Sun-Temple-Baanner

બોલ રાધિકા બોલ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


બોલ રાધિકા બોલ


બોલ રાધિકા બોલ

સંદેશ- સંસ્કાર પૂર્તિ – 2 સપ્ટેમ્બર 2018

મલ્ટિપ્લેક્સ

રાધિકા આપ્ટેનો અત્યારે ચડતો સિતારો છે. એના જેવી ટેલેન્ટેડ એક્ટ્રેસને લાગલગાટ કામ મળતું રહે એ એના માટે જ નહીં, ઓડિયન્સ માટે પણ સારું છે.

* * * * *

તો રાઘિકા આપ્ટે ફરી પાછી નેટફ્લિક્સ પર ત્રાટકી છે. આ વખતે ‘ઘુલ’ નામના ત્રણ જ એપિસોડની અફલાતૂન થ્રિલર-હોરર મિનીસિરીઝમાં. રાધિકાને અગાઉ આપણે બે નેટફ્લિક્સ એક્સક્લુઝિવ્સ ‘લસ્ટ સ્ટોરીઝ’ (ચાર શોર્ટ ફિલ્મ્સનું ઝુમખું) અને ‘સેક્રેડ ગેમ્સ’ (આઠ એપિસોડની સિરીઝ)માં ઓલરેડી જોઈ ચુક્યા છીએ.

બેક-ટુ-બેક ત્રીજી વાર રાધિકા દેખાઈ એટલે લોકોને રાધિકા અને નેટફ્લિક્સની પટ્ટી ઉતારવાની મજા પડી ગઈ. સોશિયલ મિડીયા પર કંઈકેટલાય જોક્સ અને મીમ્સ વાઇરલ થવા માંડ્યા. જેમ કે, ‘મારા ફોનમાં રાધિકા-આપ્ટે નામનો નવો વાઇરસ જોવા મળ્યો. પછી ખબર પડે કે ઓ! આ તો નેટફ્લિક્સની એપ છે!’ બીજું રમૂજી ઉદાહરણ. ‘પ્રશ્નઃ એવી કઈ જોડી છે જે ક્યારેય તૂટે નહીં? જવાબઃ જય-વીરૂ, કરણ-અર્જુન, નેટફ્લિક્સ-રાધિકા આપ્ટે!’

નેટફ્લિક્સ ઇન્ડિયાવાળા પણ ગાંજ્યા જેવા એવા નથી. એમણે પોતાની પટ્ટી ઉતારનારાઓની સામી પટ્ટી ઉતારી, એમણે ટ્વિટર અને અન્ય માધ્યમો પર અવળા જોક્સ વહેતા કર્યા. જેમ કે, આ ટ્વિટઃ ‘વોટેવર ધ રોલ, રાધિકા એપ્ટ હૈ.’ યા તો પછી આઃ ‘અમે ‘પેડમેન’ ફિલ્મ નેટફ્લિક્સ પર મૂકી છે. ‘પેડમેન’માં રાધિકા આપ્ટે છે એટલે અમે આવું નથી કહેતા, પણ હા, ‘પેડમેન’માં રાધિકા આપ્ટે છે એ હકીકત છે.’ અરે, નેટફ્લિક્સવાળાઓએ પોતાના ઇસ્ટાગ્રામના બાયોનું લખાણ કામચલાઉ બદલીને ‘જસ્ટ અનધર રાધિકા ઓફિશિયલ ફેન અકાઉન્ટ’ એવું કરી નાખ્યું. આટલું જાણે ઓછું હોય તેમ બે-અઢી મિનિટનો મસ્તીખોર બિહાઇન્ડ-ધ-સીન્સ વિડીયો પણ બનાવ્યો. એમાં ‘ઓમ્નીપ્રેઝન્ટ’ (અર્થાત સદાકાળ હાજર) નામની એક એવી નેટફ્લિક્સની ઓરિજિનલ ફિલ્મની (ખોટેખોટી) ઘોષણા કરવામાં આવી – એવી ફિલ્મ જેના તમામ રોલ એકલી રાધિકા આપ્ટે કરશે. અરે, ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણેના રીતસર બાઇટ્સ સુધ્ધાં લેવાયા. માન ગએ, નેટફ્લિક્સ ઇન્ડિયા!

મોટી મોટી આંખોવાળી અને શામળી પણ કામણગારી રાધિકા આપ્ટે અત્યારે બરાબરની ચગી છે એ સત્ય છે. હિન્દી એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં કામ કરતી સૌથી બોલ્ડ અને પ્રતિભાશાળી અભિનેત્રીઓનું લિસ્ટ રાધિકા આપ્ટેના નામ વગર પૂરું ન થાય. ‘બદલાપુર’, ‘હન્ટર’, ‘માંઝી – ધ માઉન્ટનમેન’, ‘પાર્ચ્ડ’, ‘ફોબિયા’, ‘કબાલી’ (જેમાં સાક્ષાત રજનીકાંત રાધિકાના હીરો હતા), અક્ષયકુમારવાળી ‘પેડમેન’, ‘લસ્ટ સ્ટોરીઝ’ આ બધી એની અલગ અલગ માત્રામાં વખણાયેલી કેટલીક ફિલ્મો છે. બોલ્ડ દશ્યો કરવામાં રાધિકાને કશો છોછ નથી. ‘પાર્ચ્ડ’ ઉપરાંત અનુરાગ કશ્યપની ‘ક્લીન શેવન’ નામની શોર્ટ ફિલ્મમાં એણે જે રીતે પોતાના શરીરને નિર્વસ્ત્ર કર્યું હતું એ જોઈને સુગાળવા પ્રેક્ષકો લગભગ મૂર્છિત થઈ ગયા હતા.

