નરેન્દ્ર મોદી એ કુશળ વૈદ્ય છે, જેણે કાબેલિયતથી જનતાની નસ પકડીને બીજેપીને રાજનીતિમાં નંબર વનની ઊંચાઈએ પહોંચાડી દીધું છે….
જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈને કોઈએ પૂછેલું કે નરેન્દ્ર મોદીને કોઈ હરાવી શકશે? એમનો જવાબ હતો કે, ‘ જ્યાં સુધી વિપક્ષનો કોઈ નેતા 24 કલાક અને 365 દિવસની રાજનીતિ કરતા શીખશે નહિ ત્યાં સુધી બ્રાન્ડ મોદી અજેય જ રહેશે…’
2014ના ભારત વિજયથી વાયા 2019 થી લઈને આ વખતના પાંચ રાજ્યોમાંથી મહાકાય યુપી સહિત ચાર રાજ્યોમાં ભવ્ય વિજયની અંદરના કારણોનો અભ્યાસ ભારતના તમામ રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત ભારતના તમામ નાગરિકોએ કરવા જેવો છે. આ જગતમાં કોઈ સફળતા ચમત્કારિક હોતી જ નથી, એટલે જ લોકો જેને મોદી મેજીક કહે છે એ મેજિક પાછળના અમુક મહત્વના લોજીક સમજી લેવા જેવા છે.
- સંગઠન એજ શકિત: આરએસએસના મૂળિયા જ એકજુથ સંગઠનની તાકાત પર ઊંડા ઉતરેલા છે. વાજપેયી યુગના જનસંઘથી લઈને હવે મોદીયુગના ભાજપા સુધી આ તાકાત વધતી ઘટતી ગઈ પણ અન્ય રાજકીય પક્ષોની જેમ ક્ષીણ કયારેય ના થઈ. 2014 પછી ભાજપશાસિત રાજ્યોમાં મોદી-શાહના હુકમ પ્રમાણે કેટલાય મુખ્યમંત્રીઓ કે કેબિનેટ મંત્રીઓ આવ્યા ને ગયા એ લિસ્ટ ઘણું લાંબુ છે. છતાં એમાંના કોઈએ ના તો પક્ષપલટો કર્યો, ના તો પક્ષની વિરુદ્ધમાં કોઈ વિવાદિત મુદ્દો ઉભો કર્યો. સત્તા આપો તો પણ ઠીક ને ના આપો તો પણ ઠીક, હાઇકમાન્ડનો અંતિમ નિર્ણય સરઆંખો પર માન્ય રાખ્યા સિવાય છૂટકો જ નહીં. ફલાણા નારાજ છે ને ઢીકણાને અણગમો છે એ વાતો છાપાના વચલા પાનાની નાનકડી ખબર બનીને જ રહી જાય. (કોંગ્રેસમાં પાયલોટ-ગહેલોટ કે અમ્રિન્દર-સિદ્ધુની ધમાલો જોર પકડી લે, આપમાં દિલ્હીના જે નેતાઓ રાજીનામું આપી ગયા એ પાર્ટીને બદનામ કરતા ગયા. જ્યારે ભાજપમાં રૂપાણી, નીતિન પટેલ, રાવત અને યેદીયુરપ્પા જેવા નેતાઓ ચુપચાપ હાઇકમાન્ડનો નિર્ણય સ્વીકારીને ખસી ગયા.) ભાજપમાં મોટા માથાઓની અંગત વિચારધારામાં થોડોક ફરક હોય તો પણ ભાજપની રાષ્ટ્રીય વિચારધારાનો વહેણ ક્યારેય ના જ બદલાયો. કાશ્મીર હોય કે કેરળ, ગુજરાત હોય કે બંગાળ, અમારી વિચારસરણી એકજૂથ જ રહેશે. તમને ગમે તો સ્વીકારો અથવા વિરોધ કરો…
- 365 દિવસની રાજનીતિ: મોદીના વિરોધીઓએ પણ આ એક પોઇન્ટ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. મોદી ક્યારેય એકાદ ચૂંટણી જીતીને વેકેશન કરવા ઉપડી જતા નથી. મોદી જ નહીં, અમિત શાહ કે યોગી આદિત્યનાથ સહિતના ઘણા મોટા નેતાઓ માટે આમ કહી શકાય. નગરપાલિકાનું ઇલેક્શન હોય કે લોકસભાનું, એકસરખી તાકાત લગાવીને અંતિમ ક્ષણો સુધી લડી જ લેવાનું. (યુપી વિજયનો એક દિવસ ઉત્સવ કરીને નરેન્દ્ર મોદી સહિતનું આખું સંગઠન હવે ગુજરાત બાજુ મચી પડ્યું છે.) એક પછી એક ટાર્ગેટ માટે સતત જોર લગાવી દેવું એ તો વિજયનો મહામંત્ર છે. હવે થોડાક દિવસ આરામ ને વિદેશમાં માઈન્ડ ફ્રેશ કરવાની વાતો તો આ જમાનામાં કોઈ વ્યવસાયમાં ચાલતી નથી તો રાજનીતિમાં ક્યાંથી ચાલે! અગાઉ આવી નિષ્ઠા અટલ, અડવાણી, લાલુપ્રસાદ, ઇન્દિરા અને મુલાયમ જેવા નેતાઓમાં હતી. હવે નવી પેઢી જરાક વધારે પડતી નાજુક થઈ ગઈ છે. એટલે જ રાજદીપ સરદેસાઈના સ્ટેટમેન્ટ મુજબ વિપક્ષના યુવાનેતાઓ મોદીને પહોંચી શકે એમ નથી. (2017 પછી ભૂગર્ભમાં જતા રહેલા અખિલેશ યાદવે છ મહિનામાં 125 સીટ ભેગી કરી લીધી, જો સાડા ચાર વર્ષ મહેનત કરી હોત તો?)
