મિક્સ ટેપ – Gujarati Series
મિક્સ ટેપઃ અમદાવાદમાં દિવસે ને દિવસે વધુ ને વધુ હેપનિંગ બની રહેલા સ્ક્રૅપયાર્ડ થિયેટરમાં તાજેતરમાં એક સરસ નાટક જોયું – ‘ મિક્સ ટેપ’. આ એક્ચ્યુઅલી એકાંકીઓનું ઝુમખું છે. પાંચ જુદા જુદા મોનોલોગ્સ, પાંચ જુદા જુદા ઍક્ટર્સ, એકાધિક રાઇટર્સ અને એક ડિરેક્ટર. આ પ્રયોગે મને મુંબઈમાં મનહર ગઢિયાએ પ્રોડ્યુસ કરેલા ‘સાત તરી એકવીસ’ની યાદ અપાવી દીધી. દસ કરતાંય વધારે વર્ષ પહેલાં પૃથ્વી થિયેટરમાં ‘સાત તરી એકવીસ’ ઓપન થયેલું. તેમાં સાત મોનોલોગ્સ હતા. પ્રત્યેક મોનોલોગ માટે ઍક્ટર, રાઇટર અને ડિરેક્ટરની એક ટીમ બને. આમ આ પ્રયોગમાં કુલ સાત ઍક્ટર્સ, સાત રાઈટર્સ અને સાત ડિરેક્ટર્સની ત્રિપુટી એમ બધા મળીને (7×3=)21 કલાકારોએ ભાગ લીધો હતો. મારી ટીમમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને પ્રતીક ગાંધી હતા. મેં ‘પ્રતિપુરુષ’ નામનો મોનોલોગ લખ્યો, સિદ્ધાર્થ રાંદેરિયાએ તેનું ડિરેક્શન કર્યું હતું અને પ્રતીકે અભિનય કર્યો હતો. ખાસ્સો બોલ્ડ વિષય હતો આ મોનોલોગનો. મજા પડી હતી આ પ્રયોગમાં. ‘સાત તરી એકવીસ’ને સફળતા મળી એટલે પછી તેની બીજી બે એડિશન્સ આવી હતી. મારા ખ્યાલ પ્રમાણે ત્રીજી એડિશનના સાતેસાત મોનોલોગ્સ એકલા પ્રતીક ગાંધીએ ડિરેક્ટ કર્યા હતા. ‘સાત તરી એકવીસ’ની પહેલાં અને પછીય મોનોલોગ્સના ઝુમખાંવાળા આ પ્રકારના ઘણા પ્રયોગો થયા છે. વરિષ્ઠ રંગકર્મી મનોજ શાહના જણાવ્યા મુજબ, કન્ટેમ્પરરી થિયેટરમાં મુંબઈના રાહુલ દ કુન્હાએ ખૂબ બધાં વર્ષો પહેલાં સંભવતઃ સૌથી પહેલી વાર આ પ્રકારનો પ્રયોગ અંગ્રેજીમાં કર્યો હતો, જેનું ટાઇટલ હતું ‘વન ઓન વન’.
‘વન ઓન વન’થી શરૂ થયેલી પરંપરા હવે Ankit Gorના ‘મિક્સ ટેપ’ સુધી પહોંચી છે. એકિંત ગોર વર્સેટાઇલ કલાકાર છે. ‘મિક્સ ટેપ’ની પાંચેય એકોક્તિઓ તેમણે ડિરેક્ટ છે. પાંચમાંથી ચાર એકોક્તિના લેખક પણ તેઓ છે ને એકમાં એમણે ખુદ અભિનય પણ કર્યો છે.
પહેલી એકોક્તિનું ટાઇટલ છે ‘ફોમો’, જે માનસી શાહે ભજવી. એ શરાબની સિપ લેતાં લેતાં પોતાના ‘ભૂંડ જેવા’ બૉયફ્રેન્ડને, શિકારના શોખીન એવા નાનાજીને અને ડિવૉર્સ થઈ ચૂકેલાં મમ્મીપપ્પા વિશે વાત કરે છે. ‘મિક્સ્ડ ટેપ’નો સરસ ઉઘાડ માનસી કરી આપે છે. બીજો મોનોલોગ છે, ‘મેરેજેબલ’. એક્ટ્રેસ, જૈની શાહ. જૈની શાહ એક એવી લાઇવ બૉમ્બ જેવી યંગ ટેલેન્ટ છે, જે હવે કોઈ પણ ક્ષણે ફાટી શકે તેમ છે – ફિલ્મોમાં, વેબ શોઝ, અભિનયના કોઈ પણ માધ્યમમાં. હું માનું છું કે ગુજરાતી ફિલ્મમેકરોની નજરમાં આ પ્રતિભાશાળી ઍક્ટ્રેસ અત્યાર સુધીમાં આવી ગઈ હોવી જોઈએ. ન આવી હોય તો એમના પર સત્વરે નજર કરી કરવી જોઈએ. ‘મેરેજેબલ’માં જૈની પોતાની મા સાથે લડતાંઝઘડતાં ઑડિયન્સ સાથે પોતાન કેવો ભાવિ ભરથાર જોઈએ તે વિશે સંવાદ કરે છે. મોનોલોગમાં જૈનીની ભોજપુરી એક્સેન્ટ વચ્ચે વચ્ચે ગાયબ થઈ જાય છે, બટ ઇટ્સ ઓકે.
