#SundayTellsTales 22
‘મારી ખામીઓની વાત માત્ર મને જ કરજો, મારી બીજી કોઈ શાખા નથી !’ – વોટ્સઅપના આ ફોરવર્ડને મેં અંગત રીતે કંઈક વધારે પડતું જ સીરીયસલી લઈ લીધું છે. અને માટે મને મારી ખૂબીઓ કરતાં મારી ખામીઓની વધારે ખબર છે. આવી જ ખામીઓમાં થોડીક એવી આદતો પણ સમાવી શકાય જે નોર્મલ કરતાં અલગ, એટલે કે ‘એબ’-નોર્મલ છે.
જેમ કે,
– પેપર હમેશાં ઊંધેથી જ વાંચવું. (પરીક્ષામાં પણ !)
– શર્ટના બટન ઊપરથી નીચેની તરફ લગાવવા.
– બાઈક ચલાવતી વખતે ધ્યાન રસ્તા પર ઓછું અને આગળ જઈ રહેલી ગાડીઓની નંબરપ્લેટના આંકડાનો સરવાળો કરવામાં વધારે હોવું ! વગેરે, વગેરે…
આવી જ કેટલીક આદતો સાથે મને મારામાં રહેલા થોડાક ફોબિયા (S) ની પણ ખબર પડી,
જેમ કે,
– શાકભાજી-ફળ ખરીદવાનો ફોબિયા (આ ફોબિયા હોવા પાછળ સડેલા શાક-ફળ લઈ આવવાના ડરથી વિશેષ એ પછીથી મમ્મીની ખાવી પડતી ગાળો વધારે જવાબદાર છે. અને એમાંય આવા સમયે ક્યાંકથી ઉડી આવતો એનો પેલો ટીપીકલ ડાયલોગ તો મનેય મોઢે થઈ ગ્યો છે – ‘આટલો મોટો કોલેજ-પાસઆઉટ થયો, પણ હજી શાક લેતા નથી આવડતું ?’ ના, એટલે તમે જ મને કહો કે કઈ કોલેજ ડીગ્રી સાથે ‘ધાણા-મરચાં’ લેવાની ‘સ્કીલ્સ’ શીખવે છે ?)
– સ્ટેજ ફોબિયા (આ પણ હું એટલે જ લખી શકું છું કારણકે હમણાં હું સ્ટેજ પર નથી !)
– ધ વાળંદ ફોબિયા (સૌથી વિચિત્ર ફોબિયા !) – આજે આપણે આની જ ઘોર ખોદવાની છે !
જી હા, મને સમગ્ર બ્રહ્માંડમાં હાજર વાળ કાપતી દરેક વ્યક્તિ સામે ‘ફોબિયા’ અનુભવાતો રહ્યો છે. અને આ ફોબિયા તો મારી અંદર એટલી હદે વકરી ચુક્યો છે કે હું વાળ કપાવવા ક્યારેય એકલો જતો જ નથી ! કાં તો મારી સાથે મારા ઘરનું કોઈ સભ્ય હોય અથવા કોઈ નવરો (I mean દોસ્ત) હોય જ ! એટલા માટે નહીં કે વાળ કપાવવાની બોરિંગ પ્રોસેસ દરમ્યાન એ લોકો બેકગ્રાઉન્ડમાં રહી મને એન્ટરટેઈન કરતાં રહે, પણ એટલે કે દરવખતે એ લોકો મને નવી-નવી સ્ટાઇલ સજેસ્ટ કરતાં રહે, અને એ બધીય રામાયણ બાદ પણ વાળંદ તો કંઈક બીજું જ બનાવી આપી મારા (ઓલરેડી) ખરાબ લુકમાં (અમાસના) બીજા ચાર ચાંદ લગાવી શકે !
