Sun-Temple-Baanner

ગુજરાતી સિનેમાનું આ વર્ષ કેવું રહેવાનું?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ગુજરાતી સિનેમાનું આ વર્ષ કેવું રહેવાનું?


ગુજરાતી સિનેમાનું આ વર્ષ કેવું રહેવાનું?

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 17 ફેબ્રુઆરી 2019

મલ્ટિપ્લેક્સ

ગુજરાતી ફિલ્મમેકર્સમાં નવા નવા, વણસ્પર્શ્યા વિષયો પર આત્મવિશ્વાસપૂર્વક કામ કરવાની હિંમત વિકસી રહી છે એ તો નક્કી!

* * * * *

તો, વાત ચાલી રહી હતી 2019માં રિલીઝ થનારી મોસ્ટ પ્રોમિસિંગ ગુજરાતી ફિલ્મોની. આ રહી બાકીની ફિલ્મો…

મોન્ટુની બિટ્ટુઃ

‘પ્રેમજી’ જેવો રિસ્કી વિષય લઈને ફિલ્મી કરીઅરની શરૂઆત કરનાર વિજયગિરિ બાવા આ વર્ષે અમદાવાદની પોળમાં આકાર લેતી એક હલકીફૂલકી પ્રેમકથા લઈને આવી રહ્યા છે, જેનું ટાઇટલ છે, ‘મોન્ટુની બિટ્ટુ’. બિટ્ટુ આઇટી સેક્ટરમાં કામ કરતી મસ્તમૌલી નાયિકા છે. મોન્ટુ સાથે એને નાનપણથી ખાસમખાસ દોસ્તી છે. મોન્ટુ આખી પોળ માટે સંકટ સમયની સાંકળ જેવો છે. બિટ્ટુનો પરિવાર એને પરણાવી દેવા માટે આદુ ખાઈને પાછળ પડ્યો છે. બિટ્ટુના જીવનમાં પછી કોણ આવે છે? ‘ફ્રેન્ડઝોન’માં કેદ થઈ ગયેલો મદદગાર મોન્ટુ એને કઈ રીતે સહાય કરે છે? આ અને આના જેવા કેટલાય સવાલના જવાબ માટે આ વષે ઓગસ્ટની આસપાસ રિલીઝ થનારી ‘મોન્ટુની બિટ્ટુ’ જોઈ લેવાની.

ડિરેક્ટર-પ્રોડ્યુસર વિજયગિરિ બાવા કહે છે, ‘આ વખતે મેં ફેમિલી ઓડિયન્સને ધ્યાનમાં રાખ્યું છે. પોળના લોકો, એમની તાસીર, નાની નાની વાતોને સેલિબ્રેટ કરવાનો એમનો અંદાજ, પ્રાઇવસીની ઐસીતૈસી કરીને જીવાતું સહજીવન, ટૂંકમાં, અમદાવાદની આખું પોળ કલ્ચર આ ફિલ્મમાં આબાદ ઝિલાશે.’

‘મોન્ટુની બિટ્ટુ’નું શૂટિંગ આવતી કાલથી જ શરૂ થઈ રહ્યું છે. આરોહી પટેલ બિટ્ટુની કેન્દ્રીય ભુમિકા માટે પરફેક્ટ છે. મોન્ટુનો રોલ મૌલિક નાયક કરશે. આ ઉપરાંત ફિલ્મમાં મેહુલ સોલંકી એક અલગ જ અવતારમાં જોવા મળશે. પ્રતિભાશાળી યુવા લેખક રામ મોરીની આ પહેલી ફુલલેન્થ ફિલ્મ છે. મેહુલ સુરતીએ આ ફિલ્મમાં ફ્યુઝન અને ગરબાથી માંડીને મીઠાં પ્રેમગીત સુધીનું સંગીત પિરસ્યું છે. જે કોન્ટેન્ટ કાગળ પર ઊતર્યું છે તે જો એટલી જ અસરકારકતાથી પડદા પર પણ કેપ્ચર થશે તો આ ફિલ્મને હિટ બનતાં કોઈ અટકાવી શકે તેમ નથી.

