ટુ ફાધર… વિથ લવ
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 2 જૂન 2019
મલ્ટિપ્લેક્સ
સલમાન ખાનની ‘ભારત’ જેના પર આધારિત છે તે કોરીઅન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’માં એવું તે શું છે?
* * * * *
ભાઈ એટલે કે સલમાન ખાનની ફિલ્મોનો એક સ્વભાવ છે. એને શાંતિપૂર્વક એન્ટ્રી કરતાં આવડતું નથી. એ માત્ર ધૂમધડાકા સાથે ત્રાટકી શકે છે. ત્રણ દિવસ પછી, બુધવાર જેવા આડા દિવસે, ભાઈની ‘ભારત’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. દર વખતની જેમ આ વખતે પણ તબલાતોડ હાઇપ ઊભી કરવામાં આવી છે. ટ્રેલરના લૂક અને ફીલ પરથી ફિલ્મ ઠીક ઠીક પ્રોમિસિંગ લાગે છે.
‘ભારત’ વાસ્તવમાં ‘ઓડ ટુ માય ફાધર’ નામની સુપરહિટ કોરીઅન ફિલ્મ પર આધારિત છે તે આપણે જાણીએ છીએ. મજાની વાત એ છે કે ‘ઓડ ટુ માય ફાધર’ની હિન્દી રિમેક બનાવતા પહેલાં એના મેકર્સને તોતિંગ રકમ ચુકવવીને કાયદેસર અધિરકાર મેળવવામાં આવ્યા હતા. આના સાદો અર્થ એ થયો કે અહીં બેશરમ ચોરી કે નફ્ફટ ઉઠાંતરી નથી, બલ્કે પૂરેપૂરી ગરિમા અને શાલીનતા જાળવીને ફિલ્મનું ભારતીયકરણ કરવામાં આવ્યું છે.
અંગ્રેજીમાં ઓ-ડી-ઇ ઓડ એટલે ઉર્મિગીત. ઓડ ટુ માય ફાધર એટલે મારા પિતાજીને સંબોધીને રચાયેલું ઉર્મિગીત. ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસર યૂન જે-ક્યૂન એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘2004માં હું પહેલી વાર બાપ બન્યો. મારે ત્યાં સંતાન અવતર્યું એટલે મારા ફાધર, કે જે હવે આપણી વચ્ચે રહ્યા નથી, એમને નિહાળવાનો અથવા કહો કે એમને યાદ કરવાનો મારો દષ્ટિકોણ જ બદલી ગયો. એ જીવતા હતા ત્યારે હું ક્યારેય એમને થેન્ક્યુ કહી શક્યો નહોતો. આ ફિલ્મ બનાવીને મેં મારા ફાધર પ્રત્યે કૃતાર્થતા વ્યક્ત કરવાનો, એમને થેન્ક્યુ કહેવાનો પ્રયાસ કર્યો છે.’
‘ઓડ ટુ માય ફાધર’ પહેલાં યૂન જે-ક્યૂનની છાપ એક કોમેડી ફિલ્મમેકર તરીકેની હતી. તેઓ પૂરવાર કરવા માગતા હતા કે પોતે કોમેડી સિવાયના અન્ય પ્રકારોમાં પણ સરસ કમર્શિયલ ફિલ્મો બનાવી શકે છે. 2014ના ડિસેમ્બરમાં ‘ઓડ ટુ માય ફાધર’ નામની આ પારિવારિક ઇમોશનલ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ સુપરહિટ પૂરવાર થઈ. કોરીઅન સિનેમાના ઇતિહાસની સૌથી સફળ ફિલ્મોમાં એની ગણના થાય છે. વિદેશમાં પણ તે ખૂબ જોવાઈ. તેને ખૂબ બધા અવોર્ડ્ઝ પણ મળ્યા.
