અમદાવાદના એક ડોક્ટર સવારે ઉઠીને પોતાના નિત્યક્રમ મુજબ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ઘરેથી નીકળ્યાં. પાછળથી ઘરે તેમના પત્નીને છાતીમાં દુખાવો ઉપડ્યો. કોઈ કારણોસર તેમના પતિનો મોબાઈલ પર સંપર્ક ન થતા પરિવારજનો તેમને લઈને શહેરની એક મોટી કોર્પોરેટ હોસ્પિટલે પહોંચ્યા. જ્યાં તેમને તાત્કાલિક એડમિટ કરી દેવાયા. પરિવારજનોને અનેક દવાઓ અને જાત જાતના ટેસ્ટનું લિસ્ટ પકડાવી દેવાયુ. બીજી તરફ ઘરે પહોંચેલા તબીબને પત્નીને હોસ્પિટલ ખસેડાયાની જાણ થતા તેઓ ત્યાં પહોંચ્યા. તેમણે પત્નીની સ્થિતિ જોઈ અને ત્યારબાદ હોસ્પિટલ દ્વારા મંગાવાયેલી દવાઓ અને સૂચવાયેલા વિવિધ ટેસ્ટનું લિસ્ટ જોઈને ચોંકી ઉઠ્યાં.
કારણ કે, એ પૈકીના મોટાભાગના બિનજરૂરી હતા. આ ઉપરાંત હોસ્પિટલવાળાઓએ જે હાઉ ઉભો કર્યો હતો તેવી કોઈ બીમારી પણ નહોતી. આ અંગે હોસ્પિટલના ડોક્ટર સાથે વાત કરી કેટલાક સવાલો કરતા જવાબ મળ્યો કે, તમારા પત્નીના સ્વાસ્થ્ય માટે આ બધુ જરૂરી છે. તમને એમાં ખબર ન પડે. આવા જવાબ બાદ તબીબે પોતે પણ ડોક્ટર હોવાની ઓળખ આપતા હોસ્પિટલનો સ્ટાફ છોભીલો પડી ગયો અને તેમના પત્નીને રજા આપી દેવાઈ. એ તો ડોક્ટર હતા એટલે બચી ગયા પણ સામાન્ય નાગરિક હોત તો ચીરાઈ જ જાતને? લાખો રૂપિયાના ખાડામાં ઉતરી જ જાતને? આ કિસ્સો યાદ આવવાનું કારણ છે અક્ષય કુમારની ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’.
ઓવરઓલ ક્વોલિટીની દ્રષ્ટિએ રેઢીયાળ કહી શકાય તેવી આ ફિલ્મમાં ચોટદાર રીતે ફિલ્માવાયેલી હોસ્પિટલની એક સિકવન્સ જોઈને દિમાગમાં કેમિકલ લોચા શરૂ થઈ ગયા. કંઈક યાદ આવવા લાગ્યુ. રાજકોટના અડધોડઝન પત્રકારો અને કેટલાક એમ.આર. મિત્રોને ફોન કર્યા. એ જાણવા કે આ દ્રશ્ય જોઈને મારા દિમાગમાં જે કેમિકલ લોચા થયા તે તમારા દિમાગમાં પણ થયા કે નહીં? કોઈ નવાઈ નહોતી કે ‘ગબ્બર ઈઝ બેક’ જોઈને બધાના મગજમાં એ જ વાત ચાલતી હતી જે મારા મગજમાં ઘુમરાતી હતી. રાજકોટના ભાગ્યે જ કોઈ પત્રકારને શહેરની એક જાણીતી કોર્પોરેટ હોસ્પિટલ સાથે જોડાયેલી દંતકથા (કે સત્યકથા?) યાદ ન આવે. જે ‘ગબ્બર ઈઝ બેક’ની હોસ્પિટલ સિકવન્સ સાથે ચોંકાવી દે એ હદે મળતી આવે છે.
‘ગબ્બર ઈઝ બેક’ના એક દ્રશ્યમાં ગરીબ દર્દીઓને અમાનવીય રીતે ચીરતી ખાનગી હોસ્પિટલ પર ગિન્નાયેલો અક્ષય કુમાર જેનું ડેથ સર્ટિફિકેટ ફાટી ચૂક્યુ હોય તેવી લાશ લઈને હોસ્પિટલ જાય છે અને કહે છે, આને કંઈક થઈ ગયુ છે. ગમે તેટલા રૂપિયા થાય પણ આને સાજો કરી આપો. રૂપિયાની લાલચે હોસ્પિટલના તબીબ તે મૃત હોવાનું જાહેર કરતા નથી અને રૂપિયા ખંખેરવા જાત જાતની દવાઓ મંગાવે છે. (જે પાછલા બારણે પાછી મેડિકલ સ્ટોરમાં જ પહોંચી જતી હોય છે.) જૂદા જૂદા ટેસ્ટ અને ઓપરેશનના બહાને અને ખાસ સર્જન બોલાવવાના નામે રૂપિયા ખંખેરે છે. મહત્તમ રૂપિયા ખંખેર્યા બાદ તબીબો જ્યારે તેને બચાવી ન શક્યા હોવાનું જાહેર કરે છે, ત્યારે અક્ષય કુમાર તેનું ડેથ સર્ટિફિકેટ બતાવી તેમનો ભાંડો ફોડે છે.
