આઠ દિવસ, નવ સ્ક્રીન, બસ્સો ફિલ્મો!
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ, રવિવાર – 28 ઓક્ટોબર 2018
મલ્ટિપ્લેક્સ
અત્યારે પૂરજોશમાં ચાલી રહેલા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ફિલ્મો તરખાટ મચાવી રહી છે?
* * * * *
તો, ઉત્સાહી ફિલ્મી રસિયાઓ જેના માટે આખું વર્ષ રાહ જોતા હોય છે એ મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનો શુભારંભ આ ગુરૂવારે થઈ ગયો. મામી એટલે કે મુંબઈ એકેડેમી ઓફ મુવીંગ ઇમેજીસ નામની સંસ્થા દ્વારા આયોજિત આ ફિલ્મ ફેસ્ટિવલની પ્રતિષ્ઠા અને દબદબો સમયની સાથે સતત વધ્યાં છે. 25 ઓક્ટોબરે શરૂ થયેલો ફેસ્ટિવલ પહેલી નવેમ્બરે પૂરો થશે. આ આઠ દિવસ દરમિયાન મુંબઈના ત્રણ સિનેમાહોલની ટોટલ નવ સ્ક્રીનમાં દુનિયાભરની બસ્સો કરતાં વધારે ફિલ્મોનું સ્ક્રીનિંગ થશે. આ વખતની ફિલ્મોનું લાઇન-અપ ખરેખર મસ્તમજાનું છે. એવી કઈ કઈ ફિલ્મો છે જે આ વખતે સૌથી વધારે ચર્ચામાં છે? જોઈએ.
મર્દ કો દર્દ નહીં હોતાઃ
કોઈ પણ ફિલ્મની ઓપનિંગ અને ક્લોઝિંગ ફિલ્મનું હંમેશાં વિશેષ મહત્ત્વ હોવાનું. આ વખતનો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ આ હિન્દી ફિલ્મથી ઓપન થયો. અગાઉ ‘પેડલર્સ’ નામની અવોર્ડવિનિંગ ફિલ્મ બનાવી ચુકેલા વાસન બાલાએ આ હળવીફૂલ અને એન્ટરટેનિંગ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ‘મર્દ કો દર્દ નહીં હોતા’માં સૂર્યા નામના એક જુવાનિયાની વાત છે. એને નાનપણથી વિચિત્ર બીમારી લાગુ પડી છે. એને ગમે એટલો માર પડે, લોહી નીકળે કે ઈજા થાય તો પણ દરદનો અનુભવ જ થતો નથી! જુવાન પછી માર્શલ આર્ટ્સ શીખે ને જાતજાતના કારનામા કરે છે. ફિલ્માં મુખ્ય પાત્ર અભિમન્યુ દાસાણીએ નિભાવ્યું છે. હીરો નવો નિશાળિયો છે, પણ એની મમ્મીને તમે સારી રીતે ઓળખો છો – ભાગ્યશ્રી, જે ‘મૈંને પ્યાર કિયા’માં સલમાન ખાનની હિરોઈન બની હતી. ‘મર્દ કો દર્દ નહીં હોતા’માં ગુજરાતી રંગભૂમિ પર મંજાયેલો અને ગુજ્જુભાઈ સિરીઝની બન્ને ફિલ્મો ઉપરાંત ‘102 નોટઆઉટ’માં આપણને મજા કરાવી ચુકેલો તગડો ગુજરાતી અભિનેતા જિમીત ત્રિવેદી પણ છે.
રોમાઃ
સાન્ડ્રા બુલોક અને જ્યોર્જ ક્લૂનીને ચમકાવતી અદભુત સ્પેસ મૂવી ‘ગ્રેવિટી’ (2013) હજુય આપણા ચિત્તમાં સજ્જડ ચોંટેલી છે. આ ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્શનનો ઓસ્કર જીતી ચુકેલા મેક્સિકન ફિલ્મમેકર અલ્ફોન્સો કુરોનની લેટેસ્ટ ફિલ્મ ‘રોમા’ની તાસીર સાવ જુદી છે. મોનોક્રોમમાં શૂટ થયેલી આ ફિલ્મ કંઈક અંશે આત્મકથનાત્મક છે. આમાં અલ્ફોન્સોએ પોતાના બાળપણની સ્મૃતિઓ, એમના ઘરમાં રહેતી ફુલટાઇમ આયા અને તે સમયના મેક્સિકોના રાજકીય માહોલની વાત વણી લીધી છે. અલ્ફોન્સો કુરોનની પ્રતિભાની રેન્જ જુઓ. ‘રોમા’નું ડિરેક્શન, પ્રોડક્શન, રાઇટિંગ, એડિટિંગ અને સિનેમેટોગ્રાફી – આ બધું જ એમણે એકલે હાથે કર્યું છે!
