વી વોન્ટ મોર!
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 21 ફેબ્રુઆરી 2019
મલ્ટિપ્લેક્સ
શેફાલી શાહ આટલું ઓછું કામ કેમ કરતાં હશે? એમનું અફલાતૂન પર્ફોર્મન્સ જોઈને દર વખતે આપણા મનમાં આ સવાલ જાગ્યા વગર રહેતો નથી.
* * * * *
‘શેફાલી… વોટ અન એક્ટર! શેફાલી એક અદાકાર તમને જે રીતે સ્પર્શી શકે છે એવા બીજા બહુ ઓછા અદાકારો અપીલ કરી શકે છે. એનું કોઈ પણ પર્ફોમન્સ તમે જુઓ. એ તમારા હૃદયને સ્પર્શ્યા વગર નહીં જ રહે. એ તમને તરત પોતાના તરફ ખેંચી લેશે. હું ટીવી ઇન્ડસ્ટ્રીમાં નવી નવી આવી હતી ત્યારે શેફાલી ઓલરેડી સ્ટાર હતી. ‘બનેગી અપની બાત’ અને બીજી સિરીયલોને કારણે એનું નામ થઈ ગયું હતું. અમે કોઈ ટીવી શોમાં સાથે સામ કરેલું. એ શો જોકે ક્યારેય ટીવી પર આવ્યો જ નહીં, પણ મને યાદ છે કે, સેટ પર શેફાલી જે રીતે અભિનય કરતી એ જોઈને મને સવાલ થતો કે આ છોકરીના શરીરમાં ક્યાંય ગુપ્ત સ્વિચ જેવું છે કે શું? એ કેવી રીતે આટલી આસાનીથી રડી શકે છે? સ્વિચ ઓન થઈ ને રડવાનું શરુ! રડવું પણ કેવું! માત્ર આંખમાંથી આંસુડા ટપકે એમ નહીં, પણ હૃદય ખરેખર પીડાથી વલોવાતું હોય એવું રુદન. મને એ સમયે પણ નવાઈ લાગતી હતી અને આજે પણ નવાઈ લાગે છે કે શેફાલી આ કેવી રીતે કરી શકે છે!’
આ વિદ્યા બાલનના શબ્દો છે. તાજેતરમાં રાજીવ મસંદને એક વિડીયો ઇન્ટરવ્યુ આપતી વખતે એણે શેફાલી શાહ વિશે બે મોઢે વખાણ કર્યા હતા. ખરેખર, એક એકટ્રેસ બીજી એક્ટ્રેસની આ રીતે દિલથી પ્રશંસા કરતી જોઈને હૈયે ટાઢક વળે છે. નવી નેટફ્લિક્સ સિરીઝ ‘દિલ્હી ક્રાઇમ’માં શેફાલીના અભિનય પર વિદ્યા બાલન સમરકંદ બુખારા ઓવારી ગઈ છે. એકલી વિદ્યા જ શા માટે, જેણે ‘દિલ્હી ક્રાઇમ’ શો જોયો છે એ સૌની પ્રતિક્રિયા આવી જ છે. કેવળ શેફાલીનું પર્ફોર્મન્સ જ નહીં, આ આખેઆખો શો અફલાતૂન છે. નિર્ભયા રેપ-કમ-મર્ડર કેસના છએ છ ગુનેગારોએ દિલ્હી પોલીસની ટીમે એક જ અઠવાડિયામાં શી રીતે પકડી પાડ્યા એનું ગજબના ડિટેલિંગ સાથે આ શોમાં નિરૂપણ થયું છે. શેફાલીએ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વર્તિકા ચતુર્વદીનો રોલ કર્યો છે. હજુ સુધી જોયો ન હોય તો વહેલામાં વહેલી તકે ‘દિલ્હી ક્રાઇમ’ના સાતેય એપિસોડ જોઈ કાઢવા જેવા છે.
