ક્યાં હતા આ બન્ને અત્યાર સુધી?
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 3 માર્ચ 2019 રવિવાર
મલ્ટિપ્લેક્સ
‘ગલી બોય’ રિલીઝ થતાં જ આ બે પ્રતિભાશાળી એક્ટર બોમ્બની જેમ ફૂટ્યા છે – વિજય વર્મા અને સિદ્ધાંત ચતુર્વેદી. આવનારા સમયમાં આ બેય જણા ધમાલ મચાવવાના છે એ તો નક્કી.
* * * * *
ઝોયા અખ્તરની અફલાતૂન ‘ગલી બોય’ રિલીઝ થતાંની સાથે જ એમાં કામ કરનારા બે ટેલેન્ટેડ અદાકારો બોમ્બની જેમ ફૂટ્યા છે. વિજય વર્મા અને સિદ્ધાંત ચતુર્વેદી. વિજયે ફિલ્મમાં મોઈન નામના મોટર મિકેનિકનો રોલ કર્યો છે, જે કેટલાંય ન કરવા જેવાં કામ પણ કરે છે. આખી ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પછી કોઈનું સૌથી અસરકારક પાત્રાલેખન થયું હોય તો એ વિજય વર્માના મોઈનનું છે.
રણવીર સિંહના કિરદારને હિપ હોપ આર્ટિસ્ટ તરીકે તૈયાર કરાવનાર એમસી શેરનું પાત્ર પણ ઓડિયન્સને સોલિડ ગમ્યું છે. એમાંય જેમણે એમેઝોન પ્રાઇમની ‘ઇનસાઇડ એજ’ નામની વેબ સિરીઝ જોઈ છે તેઓ તો ‘ગલી બોય’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારે જ સિદ્ધાંત ચતુર્વેદીનું સ્વરૂપાંતરણ જોઈને દંગ થઈ ગયા હતા. ક્યાં ‘ઇનસાઇડ એજ’નો કાયમ સહમેલો-સહમેલો રહેતો સુકલકડી બિહારી બોલર ને ક્યાં ‘ગલી બોય’નો મારફાડ હિપ હોપ આર્ટિસ્ટ એમસી શેર! ‘ગલી બોય’ જોઈને થિયેટરની બહાર નીકળી રહેલા આનંદિત પ્રેક્ષકોના મનમાં એક જ સવાલ સળવળતો હોય છે કે કોણ છે આ બે યુવાન અભિનેતા અને અત્યાર સુધી ક્યાં છુપાયેલા હતા બન્ને? આ પ્રશ્નના ઉત્તર બન્ને આજકાલ જે ઢગલાબંધ ઇન્ટરવ્યુ આપી રહ્યા છે એમાં જ સમાયેલા છે.
34 વર્ષીય વિજય હૈદરાબાદમાં સ્થાયી થયેલા એક મારવાડી પરિવારનું ફરજંદ છે. પિતાજીને હેન્ડીક્રાફ્ટ્સનો બિઝનેસ છે. અભિનયની દુનિયા સાથે વર્મા પરિવારને નહાવા-નિચોવવાનો પણ સંબંધ નથી. એક વાર વિજયના કોઈ દોસ્તે ‘વાસ્તવ’ ફિલ્મના સંજય દત્તના સીનની મિમિક્રી કરી. વિજયને મજા આવી ગઈ. એણે દોસ્તની મિમિક્રીની મિમિક્રી કરી. એક્ટિંગનો કીડો પહેલી વાર કદાચ ત્યારે કરડ્યો.