ત્રીજો અનટાઇટલ્ડ મોનોલોગ તત્સત મુનશી ભજવે છે. તત્સતને આપણે ‘નોન-આલ્કોહોલિક બ્રેકઅપ’ વેબ શોમાં અને અન્યત્ર અગાઉ જોયા છે. સંદીપ પટેલે ડિરેક્ટ કરેલી અને મલ્હાર ઠાકર અને આરોહી પટેલને ચમકાવતી આગામી ફિલ્મમાં આપણે તત્સતને ફુલફ્લેજેડ પેરેલલ હીરો તરીકે ટૂંક સમયમાં જોવાના છીએ. આ મોનોલોગમાં બોલ્ડ થીમને સંવેદનશીલ રીતે પેશ કરવામાં આવી છે. ચોથો મોનોલોગ ‘અ લેટર ટુ માય એક્સ’ ખુદ અંકિત ગોર ભજવે છે. આ મોનોલોગ જોયા પછી કહી શકાય કે આવનારા દિવસોમાં અંકિત જો ખુદને એક સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે લૉન્ચ કરે તો આશ્ચર્ય નહીં પામવાનું! રંગભૂમિ પર વર્ષોથી ખાસ્સા એક્ટિવ એવા અંકિત ફિલ્મો પણ લખે છે. જો બધું સમુસૂતરું અને આપણે કલ્પ્યું છે એવી જ રીતે પાર પડ્યું તો દર્શન ત્રિવેદીનું ડિરેક્શન અને અંકિતના સંવાદો ધરાવતી આગામી મહત્ત્વાકાંક્ષી ગુજરાતી ફિલ્મ ‘લકીરો’ ટ્રેન્ડસેટર પૂરવાર થશે.
છેલ્લો અને પાંચમો મોનોલોગ, ‘ડિયર જંગલી’. લેખક, આદિત્ય ત્રિવેદી અને ઍક્ટ્રેસ, તર્જની ભડલા. મારા મતે ‘મિક્સ ટેપ’નો આ બેસ્ટ મોનોલોગ છે. સુંદર વિષય, ધારદાર પંચવાળો અંત ધરાવતું સુંદર લખાણ, સુંદર ડિરેક્શન, સુંદર અભિનય. તર્જની ‘હેલ્લારો’ની નેશનલ અવૉર્ડવિનિંગ ઍકટ્રેસ છે. બિગ સ્ક્રીનની માફક રંગમંચ પર પણ એ એટલાં જ અસરકારક છે.
કોરોનાની નવી ગાઇડલાઇન અમલમાં મૂકાઈ ગઈ હોવા છતાં ‘મિક્સ ટેપ’ જોવા માટે કડકડતી ઠંડીમાં સ્ક્રૅપયાર્ડ થિયેટર દર્શકોથી લગભગ આખું ભરાઈ ગયું હતું એ સારી નિશાની છે. આ પ્રકારનાં નાટકો, પ્રયોગો માણી શકે તેવું ઑડિયન્સ અમદાવાદમાં ધીમે ધીમે પણ નક્કરપણે કલ્ટિવેટ થઈ રહ્યું છે એ મજાની વાત છે.
‘મિક્સ ટેપ’ના પાંચેય મોનોલોગ્સમાં કોરોનાના સંદર્ભનો ઉપયોગ કરવાની કોશિશ કરવામાં આવી છે, પણ ‘ડિયર જંગલી’ને બાદ કરતાં ક્યાંય આ રેફરન્સ મજબૂતીથી ઊભરતો નથી. મનોજ શાહે સરસ વાત કરી કે રાહુલ દા કુન્હાના ‘વન ઓન વન’ના મોનોલોગ્સ એવી રીતે લખાયા હતા કે જુદી જુદી એકોક્તિઓ બિલકુલ સ્વતંત્રપણે, એકબીજાને ‘ખો’ આપ્યા વિના જ ભજવાય અને છતાંય બેકગ્રાઉન્ડમાં એક વાર્તા શાંતિથી સળંગ વહેતી રહે. આથી આખો પ્રયોગ પૂરો થાય ત્યારે તમે ત્રણ કે ચાર કે પાંચ અલગ અલગ ટુકડા જોયા હોય એવી ફીલિંગ ન આવે, બલકે એક સળંગ કૃતિ માણી હોય એવી અનુભૂતિ થાય. ‘મિક્સ ટેપ’ની આગામી એડિશનમાં, જો એ થવાની હોય તો અને જો શક્ય હોય તો, આવી ઇન્ટરલિંક્ડ એકોક્તિઓનો પ્રયોગ કરવા જેવો છે.
અંકિત ગોર અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.
– Shishir Ramavat
Leave a Reply