લિલી સિંહઃ ડિપ્રેશનને મારો ગોળી…
સંદેશ- સંસ્કાર પૂર્તિ – 2 સપ્ટેમ્બર 2018
મલ્ટિપ્લેક્સ
સ્ટાર એટલે ફિલ્મ સ્ટાર એ વાત હવે જૂની થઈ ગઈ. સાવ સાદા કેમેરાથી જોવામાં રસ પડે એવા વિડીયો બનાવીને યુટ્યુબ પર શેર કરનારી વ્યક્તિ આજે લાખો-કરોડો કમાઈ શકે છે, ઇન્ટરનેશનલ સેલિબ્રિટી બની શકે છે. લિલી સિંહ આ ડિજિટલ સત્યનું ઉત્તમ ઉદાહરણ છે.
* * * * *
બે અબજ. આ છે એની યુટ્યુબ ચેનલને મળેલા કુલ વ્યુઝનો આંકડો. 1 કરોડ 42 લાખ – આ છે એની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરનારાઓની સંખ્યા. 78 લાખ – આટલા છે એના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ. 10.5 મિલિયન ડોલર અથવા 75 કરોડ 30 લાખ રૂપિયા – આ છે એની ગયા એક વર્ષની કમાણી. ‘ફોર્બ્સ’ મેગેઝિને ગયા વર્ષે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રભાવશાળી લોકોની જે સૂચિ બહાર પાડી હતી એમાં એનું નામ સૌથી પહેલું મૂકાયું હતું. ‘હાઉ ટુ બિકમ બોવ્સઃ અ ગાઇડ ટુ કોન્કરિંગ લાઇફ’ – આ છે એણે લખેલું પુસ્તક જે એક જ અઠવાડિયામાં ‘ધ ન્યુ યોર્ક ટાઇમ્સ’ના બેસ્ટસેલર લિસ્ટમાં ટોપ પર પહોંચી ગયું હતું.
વાત લિલી સિંહની થઈ રહી છે. જેમના માટે મનોરંજન માત્ર ટીવી અને ફિલ્મો પૂરતું સીમિત નથી, જેમને ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ, ખાસ કરીને યુટ્યુબ પર ઊછળતા જ્ઞાન અને મનોરંજનના મહાસાગરમાં ડૂબકી લેવાની મજા આવે છે એમના માટે લિલી સિંહનું નામ અપરિચિત નથી. 29 વર્ષની આ પંજાબી કુડી કેનેડામાં જન્મી છે ને મોટી થઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી એ સર્ટિફાઇડ યુટ્યુબ સ્ટાર તરીકે દુનિયાભરમાં તરખાટ મચાવી રહી છે.
સ્ટાર એટલે ફિલ્મ સ્ટાર કે ટીવી સ્ટાર એ ખયાલ હવે જૂનો થઈ ગયો. હવે માત્ર સાદા વિડીયો કેમેરાથી કે ઇવન મોબાઇલ કેમેરાથી વિડીયો શૂટ કરીને, જોવામાં રસ પડે એવું કોન્ટેન્ટ નિયમિતપણે ક્રિયેટ કરીને યુટ્યુબ પર શેર કરનારી વ્યક્તિ પણ સ્ટાર યા તો સેલિબ્રિટી બની શકે છે, એમના દેશ-વિદેશમાં લાખો ચાહકો હોઈ શકે છે, લોકો એની પાછળ દીવાના બની શકે છે અને એ માત્ર પોતાના યુટ્યુબ વિડીયોના જોરે લાખોપતિ-કરોડપતિ બની શકે છે. આ ઇન્ટરનેટ યુગનું સત્ય છે. ફેમસ બનવું કે સ્ટાર હોવું એ હવે કેવળ ગણ્યાગાંઠ્યા લોકોનો ઇજારો રહ્યો નથી. યુટ્યુબ સ્ટાર્સ ક્રમશઃ મેઇનસ્ટ્રીમ બની રહ્યા છે.
લિલી સિહ ‘સુપરવુમન’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. 2010માં એણે આ ચેનલ શરૂ કરેલી. આ આઠ વર્ષમાં એણે એણે 735 કરતાં વધારે અંગ્રેજીભાષી વિડીયો અપલોડ કર્યા છે. અઠવાડિયામાં બે વિડીયો બનાવીને એ પોતાની સુપરવુમન નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરે છે. નાના નાના, ત્રણથી બારેક મિનિટના આ વિડીયોના વિષયો સાવ સાદા અને રોજ-બ-રોજની ઘટનાઓ પર આધારિત હોય. જેમ કે, ‘છોકરીઓ કેવી રીતે તૈયાર થાય છે’, ‘છોકરીઓ કેવી રીતે ટેકસ્ટ મેસેજ મોકલે છે’, ‘જુદી જુદી ટાઇપના પેરેન્ટ્સ’, ‘લગ્ન સમારંભોમાં કેવા કેવા નમૂના આવતા હોય છે’ વગેરે. જાણે મશીનગન ચાલતી હોય એમ લિલીના મુખમાંથી ધડધડાટ શબ્દો નીકળતા જાય. એ કેમેરા સામે ચિત્ર-વિચિત્ર મોઢાં બનાવે, પોતાનાં મમ્મી-પપ્પા અને અન્ય કિરદારના રોલ પણ ખુદ નિભાવે. આ ચેનલનું કોન્ટેન્ટ અત્યંત ઉચ્ચ કક્ષાનું ભલે ન હોય, પણ એ રિલેટેબલ હોય છે. એટલેસ્તો તે આટલી હદે લોકપ્રિય બની છે. લિલીના વિડીયોઝમાં લિલીની તીક્ષ્ણ નિરીક્ષણશક્તિ બરાબરની ખીલે છે. એની પાસે હવે તો ખેર ખુદની પ્રોફેશનલ ટીમ છે, બાકી વર્ષો સુધી વિડીયોની સ્ક્રિપ્ટ લખવાથી માંડીને શૂટિંગ અને એડિટીંગ સુધીનું બધું જ કામ એણે જાતે કર્યું હતું.
