સીખો તો શાર્ગિદ કી તરહ, કરો તો ઉસ્તાદ કી તરહ
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 12 મે 2019
મલ્ટિપ્લેક્સ
વિશાલ ભારદ્વાજે વર્ષો પહેલાં આપેલી ગુરૂચાવી પ્રિયંકા ચોપડાને આજની તારીખે પણ ખૂબ કામ આવે છે.
* * * * *
દરેક એક્ટ્રેસ ઇચ્છતી હોય છે એના બાયોડેટામાં એટલીસ્ટ એક ‘મુગલ-એ-આઝમ’ કે ‘મધર ઇન્ડિયા’ પ્રકારની લેન્ડમાર્ક ફિલ્મ લખાયેલી હોય. આ ફિલ્મે બોક્સઓફિસ પર સોલિડ ધૂમ મચાવી હોય અને એમાં એનું પર્ફોર્મન્સ એવું તબલાતોડ હોય કે એની કરીઅર કોઈ જુદી જ ભ્રમણકક્ષામાં મૂકાઈ ગઈ હોય. પ્રિયંકા ચોપડા માટે આ પ્રકારની ફિલ્મ સંભવતઃ ‘સાત ખૂન માફ’ અને ‘વોટ્સ યોર રાશિ?’ બની શકી હોત. બન્ને ફિલ્મો વિખ્યાત લેખકોની કૃતિ પર આધારિત – અનુક્રમે રસ્કિન બોન્ડ અને આપણા ગુજરાતી સાહિત્યના સુપરસ્ટાર, મધુ રાય. બન્નેના ડિરેક્ટર દરજ્જેદાર – અનુક્રમે વિશાલ ભારદ્વાજ અને આશુતોષ ગોવારીકર.
‘સાત ખૂન માફ’માં પ્રિયંકા પોતાના છ પતિઓની હત્યા કરે છે. પતિઓ પણ કેવા. નસીરુદ્દીન શાહ, ઇરફાન ખાન, અનુ કપૂર…! ‘વોટ્સ યોર રાશિ?’માં નાયિકાના ડબલ કે ટ્રિપલ નહીં, પણ પૂરા એક ડઝન રોલ. પ્રત્યેક રાશિ દીઠ એક રોલ. અનાઉન્સ થતાંની સાથે જ જેને હાંસલ કરવા માટે અભિનેત્રીઓ વચ્ચે મારામારી ને કાપાકાપી થઈ જાય એવી જબરદસ્ત આ ભુમિકાઓ. બન્ને ફિલ્મો પ્રિયંકા તાણી જાય છે. એ વખતે માહોલ એટલો ગરમાઈ ગયો હતો કે બસ, આ ફિલ્મો રિલીઝ થાય એટલે પ્રિયંકા ચોપડા ફટાક કરતી હિન્દી સિનેમાની ઓલટાઇમ ગ્રેટ અભિનેત્રીઓની સૂચિમાં હકથી સામેલ થઈને લિવિંગ લેજન્ડ બની જશે, વગેરે વગેરે.
એવું કશું ન થયું. 2009માં આગળપાછળ રિલીઝ થયેલી આ બન્ને ફિલ્મો ફ્લોપ થઈ ગઈ. પ્રિયંકાના અભિનયને અલગ કરીને જુઓ તો કહી શકાય કે એણે સરસ કામ કર્યું હતું, પણ લોકોએ ફિલ્મ જોઈ જ નહીં તો શો ફાયદો. આ ફિલ્મોએ પ્રિયંકાની કરીઅરને નવી ઊંચાઈ પર લઈ જવાને બદલે ઊલટાની અસ્થિર કરી નાખી. પ્રિયંકા તો ઠીક, એના ચાહકોના ફ્રસ્ટ્રેશનનો પણ પાર ન હતો. કોના પર ગુસ્સો કરવો – ડિરેક્ટરો પર, સ્ક્રિપ્ટ પર કે નસીબ પર?
ખેર, પ્રિયંકાની કિસ્મતમાં અસાધારણ બનવાનું જરૂર લખાયું હતું. 2014ની આસપાસ એણે અમેરિકાગમન કર્યું. તે પછી જે બન્યું એ જગજાહેર છે. એણે ‘ક્વોન્ટિકો’ જેવી સુપરહિટ પ્રાઇમટાઇમ ટીવી સિરીયલની લીડ એક્ટ્રેસ બનીને ઇતિહાસ સર્જ્યો. ઇવન સ્થાનિક અમેરિકન અદાકારોને પણ ચક્કર આવી જાય એટલાં માનપાન અને અટેન્શન મેળવ્યાં. આજની તારીખે પણ મેળવી રહી છે.
પ્રિયંકાના જીવન પર બે સિનિયર લેખકોએ લખેલાં બે અલગ અલગ પુસ્તકો ગયા વર્ષે લગભગ એકસાથે બહાર પડ્યાં. અસીમ છાબરાએ ‘પ્રિયંકા ચોપડા – ધ ઇન્ક્રીડિબલ સ્ટોરી ઓફ અ ગ્લોબલ બોલિવૂડ સ્ટાર’ લખ્યું, જ્યારે ભારતી એસ, પ્રધાને ‘પ્રિયંકા ચોપડા – ધ ડાર્ક હોર્સ’ લખ્યું. અસીમ છાબરાનાં પુસ્તકમાં વિશાલ ભારદ્વાજે પોતાની આ ફેવરિટ એક્ટ્રેસ વિશે સરસ વાતો કરી છે. ફિલ્મ નિષ્ફળ નીવડે એટલે જરૂરી નથી કે ડિરેક્ટર અને કલાકાર એકબીજાના જાની દુશ્મન બની જાય. ‘સાત ખૂન માફ’ની પહેલાં વિશાલ અને પ્રિયંકાએ ‘કમીને’માં સાથે કામ કર્યું હતું. આ હિટ ફિલ્મમાં પ્રિયંકાનું કામ વખણાયું હતું. શૂટિંગ દરમિયાન પ્રિયંકાની કામ પ્રત્યેની નિષ્ઠા જોઈને વિશાલ ભારદ્વાજે એને ‘સાત ખૂન માફ’ જેવી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ઓફર કરી.