રાધિકાએ હિન્દી ઉપરાંત બંગાળી, તમિલ, તેલુગુ, મલાયલમ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મરાઠી તો એની માતૃભાષા છે. પુનામાં ઉછરેલી રાધિકા તગડી એકટ્રેસ છે એનું એક મોટું કારણ એ છે કે એ રંગભૂમિ પર તૈયાર થઈ છે. એનાં મમ્મી-પપ્પા બન્ને ડોક્ટર છે. આ સાતમી સપ્ટેમ્બરે એ 33 વર્ષ પૂરાં કરીને ચોત્રીસમા વર્ષમાં પ્રવેશ કરશે. રાધિકા પરિણીત છે તે વિશે ઇવન મિડીયામાં પણ ખાસ કશી ચર્ચા થતી નથી. એના પતિદેવનું નામ બેનેડિક્ટ ટેલર છે. એ અંગ્રેજબાબુ એટલે કે બ્રિટિશર છે. ઇંગ્લેન્ડમાં જ જન્મ્યા અને મોટા થયા છે. વચ્ચે રાધિકાએ લંડનમાં કન્ટેમ્પરરી ડાન્સ અને મુવમેન્ટ એનેલિસિસનો એક આખા વર્ષનો કોર્સ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન એની મુલાકાત બેનેડિક્ટ સાથે થયેલી. બન્ને પ્રેમમાં પડ્યાં, થોડો સમય લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા અને આખરે 2012માં કાયદેસર પરણી ગયાં.

બેનેડિક્ટનું વાયોલિનવાદક અને કમ્પોઝર તરીકે ઇંગ્લેન્ડ અને યુરોપમાં મોટું નામ છે. રાધિકાની લેટેસ્ટ મિની-સિરીઝ ‘ઘુલ’ ઉપરાંત અનુરાગ કશ્યપની ‘ધેટ ગર્લ ઇન યલો બૂટ્સ’ તેમજ આનંદ ગાંધીની ‘શિપ ઓફ થિસિયસ’માં પણ બેનેડિક્ટે સંગીત આપ્યું છે. રાધિકા ભારતમાં બિઝી રહે છે અને બેનેડિક્ટનું કાર્યક્ષેત્ર ઇંગ્લેન્ડમાં ફેલાયેલું. આ લોન્ગ-ડિસ્ટન્ટ મેરેજને હેમખેમ રાખવા માટે બન્નેએ ખૂબ મહેનત કરવી પડે છે.

એક ઇન્ટરવ્યુમાં રાધિકા કહે છે, ‘હું એકાંતરે મહિને એક વાર લંડન આંટો મારી આવવાની કોશિશ કરું છું. આ ટ્રિપ્સ બહુ થકવી નાખનારી અને અતિ ખર્ચાળ પૂરવાર થાય છે. મને ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતાં જોઈને ઘણા લોકો નવાઈ પામીને પૂછતા હોય છેઃ અરે! તમે ઇકોનોમી ક્લાસમાં? બહુ ગુસ્સો આવે આવું કોઈ આવું કહે ત્યારે. આઇ મીન, એકાંતરે મહિને મુંબઇ-લંડન-મુંબઇની ટ્રિપ કરવી કંઈ ખાવાના ખેલ નથી. ક્યારેક અચાનક મારું શૂટિંગ કેન્સલ થયું હોય ને મને અઠવાડિયાનો સમય મળી જાય તો મારે છેલ્લી ઘડીએ લંડનની ફ્લાઇટ બુક કરાવવી પડે. દેખીતી રીતે જ તે અતિ મોંઘી હોવાની. બેનેડિક્ટને સમય મળે ત્યારે એ મુંબઇ આવી જાય છે. લંડન અને મુંબઇ આ બન્નેની ગણના દુનિયાનાં સૌથી મોંઘા શહેરોમાં થાય છે. કલ્પના કરો, આ બન્ને શહેરોમાં એક-એક ઘર મેન્ટેઇન કરવાનું અને બન્ને શહેરો વચ્ચે સતત આવ-જા કરવામાં કેટલાં ફદિયાં જોઈએ. એટલેસ્તો હું કરકસર કરીને જીવું છું.’

રાધિકા હવે બ્રિટિશ ફિલ્મમેકર માઇકલ વિન્ટરબોટમની ફિલ્મ ‘ધ વેડિંગ ગેસ્ટ’માં દેખાશે. એમાં ‘સ્લમડોગ મિલિયોનેર’વાળો દેવ પટેલ એનો હીરો છે. લિડીયા ડીન નામની અમેરિકન ડિરેક્ટરની ફિલ્મમાં એ નૂર ઇનાયત ખાન નામની બ્રિટીશ જાસૂસ બની છે. સત્યઘટના પર આધારિત આ ફિલ્મ બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં આકાર લે છે. આ ઉપરાંત સૈફ અલી ખાન સાથે ‘બાઝાર’ (ડિરેક્ટર ગૌરવ ચાવલા), શ્રીરામ રાઘવનના ડિરેક્શનમાં બની રહેલી એક ફિલ્મ (હીરો આયુષ્યમાન ખુરાના) અને ‘લસ્ટ સ્ટોરીઝ’ની સિક્વલમાં પણ રાધિકા દેખાશે. સારું છે. રાધિકા આપ્ટે જેવી ટેલેન્ટેડ એક્ટ્રેસને લાગલગાટ કામ મળતું રહે એ એના માટે જ નહીં, ઓડિયન્સ માટે પણ સારું છે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.