‘લકીરો’ કેવી છે?
———————
અમદાવાદની પોળમાં ઉછરેલો પણ હવે મુંબઈમાં હાઇ પ્રોફાઇલ જોબ કરતો એક સોફિસ્ટીકેટેડ યુવાન પતિ એની સુંદર પત્નીને કહે છેઃ હું સરસ કમાઉં છું તો પછી તારે જોબ કરવાની શી જરુર છે? તું જલસા કરને! પતિ કદાચ ભુલી ગયો છે કે એની પત્નીએ હ્યુમન રિસોર્સિસમાં પીએચ.ડી. કર્યું છે. ‘ઘર સંભાળવા’ માટે પત્નીએ તો ઘરે જ રહેવું પડે એવો ખ્યાલ કદાચ એના મનમાં અભાનપણે અંકિત થઈ ગયો છે.
પતિને ભલે થોડી વાર પૂરતો જ પણ નારાજ કરીનેય પત્ની જોબ કરે છે અને એમાં બિઝી બિઝી થઈ જાય છે. પતિને પ્રમોશન મળ્યું છે, કંપની તરફથી એને જે વૈભવી ગાડી મળી છે તે એની ડ્રીમ કાર છે, પતિ સ્વાભાવિકપણે જ પોતાની આ સિદ્ધિ સેલિબ્રેટ કરવા માગે છે, પણ પત્નીને બીજા દિવસે વહેલી ફ્લાઇટ પકડીને દિલ્હી જવાનું છે એટલે વહેલા સૂઈ જવું પડે તેમ છે. પતિના આનંદની, સિદ્ધિની ક્ષણમાં એ ગેરહાજર છે. બોસ દારુની ચુસકી લેતાં લેતાં પતિને હળવેથી પૂછી લે છેઃ રિશી, તમારી વચ્ચે બધું બરાબર છેને?
પત્નીને લાગે છે કે તેમણે લગ્ન નહીં, લોન્ગ ડિસ્ટન્ટ રિલેશનશિપ કરી છે. પતિ કહે છે, આપણે બેબી પ્લાન કરીએ, બાળક આપણા સંબંધને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. પત્ની કહે છે, આપણે સાથે રહીએ છીએ, પણ આપણી વચ્ચે કોઈ સંબંધ નથી. હું આ સંબંધમાં તુચ્છ ફીલ કરું છું. આઇ ફીલ અલાઇવ ઓન્લી ઇન ઓફિસ… ને તારે બેબી પ્લાન કરવું છે?
પીડાની, અહમના ટકરાવની, વધતા જતા અંતરની આવી કંઈકેટલીય પળો બન્નેને ઘસાઈને પસાર થઈ જાય છે. કદાચ એ પળને છુટ્ટી છુટ્ટી જોઈએ તો એ સાધારણ લાગે, પણ લગ્નમાં, સહજીવનમાં પળોને છુટ્ટી મૂકી શકાતી નથી, એ જમા થઈને ગઠ્ઠો બનતી જાય છે. દિલ-દિમાગના કોઈ ખૂણે કશુંક ઘવાતું રહે છે, લોહીલુહાણ થતું રહે છે ને એક તબક્કે અચાનક જ વિસ્ફોટ થાય છે. બધું જ તૂટીફૂટીને વેરવિખેર થઈ જાય છે અને…
આ છે ‘લકીરો’ અને એનું ભાવવિશ્વ. ‘લકીરો’ એટલે Darshan Ashwin Trivediએ લખેલી અને ડિરેક્ટ કરેલી તાજ્જી ગુજરાતી ફિલ્મ, જે આજે થિયેટરોમાં રિલીઝ થઈ છે. સંબંધની વાતો, સંબંધવિચ્છેદની વાતો, માતૃત્વ અને પિતૃત્વની વાતો ગુજરાતી ઓડિયન્સને હંમેશા ગમી છે. ‘લકીરો’ સાચા અર્થમાં એક અર્બન ગુજરાતી ફિલ્મ છે જેનો કથાપ્રવાહ શરાબની છાકમછોળ વચ્ચે મુંબઈ, બેંગલોર, પુના, દિલ્હી અને અમદાવાદ વચ્ચે દોડતો રહે છે.
આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હોય તો એ છે, ફિલ્મના નાયક રોનક કામદાર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ સૌથી ગુડલુકિંગ હીરોની કરીઅરનું અત્યાર સુધીનું આ સૌથી પ્રભાવશાળી પર્ફોર્મન્સ. રોનક જેટલું સરસ રડતા કદાચ બીજા કોઈ હીરોને આવડતું નથી! દીક્ષા જોશી પણ એટલાં જ અસરકારક. દીક્ષાને સ્ક્રીન પર જોવાં હંમેશા ગમ્યાં છે. નેત્રી ત્રિવેદી, વિશાલ શાહ અને ધર્મેન્દ્ર વ્યાસ પોતપોતાનાં પાત્રોમાં સુંદર. ‘લકીરો’નાં પાત્રો તમને પોતીકાં લાગશે, કદાચ તમે એની સાથે આઇડેન્ટિફાય કરી શકશો. એનું એક મોટું કારણ અંકિત ગોરે લખેલા સંવાદો પણ છે, જે અંગ્રેજીથી લથપથ છે.
‘લકીરો’ ઘણા બધા અર્થમાં તાજી છે. ગુજરાતી જેઝ મ્યુઝિકની કલ્પના કરી શકો છો? હાલરડું અથવા વિષાદનું ગીત જેઝના ફોર્મેટમાં હોઈ શકે? થ્રી ચીયર્સ ફોર પાર્થ ભરત ઠક્કર. એમણે કમ્પોઝ કરેલાં કેચી ગુજરાતી ગીતો બોલિવુડનાં પ્રથમકક્ષ ગાયકો-સંગીતકારો (બેની દયાલ, શિલ્પા રાવ, શાલ્મલી ખોલગડે, શ્રુતિ પાઠક, વિશાલ દદલાણી અને અમિત ત્રિવેદી) ગાયાં છે. ‘લકીરો’નું આલબમ ૨૦૨૩નું બેસ્ટ મ્યુઝિક આલબમ તરીકે ઉપસી આવે તો સહેજ પણ નવાઈ નહીં પામવાનું. ગીતો ચિરાગ ત્રિપાઠી અને તુષાર શુક્લે લખ્યાં છે. આ રૂપકડી ફિલ્મની સિનેમેટોગ્રાફી તપન વ્યાસે અને પ્રોડક્શન ડિઝાઇન ફિલ્મફેર અવોર્ડવિનર માનસી ધ્રુવ મહેતાએ કરી છે.
ફિલ્મનાં માઇનસ પોઇન્ટ્સ? વેલ, ફ્લેશબેક અને ફ્લેશ ફોરવર્ડ વચ્ચે વહેતું નરેટિવ ક્યાંક કન્ફ્યુઝ કરે, એમ બને. ફિલ્મનો ઇમોશનલ પંચ છેક અંતે અનુભવાય છે. અપેક્ષા તો એવી રહે કે ફિલ્મની વાર્તા અને એની ઘટનાઓ તમને શરૂઆતથી અંત સુધી સતત ભીંજવતા રહે. એવું બનતું નથી, પાત્રો સાથે તમારું તાદાત્મ્ય સધાઇ ગયું હોય, તો પણ.
‘લકીરો’ ગુજરાતી ખરી, પણ આ ફિલ્મ હિન્દી-તમિલ-તેલુગુ-બંગાળી-ઇટાલિયન કોઈ પણ ભાષામાં હોઈ શકત. દર્શન ત્રિવેદીની ડિરેક્ટર તરીકેની આ લાક્ષાણિકતા રહી છે. એમની પહેલી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’ પણ ભાષાના સીમાડામાં બંધાયેલી નહોતી. સંગીત અને સ્ટોરીટેલિંગની દૃષ્ટિએ ‘લકીરો’એ ગુજરાતી સિનેમાની ક્ષિતિજ વિસ્તારી છે એ તો નક્કી. ‘લકીરો’ જોજો. ગમશે.
– શિશિર રામાવત
Leave a Reply