રાડોઃ ફરી એ જ વાત. જેના વિશે ખૂબ હાઇપ થઈ ચુકી હોય
રાડોઃ ફરી એ જ વાત. જેના વિશે ખૂબ હાઇપ થઈ ચુકી હોય, તમે ખુદ જેને જોવા માટે લાંબા સમયથી ઉત્સુક હો એ ફિલ્મ આખરે જોવા જાઓ ત્યારે મનમાં ફફડાટ હોય જ. અપેક્ષાભંગ થશે તો? નહીં ગમે તો? નિરાશ થવું પડશે તો? જો આવું થાય તો તમે માનસિક રીતે પહેલેથી તૈયાર હો જ… અને જો આવું ન થાય, ફિલ્મ તમને ખરેખર ગમી જાય તો જલસો પડી જાય.
‘રાડો’ના કેસમાં મારા માટે બીજો વિકલ્પ સાચો પડ્યો. ‘રાડો’ ગમી. ખૂબ ગમી. રવિવારની રાત્રે અમદાવાદના એક ઓલમોસ્ટ હાઉસફુલ થિયેટરમાં ટિકિટ ખરીદીને આવેલું ઓડિયન્સ જે રીતે ચિચિયારીઓ અને તાળીઓ પાડતું હતું કે જોઈને થયું કે ના ના, મને એકલાને જ મજા પડી રહી છે એવું નથી, મારા સહદર્શકો પણ મારે જેટલું જ એન્જોય કરી રહ્યા છે. આ એક પરફેક્ટ સિનેમા-વ્યુઇંગ કમ્યુનિટી એક્સપિરીયન્સ હતો.
ફિલ્મ-નાટક-વેબ શો હોય કે વાર્તા-નવલકથા હોય કે કોઈ લખાણ હોય – કોઈપણ ક્રિયેટિવ કૃતિ બે રીતે ગમી શકતી હોય છે – એક, જો તેમાં કશીક નવી વાત કહેવાઈ હોય તો અને બીજું, જો વાત નવી રીતે કહેવાઈ હોય. વાતેય નવી હોય ને રજૂઆત પણ નવી હોય તો આવું કોમ્બિનેશન જે-તે કૃતિને સુપરલેટિવ બનાવી દે.
‘રાડો’ના કેસમાં શું બને છે? શું અહીં જે વાત કહેવાઈ છે તે સાવ નવી છે? જો માત્ર ગુજરાતી સિનેમાનો સંદર્ભ લઈએ તો હા, વાત નવી છે. ગુજરાતી સિનેમાના પડદે આપણે અગાઉ આવું કોઈ દી’ ભાળ્યું નો0તું. બાકી આપણા ગુજરાતીઓના શરીરમાં જે મનોરંજનનું ડીએનએ છે એ હિન્દી ફિલ્મોએ ઘડ્યું છે. આપણે હોલિવુડની ફિલ્મો પણ નાનપણથી જોઈએ છીએ અને સાઉથની ફિલ્મો ‘બાહુબલિ’ આવી ત્યારથી નહીં, પણ છેક 1992માં મણિરત્નમની ‘રોજા’ આવી હતી ત્યારથી આપણને ખૂબ ગમે છે. ટૂંકમાં, કોઈ પણ ફિલ્મ જોતી વખતે આપણા મનમાં અસંખ્ય રેફરન્સ પોઇન્ટ્સ કૂદાકૂદ કરતા હોય છે. ‘રાડો’માં જે પોલિટિકલ ડ્રામા, કોલેજ કેમ્પસ વાયોલન્સ, ધાર્મિક કટ્ટરવાદ, ભાંગફોડ વગેરે છે તે આપણે મોટા કે નાના પડદા પર અગાઉ કેટલીય વાર જોઈ ચૂક્યા છીએ. આપણને જે રોમાંચક લાગે છે તે આ છે – આ બધું આપણે ગુજરાતી માહોલમાં, ગુજરાતી પાત્રો દ્વારા આકાર લેતું જોઈએ છીએ.