કદાચ છોકરીઓ બ્રેક મારીને એકટીવા રોકતા શીખી પણ જાય (સોરી ગર્લ્સ), પણ કોઈ વાળ કાપનાર મને સંતોષકારક સર્વિસ આપતા ક્યારેય નહીં શીખે (વાંક મારો જ છે, high expectations you know !) અને આ તો હવે નિયમ જ બની ગયો છે, કે મારે જોઈતું હોય કંઈક ‘એક’, સાથીદાર સજેસ્ટ કરે એ કંઈક ‘બીજું’ જ, અને આખી પ્રોસેસ બાદ જે રીઝલ્ટ મળે એ તો કંઈક ‘Z’ જ હોય !! અને હવે થર્ડ પાર્ટીને તો કંઈ કહેવાય નંઈ, એટલે હાથમાં આવે જોડીદાર ! અને હું એમને સ્ટાઈલ સજેસ્ટ કરવા માટે જેટલી ગાળો આપું એનાથી પણ ત્રણ ગણી ગાળો મારે એમને ખેંચીને જોડે લઈ જવા માટે ખાવી પડે ! Irony of life ! (અને હા, હું વાળ કપાવવા કોઈને જોડે એટલે જ લઈ જઉં છું જેથી કરીને મારા વાળ બગાડવાનો દોષનો ટોપલો એમના માથે ઠાલવી શકું !)
અને બસ થોડા વર્ષોના આવા અખતરા બાદ બંદાએ ‘મારા વાળના પ્રયોગો’ આગળ ધપાવવા છોડી દીધા. અને હવે તો વાળંદ ખુદ મને જોતાની સાથે ‘ચંબુ સ્ટાઇલ’ (સાદા વાળ)ની તૈયારી કરવા માંડે છે. પણ હજીય કોઈને જોડે લટકણીયું બનાવીને જોડે લઈ જવાનું તો ચાલુ જ છે !
પણ સમયના વ્હેણા વહી ગયા બાદ પણ અફર રહેલા આ નિયમમાં એક દિવસ ભંગ પડ્યો. જયારે સકલ સૃષ્ટિની માલીપા એ કાંડ જોવા આતુર થઈ હશે ત્યારે એ અમંગળ વિચાર મારા મનમાં આવ્યો હોવો જોઈએ. એ ભયાનક વિચાર હતો – ક્લીનશેવ કરાવવાનો વિચાર ! (ધુમ, ધુમ, તનના… 2x)
અને મારા બદનસીબ અને દોસ્તોના સદનસીબે એ દિવસે કોઈ મારી સાથે આવવા તૈયાર ન થયું. (બિચારો હું !) પણ એ દિવસે એ કાંડ થવો લખ્યો જ હશે, અને એ પણ કદાચ પર્મેનન્ટ માર્કરથી ! એટલે એ ભુંસાય તો કઈ રીતે ? તે પંહોચ્યા ભાઈ વાળંદની દુકાને (એકલાં !)
અને પછી અસ્સલ ભવાઈ શરુ થઈ ! ભ’ઈ બેઠા ખુરશીમાં (વાળંદને ત્યાં હોય એ ખુરશી લ્યા). પાછળ બેકગ્રાઉન્ડમાં વાળંદ એક હાથમાં ફુવારો અને બીજા હાથમાં અસ્ત્રો લઈને તૈયાર… અને જાણે યુદ્ધનો પડકાર ફેંકતો હોય એમ પૂછે,
“કટિંગ કે શેવિંગ ?”
અને માંડ અવાજ નીકળતો હોય એમ ભ’ઈ કહે, “શેવિંગ !”
“ફોમવાળી કે સાદી ?”
“ફોમવાળી.”
“30વાળી કે 40વાળી ?”
“અલા તારે જે કરવી હોય એ કર તુંતારે !” (એક તો માંડ હિંમત ભેગી કરીને અહીં આવ્યો છું, અને હવે જો એક મિનીટ પણ તેં વધારે ખેંચ્યું તો હું ઊભો થઈને ભાગી નીકળીશ !)
“મુંછ રાખવાની, કે…?” (માર્યા ઠાર ! સૌથી અઘરો સવાલ !) મનમાં મમ્મીની રડમસ શકલ સાથે અપાતી શિખામણ – ‘આવું ગાંડપણ ન કર’ અને ગળા સુધી આવેલા ડૂમાને વિદાય આપી મેં માંડ એટલું જ કહ્યું,
“કાઢી નાંખજે !”