ગુજરાત-ઇલેવનઃ

પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ હોવાનું માન ખાટી ગયેલી ‘ગુજરાત-ઇલેવન’ ઓલરેડી ન્યુઝમાં છે. સલમાન ખાનની ડિસ્કવરી (વેલ, ઓલમોસ્ટ) ડેઇઝી શાહને આપણે ‘જય હો’ અને ‘રેસ-થ્રી’માં જોઈ છે. પોતાની કરીઅરની આ પહેલી ગુજરાતી ફિલ્મમાં એ ભૂતપૂર્વ ફૂટબોલ પ્લેયર બની છે. પરિસ્થિતિવશ એણે સરકારી સ્પોર્ટ્સ ક્વોટામાં મળેલી જોબ ચુપચાપ સ્વીકારી લીધી છે. સંજોગો એવા ઊભા થાય છે કે એનામાં રહેલા ફૂટબોલરનું ઝનૂન પુનઃ જાગૃત થાય છે અને ફૂટબોલરના કોચ તરીકે એ બાળકોની ટીમને સિદ્ધિ અપાવે છે. પ્રતીક ગાંધી આ ફિલ્મમાં ડેઇઝીના બોયફ્રેન્ડ બન્યા છે. ‘બે યાર’ના અતરંગી પેઇન્ટર કવિન દવે પણ ‘ગુજરાત-ઇલેવન’માં દેખાશે.

ડિરેક્ટર જયંત ગિલાટર કહે છે, ‘મેં 2016માં શબાના આઝમી અને જુહી ચાવલા સાથે ‘ચોક એન્ડ ડસ્ટર’ બનાવી ત્યારથી આ સ્પોર્ટ્સ મૂવીનો વિષય મારા મનમાં રમતો હતો. મૂળ ઈરાદો આ ફિલ્મને હિન્દીમાં કરવાનો હતો, પણ ગયા વર્ષે સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ગુજરાતીમાં ‘નટસમ્રાટ’ બનાવી અને જે પ્રકારનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો એના પરથી લાગ્યું કે, આ ફિલ્મને ગુજરાતીમાં કેમ ન બનાવી શકાય?’

‘ગુજરાત-ઇલેવન’નાં ગીતો દિલીપ રાવલે લખ્યાં છે. ફિલ્મનું શૂટિંગ પહેલી માર્ચથી શરૂ થઈ રહ્યું છે. રિલીઝ થશે નવેમ્બરમાં.

મલ્હાર ઠાકરની આગામી ફિલ્મોઃ

‘સાહેબ’ની પ્રમોશનલ એક્ટિવિટીઝમાંથી પરવારેલા મલ્હાર ઠાકરનું આ વર્ષ પણ સુપર બિઝી પૂરવાર થવાનું છે. મલ્હાર કહે છે, ‘મારી આગામી ફિલ્મોની વાત કરું તો, સૌથી પહેલાં તો રાહુલ ભૌળે (‘રેવા’)ની ફિલ્મ. એને હું કોમેડી નહીં કહું, પણ હળવી હ્યુમરસ ફિલ્મ કહીશ. એક યુવાનના જીવનમાં બનતી ચાર નિર્ણાયક ઘટનાઓની એમાં વાત છે. ફિલ્મમાં ત્રણ નાયિકાઓ છે. રંગમંચ પર પ્રતિભા દેખાડી ચુકેલી અને ઓડિશનનાં રાઉન્ડ્સ પસાર કરી ચુકેલી તદન નવી અભિનેત્રીઓ આ ફિલ્મમાં જોવા મળશે.’

મલ્હારની બીજી ફિલ્મ પરેશ વ્યાસે લખી છે, જે શૈલેશ પ્રજાપતિ ડિરેક્ટ કરશે. મુકેશ મહેતા અને મલ્હાર તે સંયુક્તપણે પ્રોડ્યુસ કરશે. ફિલ્મનો વિષય નખશિખ ગુજરાતી છે. એક બિઝનેસ ફેમિલી છે, જેના કુળદીપકને ટિપિકલ શૈલીથી પેઢી ચલાવવામાં બિલકુલ રસ નથી. બે જનરેશનના દષ્ટિકોણ અને અપ્રોચના ટકરાવને કારણે પેદા થયેલી કટોકટીમાં આખો પરિવાર શી રીતે ટકી રહે છે એની આમાં વાત છે. 2019ના અંતિમ મહિનાઓ દરિમયાન રિલીઝ થનારી આ ફિલ્મનું ટેન્ટેટિવ ટાઇટલ સરસ છે – ‘સોમાભાઈ તારાચંદ (ઊંઝાવાળા)’.