રાઇટર-ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની અગાઉની ફિલ્મોમાં વાર્તા કહેવાની રીત (નરેટિવ સ્ટ્રક્ચર) લિનીઅર એટલે કે સુરેખ હતી. એટલે કે વાર્તા સીધી લીટીમાં વહેતી જાય. A પછી B આવે ને B પછી C આવે. ‘રાડો’માં એવું નથી. અહીં ચારપાંચ અલગ અલગ કથાનકો એકસાથે ખૂલે છે ને સૌ સમાંતરે, એકસાથે આગળ વધે છે. આ કથાનકોના છેડા વચ્ચે વચ્ચે એકબીજાને સ્પર્શતા જાય. ઇન્ટરવલ પડે ત્યાં સુધીમાં આ બધા તાંતણા એકબીજા સાથે બરાબર પરોવાઈ જાય ને ધીમે ધીમે આપણને ખબર પડતી જાય કે ક્યું પાત્ર શું છે, શા માટે છે, એનો હેતુ શો છે અને એ બધાં એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલાં છે. આ પ્રકારની પટકથા તૈયાર કરવી હંમેશા પડકારજનક હોવાની. આપણે અગાઉ ‘યુવા’ અને ‘લાઇફ ઇન અ મેટ્રો’ જેવી મલ્ટિપલ ટાઇમલાઇન ધરાવતી ફિલ્મો જોઈ છે. ‘રાડો’ જોતી વખતે શક્ય છે કે દર્શક શરૂઆતમાં કન્ફ્યુઝ થાય, કઈ સેના ક્યાં લડે છે અને શું કામ લડે છે એ સમજવામાં એને થોડી વાર લાગે, પણ સદભાગ્યે પડદા પર ઉપરાછાપરી બન્યા કરતી ઘટનાઓ એટલી ગતિશીલ છે કે ઓડિયન્સને વિચારવાનો સમય જ મળતો નથી. બાકી ફિલ્મની કથા આમેય બહુ પાંખી છે. કેટલાક પાવરફુલ લોકોના અહમ તેમજ હિતોનો આપસી ટકરાવ અને તેને કારણે થતા વિધ્વંસની આમાં વાત છે.
આખી ફિલ્મમાં ટેન્શનભર્યો માહોલ ઊભો કરવા માટે સિનેમેટોગ્રાફર પ્રતીક પરમારને ફુલ માર્ક્સ. અસ્થિર કેમેરાને કારણે ધ્રૂજ્યા કરતી ફ્રેમ્સ ફિલ્મને સતત edgy બનાવી રાખે છે. એક્શન કોરિયોગ્રાફી, ટોળાંનાં દશ્યો ખૂબ પ્રભાવશાળી છે. ફિલ્મોમાં ભાંગતોડ સ્પેશિયલિસ્ટ જેવું કશું હોય છે ખરું? જો હોય તો ‘રાડો’માં એટલી બધી ભાંગતોડ થાય છે કે સેટ પર આવા કમસે કમ અડધો ડઝન સ્પેશિયલિસ્ટોને સતત હાજર રાખવા પડ્યા હશે!
પર્ફોર્મન્સીસ બધાં સરસ. નવી પેઢીના ફિલ્મમેકરો હિતેનકુમારનો જે રીતે મસ્ત ઉપયોગ કરી રહ્યા છે તે જોઈને આનંદ થાય છે. Hiten Kumaarને કારણે ફિલ્મમાં એક પ્રકારનું નિશ્ચિત ગાંભીર્ય ઉમેરાઇ જાય છે. હિતુ કનોડિયાની અર્બન ગુજરાતી સિનેમામાં આનાથી વધારે સારી એન્ટ્રી ન હોઈ શકત. ‘રાડો’માં એક્ટર્સના કાફલામાં એક હિતુ કનોડિયા એવા છે જેને માટે એવું થાય કે જો એમને વધારે સ્ક્રીનટાઇમ મળ્યો હોત તો ઑર મજા આવત. યશ સોનીએ એંગ્રી યંગ મેન તરીકે જમાવટ કરી છે. અર્બન ગુજરાતી સિનેમામાં યશ એક એવા લકી હીરો છે, જેમણે નિષ્ફળતા જોઈ નથી! (કોઈની નજર ન લાગે!) યશનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે અને એક્ટર તરીકે એ એકધારા વિકસી રહ્યા છે. ત્રણેય ‘હેલ્લારો’ ગર્લ્સ – Niilam Paanchal, તર્જની ભાડલા અને ડેનિશા ઘુમરા– પોતપોતાના ટચુકડા રોલ્સમાં સરસ. ગૌરાંગ આનંદ અને ચેતન દૈયા ડિપેન્ડેબલ એક્ટર્સ છે તે અહીં ફરીવાર પૂરવાર થાય છે. જય વસાવડાને જય વસાવડા તરીકે સ્ક્રીન પર જોઈને ચહેરા પર સ્મિત આવી જાય છે. તેઓ અને ન્યુઝ એન્કરના કેમીઓમાં વિરલ રાચ્છ, બન્ને શોભે છે. અગાઉ કહ્યું તેમ, ઘણા કલાકારો છે ને બધાએ સરસ કામ કર્યું છે, પણ આ ફિલ્મની જો કોઈ ‘ફાઇન્ડ’ હોય તો એ સંભવતઃ નિકીતા શર્મા છે. પાવરફુલ સ્ક્રીન પ્રેઝન્સ છે એમની. ફિલ્મના અંત તરફ યશ અને નિકીતાનો જે પેલો સીન છે એમાં ઓડિયન્સે એક્સાઇટ થઈને રીતસર ગોકીરો મચાવી મૂક્યો હતો.