લિલીને યુટ્યુબ ચેનલ શરૂ કરવાનું શી રીતે સૂઝ્યું? લિલીના ઘરમાં જાણે એવો નિયમ થઈ ગયો હતો કે એની મોટી બહેન કરે એ બધું લિલીએ કરવાનું જ. બહેનના નક્શે-કદમ પર એણે ચાલ્યા કરવાનું. બહેને કોલેજમાં સાઇકોલોજી વિષય લીધો હતો એટલે લિલીએ પણ બાય ડિફોલ્ટ તે જ વિષય લીધો. સાઇકોલોજી ભણવાની એને સહેજ પણ મજા નહોતી આવતી. ગ્રજ્યુએટ થયા પછી સાઇકોલોજીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન પણ કરવું એવું નક્કી થયું. લિલીને ભણવાનો એટલી હદે ત્રાસ થતો હતો કે એ ભયંકર ડિપ્રેશનમાં સરી પડી. આવી માનસિક સ્થિતિમાં, કેવળ મનને કોઈક પ્રવૃત્તિમાં રોકવા માટે એણે એક વિડીયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કર્યો. એને એ વખતે તે પણ ખબર નહોતી કે પોતે બીજો વિડીયો બનાવશે કે કેમ, પણ એને કેમેરા સામે એકલાંએકલાં હલકીફૂલકી વાતો કરવાની અને લોકો સાથે શેર કરવાની મજા આવી. પછી એણે બીજો વિડીયો બનાવ્યો. પછી ત્રીજો. લોકોની ઉત્સાહજનક કમેન્ટ્સ આવવા લાગી. તેમણે કહ્યું કે લિલી, તારા વિડીયો બહુ ફની (રમૂજી) હોય છે. લિલીને ત્યારે એ પણ ખબર નહોતી કે એનામાં સારું સેન્સ ઓફ હ્યુમર છે. એ એક પછી એક વિડીયો બનાવતી ગઈ. એના માટે આ સ્વ-ચિકિત્સા હતી. એ લોકોને એટલા માટે હસાવવા માગતી હતી કે જેથી એને ખુદને હસવું આવે, એની પીડા ઓછી થાય ને ડિપ્રેશન ઘટે. એવું જ થયું. આકસ્મિકપણે લિલીને નવી લાઇન મળી ગઈ. એ અમેરિકા શિફ્ટ થઈ. પછી તો એનો ઘોડો એવો દોડ્યો કે પાછા વળીને જોવાની ક્યારેય જરૂર ન પડી.
પોતાના ઘરના કમરામાં શૂટ કરેલા વિડીયોના જોરે લિલી આજે મોટા પોપસ્ટાર કે ફિલ્મસ્ટારની માફક વર્લ્ડ ટૂર ગોઠવે છે. એના તમામ શોઝ હાઉસફુલ થાય છે. વચ્ચે એ ભારત આવેલી ત્યારે શાહરુખ ખાને એને વિનંતી કરેલી કે લિલી, પ્લીઝ તું મારી મહેમાન બન, મારા ઘરે આવ, કેમ કે મારી દીકરી સુહાના તારી મોટી ફેન છે! આજની તારીખે લિલીનું નામ એટલું મોટું થઈ ગયું છે કે ઇવન હોલિવૂડના મોટા મોટા સુપરસ્ટાર્સ પણ એના વિડીયોમાં દર્શન દઈને પોતાની ફિલ્મોનું પ્રમોશન કરે છે.
સુપરવુમન સિવાય લિલી ‘સુપરવુમન વ્લોગ્સ’ નામની યુટ્યુબ ચેનલ પણ પર રોજ પોતે આખા દિવસમાં શું શું કર્યું એની વાતો ઓડિયન્સ સાથે શેર કરે છે. આમ, એ અઠવાડિયામાં બે વત્તા સાત એટલે કે કુલ નવ નવા વિડીયો બનાવે છે. આ પ્રકારનું સાતત્ય જાળવી રાખવા માટે ચિક્કાર મહેનત કરવી પડે અને કેટલીય વસ્તુઓનો ભોગ આપવો પડે એ કહેવાની જરૂર છે ખરી? ડિપ્રેશનના દર્દીથી ડિજિટલ સ્ટાર બનવા સુધી લિલીની યાત્રા લોકોને અમસ્તી પ્રેરણાદાયી નથી લાગતી.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2018 )
Leave a Reply