‘મારી ત્રીજી ફિલ્મ નિર્ભેળ લવસ્ટોરી છે,’ મલ્હાર ઉમેરે છે, ‘માનસી પારેખ એમાં એક્ટિંગ પણ કરશે અને ફિલ્મનું નિર્માણ પણ કરશે. આ સિવાય હજુ એક ફિલ્મ છે, ગોપી દેસાઈની ‘કેવું કેવું થાય’. બોલિવૂડની સુપરહિટ સંગીતકાર જોડી સલીમ-સુલેમાનની આ પહેલી ગુજરાતી ફિલ્મ હોવાની.‘

ટૂંકમાં, ન્યુ વેવ ગુજરાતી સિનેમાના યંગ સુપરસ્ટાર મલ્હાર ઠાકરના ચાહકોને આ વર્ષે જલસો પડવાનો છે.

પ્રતીક ગાંઘીની આગામી ફિલ્મોઃ

આ વર્ષે આપણે પ્રતીક ગાંધીને અલગ અલગ તાસીર ઘરાવતી ચાર ગુજરાતી ફિલ્મોમાં જોઈશું. એમાંની એક ફિલ્મનું શૂટિંગ વેલેન્ટાઇન ડેના પ્રેમમય દિવસથી શરૂ થઈ ચક્યું છે અને એનું ટાઇટલ પણ ખાસું પ્રેમમય છે – ‘લવની લવસ્ટોરી’. રાઇટર-ડિરેક્ટર, દુર્ગેશ તન્ના. નાયિકાઓ? શ્રદ્ધા ડાંગર, વ્યોમા નાંદી, દીક્ષા જોષી. મસ્ત કાસ્ટિંગ છે.

‘ટાઇટલ પરથી આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી ભલે લાગે, પણ તે એક્ઝેકટ્લી રોમ-કોમ નથી,’ પ્રતીક કહે છે, ‘એને તમે લવસ્ટોરી કહી શકો અથવા તો પ્રેમના કોમ્પ્લીકેશન્સની કહાણી કહી શકો. ફિલ્મના નાયક પ્રેમ અને જાકારો બન્ને અવારનવાર અનુભવતો રહે છે. ફિલ્મનો સૂર આ છેઃ તમે પ્રેમમાં નિષ્ફળ જઈ શકો, પણ પ્રેમ સ્વયં કદી નિષ્ફળ જતો નથી. લવ નેવર ફેઇલ્સ યુ!’

પાર્થ ઠક્કરના સંગીતવાળી આ ફિલ્મ આ વર્ષે શિયાળામાં રિલીઝ થશે. આ આને તમે પ્રોપર મેઇનસ્ટ્રીમ ફિલ્મ કહો તો પ્રતીકની બીજી ફિલ્મને તમારે સંભવતઃ એક્સપેરિમેન્ટલ સિનેમાના ખાનામાં મૂકવી પડે. એનું ટાઇટલ છે, ‘હરણા’. ગિરનાં જંગલમાં શૂટ થયેલી આ ફિલ્મના કેન્દ્રમાં છ-સાત વર્ષની એક ગ્રામ્ય બાળકી છે. એને નિશાળે ભણવા જવાની બહુ હોંશ છે, પણ એના માર્ગમાં એક પછી એક વિઘ્નો આવ્યાં જ કરે છે. ફિલ્મનો નાયક એટલે કે પ્રતીક યેનકેન પ્રકારેણ બાળકીની આ ઇચ્છા પૂરી કરે છે. ઇરાનીઅન ફિલ્મો જેવી ફીલ ધરાવતી ‘હરણા’ મુંબઇવાસી રાઇટર-ડિરેક્ટર નીતિન ગાવડેએ બનાવી છે. નાનકડી બાળકીની ભુમિકા વડોદરાની શ્રેયાંશી નામની પ્રતિભાશાળી ચાઇલ્ડ આર્ટિસ્ટે ભજવી છે. ફિલ્મનું 80 ટકા શૂટિંગ પૂરું થઈ ગયું છે. દેશી-વિદેશી ફિલ્મ ફેસ્ટિવલ્સની યાત્રા કરીને સમજોને કે 2019ના સેકન્ડ હાફમાં ફિલ્મ થિયટેરોમાં રિલીઝ થશે.

‘અફ કોર્સ, જયંત ગિલાટરની ‘ગુજરાત-ઇલેવન’માં પણ હું છું જ. આ સિવાય, રાઇટર-ડિરેક્ટર અનીશ શાહની એક અનટાઇટલ્ડ ફિલ્મ છે, જેમાં હું અને દીક્ષા જોશી લીડ એક્ટર્સ છીએ. આને તમે સ્લાઇસ-ઓફ-લાઇફ પ્રકારની એક્સપેરિમેન્ટલ ફિલ્મ કહી શકો.’

