આ લખાશે ત્યાં સુધીમાં નવેમ્બર ખત્મ થવા આવ્યો હશે અને મુછો ઉગાળવાના મહિનાની પણ પૂર્ણાહુતિ થવા આવી હશે. ગામડાંમાં એક કહેવત છે, હજુ તો મુછનો દોરો નથી ફુટ્યો ત્યાં…. આ ત્યાંની જગ્યાએ તમે ગમે તે વસ્તુ ફેવિકોલની માફક ચિપકાવી શકો. મુછ નહીં તો કુછ નહીં, મુછ પે તાવ દે કર કહે રહા હૈ, મુછમાં હસવું, મુછે હો તો નથ્થુરામ જેસી. મુછની તો આવી કંઈ કેટલીય કહેવતો છે. મોટાભાગની કહેવતો હિન્દીમાં છે. ફિલ્મોમાં તો મુછ પર આખે આખા ડાઈલોગ લખાયા છે. તો આજે મુછની મહિમાનો ગુણગાન કરવાનો વખત કેમ આવ્યો. આ આખો નવેમ્બર મહિનો વિદેશોમાં મુવેમ્બર તરીકે ઓળખાય છે. જ્યાં લોકો જાતજાતની અને ભાતભાતની મુછો ઉગાડી પોતાની મર્દાનગી બતાવે છે. જો કે આ મર્દાનગી બતાવવાની નહીં પણ પોતાની સુંદરતાનો પરચો આપવાની વાત છે.
મુછ અને દાઢી ક્યાં પુરૂષને ન ગમે ? જેમ સ્ત્રીના શરીરમાં ઘરેણા તેની શોભાની ગરીમામાં વધારો કરતા હોય છે, તે મુજબ મુછ એ મર્દની શોભામાં વધારો કરતી હોય છે. મુછ એટલે અંગ્રેજીમાં મસ્ટાચ. જે મર્દને મુછ નથી ઉગતી તેની ગરીબી આપણે વાળંદની દુકાને બે કાને સાંભળી શકીએ છીએ. આ માટે જ સોશિયલ મીડિયા પર પણ મુછ કેવી રીતે વધારવી કેવી રીતે તેને તરોતાજા રાખવી, કેવી રીતે તેની લંબાઈને બરાબર ગ્રોથ આપવો આ માટેના વીડિયોની ભરમાર આવી ચુકી છે. મોટાભાગે એવું કહેવામાં આવે કે નાળિયેરનું તેલ (સાચા નાળિયેરનું) જો દાઢી ઉપર ઘસવામાં આવે તો જે ભાગમાં વાળ નથી ઉગતા ત્યાં વાળ ઉગી નીકળશે. વીડિયોમાં પણ આ જ વાતને સમર્થન આપવામાં આવ્યું છે. પણ વાળંદને મેં પૂછ્યું, ત્યારે ખબર પડી કે મુછ ઉગાળવા માટે લગભગ 800 રૂપિયાનો અડસટે ખર્ચો કરવો પડે. સામાન્ય તેલથી માત્ર ચહેરા પર ખીલ થાય બાકી કંઈ નહીં. તો મુછની આટલી લાંબી પ્રસ્તાવના બંધાયા બાદ આખરે આ મુછયુગની શરૂઆત કેમ થઈ આવો એક નજર કરીએ.
મુછ જેટલો ગુચ્છેદાર ઈતિહાસ
—————————————-
1999માં સાઉથ ઓસ્ટ્રેલિયાના એક ગ્રૃપ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આપણે નવેમ્બર મહિનામાં મુછોની સ્પર્ધા રાખી ચેરિટીનું આયોજન કરીએ. આ ગ્રૃપને તો ભાગ્યે જ આ વિશેનો ખ્યાલ હશે કે ભવિષ્યમાં દેશ દુનિયામાં નવેમ્બર મુવેમ્બરમાં તબ્દિલ થઈ જશે. આ પ્રથમ સ્પર્ધામાં 80 લોકોએ ભાગ લીધો. શરીરે હટ્ટાગટ્ટા લાગતા આ લોકોની દમદાર મુછો તેમની શાનમાં વધારો કરતી હતી તેટલું જ તેમનું ચેરિટી માટેનું કામ પણ વખાણાય રહ્યું હતું. આ નાના એવા મુદ્દાની મીડિયા અને લોકોમાં ખૂબ ઓછી નોંધ લેવાય. પણ પુરૂષોના વાળથી લોકોની મદદ કરી શકાય તેવું તો કોઈએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય ?