ભણી લીધા પછી બે-ત્રણ જોબ કરી જોઈ, પણ ક્યાંય મજા આવતી નહોતી. દરમિયાન હૈદરાબાદનું એક થિયેટર ગ્રુપ જોઈન કર્યું. નાટકો કરતાં કરતાં વિજયને બ્રહ્મસત્ય લાધી ગયુઃ લાઇફમાં કરવા જેવી કોઈ ચીજ હોય તો એ આ જ છે – એક્ટિંગ! એક વાર એમ જ પદ્ધતિસર અભિનય શીખવા માટે પુના સ્થિત ફિલ્મ એન્ટ ટીવી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)નું એડમિશન ફોર્મ ભરી નાખ્યું. એડમિશન મળી પણ ગયું. પુના જઈને કોલેજ જોઈન કરવાની તારીખ આવી ગઈ. હવે ઘરે વાત કર્યા વગર ચાલે એમ નહોતું. ડરતાં ડરતાં મમ્મીને વાત કરી. મમ્મીએ પરવાનગી આપી દીધી. પછી બહારગામ ગયેલા પપ્પાને ફોન કર્યો. પપ્પાએ કહ્યુઃ હું ઘરે પાછો ફરું એની પહેલાં પુનાભેગો થઈ જા!
પુનામાં સિનેમા અને અભિનયના શિક્ષણથી તરબતર થઈને વિજયે મુંબઈ આવીને સ્ટ્રગલ કરવા માંડી. નાનકડી ઓરડીમાં બીજા સ્વપ્નસેવીઓની સાથે સાંકડમોકડ રહેવું, એડ્સ અને ફિલ્મો માટે ઓડિશન પર ઓડિશન આપવા, પ્રોડ્યુસરોની ઓફિસોએ ધક્કા ખાવા વગેરે. એક દિવસ એફટીઆઈઆઈમાં એમને ભણાવનાર ટોમ ઓલ્ટરે એક અંગ્રેજી નાટકમાં રોલ ઓફર કર્યો. વિજય થિયેટરનો જીવ તો હતા જ. આ નાટકના એક શો દરમિયાન ફિલ્મલાઈનની કોઈ વ્યક્તિની નજરમાં વિજયનો અભિનય વસી ગયો. આ રીતે વિજય વર્માને એમના કરીઅરની પહેલી ફિલ્મ મળી – ‘ચિત્તાગોંગ’ (2012). એ પછી બીજી ફિલ્મો મળી – તિગ્માંશુ ધૂલિયાની ‘યારા’ (જે હજુ સુધી રિલીઝ થઈ નથી), ‘મોનસૂન શૂટિંગ’, ‘રંગરેઝ’, ‘પિન્ક’ (જેમાં વિજયે કન્યા પર બળજબરી કરવાની કોશિશ કરનાર અંગદ બેદીના મવાલી દોસ્તનો રોલ કર્યો હતો), ‘મન્ટો’ વગેરે. હવે પછી તેઓ ‘મારા’ નામની ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ઉપરાંત અનુરાગ કશ્યપે પ્રોડ્યુસ કરેલી ‘બમફાડ’માં દેખાશે. આ ઉપરાંત ઇમ્તિયાઝ અલીની એક વેબ સિરીઝ પણ છે. સરપ્રાઇઝ, સરપ્રાઇઝ! ઇમ્તિયાઝ અલીનું ડિરેક્શન હોવા છતાં આ વેબસિરીઝના કેન્દ્રમાં લવસ્ટોરી નથી. વિજય જ્યારે ‘સ્ટ્રગલ’ કરતા હતા ત્યારે પણ કામ પસંદ કરવાના મામલામાં ચૂઝી હતા. આથી એક વાત તો નક્કી છે કે વિજય હવે જે પણ કોઈ પ્રોજેક્ટ્સ કરશે એ દમદામ જરૂર હોવાના.