મેહુલ સુરતીના સંગીતવાળી આ ફિલ્મ આ વર્ષે ઉનાળામાં રિલીઝ થશે. વાત નીકળી જ છે તો ભેગાભેગું કહી દઈએ કે આ વર્ષે પ્રતીક ગાંધીને લીડ હીરો તરીકે ચમકાવતી એક હિન્દી ફિલ્મ પણ રિલીઝ થશે. એક હિન્દી વેબ સિરીઝ પણ આવશે. આ બધાંની વચ્ચે નાટકો તો ખરાં જ. પ્રતીક ગાંધીને આપણે અમસ્તા જ ‘મલ્ટિટાસ્કિંગના મહારાજા’નું બિરુદ નથી આપ્યું!

કૃષ્ણદેવ યાજ્ઞિક અને નીરવ બારોટની ફિલ્મોઃ

સ્ટાર ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક (‘છેલ્લો દિવસ’, ‘કરસનદાસ પે એન્ડ યુઝ’, ‘શું થયું?’) હવે એક એક્શન થ્રિલર લઈને આવવાના છે. ‘મારી અત્યાર સુધીની આ સૌથી મોટા બજેટવાળી ફિલ્મ હોવાની,’ તેઓ કહે છે, ‘હાલ ફિલ્મ કાગળ પર છે, પણ આ વર્ષે દિવાળી પર તેને રિલીઝ કરવાનો ઇરાદો છે’

‘થઈ જશે’ જેવી મસ્તમજાની ફિલ્મ આપનાર નીરવ બારોટની કાનૂની દાવપેચમાં અટવાઈ ગયેલી કિરણકુમારને ચમકાવતી ફિલ્મ આ વર્ષના મધ્યમાં વ્યવસ્થિત રીતે રિ-રીલીઝ થશે. ‘સમજોને કે, જ્યાં ‘અવતાર’ અને ‘બાગબાન’ની કથા પૂરી થાય છે ત્યાંથી આ ફિલ્મની કહાણી શરૂ થાય છે,’ નીરવ બારોટ કહે છે, ‘આ ઉપરાંત ‘થઈ જશે’ની સિક્વલનું સ્ક્રિપ્ટિંગ અત્યારે ચાલી રહ્યું છે. વાર્તા પહેલા ભાગ કરતાં સાવ અલગ છે. પોતાનું સ્ટાર્ટ-અપ (કેફે) ઊભું કરવા જઈ રહેલી બે યુવતીઓએ કેવા કેવા સામાજિક અવરોધોનો સામનો કરવો પડે છે એની એમાં વાત છે.

સંદીપ પટેલની આગામી ફિલ્મોઃ

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, સંદીપ પટેલ. સુપરહિટ ‘લવની ભવાઈ’ પછી તેઓ એક નહીં પણ સમાંતરે બે ફિલ્મો પર કામ કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘પ્રેમસંબંધમાં અમુક લાગણીઓ ક્યારેક અવ્યક્ત રહી જાય છે. જો અમુક વાત યોગ્ય સમયે જીભ પર આવી ગઈ હોત તો સંબંધનો નકશો કંઈક અલગ જ બને. સંબંધમાં ક્યારેક પોઝ પણ લેવો પડતો હોય છે. બસ, આ કેન્દ્રીય વિચારની આસપાસ મારી આ આગામી યુથફુલ પણ મેચ્યોર્ડ લવસ્ટોરી આકાર લે છે. મુખ્ય પાત્રોમાં હું આરોહી (પટેલ) અને મલ્હાર (ઠાકર)ને લેવા માગું છું. મારી બીજી ફિલ્મમાં થોડી મિસ્ટરી છે, થોડી કોમેડી છે. આ બન્ને ફિલ્મો 2020માં રિલીઝ થશે.’

ના, 2019ની મોસ્ટ પ્રોમિસિંગ ફિલ્મોની આ કંઈ ફાયનલ સૂચિ નથી. હોઈ શકે પણ નહીં. અહીં સમાવેશ ન થયો હોય એવી સરસ મજાની ફિલ્મો પણ આપણને જોવા મળવાની છે. એમની વાત પછી ક્યારેક.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.