સલીમ ખાનને કોઈ રિપોર્ટરે પૂછેલું કે, ‘ફિલ્મ કેવી રીતે લખાય છે ?’ સલીમ ખાનનો જવાબ હતો, ‘ઓડિયન્સને મઝા આવે તે રીતે. ફુટબોલની રમત હોય ત્યારે બોલ તમારે તમારા પગમાં જ નથી રાખવાનો કે, વધારે પડતો ઓડિયન્સને પણ નથી આપી દેવાનો. આ રમતમાં છેલ્લે સુધી ગોલ ક્યારે થશે, તેની આતુરતામાં ઓડિયન્સનો શ્વાસ ઉંચો નીચો થવો જોઈએ. જેને ફિલ્મની પટકથા લખી કહેવાય.’ તો આ પરિપ્રેક્ષ્યમાં ફિલ્મનો રિવ્યુ કેવો હોવો જોઈએ ? બોલ પોતાની જ પાસે રાખવાનો, વાચકને નથી આપવાનો એવું ? બિલ્કુલ નહીં અહીં વાચકની પાસે જ બોલ રહેવા દેવાનો છે. તેને ગમે ત્યારે ગોલ કરે, તેને ન ગમે તો ગોલ ન જ કરે. રિવ્યુ વાંચ્યા બાદ લખનારા પર ભરોસો બેસે તો ફિલ્મ જોવા જવાની અને ન બેસે તો પોતાના પૈસાનું પાણી કરી નાખવાનું. અત્યારે ફિલ્મ રિવ્યુમાં ફની ક્વોટેશનો ખૂબ સરસ આવે છે. ઉપરથી હેટસ્ટોરી-4 પર માછલા ધોવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. પરંતુ હેટ સ્ટોરી-4 કરતા પણ ખરાબ ફિલ્મો હોલિવુડમાં બનેલી. જેનું અમેરિકાના ખ્યાતનામ ફિલ્મ રિવ્યુઅર રોજર એબર્ટે મસ્તમજાના કોમેડી વાક્યો લખી એન્ટરટેઈનમેન્ટ પૂરૂ પાડેલું. રિડ ઈટ…
2008ની બકેટલિસ્ટ ફિલ્મ જોયા બાદ રોજર એબર્ટે કહેલું કે, ‘તમારા દવાખાનામાં જો પેશન્ટ હોય, તો તેને આ ફિલ્મની ડિવીડી ન આપવી, શક્ય છે, તમારી હોસ્પિટલનું ટીવી તૂટી જાય.’
સેવન ડેઈસ ઈન યુટોપિયા જોયા પછી લખેલું કે, ‘હું ગોલ્ફ બોલ ખાઈ લેવાનું પસંદ કરીશ, પણ ફરીવાર આ ફિલ્મ નહીં માણીશ.’
200 સિગરેટ્સ ફિલ્મ જોઈ થીએટરમાંથી બહાર નીકળ્યા અને લખ્યું, ‘આવા પ્રકારની ફિલ્મ જોવાથી સમજાય કે, એક્ટર બિલ્કુલ ખાલી હતો અને તેનું પાત્ર પણ ખાલી હતું. ડાઈલોગ પણ ખાલી હતા. શક્ય છે બીજી 200 સિગરેટ પીધા બાદ તેને એક્ટિંગ કરતા આવડી જાય…’
13 ઘોસ્ટ નામની ફિલ્મ તમારે થીએટરમાં નિહાળવાની જરૂર નથી. આ ફિલ્મ તમે થીએટરની બાજુમાં ઉભા રહી જોશો, તો પણ જોરથી ચિલ્લાવાના અવાજ તમને સંભળાતા રહેશે.
લાસ્ટ રાઈટ્સ, ‘કેટલીક ફિલ્મો ખરાબ હોય છે, જ્યારે કેટલીક ફિલ્મો સાબિત કરી બતાવે છે કે હા, અમે ખરાબમાં ખરાબ છીએ.’
બેટલ લોસ એન્જલસ જોયા પછી લખેલું કે ‘તમારા મિત્રો તમને આ ફિલ્મ જોવાનું આમંત્રણ આપે, તો સમજી જવું કે તમારા મિત્રો દુનિયાના સૌથી મુર્ખ મિત્રો છે, તમારી ગર્લફ્રેન્ડ આમંત્રિત કરે તો સમજી જવું કે, તે તમારી પત્ની બનવાને યોગ્ય નથી. કારણ કે થીએટરમાં ગયા બાદ તમે તેના ખભા પર હાથ નહીં રાખી શકો ! અને તેને પત્ની પણ નહીં બનાવો.’
નોર્થ: આ ફિલ્મને હું નફરત, નફરત, નફરત, નફરત, નફરત, નફરત, નફરત, નફરત કરૂ છું, ખૂબ જ…. , નફરત
~ મયુર ખાવડુ
Leave a Reply