રિશ્તે મેં તો હમ આપ કી બેટી લગતે હૈં…
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ, રવિવાર – 7 ઓક્ટોબર 2018
કોલમઃ મલ્ટિપ્લેક્સ
અમિતાભ-જયા અને એમનાં દીકરા-વહુ અભિષેક-ઐશ્વર્યા વિશે સૌ બધ્ધેબધ્ધું જાણે છે, પણ એમની પુત્રી શ્વેતાની આસપાસ સતત એક કિલ્લો ચણાયેલો રહ્યો. આ પરિસ્થિતિ ક્રમશઃ પલટાઈ રહી છે, કેમ કે શ્વેતાએ જિંદગીની નવી ઇનિંગ્સ શરૂ કરી છે – એક લેખિકા તરીકે.
* * * * *
એકાદ જાહેરાતને બાદ કરતાં આપણે એમને ક્યારેય સ્ક્રીન પર એક્ટિંગ કરતાં જોયાં નહોતાં. એમનો અવાજ કેવો છે, એ કેવુંક બોલે છે એની હજુ હમણાં સુધી આપણને ખાસ ખબર નહોતી. ફિલ્મી અવોર્ડ ફંકશન્સમાં એ લગભગ ગેરહાજર હોય છે. એ હિન્દી સિનેમાજગતની સંભવતઃ સૌથી વજનદાર અને પ્રભાવશાળી અટક ધરાવે છે – ‘બચ્ચન’ – પણ એમનું વ્યક્તિત્ત્વ આશ્ચર્ય થાય એટલી હદે લૉ પ્રોફાઇલ છે.
વાત શ્વેતા બચ્ચન-નંદા વિશે થઈ રહી છે. શ્વેતા એટલે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દીકરી. ઉંમર વર્ષ, 44. અમિતાભ આવતા ગુરૂવારે 76 વર્ષ પૂરાં કરીને 77મા વર્ષમાં પ્રવેશ કરશે. એના એક દિવસ પહેલાં એટલે કે દસમી ઓક્ટોબરે શ્વેતાએ લખેલી પહેલી નવલકથા બહાર પડશે. એનું ટાઇટલ છે, ‘પેરેડાઇઝ ટાવર્સ’. આજકાલ શ્વેતા ન્યુઝમાં છે એનું કારણ આ અંગ્રેજી પુસ્તક છે. એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં રહેતી મહિલાઓની કથા અને વ્યથા આ નોવેલના કેન્દ્રમાં છે. વાર્તાનાં મોટાં ભાગનાં સ્ત્રીપાત્રો ગૃહિણી છે, કેમ કે લગ્ન બાદ ઘરસંસાર અને છૈયાંછોકરાંવને જ પોતાની દુનિયા બનાવી લેતી સ્ત્રીની અનુભૂતિઓમાંથી શ્વેતા સ્વયં પસાર થયાં છે.
નવોદિત લેખકોનાં પુસ્તકો પ્રસિદ્ધ થવાં એ આમ તો સામાન્ય ઘટના છે, પણ જો તમારા પિતાશ્રીનું નામ અમિતાભ બચ્ચન હોય તો રૂટિન લાગતી ઘટના પણ આપોઆપ એક જુદી જ ભ્રમણકક્ષામાં મૂકાઈ જતી હોય છે. તમારી અટક બચ્ચન હોય તો હાર્પર કોલિન્સ જેવી દુનિયાની સૌથી મોટી પબ્લિશિંગ કંપનીઓમાં સ્થાન પામતા પ્રકાશક હોંશે હોંશે તમારું પુસ્તક છાપે અને એની ચિક્કાર પબ્લિસિટી પણ કરે. ઘણાને આમાં નેપોટિઝમ (ભાઈ-ભતીજા-પુત્ર-પુત્રીવાદ)નો એક શેડ દેખાય છે. ભલે દેખાય. અમિતાભ-જયાનાં સંતાનો હોવાના અમુક ફાયદા બાય ડિફોલ્ટ મળતા હોય તો ભલે મળે. આખરે તો એની પ્રતિભા જ બોલવાની છે. પોતે સરસ, વાંચવું ગમે એવું લખાણ લખી શકે છે એવું શ્વેતાએ અંગ્રેજી અખબારમાં છપાતી પોતાની કોલમથી પૂરવાર કર્યુ જ છે.