- સરકારી યોજનાઓનું રાષ્ટ્રીય બ્રાન્ડિંગ: સરકારી યોજનાઓ કંઈ 2014 પછીનો માસ્ટર સ્ટ્રોક નથી. એ તો દરેક સરકારોમાં આઝાદ ભારત પછી કોઈને કોઈ રૂપે ચાલુ જ રહી છે. પણ મેનેજમેન્ટના માસ્ટર મોદીએ વિવિધ યોજનાઓનું એવું બ્રાન્ડિંગ કર્યું કે નાગરિકો એની જાહેરાત વાંચીને જ હાશકારો અનુંભવે કે હવે આપણી જિંદગીમાં કોઈ જ તકલીફ નહિ રહે. આયુષ્યમાન ભારત અને મા અમૃતમ કાર્ડ તો એવી અદ્વિતીય છે જેના લીધે લાખો ગરીબોએ હૃદયરોગ, કિડની, કેન્સર જેવા ભયાનક રોગોમાં વ્યક્તિગત પાંચ લાખની સારવાર મફતમાં મેળવી છે. ઉજ્જ્વલા યોજનાઓ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના મેનેજમેન્ટ મુદ્દે એની ટીકા કરી શકાય પણ એને અવગણના કરવી કોઈ કાળે શક્ય જ નથી. વળી, એક મોટું જમા પાસું એ છે કે રોકડ સહાય આપતી ઘણી યોજનાઓમાં વચેટિયાઓના ભ્રષ્ટાચારને બદલે સીધી જ લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે. (આ જ લાભાર્થીઓ યુપીમાં ઇલેક્શન જીતાડી ગયા.) ફ્રી રેશન યોજનાઓ અગાઉ પણ હતી ને એ એક પ્રકારની રીશ્વત છે એવું કહેનારાઓ ભૂલી જાય છે કે ગરીબો માટે બે ટંકના ભોજનથી વિશેષ કઈં હોતું જ નથી. ને હોય તો પણ, સરકારે જબરદસ્ત બ્રાન્ડિંગ કર્યું છે ને જનતાએ એને સ્વીકાર્યું છે.
- નિષ્ઠાવાન-મહેનતુ કાર્યકર્તાઓ: ભાજપના નાનામાં નાનો કાર્યકર્તા કોઈ મેસેજ મૂકે એના કન્ટેનટનું કેન્દ્ર સીધુ દિલ્હી જ હશે. નેતાઓની જેમ જ બીજેપીનું આઇટી સેલ પણ 365 દિવસ કામ કરી જાણે છે. કોઈકાળે કોર્પોરેટની ટિકિટ પણ ના મળવાની હોય ને મોદી સાથે ક્યારેય સેલ્ફી લેવાની તક પણ અશક્ય હોય એવા કાર્યકર્તાઓ પણ સતત પક્ષભકિતમાં એક્ટિવ રહે છે. અન્ય પક્ષના કાર્યકર્તાઓની જેમ હિંમત નથી હારી જતા કે પક્ષનો ખેસ છોડીને કવિતાઓ નથી લખવા મંડતા. શેરીઓમાં આ જ કાર્યકર્તાઓ ફરતા રહે છે ને ચૂંટણીના દિવસે મતદારોને ઘરેથી ખેંચીને બુથ સુધી લઈ આવે છે. ‘અમારો પક્ષ અમારી વાત નથી સાંભળતો’ જેવી દલીલો ભાજપના કાર્યકર્તાઓ ભાગ્યે જ કરતા હશે. એ લોકો ય નારાજ હશે, એમને પણ અંગત ગમા-અણગમાઓ હશે, પણ એના માટે ફરીથી પહેલો પોઇન્ટ ‘સંગઠન એ જ શકિત’. પોતાની અંગત માન્યતાઓ અભરાઈએ ચડાવીને સંગઠનની વિચારધારા પર વિચાર કરવાની આ કાર્યકર્તાઓની નિષ્ઠા ગજબ છે. ઈલેક્શનનું વાતાવરણ આ લોકો સોશિયલ મીડિયામાં ઉભુ કરે છે ને જીતાડે છે મેદાનમાં.