અને બસ પછી તો એ જ ક્ષણની રાહ જોતો હોય એમ એણે મારી પર ‘શસ્ત્રક્રિયાઓ’ શરુ કરી દીધી ! (ઓપરેશન નંઈ હવે !)
અને એક વાત તો લખી રાખજો સાહેબ, (‘સાહેબ’ લખવાથી વાતમાં વજન વધે, કેટલા ગ્રામ એ તો કોને ખબર ?) વાળંદ પાસે જાવ અને એ વાતોનો પટારો ના ખોલે એ તો અશક્ય જ છે. એટલું જ અશક્ય જેટલું છોકરીઓ માટે પાણીપુરી છોડવું ! (સોરી ગર્લ્સ, પણ હવે પાણીપુરી બંધ થઈ રહી છે !)
હા, તો હવે મારા કઠોર પથ્થરસમા ચેહરા પર એની રૂ જેવી સુંવાળી ફોમને થોડીક વેસ્ટ કર્યા બાદ એણે મારુ ‘અંતરદર્શન’* (Inter-view)* શરુ કર્યું…
“તો લગન થઈ ગ્યા હશે, નહીં ?”
“ના.” (શું હું એટલો ‘વડીલ’ લાગું છું !)
“તો સગાઈ તો થઈ જ ગઈ હશે ને ?”
“ના યાર…” (તારું કામ કરને નવરી.)
“અચ્છા, તો ગર્લફ્રેન્ડ તો હશે જ…!” (મારી ગર્લફ્રેન્ડ હોવા વિષે એને મારાથી પણ વધારે કોન્ફિડન્સ હતો બોલો !)
“ના દોસ્ત, હજી મારે એવા (સારા) દિવસો નથી આવ્યા !”
“તો આ કલીનશેવ શું કામ કરાવી રહ્યો છું ?”
(ના, એટલે તમે જ કહો, એ આવો પ્રશ્ન પૂછીને કહેવા શું માંગતો હતો ! શું પત્ની, ફિયાન્સી, પ્રેતાત્માને (I mean પ્રિયતમાને) રોમાન્સ કરતાં દાઢી ન ખુંચે એ માટે જ એક પુરુષ કલીનશેવ કરાવે ? તું ખુદ પુરુષ થઈને પુરુષ પ્રજાતિને આવા પ્રશ્નોના પડકાર ફેંકે છે ? જનતા જવાબ ચાહતી હૈ દોસ્ત !!)*
*ઉપરમાંથી કશું પણ હું ત્યાં નહોતો બોલ્યો. આ બધાથી ઉપર ઉઠી હું જે બોલ્યો એ હતું, “બસ એમ જ !”
અને આખરે એનો અસ્ત્રો મારા ચેહરાના અન્ય પ્રદેશોમાં ભટકી આવી એની ડેસ્ટીનેશન પર આવી પંહોચ્યો, મારી મુંછ પર ! અને હજીય ખાડામાં પડવા જઈ રહેલા મુસાફરને વાળી લેવા માંગતો હોય એમ એણે ફરી પૂછ્યું, “મુંછ ફરી કાઢવાની જ છે ને ?” અને એના એવા ઓચિંતા પ્રશ્નથી તો ઘડીભર હું’ય વિચારોની તંદ્રામાં ખોવાઈ ગ્યો. પણ ‘દિલ પર પથ્થર રખ કર, ખુદ કો ‘વેક-અપ’ કર લિયા, મેરી મુંછો સે આજ મૈને બ્રેકઅપ કર લિયા !’ (સાચું બોલજો, રાગમાં જ ગાયું ને ?)
અને ફાયનલી પૂરી 46 સેકન્ડ્સને અંતે મેં અરીસામાં મારો કલીનશેવ ચેહરો જોયો ! અને હજી તો હું કંઈ રીએક્શન આપું એ પહેલા જ વાળંદ અસ્ત્રો સાફ કરતો મારી તરફ જોઈ હસવા માંડ્યો. અને આટલું ઓછું હોય એમ આજુબાજુના લોકો પણ મારી તરફ ત્રાંસી નજરે જોઈ રહી હસવા માંડ્યા ! (Obviously મુંછમાં !)