શ્વેતાનો સંબંધ એક નહીં, બબ્બે કદાવર ફિલ્મી પરિવાર સાથે છે. એમના બિઝનેસમેન પતિ નિખિલ નંદા એટલે રાજ કપૂરનાં સગી બહેન રિતુ નંદાનો પુત્ર. એ ન્યાયે રાજ કપૂર, શ્વેતાનાં મામાજી સસરા થાય ને રિશી કપૂર-એન્ડ-બ્રધર્સ એમના જેઠ થાય. પોતાનાં મા-બાપ બન્ને સફળ અદાકાર હોવા છતાં શ્વેતાને કદી ફિલ્મલાઇનનું આકર્ષણ ન થયું. શ્વેતા નાનાં હતાં ત્યારે અમિતાભની મારધાડવાળી ફિલ્મોમાં ચાર ગુંડાઓએ એમને પકડી રાખ્યા હોય ને બીજા એક-બે જણા ઘુસ્તા મારતા હોય એવાં દશ્યો જોઈને મોટેથી ભેંકડો તાણતાં. એક વાર ફિલ્મના સેટ પર ડેડીના મેકઅપરૂમમાં રમત-રમતમાં બાળ શ્વેતાએ ઇલેક્ટ્રિક પ્લગ ભરાવવાના છિદ્રમાં આંગળી નાખી દેતાં વીજળીનો હળવો ઝટકો લાગ્યો. શ્વેતા એવી ડરી ગઈ કે પછી ક્યારેય સેટ પર ફરકી નહીં. ખૂબ બધાં વર્ષો પછી, ગયા જુલાઈમાં, અમિતાભના આગ્રહથી એક આભૂષણના શોરૂમની એડમાં કામ કર્યું છેક એણે ત્યારે શૂટિંગના સેટ પર પગ મૂક્યો.
ત્રેવીસ વર્ષની ઉંમરે શ્વેતા પરણીને ઘરગૃહસ્થીમાં ગૂંથાઈ ગયાં. એમની દીકરી હવે વીસ વર્ષની અને દીકરો સત્તરનો થઈ ગયો છે. સંતાનો જુવાન થઈ જાય એટલે એમને ઉછેરવામાં જ આખી જિંદગી કાઢી નાખી હોય એવી સ્ત્રીના જીવનમાં ખાલીપો આવી જતો હોય છે. શ્વેતાના કિસ્સામાં આવું જ થયું. પોતાની એક કોલમમાં શ્વેતા લખે છેઃ
‘તમે માત્ર ઘર સંભાળવામાં, સંતાનોને મોટાં કરવામાં, રાંધવામાં, સંતાનોને ખવડાવવામાં, એમની આળપંપાળ કરવામાં, ટૂંકમાં, સતત બચ્ચાઓની આગળપાછળ ફરવામાં જ જિદંગીનાં દસ-પંદર કાઢી નાખ્યાં હોય ને એક દિવસ સંતાનો મોટાં થઈ જાય, પોતાની દુનિયામાં મસ્ત થઈ જાય, પાંખો ફફડાવીને ઉડી જાય ને તમારો માળો એકાએક ખાલી થઈ જાય… પછી તમે શું કરો? સતત દોઢ દાયકા સુધી તમે પોતાની જાત કરતાં સંતાનોને વધારે મહત્ત્વ આપવાનું જ શીખ્યા હો છો. ચાલીસી વટાવી ગયા પછી અત્યાર સુધી જે કંઈ શીખ્યું હતું કે જે કંઈ કર્યું હતું તેને ભુલીને નવેસરથી એકડો શી રીતે ઘૂંટવો?’
