મને પુસ્તકોએ બાંધી રાખ્યો, ફિલ્મોએ નહીઃ ગુલઝાર
——————————————
‘રાઇટર્સ બ્લૉક માત્ર કવિ-લેખકને જ નહીં, સૌને આવી શકે છે, દરેક ક્ષેત્રના લોકોને આવી શકે છે. આમાં કશું ચિંતા કરવા જેવું નથી. થોડા દિવસ તો ગાય પણ દૂધ દેતી નથી!’
—- મલ્ટિપ્લેક્સ – દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ —-
લેખકોને – કવિઓને એક પ્રશ્ન સતત પૂછાતો હોય છે કે શું તમને લખવા માટે કોઈ ચોક્કસ પ્રકારના માહોલની જરૂર પડે? આવું તમે જો ગુલઝારને પૂછશો તો તેઓ કહેશે, ‘આ એક જબરી છાપ ઊભી થઈ છે કે શાયરસાહેબ તો કોઈ બગીચામાં બેસીને લખતા હોય, એને એકાંત જોઈએ, કોઈએ એને ડિસ્ટર્બ નહીં કરવાના. એ જમાનો ગયો જ્યારે શાયરો-લેખકો રાજાઓ અને નવાબો માટે લખતા હતા અને તેમને એકાંતમાં લખવાની લક્ઝરી પૂરી પાડવામાં આવતી હતી. આજે અમે કોઈ પણ પરિસ્થિતિમાં લખી શકીએ છીએ. લખવું એ તો ભીતરની વાત છે. અમે પણ બીજા કોઈ પણ પ્રોફેશનની માફક સારા કારીગર જ છીએ. હું કમ્પોઝર અને ફિલ્મમેકર સાથે સ્ટુડિયોમાં લખી શકું છું. મારી ઑફિસમાં તમામ પ્રકારના અવાજો અને હલચલ થઈ રહ્યા હોય તો પણ લખી શકું છું. મને એકાંતની જરૂર નથી. હું એકલો નથી.’
આ વાત ગુલઝારસાહેબે તાજેતરમાં પ્રગટ થયેલા ‘બોસકીયાના’ નામના એક અફલાતૂન હિન્દી પુસ્તકમાં કહી છે. પુસ્તકની ટૅગલાઇન છે, ‘બાતેં-મુલાકાતેં ગુલઝાર’. લેખક યશવંત વ્યાસે ગુલઝારના પ્રલંબ ઇન્ટરવ્યુઝ લીધા ને પછી તેના આધારે આ પુસ્તક લખ્યું. કેટલીય જાણી-અજાણી વાતો આ પુસ્તકમાં કહેવાઈ છે. જેમ કે, એક જાણીતી વાત છે કે ગુલઝારસાહેબ વર્ષોથી મુંબઈના બાંદ્રા જિમખાનામાં એમના બે મિત્રો સાથે સવારે નિયમિતપણે ટેનિસ રમે છે. આમાંનો રાજુ શાહ નામનો એમનો એક દોસ્તાર ડૉક્ટર છે, જ્યારે ઉમેશ પચિકા આર્કિટેક્ટ છે. ‘હું ફિલ્મની સ્ક્રિપ્ટ કે ગીતો ક્યારેક ક્યારેક લખું છું, પણ ટેનિસ રોજ રમું છું,’ ગુલઝાર કહે છે, ‘મારા કેટલાક મિત્રોને નવાઈ લાગે છે કે આ કેવો ઉર્દૂ શાયર છે, જે રાતે સાડાદસે સૂવા જતો રહે છે, સવારે પાંચ વાગે ઉઠી જાય છે ને પછી ચડ્ડી પહેરીને ટેનિસ રમવા પહોંચી જાય છે. આ મામલામાં હું બિલકુલ ‘અ-કવિ’ છું! હું તો ક્લર્ક છું, સાડાદસ વાગે મારી ઑફિસમાં પહોંચી જાઉં છું અને પાંચ વાગ્યા સુધી કામ કરું છું. કામ કરવાનું છે, શિસ્તબદ્ધ – કાયદેસર રીતે કામ કરવાનું છે. કવિઓ કંઈ પરગ્રહમાંથી આવેલાં પ્રાણીઓ થોડા છે.’
શિસ્તબદ્ધ કામ કરવાની વાત બરાબર છે, પણ જેમ બીજી ઑફિસોમાં કર્મચારીઓનાં કામનું સ્વરૂપ લગભગ નક્કી હોય છે, વર્ક-ફ્લૉ ગોઠવાયેલો હોય છે. કવિ-લેખકોનું સાવ એવું હોતું નથી. તેમને ક્યારેક રાઇટર્સ બ્લૉક નડતો હોય છે. ગુલઝારને રાઇટર્સ બ્લૉક આવે કે નહીં?
‘આવે, ક્યારેક રાઇટર્સ બ્લૉક પણ આવે. એકાએક એવું લાગે કે અટકી પડ્યો છું, સાચો શબ્દ ન મળે, લખી શકાય જ નહીં, જે મનમાં છે તે બહાર ન આવે. તમે ગમે તેટલા અનુભવી કેમ ન હો, આવી ક્ષણો સૌને આવી શકે શકે છે. દરેક કામ-ધંધામાં આવું થઈ શકે છે. એક કુંભાર કે જે માટીથી નવાં નવાં પાત્રો બનાવતો હોય, તેને પણ આવું થઈ શકે છે. ક્યારેક એવો સમય આવે કે આંગળીઓ ચાલે જ નહીં. થોડા દિવસ તો ગાય પણ દૂધ દેતી નથી. આમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. લેખકોને મારી સલાહ છે કે આપણે જરાક જમીન પર પગ રાખીને ચાલીએ. પોતાની જાતને વધારે પડતી સિરીયસલી ન લઈએ. તમે એક લેખક છો, લખવું તમારી પ્રકૃતિ છે, તમારું કામ છે. ‘મિકેનિક્સ ઑફ જિનિયસ’ જેવું કશું હોતું નથી. સમાજ લેખકોને બહુ લાડ કરે છે. એમને ઊંચા ઊંચા શબ્દોથી નવાજે છે. આને કારણે તો તમારી જવાબદારી ઑર વધી જાય છે.’