અને હજી આ તો માત્ર શરૂવાત હતી. પહેલી વખત કલીનશેવ કરાવ્યા બાદ એક પુરુષ પર શું વીતે છે એ તમને કયાંથી ખબર હોય, છોકરીઓ ? (હા, પાર્લરમાં જઈ ચોરીછુપીથી મુંછો કઢાવી આવતી છોકરીઓ આમાં અપવાદ ગણી શકાય !) But dear girls (હરણીઓ નંઈ !), જેટલું દર્દ તમને પહેલી વેક્સિંગમાં નંઈ થતું હોય એથી વિશેષ માનસિક આઘાત અમને પહેલી વખતની કલીનશેવ બાદ લાગતો હોય છે. અને એક અંદરની વાત કહું, મોટાભાગના છોકરાઓનો પ્રયાસ હોય છે કે સળંગ ત્રણ-ચાર દિવસની રજાઓમાં અથવા તો જયારે વધારે સોશિયલ ન થવાના ઓકેઝ્ન્સ આવે ત્યારે આ કલીનશેવ કાંડને અંજામ અપાય. પણ આપણે તો રહ્યા અપવાદ ! રૂટીન ડેય્ઝમાં આ કાંડ કરવા ઉપરાંત એની સેલ્ફીઓ ક્લિક કરી, અને પાછી એકે એક દોસ્તોને પર્સનલી મોકલી પણ ખરી, વિથ ‘હેશટેગ ન્યુ લુક’ ! (એકમાત્ર મને જ મારો એ ‘ન્યુ લુક’ ખરેખર ગમ્યો હતો !)
ખાસ નોંધ : આ બધી જ ઘટનાઓ દરમ્યાન બેકગ્રાઉન્ડમાં મમ્મીની વઢ અને એની બાજુમાં બેઠા પડોશવાળા માસીની ‘ખી..ખી..ખી..’ તો ચાલુ જ હતી.
અને પછી તો બસ થઈ રહ્યું… ગામ આખાને વાત કરવા માટે હોટટોપિક મળી ગયો, (આ બેલ મુજે માર !) And the rest is the history ! અને જો તમે આવા વિચિત્ર લક્ષણો ધરાવતા હોવ અને તમારા હાથે રોજનો એકાદ કાંડ ન થઈ જાય તો જ નવાઈ ! (જી હાં, મારી જોડે રોજ કંઈક નવું ગતકડું થતું જ રેહતું હોય છે, અને સદનસીબે ડાયરીમાં લખવાનું કન્ટેન્ટ મળતું જ રહે છે. Lucky me !!)
પણ દોઢ વર્ષ પહેલા થયેલા એ કારમા અનુભવ બાદ, લોકલાગણીને માન આપી, બંદાએ ક્યારેય અસ્ત્રા અને મુંછનું પ્રણયમિલન થવા જ નથી દીધું (એ વિલન…!) પણ એ કાંડ પછી હું ગમે તે વાળંદ પાસે જાઉં એ મને સીધું એમ જ પૂછે કે, “મુંછ તો કાઢી ‘જ’ નાંખું ને !?” તો શું પેલા વાળંદે મારી વાત એના વોટ્સઅપ બ્રોડકાસ્ટ ગ્રુપમાં નાંખી હશે ? (સવાલ વિચાર માંગી લે તેવો છે !)
અને મારો આટલો લાંબો ‘દાઢી કાંડ’ વાંચ્યા બાદ જો તમે મુંછમાં હસતાં એમ અનુમાન લગાવી રહ્યા છો કે, ‘નક્કી આ નંગ વાળ-દાઢી કરાવી આવ્યો છે !’…તો તમે ખોટા નથી જ !
P.S : માત્ર અઠવાડિયાના આકર્ષણમાં પણ દિલ તૂટવાની ઘટનામાંથી જે માણસ કન્ટેન્ટ શોધી લેતો હોય, એની પાસે બીજી આશા પણ શું રાખી શકાય ?
– Mitra ❤
Leave a Reply