અમુક અદાકારો એવા હોય છે જેને સ્ક્રીન પર અભિનય કરતાં જોઈએ ત્યારે અભિભૂત થઈને આપણે વિચાર્યા કરીએ કે આ કલાકાર કેમ આટલું ઓછું કામ કરતા હશે? એની ફિલ્મો કે શોઝ કેમ એક પછી એક ધડાધડ આવતાં નથી? શેફાલી આ કક્ષાનાં અદાકાર છે. ‘સત્યા’ ફિલ્મમાં ભીખુ મ્હાત્રેની મારફાડ પત્ની યાદ કરો. આવો ખૂંખાર ગેંગસ્ટર જેલમાંથી છૂટીને ઘરે આવે છે ત્યારે એની પત્ની એને અંદર ઘૂસવા દેતી નથી. ઊલટાની વરના દોસ્તારની હાજરીમાં એને ધડ કરતો લાફો મારી દે છે! આ જ સ્ત્રી પછી ‘સપને મેં મિલતી હૈ…’ ગીત ગાય છે ને બિન્દાસ નાચે છે. કલ્પના કરો, ‘સત્યા’માં શેફાલી ગણીને માત્ર સાત મિનિટ માટે સ્ક્રીન પર આવે છે. આટલા ઓછા સ્ક્રીનટાઇમમાં પણ એણે પોતાના પાત્રને યાદગાર બનાવી દીધું.
‘મોનસૂન વેડિંગ’ની વાત કરો. મીરા નાયરની આ લેન્ડમાર્ક ફિલ્મમાં શેફાલીએ પરિવારના જ સભ્ય દ્વારા નાનપણમાં જાતીય શોષણ બનેલી યુવતીનો નાનો પણ અત્યંત ચાવીરૂપ રોલ અદભુત રીતે કર્યો હતો. ભૂતકાળમાં એટલું દૂર જવાની પણ જરૂર નથી. ‘જ્યૂસ’ નામની શોર્ટફિલ્મને એકાદ વર્ષ માંડ થયું છે. માંડ 14 મિનિટની ફિલ્મ. સીધીસીદી વાત છે. પતિદેવના મિત્રો પત્નીઓ સહિત ઘરે જમવા આવ્યા છે. પુરુષો ડ્રોઇંગરૂમમાં બેઠા બેઠા ગપ્પાં મારી રહ્યા છે અને સ્ત્રીઓ કિચનમાં ઘૂસીને પરસેવે રેબઝેબ થતી રાંધી રહી છે. શેફાલી આખી ફિલ્મમાં ભાગ્યે જ કશું બોલે છે, પણ ફિલ્મના અંતે એના એક્સપ્રેશન જોજો. માત્ર આંખોથી, ચહેરાના હાવભાવથી એ કેટલું બધું બોલી બતાવે છે. આ શોર્ટ ફિલ્મ યુટ્યુબ પર તમે ફ્રીમાં જોઈ શકો છો.
શેફાલી ટકોરાબંધ અભિનેત્રી છે એનું એક મોટું કારણ એ છે કે એ રંગભૂમિ પર તૈયાર થયાં છે. તે પણ ગુજરાતી રંગભૂમિ પર. શેફાલીનું મૂળ નામ શેફાલી શેટ્ટી. એ અર્ધગુજરાતી અને અર્ધમેંગલોરીઅન છે. આઇડિયાઝ અનલિમિટેડવાળા મનોજ શાહે 1983માં એમનું સૌથી પહેલું ‘દેવકન્યા’ નાટક પ્રોડ્યુસ અને ડિરેક્ટ કર્યુ એમાં શેફાલી શાહે કામ કરેલું. એ વખતે શેફાલી પણ નવાંસવાં. ઘણા સિનિયર વાચકોને ‘અંત વગરની અંતાક્ષરી’ નામનું સુપરહિટ ફુલલેન્થ નાટક અને એમાં શેફાલીનો રમતિયાળ અભિનય યાદ હશે. શેફાલીએ ‘દરિયાછોરુ’ (1999) નામની ગુજરાતી ફિલ્મ પણ કરી છે. એમાં જમનાદાસ મજીઠિયા (જેડી) હીરો હતા અને વિપુલ અમૃતલાલ શાહ, ડિરેક્ટર. થોડાં વર્ષો પછી વિપુલ શાહ સાથે શેફાલીનાં લગ્ન થયાં.