પોતાની જે ઓળખ છે, પોતે જે ક્ષેત્રમાં છે, તેના વિશે ગુલાબી ખયાલોનો જે પરપોટા ફેલાયા હોય તેમાં ખુદ ટાંકણી મારીને ફોડી નાખવાનું કામ સહેલું નથી! લેખકોને ઘણી વાર ‘મોટા માણસ’ ગણવામાં આવે છે, એમને આમઆદમી કરતાં ઊંચો દરજ્જો આપવામાં આવે છે, પણ ગુલઝાર કહે છે કે તમે લેખકને એમ જ સૌથી ઊંચા પાયદાન પર બેસાડી ન દો. ‘શું વૈજ્ઞાનિક ઓછો ઊંચો છે?’ ગુલઝાર પૂછે છે, ‘હોમી જહાંગીર ભાભાએ તો ક્યારેય કંઈ લખ્યું નથી, તો શું એમનું કદ નાનું છે? લેખક, કલાકાર સંવેદનશીલ હોય છે, પણ એણે જમીનથી અધ્ધર થઈને ચાલવાની જરૂર નથી. પોતાનું કામ ઇમાનદારીથી કરતાં રહેવું. લેખક હોવાનો રોફ રાખવો બરાબર નથી.’
એક લેખક કે કવિને આત્મવિશ્વાસ ક્યારે આવતો હોય છે? શું એનામાં આત્મવિશ્વાસ આવે ત્યારે જ એ લખવાનું શરૂ કરતો હોય છે? ગુલઝારની કક્ષાનો માણસ જ્યારે એમ કહે મારામાં કવિ તરીકેનો આત્મવિશ્વાસ હમણાં થોડાં વર્ષોથી જ આવ્યો છે ત્યારે આશ્ચર્ય થાય. તેઓ કહે છે, ‘હું થોડો અસમંજસમાં હતો કે મારી શાયરી જ્યાં સુધી પહોંચવું જોઈએ ત્યાં પહોંચી રહી છે? હું સારી રીત કમ્યુનિકેટ કરી રહ્યો છું? મને એ ચિંતા નહોતી કે હું સાચો છું કે ખોટો. એ નિર્ણય તો સમય કરશે. એક પ્રકારનો આત્મવિશ્વાસ આવ્યો એટલે હવે એક કવિ તરીકે હું જે કહેવા માગું છું તે બેધડક કહી શકું છું.’
બહોળા પરિવારમાંથી આવતા ગુલઝારને વાંચવાનો શોખ નાનપણથી હતો. હજુ ઊગીને ઊભા થઈ રહ્યા હતા ત્યારે તેઓ એક મોટર ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતા હતા. ફિલ્મમેકર બિમલ રૉય એમની આંગળી પકડીને લેખનની, ફિલ્મોની દુનિયામાં લઈ આવ્યા. બિમલદાએ એમને કહેલું કે, મને ખબર છે કે તને ફિલ્મો માટે લખવું પસંદ નથી, પણ તું આવ તો ખરો, ડિરેક્ટરોની મિટીંગોમાં મારી સાથે બેસજે. તને ગમશે, તું જે મનમાં આવે તે કરજે, પણ તું પેલા મોટર ગેરેજમાં પાછો ન જતો. એ તારી જગ્યા નથી. ગુલઝાર માટે આ ઇમોશનલ મોમેન્ટ હતી. આવું અગાઉ એમને કોઈએ કહ્યું નહોતું.
ગુલઝાર ફિલ્મોની દુનિયામાં આવી ગયા, સફળ ગીતકાર અને ડિરેક્ટર બન્યા, પણ પુસ્તકો ન છૂટ્યાં. પુસ્તકો જીવનભર સતત એમની સાથે ચાલતાં રહ્યાં. તેઓ કહે છે, ‘મને બાંધી રાખનારું પરિબળ ફિલ્મો નહોતી, પુસ્તકો હતાં. ફિલ્મો મારી જિંદગીનો મહત્ત્વનો હિસ્સો જરૂર બની. હું ફિલ્મો કરતો ને પાછો પુસ્તકો પાસે આવી જતો. વે મુઝમેં બની રહી, મૈં ઉનમેં લૌટા. મેં ફિલ્મો પણ લેખકોના મિજાજની બનાવી છે. ‘મેરે અપને’, ‘પરિચય’, ‘કોશિશ’ અને ‘આંધી’ આ બઘી લેખકની ફિલ્મો છે. મેં વિઝ્યુઅલ મિડિયમની લેંગ્વેજને સારી રીતે સમજવાનું ‘કિતાબ’ પછી શરૂ કર્યું. એટલે તે પછીની ફિલ્મો – ‘મૌસમ’, ‘માચિસ’, ‘હુતુતુ’ – આ બધી ફિલ્મમેકરની ફિલ્મો છે.’
ગુલઝારની આવી કંઈકેટલીય વાતો ને વિચારોમાં પ્રવેશવા માટે ‘બોસકીયાના’ પુસ્તક વાંચજો. જલસો પડશે.
– Shishir Ramavat
Leave a Reply