શું છે ‘ઓડ ટુ માય ફાધર’માં? ફિલ્મની શરૂઆત 1950ના કોરીઅન યુદ્ધથી થાય છે. તે વખતે હજારો રેફ્યુજીઓને અમેરિકન નેવીની બોટ્સ દ્વારા કોરિયાના દક્ષિણી હિસ્સા પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. ભયંકર અફરાતફરીનો માહોલ છે. એક મધ્યમવર્ગીય કોરીઅન પરિવાર પણ વહાણ પર ચડીને સલામત સ્થળે પહોંચી જવા ઘાંઘું થયું છે. પરિવારમાં પતિ-પત્ની છે, ચાર નાનાં સંતાનો છે. સૌથી મોટા દીકરાનું નામ દેઓક-સૂ છે, જે ખુદ હજુ ટાબરિયો છે. આંધાધૂંધી એટલી બધી છે કે દેઓક-સૂ (કે જે પછી ફિલ્મનો મુખ્ય નાયક બનાવાનો છે) અને એની બહેન વિખૂટા પડી જાય છે. પિતા એને કહે છે કે ‘બેટા, તું તારી મા અને બન્ને નાનાં બચ્ચાં સાથે વહાણમાં ચડી જા, હું તારી બહેનને શોધવા જાઉં છું. બંદર પર ઉતરીને સૌને તું બુસાન શહેરમાં લઈ જજે. ત્યાં તારાં ફોઈબાની દુકાન છે… અને સાંભળ, તું ઘરનો મોટો દીકરો છે. મને વચન આપ કે તું તારી માનું અને નાનાં ભાંડુડાંનું બરાબર ધ્યાન રાખીશ…’ દેઓક-સૂ વચન આપે છે. આ વચન એના આવનારા જીવનનું અને આ ફિલ્મની કહાણીનો પાયો રચે છે.
દેઓક-સૂ પર નાની ઉંમરે મોટી જવાબદારી આવી જાય છે. જુવાનીમાં પૈસા કમાવા એ યુરોપ જઈને જોખમી કહી શકાય એવી કોલસાની ખાણમાં મજૂરી કહે છે. એક નર્સના પ્રેમમાં પડી એને પરણે છે અને ખુદ બે બચ્ચાંનો બાપ બને છે. ઘરની જવાબદારી ઉપાડવા એ વિયેતનામ વોરમાં ભાગ લે છે. એ યુદ્ધમાંથી પાછો તો ફરે છે, પણ અપંગ બનીને. નાણાભીડથી બચવા કેટલીય વાર હવે મૃત્યુ પામી ચુકેલાં ફોઈબાની ખોટ ખાતી દુકાન વેચી નાખવાનું સૂચન થાય છે, પણ દર વખતે દેઓક-સૂ ધરાર દુકાન વેચવાની મનાઈ કરે છે.
વર્ષો વીતતાં જાય છે. પાછળ રહી ગયેલા પોતાના પિતા અને બહેનનો હજુ સુધી કોઈ અતોપતો નથી. દરમિયાન 1983માં ટીવી પર એક શો ટેલિકાસ્ટ થાય છે. કોરીઅન યુદ્ધ દરમિયાન લાપત્તા થઈ ગયેલા લોકોને પરિવાર સાથે મેળાપ કરાવવાનો આ શોનો ઉદ્દેશ છે. દેઓક-સૂને પિતાની ભાળ તો નથી મળતી, પણ બહેનનો પત્તો જરૂર લાગે છે. બહેનને કોઈ અમેરિકન પરિવારે દત્તક લીધી હતી. દાયકાઓ પછી પરિવાર સાથે બહેનનું મિલન થતાં હૃદયદ્રાવક દશ્યો સર્જાય છે.