એ રીતે મર્દાના સ્ટાઈલ સાથે 2004માં કેન્સર પીડિત લોકો માટે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આયોજન કરવામાં આવ્યું. હવે આ સ્પર્ધામાં મુછોથી પોતાની શાખ બતાવવાનો એક મુશ્કેલ નિયમ હતો. 30 દિવસમાં જેટલી મુછો ઉગી હોય તેને સ્પર્ધામાં લોકો સમક્ષ રાખવી અને પોતાની મુછલીલા બતાવવી. વિદેશોમાં ત્યાંના વાતાવરણના કારણે મુછોનો વિકાસ થોડો વધારે થાય છે. આપણા પંજાબના લોકોની જેમ જ. 2004 વાળુ ગ્રૃપ સફળ ગયું અને આ સફળતાને વિશ્વ સમક્ષ લાવવા સૌ પ્રથમવાર મુવેમ્બર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી. જેનાથી કમાતા પૈસાથી સુપર કમાણી કરી લોકોને મદદ કરી શકાય. એ પછી તો મુવેમ્બર દુનિયાભરમાં ફેમસ થઈ ગયું એટલું બધુ કે માર્વેલ કોમિક્સના પાત્રોની રચના કરનારા અને કોઈ દિવસ મુછોની વૃદ્ધી ન કરી શકનારા એવા સ્ટેન લીએ પણ આ ચેરિટીમાં ઝંપલાવ્યું. બન્યું એવું કે દર ચેરિટીમાં 180 મિલિયન ડોલર જેટલી કમાણી થઈ ગઈ. નવી નવી સ્પર્ધોઓ રાખવામાં આવી. તેના નિયમો બહાર પડવા લાગ્યા. મુછનો વિકાસ કરી આ શોભાના દાગીનાને દુનિયાના ગરીબો માટે કામ લગાવી શકાય આ વિચાર દુનિયાભરને પસંદ આવી ગયો. અગાઉ વાત કરી એ સ્ટેનલીએ પોતે 2012માં મુવેમ્બર સોંગ માટે ઈનામ પણ આપેલું.
એ પછી મુવેમ્બર મંથ તકીરે નવેમ્બરને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. 21 દેશના મુછૈયાઓ તેમાં ભાગ લે અને પોતાની મુછના જોરે સ્પર્ધા જીતવા મેદાનમાં ઉતરે. 2010ની ચેમ્પિયનશિપનો વિજેતા માર્ક ક્નાઈટ હતો. ટોમ રિકર્ડ ક્રાઉડ વિજેતા બન્યો હતો ત્યાંસુધીની માહિતી મળી છે.
પણ ભારતમાં મુછ બાબતે ધડબડાટી થઈ જાય તે મુજબ વિદેશમાં પણ મુછને લઈ હલ્લાબોલ થઈ ગયેલો. 2007માં ન્યુઝિલેન્ડની સ્કોટ કોલેજના વિદ્યાર્થીઓએ મુછ વધારવાનું નક્કી કર્યું. સંસ્થાને વિદ્યાર્થીઓ ભોળા અને શેવિંગ કરેલા દેખાય તે ગમતું હતું. ઉપરથી પરિક્ષાનો સમયગાળો હતો. વિદ્યાર્થીઓએ બળવો કરી મુછે તાવ દઈ ન કટ કરવાનું કહ્યું તો સંસ્થાએ એક્ઝામમાં ન બેસવા દીધા. એટલે મુછનું ગૌરવ દેશથી લઈ વિદેશ સુધી જળવાઈ રહેલું છે એ નોટ કરવું જોઈએ.
મુછ માટે સ્ત્રીઓ શું કહે છે ?
—————————————-
સ્ત્રીઓને મુછ ગમે કે નહીં આ જુવાનીયાઓ માટે સળગતો સવાલ છે. મારિયા શારાપોવાએ એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે, મર્દ મુછ સાથે જ સારો લાગે. જો તેને મુછ ન હોય તો અમને પુરૂષ પસંદ નથી. કારણ કે શેવિંગ કરેલો ચહેરો તો અમારો પણ છે. તો પછી અમે પુરૂષના ગાલ પર શું કામે હાથ ફેરવીએ અમે અમારી જ ચામડીને સ્પર્શ ન કરી લઈએ. શારાપોવાનું આ વિધાન તેના ટેનિસના બોલની માફક જ આક્રામક અને સત્ય પણ છે. તો કોઈએ એવું પણ વિધાન આપેલું કે મુછ વિનાની કિસ સંભવ નથી. એટલે માનો યા ના માનો સ્ત્રીઓને મુછવાળા છોકરા વધારે પસંદ હોય છે. વધારે ઉંડા ઉતરીએ તો કેટલાક પુરૂષો હંમેશા બાળકો જેવા લાગતા હોય છે. તેમના આ બાળ દેખાવને ઢાંકવાનું કામ મુછો જ કરી શકે અને સ્ત્રીઓ તેના પ્રેમમાં પડી શકે.