કોલ્ડ વોરઃ
આ વખતે ઓસ્કરની બેસ્ટ ફિલ્મ ઇન ફોરેન લેંગ્વેજ કેટેગરી માટે ભારતે ‘વિલેજ રોકસ્ટાર્સ’ નામની આસામી ફિલ્મ મોકલી છે એ તમે જાણો છો, રાઇટ? પોલેન્ડે આ જ કેટેગરી માટે ‘કોલ્ડ વોર’ મોકલી છે. આ બિછડે હુએ પ્રેમીઓની દર્દભરી દાસ્તાન છે, જે 1950ના દાયકામાં શીત યુદ્ધના માહોલમાં આકાર લે છે અને પોલેન્ડ-યુગોસ્લાવિયા-ફ્રાન્સમાં વિસ્તરે છે. ફિલ્મના ડિરેક્ટરનું નામ તો સીધુંસાદું છે, પણ અટક અતરંગી છે – પેવલ પેવલિસ્કોવ્સ્કી.
થ્રી ફેસીસઃ
જાફર પનાહી એટલે ઇરાનના એક અતિ વિખ્યાત, અતિ પ્રતિભાશાળી અને અતિ તોફાની ફિલ્મમેકર. ઇરાનની સરકારે એમને એમને જેલમાં પૂર્યા, એમની ફિલ્મોનાં સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યો, એમના પર દેશની બહાર પગ મૂકવાની, ફિલ્મ લખવાની, ડિરેક્ટ કરવાની અને મિડીયા સાથે વાત કરવા સુધ્ધાં પર પાબંદી મૂકી દીધી, છતાંય આ માથાફરેલ મેકરે ફિલ્મો બનાવવાનું ચાલુ રાખ્યું. જાફર પનાહીના ફિલ્મમેકિંગના દિલધડક સાહસો પર ક્યારેક નિરાંતે વાત કરીશું, પણ અત્યારે એટલું જાણી લો કે એમની આ ‘થ્રી ફેસીસ’ ફિલ્મને 2018ના કાન (સી-એ-એન-એન-ઇ-એસ કાન્સ નહીં, પણ કાન) ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવોર્ડ ઓલરેડી મળી ચુક્યો છે.
ક્લાઇમેક્સઃ
ગાસ્પર નોએ નામના આર્જેન્ટિનીઅન ફિલ્મમેકરે બનાવેલી ‘ક્લાઇમેક્સ’ ફેસ્ટિવલ સર્કિટમાં ક્યારની તરખાટ મચાવી રહી છે. આમાં યુવાન ડાન્સરોનું એક ગ્રુપ છે, જે એક પાર્ટી દરમિયાન જાણે-અજાણે નશીલી દવાનું સેવન કરે છે. પછી શરૂ થાય છે ઓડિયન્સને ડિસ્ટર્બ કરી મૂકે એવી હિંસા, ગ્રુપ સેક્સ અને સમજાય નહીં એવા અતિ વિચિત્ર વર્તનનો સિલસિલો. ડિરેક્ટરે આ ફિલ્મનું શૂટિંગ માત્ર પંદર દિવસમાં આટોપી લીધું હતું.