- જ્ઞાતિવાદનું રાષ્ટ્રવાદમાં વિલીનીકરણ: ભારતમાં ઇલેક્શન લડવા માટે જ્ઞાતિવાદી સમીકરણોથી કોઈ મોટા ફેક્ટર ક્યારેય નહોતા. બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ વિવિધ પક્ષો ઉછાળતા રહેતા પણ ચૂંટણી જીતવા માટે જ્ઞાતિવાદ જ અંતિમ હથિયાર રહેતું. યુપીમાં કાશીરામ-માયાવતી-મુલાયમ જેવા નેતાઓ મંડળની રાજનીતિ એવી રમતા કે કમંડળની રાજનીતિમાં વાજપેયીએ પણ ચૂંટણી હારી જવી પડતી. પણ 2014થી મોદી-શાહે એક અઘરું કામ એ કર્યું કે જુદી જુદી જ્ઞાતિઓના મંડળને “હિન્દુ’ ” તરીકે પ્રસ્થાપિત કરીને દલિત, ઓબીસી, સવર્ણોને લગભગ ચૂંટણી પૂરતા તો એક કરી જ દીધા. બીજેપી અગાઉ વાણિયા-બ્રાહ્મણોની પાર્ટી ગણાતી, એટલે જ યુપી જેવા રાજ્યોમાં મંડળની રાજનીતિને ક્યારેય ના પહોંચાયું. પણ, 2017 અને 2022માં ઓબીસી અને દલિતોને એકજુથ કરીને રેકોર્ડબ્રેક 40 ને 45 ટકા વોટ લઈને આખું મંડળ જ વિખેરી નાખ્યું. ‘રાષ્ટ્રવાદ’નો મુદ્દો જ્ઞાતિવાદને ઘણા અંશે ઓવરટેક કરી ગયો એમાં મોદી-શાહનો મોટો ફાળો છે. (દક્ષિણ ભાષી રાજ્યોમાં હજી સંસ્કૃતિક કારણોસર ભાજપની પહોંચ નથી એ અપવાદ છે.)
- વિશ્વસનીય રાષ્ટ્રીય ચહેરો: આંકડાકીય દ્રષ્ટિએ જુઓ તો અગાઉ કરતા મોંઘવારી-બેરોજગારી વધી છે છતાં લોકોમાં કોઈ જુવાળ કેમ ઉભો નથી થતો? આ પ્રશ્ન ઘણાને થાય છે. તો એનો એક જ જવાબ છે કે જનતાને નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે. વિપક્ષો આ મુદ્દાઓ ઉઠાવતા રહે છે ને મોટાભાગની જનતા પણ આ વાત સ્વીકારે છે. પણ કહેવાય છે કે જનતા આપણે માનીએ એટલી મૂર્ખ નથી. એ જાણે જ છે કે વિપક્ષના નેતાઓ વિરોધ કરી જાણશે બાકી આ મુદ્દાઓને સાંધીને સાજા કરવાનું એમના માટે ય સહેલું નથી. જે મુદ્દાઓથી કંટાળીને લોકો ભાજપને સત્તા પર લાવ્યા હતા, હવે ભાજપમાં ય એવી તકલીફ છે જ પણ એના કારણે ફરીથી એ જ જુના પક્ષો પર કયા કારણોથી ભરોસો કરે? લોજીક ગણો કે મેજિક, જનતા એમ માને જ છે કે પ્રોબ્લેમ તો હજાર છે પણ એનું સોલ્યુશન મોદી જ છે.
હા, ભારતમાં ય ક્યારેક સત્તા બદલાશે. અમરપટ્ટો તો કોઈ લખાવીને આવ્યું નથી. રામ રાજ્ય આ દેશ ક્યારેય હતો જ નહીં અને વસ્તીનું જોર જોતા બનશે પણ નહીં. પણ, એ સત્તા બદલવા માટે વિપક્ષમાં ઉપર જણાવેલા તમામ મુદ્દાઓનો સાક્ષાત્કાર કરનાર નેતાએ મેદાનમાં આવવું પડશે….બાકી તો, મોદી હી મુમકીન હૈ…
-Bhagirath Jogia
Leave a Reply