‘રાડો’નો ઑર એક પ્લસ પોઇન્ટ એ છે કે એમાં ગીતો નથી, કારણ કે ગીતો માટે અહીં જરૂર અને જગ્યા બન્ને નથી. એક ભક્તિગીત છે, જેનો એક બહુ જ મીઠો ટુકડો એક સીનના ભાગ રૂપે આવીને જતો રહે છે.
‘રાડો’ યંગસ્ટર્સને ખૂબ ચોક્કસ ગમશે. એવાય ઘણા દર્શકો હોવાના જે ફિલ્મ પૂરી થયા પછી મોઢું વકાસીને કહેશેઃ આમાં કવિ કહેવા શું માગે છે? કોઈકને ફરિયાદ રહેશે કે ફિલ્મ સાથે ‘ઇમોશનલી કનેક્ટ’ થવાતું નથી. ઇમોશનલ કનેક્શનના સંદર્ભમાં એક વાત કહેવા દો. ગયા વીકએન્ડમાં મેં મારા મહાફેવરિટ રણબીર કપૂરની ‘શમશેરા’ પણ જોઈ. પડદા પર બધું ભવ્યાતિભવ્ય ચાલ્યા કરતું હતું, પણ હું વાર્તા સાથે કે પાત્રો સાથે ઇન્વોલ્વ જ થઈ ન શક્યો. એકાદ વાર તો મિની સાઇઝનું ઝોકું પણ આવી ગયેલું. આવી કોઈ ફરિયાદ મને ‘રાડો’ જોતી વખતે થઈ નથી. પહેલા શોટથી લઈને એન્ડ સુધી આ ફિલ્મે મને સતત એંગેજ રાખ્યો. વ્યક્તિગત રીતે, મારા માટે આ મોટી અને મહત્ત્વની વાત છે. મારી અંગત સલાહ આ જ રહેશેઃ ‘શમશેરા’ ઓટીટી પર આવે ત્યારે ત્રણ-ચાર ટુકડાઓમાં જોઈ શકાય તો જોજો. બાકી થિયેટરમાં જવાનું ને ‘રાડો’ જ જોવાની.
છેલ્લી વાત. ફિલ્મ જોતી વખતે તમે કેવળ દર્શક હો છો. એક પોઇન્ટ પછી ગૌણ બની જાય છે કે સ્ક્રીન પર ચાલતી ફિલ્મની ભાષા ગુજરાતી છે, હિન્દી છે કે ઇંગ્લિશ-તેલુગુ-તમિલ છે. તમને મજા આવે છે કે નહીં, તમે એંગેજ થાઓ છો કે નહીં, તમારા પૈસા વસૂલ થાય છે કે નહીં એ જ મુખ્ય કન્સર્ન રહે છે. ગુજરાતી ફિલ્મ છે એટલે હાલો, હાલો, એને સપોર્ટ કરો એ તબક્કો હવે ગયો. ગુજરાતી અર્બન સિનેમા ભાખોડિયા ભરતું નાનું કિકલું નથી. એ બાર વર્ષનું કિશોર બની ગયું છે, એણે હવે પોતાના જોરે જ ચાલવાનું હોય. એને શાબ્દિક ટેકાની કે કૃત્રિમ વાહવાહીની જરૂર નથી. પંદર કરોડના ખર્ચે બનેલી ‘રાડો’ બ્રેક-ઇવન કરી શકશે કે નહીં, આટલી મોંઘી ફિલ્મો બનાવવી જોઈએ કે નહીં એ બધી અલગ ચર્ચા છે, પણ ક્રિયેટિવ સ્તરે આ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમાએ એક મોટો લોન્ગ જમ્પ માર્યો છે ને પોતાની ક્ષિતિજો વિસ્તારી છે એ તો નક્કી.
તો થેન્ક્સ ટુ ‘રાડો’… ગુજરાતી અર્બન સિનેમાએ આ સાથે ઓફિશિયલી પોતાની કિશારાવસ્થા પસાર કરી નાખી છે ને ઊર્જાથી ફાટફાટ થતી તરુણાવસ્થામાં કદમ માંડી દીધાં છે. ચિયર્સ!
– શિશિર રામાવત
Leave a Reply