પાવસાચા નિબંધઃ
નાગરાજ મંજુળેની સુપરડુપર હિટ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ આપણને સૌને જબરદસ્ત ગમી હતી. નાગરાજ હવે ‘પાવસાચા નિબંધ’ (એટલે કે વરસાદનો નિબંધ) નામની ઓર એક પાવરફુલ મરાઠી ફિલ્મ લઈને ઉપસ્થિત થયા છે. વરસાદ માટે સામાન્યપણે આપણા મનમાં રોમેન્ટિક ખયાલો હોય છે, પણ અહીં એક એવા ગ્રામ્ય અને ગરીબ પરિવારની વાત છે, જેમનું જીવન ધોધમાર વરસાદને કારણે અસ્તવ્યસ્ત થઈ જાય છે. વરસાદ શરૂ થતાં જ ઝૂંપડા જેવા ઘરમાં ઉપરથી પાણી ટપકવા લાગે એટલે તેને ઝીલવા માટે ભોંયતળિયે ઠેકઠેકાણે વાટકા, તપેલી ને એવું બધું ગોઠવવું પડે. ઘરનો સ્ત્રીને ચિંતા છે કે એનો દારૂડિયો બેજવાબદાર વર આવા બેફામ વરસાદમાં ઘર સુધી પહોંચશે કેવી રીતે? ફિલ્મની કહાણીમાં નાટ્યાત્મક કહેવાય એવું કશું જ નથી, છતાંય નાગરાજ મંજુળેનું ડિરેક્શન એટલું તગડું છે કે ઓડિયન્સને સીટ પરથી હલવાનું મન ન થાય. આખી ફિલ્મમાં વરસાદ પહેલેથી છેલ્લે સુધી સતત વરસતો દેખાડ્યો છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને સાઉન્ડ ડિઝાઇનના વિશેષપણે વખાણ થઈ રહ્યા છે. ‘સૈરાટ’ની માફક આમાં પણ સવર્ણ-દલિતના ભેદભાવની વાત થઈ છે.
વિડોઝઃ
વિડો એટલે વિધવા. મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલની આ ક્લોઝિંગ ફિલ્મ છે. આ એક્શન-પેક્ડ અમેરિકન ફિલ્મમાં ક્રિમિનલોની એક ટોળકી કશાક કારનામામાં નિષ્ફળ જતા સાગમટે જીવ ગુમાવે છે. આથી આ અપરાધીઓની વિધવા પત્નીઓ મેદાનમાં ઉતરે છે અને દિલધડક લૂંટ કરે છે. આ ફિલ્મમાં ચાર-ચાર ઓસ્કરવિનર અભિનેત્રીઓ છે, લટકામાં ‘શિંડલર્સ લિસ્ટ’ ફેમ લિઆમ નિસન અને કોલિન ફેરેલ પણ છે. ફિલ્મના ડિરેક્ટર સ્ટીવ મેકક્વીન પણ ‘ટ્વેલ્વ યર્સ અ સ્લેવ’ (2013) માટે ઓસ્કર અવોર્ડ જીતી ચુક્યા છે.
આ સિવાય પણ ઘણી ફિલ્મો છે જેની નોંધ લેવી જોઈએ, જેમ કે, આ વખતના કાન ફેસ્ટિવલમાં સૌથી મોટો અવોર્ડ જીતી ચુકેલી ‘શોપલિફ્ટર્સ’ (ઓસ્કર માટે જપાનની ઓફિશિયલ એન્ટ્રી), જગવિખ્યાત જપાની નવલકથાકાર હારુકી મુરાકામીની ટૂંકી વાર્તાના આધારે બનેલી સાઉથ કોરીઅન સસ્પેન્સ ફિલ્મ ‘બર્નિંગ’, ચાઇનીઝ ફિલ્મ ‘અન એલિફન્ટ સિટીંગ સ્ટિલ’ (જેના 29 વર્ષીય ડિરેક્ટર હુ બોએ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ આત્મહત્યા કરી નાખી હતી), અમેરિકાના કોએન બ્રધર્સે ડિરેક્ટ કરેલી કાઉબોય જોનરની ‘ધ બેલડ ઓફ બસ્ટર સ્ક્રગ્સ’, સ્પાઇક લીની ‘બ્લેકકેક્લેન્સમેન’ વગેરે.
આ લેખમાં ઉલ્લેખ પામેલાં નામોમાંથી શક્ય એટલી ફિલ્મો જ્યાં અને જ્યારે જોવાની તક મળી ત્યારે જોઈ કાઢજો, કેમ કે રેગ્યુલર સિનેમામાંથી જે સંતોષ મળતો નથી તે ઘણી વાર ફિલ્મ ફેસ્ટિવલ્સની આ પ્રકારની ફિલ્મોમાંથી મળી જતો હોય છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2018 )
Leave a Reply