મુછોના પ્રકાર
—————————————-
ગુજરાતીઓમાં અને ભારતના ખૂબ ઓછા લોકોને એ વાતની જાણ હશે કે આપણે જે મુછ રાખીએ છીએ તેનું નામ માત્ર સીધી,સાદી, સિમ્પલ નથી. હોઠ પર શોભની અભિવૃદ્ધી કરતી આ મુછો દરેક પુરૂષમાં અલગ અલગ હોય છે. કોઈ દિવસ સેમ ટુ સેમ ન હોય શકે. પોતાના પિતા જેવી મુછ મોટાભાગના પુત્રો વારસામાં પ્રાપ્ત નથી કરતા. વાળના જનીનો સેમ ટુ સેમ હશે પણ મુછો નહીં હોય. એટલે જ તમે કેટલાક યંગસ્ટર્સને બોલતા સાંભળ્યા હશે કે, મારી મુછો રણવીરની માફક તલવાર કટ થાય છે, પણ સેમ તેના જેવી નથી થતી. આ મુછોના ભિન્ન ભિન્ન પ્રકાર પણ છે. મુછોનો હોઠ પર જથ્થો હોય તેને ચેવરોન મુછો કહેવામાં આવે છે. આપણા ગુજરાતીઓને મોટાભાગે આ પ્રકારની જ મુછો હોય છે. સેલ્વલોર ડાલિની મુછ પરથી એક પ્રકાર આવેલો છે, જેનું નામ છે ડાલિ મુછ. આ મુછોમાં દાઢી ક્લીન શેવ અને મુછોની તલવાર કટ લંબાઈ આંખો સુધી પહોંચતી હોય છે. ભારત આઝાદ નહતો થયો ત્યારે મોટાભાગના અંગ્રેજોને જોયા હશે તો તેઓ લાંબી, જથ્થાવાળી અને તલવાર કટ મુછો રાખતા. જેને ઈંગ્લિશ મુછ કહેવાય. તેને આપણી ભાષામાં મર્દાના મુછ પણ કહી શકો. ગુજરાતીની આહિર અને રબારી કોમ્યુનિટીના લોકોને આવા પ્રકારની મુછો હોય છે. ચીનમાં મુછની વચ્ચેના ભાગે વાળ ન હોય એટલે કે રસ્તો સાફ અને મુછો નુડલ્સની જેમ લટકતી હોય તો તેને ફુ મન્ચુ મુછ કહેવામાં આવે છે. રણવીર સિંહે બાજીરાવ મસ્તાની માટે જે રાખી હતી તે હેન્ડલબાર મુછો છે. આ પહેલા તેનું નામ બાઈસિકલ હેન્ડલબાર મસ્ટેચ હતું. WWEના રેસલર હલ્ક હોગનને જોયો હશે. હલ્ક હોગન જેવી મુછો આપણા ગામડાંના છુટાછવાયા લોકોને હોય છે. આવા પ્રકારની મુછોને હોર્સસોઈ તરીકે ઓળખવામાં આવે છે. દાઢી અને ગાલ શેવિંગ પણ ગાલથી ચોંટેલી અને બહારની બાજુ નીકળતી મુછોને ઈમ્પિરિયલ મુછ કહેવામાં આવે છે. લેમ્પશેડ અને પેન્ટર બ્રશ જેવી મુછો ભારતમાં જોઈએ તેટલા નમુના છે. આ વચ્ચે ખાસ્સુ આકર્ષણ જગાવતી અને નજીક આવો તો જ દેખાય તે પ્રકારની પણ એક મુછ છે. જેને કહેવાય પેન્સિલ મુછ. હોઠની સાવ નીચેના ભાગમાં નાની એવી લીટી હોય. ચાર્લિ ચેપ્લિન એટલે કે જેઠાલાલ જેવી મુછો હોય તેને ટુથબ્રથ મુછો કહેવાય. મુછોનો ભાગ કટ થઈ નીચેની તરફ આવતો હોય તો તેને પિરામીડ મુછો કહેવામાં આવે છે. અને છેલ્લી સ્ટાઈલ વોલરસ. ખ્યાલ હોય તો 1920થી 1960ના દાયકામાં આવા પ્રકારની મુછો ઉગાડવામાં આવતી. ન ખબર હોય તો કંઈ નહીં શેરલોક હોમ્સ ફિલ્મ જોઈ લેવી. તેમાં ઘણા જુવાનિયા આ મુછ સાથે રખડે છે.