ફિલ્મને અંતે દેઓક-સૂ પોતે પેલી ખોટ ખાતી દુકાન વેચી નાખવાની ઇચ્છા વ્યક્ત કરે છે. અત્યાર સુધી એણે કેમ દુકાન વેચવા નહોતી દીધી એનો જવાબ ઓડિયન્સને હવે મળે છે. વહાણમાં ચડાવતી વખતે પિતાજીએ જ્યારે પરિવારનું ધ્યાન રાખવાનું વચન લીધું હતું ત્યારે તેઓ એમ પણ બોલ્યા હતા કે હું બુસાન આવીને તમને સૌને ફોઈબાની દુકાને મળીશ. દેઓક-સૂ દાયકાઓ સુધી બાપની પ્રતીક્ષા કરતો રહ્યો. આખરે એને ખાતરી થઈ કે આટલાં દાયકા પછી પિતાજીના જીવતા હોવાની કશી સંભાવના નથી ત્યારે એણે દુકાન વેચવા કાઢી.
ઓડિયન્સને રડાવી દે એવી અતિ લાગણીશીલ આ ફિલ્મ છે. ચાંપલા ડાબેરીઓએ જોકે આ વધુ પડતી રાઇટીસ્ટ (જમણેરી) ફિલ્મ છે એવું કહીને ટીકા પણ કરી હતી. પ્રોડ્યુસર-ડિરેક્ટર ક્યૂનને એવો એક્ટર જોઈતો હતો જે સ્ક્રીન પર વીસ વર્ષના જુવાન અને સિત્તેર વર્ષ પાર કરી ગયેલા વૃદ્ધ આ બન્ને રૂપમાં એકસરખો કન્વિન્સિંગ લાગે. એમણે હવાંગ જુંગ-મિન નામનો એક્ટર પસંદ કર્યો. ‘ઓડ ટુ માય ફાધર’નું શૂટિંગ ચાલતું હતું ત્યારે એમની ઉંમર ચુમાલીસ વર્ષ હતી. સલમાન ખાને ત્રેપન-ચોપન વર્ષની ઉંમરે ‘ભારત’ કરી છે.
ક્યૂને ચેક રિપબ્લિકની કોલસાની અસલી ખાણમાં શૂટિંગ કર્યું હતું. ફિલ્મમાં જો કે એને જર્મન કોલ માઇન તરીકે દેખાડવામાં આવે છે. ‘ઓડ ટુ માય ફાઘર’માં ખાણની અંદર જે મશીનરી દેખાય છે તે અસલી છે. ‘ઓડ ટુ માય ફાધર’માં કોરીઅન ઇતિહાસનો ભલે તગડો રેફરન્સ લેવામાં આવ્યો હોય, પણ એમાં મૂળ વાત બાપ-દીકરાની છે, પારિવારિક મૂલ્યોની છે, કોઈ પણ ભોગે વચનપાલન કરવાની ભાવનાની છે. આ ફિલ્મ દુનિયાભરના પ્રેક્ષકોને અપીલ કરી શકી છે એનું કારણ આ જ.
‘ઓડ ટુ માય ફાધર’માં કોરીયાના ઇતિહાસનો વણાયેલો છે, તો ‘ભારત’માં 1947થી માંડીને આજના હિંદુસ્તાનની સમકાલીન ઘટનાઓનો પશ્ચાદભૂ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા તગડી છે. જોઈએ, હિન્દી આવૃત્તિમાં ઐતિહાસિક રિઅલિઝમ તેમજ ફિલ્મનો ઇમોશનલ પંચ અકબંધ રહે છે કે નહીં. જો બધું સમુસૂતરું પાર ઉતર્યું તો ‘બજરંગી ભાઈજાન’ અને ‘સુલતાન’ જેવી સલમાનની સૌથી સારી ગણાયેલી ફિલ્મોની પંગતમાં ‘ભારત’ બેસી શકે છે.
‘ભારત’ આપણે હજુ જોઈ નથી, પણ એની વાર્તા સાંભળીને શું તમને પણ એવું નથી લાગતું કે આ વિષય સલમાન ખાન કરતાં આમિર ખાનને વધારે લાયક છે?
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2019 )
Leave a Reply