આઇડેન્ટિટી ક્રાઇસિસ જન્માવી એવી આ અવસ્થા માટે શ્વેતાએ સરસ શબ્દપ્રયોગ કર્યો છે – ‘એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ’. શ્વેતા લખે છેઃ
‘શું આ પ્રકારનો ખાલીપો સર્જાય એટલે સ્ત્રીએ દુખી અને ડિપ્રેસ્ડ થઈને બેસી રહેવાનું? જરાય નહીં. જિંદગીનો આ પડાવ એક નવી યાત્રાની શુભારંભ બની શકે છે. પોતાની જાત તરફની યાત્રાનો શુભારંભ! આ અઘરી લાગતી મુસાફરી અત્યંત સંતોષકારક પૂરવાર થઈ શકે છે.’
શ્વેતાએ વચ્ચે એક બિઝનેસ ચેનલના ચેટ-શો માટે હોસ્ટિંગ કર્યું, પણ એને પોતાની નવી ઓળખ મળી લેખનકાર્યમાં. લખવું તો એમના લોહીમાં છે. દાદા હરિવંશરાય બચ્ચન હિંદી ભાષાના ખૂબ મોટા ગજાના કવિ. નાના તરૂણકુમાર ભાદુરી બંગાળી ભાષાના સફળ પત્રકાર-લેખક. શ્વેતાને નાનપણથી વાંચવાનો પુષ્કળ શોખ. સારા લેખક બનવા માટે ઉત્તમ વાંચક હોવું એ પૂર્વશરત છે. શ્વેતાએ અખબારી કોલમ લખવાનું શરૂ કર્યું. દર અઠવાડિયે કોલમ માટે વિષય શોધવા માટે મગજ ખૂબ કસવું પડે. કોલમ લખીને શ્વેતા સૌથી પહેલાં અમિતાભને ઇમેઇલ કરે. પપ્પા વાંચીને સૂચનો કરે એટલે સુધારાવધારા કરીને નવો ડ્રાફ્ટ લખે અને તે પછી જ ફાયનલ વર્ઝન તંત્રીને મોકલે. એક દિવસ અચાનક શ્વેતાના દિમાગમાં ‘પેરેડાઇઝ ટાવર્સ’ નવલકથાનો આઇડિયા આવ્યો. લેપટોપ ખોલીને એ બેસી ગયાં લખવાં. એક દિવસમાં સડસડાટ પાંચ ચેપ્ટર લખી નાખ્યા. પછી ગાડી અટકી. બાકીનાં પ્રકરણો લખીને નવલકથા પૂરી કરવામાં એક વર્ષ કાઢી નાખ્યું!
નવલકથાકાર તરીકે શ્વેતામાં કેવુંક વિત્ત છે એ ટૂંક સમયમાં ખબર પડી જશે. શ્વેતાએ કોઈકની સાથે હાથ મિલાવીને પોતાનું ફેશન લેબલ યા તો બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. અત્યંત શરમાળ અને અંતર્મુખ શ્વેતા હવે ધીમે ધીમે જાહેર માધ્યમોમાં દેખાવા માંડ્યાં છે, ઇન્ટરવ્યુઝ આપવા લાગ્યાં છે. અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ રિલેવન્ટ છે, કમાલનું શિસ્તબદ્ધ જીવન જીવે છે ને ગજબનાક ઉર્જા સાથે જુવાનિયાઓને પણ લઘુતાગ્રંથિ થઈ આવે એટલી મહેનત કરે છે. બચ્ચનની કી બેટી હોવાના નાતે શ્વેતામાં આ ગુણ જો થોડાઘણા પણ ઉતર્યા હશે તો લેખિકા-કમ-ફેશન ડિઝાઇનર તરીકેની એમની સેકન્ડ ઇનિંગ્સ સફળ પૂરવાર થવાની!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year Oct, 2018 )
Leave a Reply