વિજય નખશિખ એક્ટર છે, પણ ગોરા-ચિટ્ટા સિદ્ધાંત ચતુર્વેદીમાં એક્ટર અને સ્ટાર બન્નેની ક્વોલિટી છે. મુંબઈમાં જ જન્મેલા અને મોટા થયેલા પચ્ચીસ વર્ષીય સિદ્ધાંતે પોતાની પહેલી જ ફિલ્મમાં ચોગ્ગો ફટકારી દીધો છે. ‘ઇનસાઇડ એજ’ વેબ સિરીઝમાં સિનિયર એક્ટરોનો ઢગલો હતો, છતાંય સિદ્ધાંત એ બધામાં અલગ તરી આવ્યો હતો. આ શો અને અને ‘ગલી બોય’ બન્ને એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ બેનરે બનાવ્યાં છે, પણ ‘ઇનસાઇડ એજ’માં સિદ્ધાંતનો રોલ અને દેખાવ એટલા અલગ હતા કે ટીમમાંથી કોઈના મનમાં એમસી શેરના કિરદાર માટે સિદ્ધાંતનું નામ રિકમન્ડ કરવાનો વિચાર સુધ્ધાં નહોતો આવ્યો. આ તો સિદ્ધાંતે ખુદ પોતાના માટે તક પેદા કરી.
બન્યું એવું કે ‘ઇનસાઇડ એજ’ની સક્સેસ પાર્ટી હતી. શોની આખી ટીમ અને ઇન્ડસ્ટ્રીના બીજા લોકો ઉપરાંત ‘ગલી બોય’નાં ડિરેક્ટર ઝોયા અખ્તર પણ પાર્ટીમાં હતાં. ત્રણ જ અઠવાડિયાં પછી ‘ગલી બોય’નું શૂટિંગ શરૂ થવાનું હતું. પાર્ટીમાં ઝોયાએ જોયું કે ડાન્સ ફ્લોર એક જુવાનિયો ગોવિંદાના ‘તુઝે મિર્ચી લગી તો મૈં ક્યા કરું’ ગીત પર નાચી રહ્યો છે. એની બોડી લેંગ્વેજ અને મુવમેન્ટ્સમાં કશીક ખાસ વાત હતી. ઝોયાએ ‘ઇનસાઇડ એજ’ શો જોયો નહોતો એટલે એના માટે આ તદ્દન અજાણ્યો ચહેરો હતો. એણે છોકરાને ઈશારો કરીને પાસે બોલાવ્યો અને કહ્યું કે હાઇ, આઇ એમ ઝોયા અખ્તર. આઇ એમ અ ફિલ્મમેકર. જુવાનિયાએ ક્હ્યું કે મને ખબર છે તમે કોણ છો. હું એક્ટર છું અને મેં ‘ઇનસાઇડ એજ’માં કામ કર્યું છે. તમારું ધ્યાન ખેંચવા માટે જ હું ડાન્સ ફ્લોર પર ઉછળી ઉછળીને નાચતો હતો! ઝોયા કહે, વેલ, તારી કોશિશ સફળ થઈ છે. મારું ધ્યાન તારા પર પડી ચુક્યું છે. તું મારી ‘ગલી બોય’ ફિલ્મ માટે ઓડિશન આપને!
બીજા દિવસે સિદ્ધાંતે એમસી શેરના રોલ માટે ઓડિશન આપ્યું, ઝોયાએ એ જ દિવસે એમસી શેરના રોલ માટે સિદ્ધાંત નામના આ છોકરાને કાસ્ટ કરી લીધો… અને પછી અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.
વિજય વર્માની માફક સિદ્ધાંત પણ રંગભૂમિનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. એણે પણ ભૂતકાળમાં ફિલ્મો માટે ચિક્કાર ઓડિશન્સ આપ્યા છે ને અસંખ્ય વાર રિજેક્ટ થયો છે. વિજયની જેમ સિદ્ધાંત પણ ચૂઝી છે, પણ એનામાં મેઇનસ્ટ્રીમ હીરોવાળો અંદાજ છે એટલે આવનારા સમયમાં સારા અલી ખાન કે જ્હાનવી કપૂર જેવી નવી કન્યાઓ સામે એને હીરો તરીકે કાસ્ટ થયેલો જુઓ તો જરાય આશ્ચર્ય નહીં પામવાનું!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2019 )
Leave a Reply