ગામે ગામ મુછના અલગ નામ
—————————————-
દેશો દુનિયામાં મુછને અંગ્રેજીમાં મસ્ટાચ તરીકે ઓળખવામાં આવે છે. 16મી સદી સુધી ગ્રીક, ઈટાલી અને ફ્રાંસમાં મસ્ટાસિઓ નામ ચાલતું હતું, ગ્રીક શબ્દ તેનું મૂળ નિવાસસ્થાન. જ્યાં તેનું મસ્ટેક્સ તરીકે નામાભિધાન હતું. જ્યારે ભારતમાં તો રાજ્યવાર મુછના વિવિધ નામો છે. હિન્દી અને ગુજરાતીમાં તેને મુછ કહે છે. મરાઠીઓ તેને મિષ્ટી તરીકે ઓળખાવે છે. તમિલનાડુમાં તેને મિસા તરીકે ઓળખાવે છે. મલયાલમમાં તેને મેલમિશા કહેવામાં આવે છે. બંગાળીમાં ગોમ્પા તરીકે ઓળખવામાં આવે છે. પંજાબીમાં તેને મોકી કહે છે, તો કન્નડમાં તેને મિસે કહે છે. એટલે કે મોટાભાગના રાજ્યોમાં મુછનું નામ શરૂ તો સિંહ રાશિથી જ થાય છે અંગ્રેજીમાં પણ !
મુછનો વ્યાપાર
—————————————-
મુછ વેચવાની વાત નથી. હોય શકે !? પણ આપણે વાત કરવાની છે મુછોના વ્યાપારની. મુછ કેવી રીતે વધારવી, કેમ વધારવી, કેવી રીતે ફલાણા ભાઈ જેવી કરવી આના વિદેશોમાં ક્લાસ ચાલતા હોય તો મને ખબર નથી. કંપનીઓને પુરૂષોની મુછમાં ધંધો દેખાય છે એ વાત સાફ છે. મુછની કેટલીક એવી વેક્સીનો આવે છે કે મુછનો ગ્રોથ થઈ ગયા બાદ જો તેને હેન્ડલબારની જેમ ટાઈટ રાખવાની હોય અને એટલાન્ટિકનો તુફાન આવે તો પણ જડબેસલાક રાખવી હોય તો તેની વેક્સ ઉપલબ્ધ છે. નેટ ઉપર સર્ચ મારશો તો કેટલા પ્રકારની કંપનીઓ આ ધંધામાં જંપ લાવી ચુકી છે તેનો આપને ખ્યાલ આવશે. 88 રૂપિયાથી શરૂ થતી અને 1000 ઉપર વાળના કટકા માંથી કમાણી કરતી કંપનીઓની કમી નથી. તેમણે કોઈ જાતનું ફિલ્મી સ્ટાર જોડે પ્રમોશન નથી કર્યું. શાયદ મુછ એ વટનો વિષય હોવાથી તેને પ્રમોશનની પણ જરૂર નથી.
જાડેજા બાપુનો ડંકો
—————————————-
મુવેમ્બર ઓસ્ટ્રેલિયામાં શરૂ થયો અને યુરોપભરમાં ખ્યાતિ મળી. પણ મુવેમ્બર મહિનો પ્રસિદ્ધીની શિખરો સર કરવા લાગતા સંસ્થાના લોકોએ બ્રાંડ એમ્બેસેડર ઘોષિત કરવાનો નિર્ણય લીધો. જેમાં હોલિવુડ અને સ્પોર્ટસની હસ્તીઓનો સમાવેશ કરવામાં આવ્યો. એટલું જ નહીં મુછો વધારતા અને દુનિયામાં બીજા નંબરની વસતિ ધરાવતા ભારત પર પણ તેમની નજર અટકી અને ભારતમાં શિખર ધવન અને કાઠીયાવાડીઓનું ગૌરવ રવિન્દ્ર જાડેજા પણ આ લિસ્ટમાં બ્રાંડ એમ્બેસેડર બની ચુક્યા છે.
મુછે હો તો ચૌહાણ જેસી
—————————————-
કહાવત કે મુતાબિક તો મુચ્છે નથ્થુ લાલ જેસી હોણી ચાહિએ…. પણ હવે રામ સિંહ ચૌહાણ જેવી હોવી જોઈએ. વાત લાંબી મુછ અને ગીનીસ બુક રેકોર્ડની આવે ત્યારે ભારતીયો ભૂક્કા બોલાવી નાખે છે. સીધી અને લાંબી મુછોની વાત આવે ત્યારે રામ સિંહ ચૌહાણ 14 ફુટની મુછો હાથમાં પકડીને ચાલે છે. જેઓ હાલ ગીનીસ બુકમાં નામ નોંધાવી ચુક્યા છે. તો કેનેડામાં રહેતા મુળ ભારતીય શ્રવણસિંહની મુછો 2.37 મીટર એટલે કે અંદાજે સાતથી આઢ ફુટ લાંબી છે. એટલે કે દુનિયામાં જે જે પુરૂષની લાંબી મુછો હોય તે મોટાભાગે ભારતીય હોવાનો !
~ મયુર ખાવડુ
(મારા ફેસબુક મિત્રોની ઘટાદાર મુછોને અર્પણ.)
Leave a Reply