‘શરૂઆતમાં તો પ્રિયંકા ખૂબ નર્વસ હતી. એને ડર હતો કે આવી કોમ્પ્લિકેટેડ ભુમિકા પોતે સારી રીતે નિભાવી શકશે કે નહીં. આથી શૂટિંગ શરૂ કરતાં પહેલાં અમે ખૂબ બધું હોમવર્ક કર્યું હતું,’ આટલું કહીને વિશાલ ભારદ્વાજ પ્રિયંકાની કામ કરવાની શૈલી વિશે સરસ વાત કરે છેઃ ‘સમજોને, પ્રિયંકા મારી ડિરક્ટોરિયલ ટીમનો જ હિસ્સો બની ગઈ હતી. એ મારી ઓફિસે આવીને બેસે, અમારી સાથે સમય પસાર કરે. એને ખબર હોય કે હું અને મારા આસિસ્ટન્ટ્સ શું માથાકૂટ કરી રહ્યા છીએ. બીજા એક્ટરોએ શું કરવાનું છે તે પણ એ જાણતી હોય. સામાન્યપણે ફિલ્મસ્ટારો પોતાની દુનિયામાં જ ખોવાયેલા રહેતા હોય છે. એક વાર પેક-અપ થાય એટલે એમનું બીજું જીવન શરૂ થાય. આ મામલામાં પ્રિયંકા બીજાઓ કરતાં સાવ અલગ છે. શૂટિંગ ચાલતું હોય તે દરમિયાન એ તમારી બેસ્ટ ફ્રેન્ડ બની જાય. તમને લાગે કે એ તમારી આસિસ્ટન્ટ છે, સ્પોટબોય છે. તમારા માટે એ ચોવીસે કલાક ઉપલબ્ધ હોય. એ ફિલ્મમાં એટલી હદે ઘૂસી જાય કે મારા કરતાંય વધારે કામ કરવા લાગે. મારે ક્યારેક એને ટપારવી પડે કે બહેન, આ ફિલ્મનો ડિરેક્ટર હું છું, મને ખબર છે મારે શું કરવાનું છે. હું આવું બોલું એટલે એ તરત કહેશેઃ ઓહ, સોરી સોરી.’
‘સાત ખૂન માફ’માં ઇરફાન ખાન રોમેન્ટિક કવિ બન્યા છે. એવો કવિ જે પ્રેમ કરતી વખતે હિંસક બનીને સ્ત્રીને લાફા ઠોકવા લાગે છે. પ્રિયંકાને સખત ડર હતો કે આ સીનમાં પોતે શી રીતે રિએક્ટ કરશે. વિશાલે એને એક બાજુ લઈ જઈને સમજાવી કે સૌથી પહેલાં તો તું શરમ-સંકોચ મનમાં બહાર ફગાવી દે. પછી એવી રીતે પર્ફોર્મ કર જાણે કે તું અભિનયની ઉસ્તાદ છે. આમ કહીને વિશાલે એને એક ગુરૂચાવી આપીઃ સીખો તો શાર્ગિદ કી તરહ, કરો તો ઉસ્તાદ કી તરહ! કંઈ પણ શીખવું હોય તો આજ્ઞાંકિત શિષ્ય બનીને શીખવાનું અને જ્યારે કરવાનું આવે ત્યારે અનુભવી ગુરૂની માફક કરવાનું. વિશાલે એને કહ્યું કે કેમેરા ઓન થાય ત્યારે તારે એવું જ માનવાનું કે જાણે તું મેરીલ સ્ટ્રીપ જેવી એક્ટિંગની ઉસ્તાદ છે. વિશાલની સમજાવટથી પ્રિયંકામાં કોન્ફિડન્સ આપ્યો ને પછી ઇરફાન સાથે એણે અસરકારક અભિનય કર્યો.
‘પ્રિયંકા સાથે મારો મનમેળ છે એવો મનમેળ મારે બીજા કોઈ એકટર સાથે નથી,’ વિશાલ કહે કહે છે, ‘હા, પંકજ કપૂર સાથે મેં ઘણી ફિલ્મો કરી છે એટલે એમની સાથે પણ મારો સારો રેપો છે, પણ તે બીજા નંબર પર. પ્રિયંકા સાથે મારું જે કનેક્શન છે એ કંઈક અલગ જ છે. શી ઇઝ સો ગુડ એન્ડ સો ઇન્ટેલિજન્ટ. પ્રિયંકા સાથે કામ કરવાની મને જે મજા આવી છે એવી મને અગાઉ ક્યારેય કોઈ સાથે આવી નથી. ફિલ્મલાઇનમાં મારે એક જ ફ્રેન્ડ છે અને એ છે પ્રિયંકા.’
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2019 )
Leave a Reply