘હીરો’માં દેખાયા. વિજ્ઞાપનની દુનિયામાં અત્યંત ખૂબસૂરત ઉપરાંત વિશિષ્ટ શરીર-દેખાવ ધરાવતા લોકોની ડિમાન્ડ રહેતી હોય છે. આઝાદે એક હેર ઓઇલની એડમાં કામ કર્યું હતું, જે ડિરેક્ટ કરેલી આજના ફિલ્મમેકર નંબર વન, રાજકુમાર હિરાણીએ! આ એડમાં સની દેઓલ મુખ્ય મોડલ હતા. આઝાદે કેટલીક ભોજપુરી ફિલ્મો કરી. તેમને વેઇટલોસની થીમવાળો ‘ધ બિગેસ્ટ લૂઝર’ નામનો રિયાલિટી શો પણ ઓફર થયેલો, પણ બીમારીને કારણે તેઓ કરી નહોતા શક્યા.
આઝાદ કુમારની કરીઅરે પૂરજોશમાં દોડવાની શરૂઆત કરી 2009માં, જ્યારે ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’માં એમને ડો. હાથીના રિપ્લેસમેન્ટ માટે ઓફર આવી. સિરીયલ શરૂ થઈ ત્યારે નિર્મલ સોની નામના દુંદાળા એક્ટર ડો. હાથીનું કિરદાર કરતા હતા. આઝાદ કુમાર શોના ક્રિયેટિવ પ્રોડ્યુસર આસિત મોદીને મળવા એમની ઓફિસે ગયેલા. આસિત મોદીએ એમનામાં કોન્ફિડન્સ જોયો અને નવા ડો. હાથી તરીકે એમને સિલેક્ટ કરી લીધા.
રિપ્લેસમેન્ટવાળું પાત્ર હંમેશાં પોતાની સાથે વધારાની જવાબદારી અને પડકાર લઈને આવતું હોય છે. આઝાદ કુમારે માત્ર ઓડિયન્સની નજરમાં નવેસરથી ગોઠવાવાનું નહોતું, બલકી ‘તારક મહેતા…’ની ટીમના કલાકાર-કસબીઓ સાથે પણ કેમિસ્ટ્રી બનાવવાની હતી. ખાસ કરીને મિસિસ હાથીનો કિરદાર નિભાવી રહેલાં અંબિકા રંજનકર અને પુત્ર ગોલી બનતા કુશ શાહ સાથે. આ બન્ને સ્તરે સફળતા મેળવવામાં આઝાદને ઝાઝી વાર ન લાગી. એમનું ખાધોકડાપણું અને ‘સહી બાત હૈ’ તકિયાકલામ દર્શકોમાં લોકપ્રિય બન્યા.
‘આ સિરિયલે મને ઘણું આપ્યું છે,’ આઝાદ કુમારે કહેલું, ‘ખાસ તો તેણે મને જીવનમાં સ્થિરતા આપી છે. બીમારી સાથે મારે સારું એવું લેણું છે, પણ ‘તારક મહેતા…’ની ટીમના સહકાર અને હૂંફને કારણે મારા દરદ ઘણી બધી રીતે સહ્ય બને છે.’
350 કિલોની કાયા લઈને વસઇ સ્થિત ઘરથી શોના સેટ સધી આવવું-જવું એમના માટે કેટલું કષ્ટદાયક પૂરવાર થતું હશે તે સમજી શકાય એવું છે. તેઓ પ્લાસ્ટિકની સાદી મોલ્ડેડ ચેર પર બેસી ન શકે એટલે સેટ પણ તેમના માટે લાકડાની અલાયદી પોર્ટેબલ બેન્ચ કાયમ રાખવામાં આવતી. શોટ પૂરો થાય એટલે કાં તો તેઓ વેનિટી વેનમાં જઈને બેસતા અથવા સ્પોટ બોટ એમના માટે આ બેન્ચ લાવી આપતા.
ડો. હાથીને એક સરસ અનુભવ થયેલો. તેઓ વસઈમાં જ્યાં રહેતા તેની બાજુની બિલ્ડિંગમાં એક ટાબરિયો ‘તારક મહેતા…’નો જબરો ચાહક. એક વાર એ બીમાર પડ્યો. ખૂબ પીડાતો હતો બિચારો. તેના પપ્પા આઝાદ કુમાર પાસે આવ્યા. દીકરા વિશે વિગતવાર વાત કરીને છેલ્લે સંકોચાઈને ઉમેર્યુઃ તમને વાંધો ન હોય તો થોડી વાર માટે અમારા ઘરે આવશો, પ્લીઝ? આઝાદ તરત તૈયાર થઈ ગયા. જીવતાજાગતા ડોક્ટર હાથીને ઘરે આવેલા જોઈને છોકરો રાજીનો રેડ થઈ ગયો. એનું દુખ-દરત કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયું. ડો. હાથીની સરસ સરભરા કરવામાં આવી. છોકરો વારંવાર કહેતો રહ્યોઃ મમ્મી, હાથીભાઈને બરાબર જમાડજે, હં! આ પ્રકારના અનુભવ થાય ત્યારે આઝાદ કુમારના દિલમાં લાગણી જાગતી કે પોતાનાં તમામ કષ્ટો, સઘળા પ્રયત્નો લેખે લાગ્યા છે.
આઝાદ કુમારે તે દિવસે ભારે ઉત્સાહથી પોતાની એક કવિતા સંભળાવી હતીઃ
મેહફિલ કી શાન નહીં,
માતાપિતા કા સમ્માન બનને આયા હૂં.
જિસે ભૂલા ના સકે જમાના
વો પેહચાન બનને આયા હૂં.
જિસ પર કર સકે કોઈ ભરોસા
વો ઈમાન બનને આયા હૂં.
જો દે સકે કિસી કો ખુશી
વો ઇન્સાન બનને આયા હૂં…
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2018 )
Leave a Reply