વિપુલ શાહ અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવું હતું એટલે શેફાલીએ ‘વક્ત’ ફિલ્મમાં અક્ષયકુમારની મા બનવાનું પસંદ કર્યું. એ વખતે શેફાલીની ઉંમર હતી 33 વર્ષ અને અક્ષયકુમારની 39 વર્ષ! આમ તો માનો રોલ કરવો એ કંઈ શેફાલી માટે નવું નહોતું. ‘હસરતેં’ નામની ટીવી સિરિયલમાં માત્ર 21 વર્ષની ઉંમરે એ એક સંતાનની માતા બનેલાં. ‘વક્ત’ની સફળતા પછી જેનો ડર હતો એવું જ થયું. શેફાલીને માના રોલ્સ ઓફર થવા લાગ્યા. શેફાલી જેવી સુપર ટેલેન્ટેડ અભિનેત્રીને એક જ ઢાંચામાં બંધાઈ જવું કે એકસરખા રોલ્સ કરવા કેવી રીતે ગમે. અમુક રોલ્સ જોકે એમણે સ્વીકાર્યા પણ ખરા. જેમ કે ‘દિલ ધડકને દો’માં એ રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડાની મમ્મી બન્યાં. આ રોલમાં એમણે કરેલો અભિનય પણ ખૂબ વખણાયો. અમુક મમ્મી-રોલ્સ શેફાલીએ નકારી કાઢ્યા. જેમ કે ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘નીરજા’ જેવી ફિલ્મો પહેલાં શેફાલીને ઓફર થઈ હતી. શેફાલીએ ના પાડી એટલે એ રોલ પછી અનુક્રમે રત્ના પાઠક શાહ અને શબાના આઝમીએ કર્યા. શેફાલીના પ્રશંસક તરીકે આપણને થાય કે શેફાલીએ આટલી સુંદર ફિલ્મો ને આટલા તગડા રોલ સ્વીકારી લેવા જોઈતા હતા.
શેફાલીને અસલી જીવનમાં પત્ની અને બે દીકરાઓની મમ્મીનો રોલ નિભાવવો પણ ખૂબ ગમે છે. વચ્ચે દીકરાઓની અમેરિકાના કોઈ ફૂટબોલ કેમ્પમાં પસંદગી થઈ હતી. ખાસ એમની દેખભાળ કરવા માટે શેફાલી બે મહિના અમેરિકા રહ્યાં હતાં. શેફાલી જ્યારે એવું કહે કે એમને સારી ભુમિકાઓ ઓફર થતી નથી ત્યારે એ સાંભળીને તકલીફ થઈ જાય છે. શેફાલી જેવી કાબેલ અભિનેત્રીનો યોગ્ય ઉપયોગ ન થઈ શકે તો એમાં અભિનયજગતનું નુક્સાન છે. શેફાલીનો પૂરતો જશ મળ્યો નથી એ હકીકત છે. ખેર, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. હવે ફોર્ટી પ્લસ અભિનેત્રીઓ માટે પણ સરસ ભુમિકાઓ લખાઈ રહી છે. એમાંય નેટફ્લિક્સ-એમેઝોન પ્રાઇમ જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ સારા અદાકારો (અને ઇવન ઓડિયન્સ) માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. ‘દિલ્હી ક્રાઇમ’ શો એનું ઉત્તમ ઉદાહરણ છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2019 )
Leave a Reply