રાજકોટની એક જાણીતી હોસ્પિટલમાં પણ આવો જ કિસ્સો યથાતથ બન્યો હોવાનું કહેવાય છે. સરકારી હોસ્પિટલમાંથી ડેથ સર્ટિફિકેટ અપાયા બાદ મૃતકના પરિવારજનો તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને સાજા કરી દેવા આજીજી કરે છે. વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાનું જાણવા છતાં ખાનગી હોસ્પિટલ ડેડબોડીને બેથી ત્રણ દિવસ વેન્ટિલેટર પર રાખીને પૈસા પડાવવાના પેંતરા કરે છે અને અંતે જ્યારે તેને મૃત ઘોષિત કરે છે ત્યારે તેના પરિવારજનો તેનું સરકારી હોસ્પિટલનું ડેથ સર્ટિફિકેટ આગળ ધરે છે અને હોબાળો મચી જાય છે. હોસ્પિટલે આ મામલો દબાવી દેવા લાખો રૂપિયા વેર્યા હોવાનું કહેવાય છે. જેના કારણે આ કિસ્સો ક્યારેય ઓનરેકોર્ડ નથી આવ્યો. એક એમ.આર. મિત્ર તો રાજકોટની બે મોટી હોસ્પિટલમાં અદ્દલ આવો જ કિસ્સો બન્યો હોવાનું જણાવે છે.
અમદાવાદમાં એક દર્દી હોસ્પિટલે પહોંચે એ પહેલા રસ્તામાં જ મૃત્યુ પામે છે. હોસ્પિટલે પહોંચ્યા બાદ હોસ્પિટલ તે મૃત હોવાનું જાહેર કરતી નથી. પરિવારજનોને દર્દીને વેન્ટિલેટર પર રાખવાની સલાહ આપી કેશ કાઉન્ટર પર પૈસા જમા કરવાનું કહેવાય છે. થોડી વારમાં હોસ્પિટલનો જ એક કર્મચારી પરિવારજનો પાસે પહોંચીને જો તેઓ પાંચ હજાર રૂપિયા આપે તો તેમના લાખો રૂપિયા બચાવી દેવાની ઓફર આપે છે. ઘણી આનાકાની બાદ પાંચ હજાર રોકડા અપાતા તે ચોંકાવનારી માહિતી આપે છે. તે કહે છે કે, તમારા દર્દીનું મોત થયું છે. અહીં પૈસા બગાડ્યા વિના એમને ઘરે લઈ જાવ. અમદાવાદની અન્ય એક ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીનું મોત થયા બાદ પરિવારજનોને કંઈક શંકા જતા તેમણે અન્યત્ર તેનું પોસ્ટમોર્ટમ કરાવતા ખબર પડી કે દર્દીનું મૃત્યુ તો ત્રણ દિવસ પહેલા જ થઈ ગયેલું!
આવો જ કિસ્સો ‘ગબ્બર ઈઝ બેક’માં દર્શાવાતા દેશભરમાં 2.5 લાખ જેટલા સભ્યો ધરાવતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને મરચા લાગ્યા છે. તેમણે ફિલ્મનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરી ફિલ્મના પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલી અને હિરો અક્ષય કુમારને નોટીસ ફટકારી ફિલ્મમાંથી એ દ્રશ્ય હટાવવાની માંગ કરી છે. આઈએમએનો દાવો છે કે ફિલ્મમાં મેડિકલ પ્રોફેશનનું અપમાનજનક અને અવાસ્તવિક ચિત્રણ થયુ છે. ફિલ્મ સામાન્ય નાગરિકોને આ વ્યવસાય સામે ભડકાવે છે. તેનાથી તબીબો પર હૂમલાના કિસ્સા વધી શકે છે. આટલેથી જ ન અટકતા તેમણે સેન્સર બોર્ડને પણ નોટીસ ફટકારીને ફિલ્મમાંથી વિવાદીત(તેમના મતે) દ્રશ્ય ન હટાવાય ત્યાં સુધી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. આ ઉપરાંત મેડિકલ પ્રોફેશનની ઈમેજને પહોંચેલી હાનિના વળતર રૂપે 5 કરોડ રૂપિયાની માંગ પણ કરી નાખી છે. (હદ છે યાર…) મેડિકલ એસોસિએશને આ મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને માહિતી પ્રસારણ મંત્રીનું પણ ધ્યાન દોરી ફિલ્મ સામે એકશન લેવા વિનંતી કરી છે.
આઈએમએના સેક્રેટરી ડો. કે. કે અગ્રવાલ કહે છે, ‘તબીબી વ્યવસાય મંદિર જેટલો પવિત્ર છે. તે રાજકારણ, પોલીસ અને અન્ય વ્યવસાયો કરતા ખુબ અલગ છે. એટલે તમારે એના ચિત્રણ વખતે કાળજી રાખવી જોઈએ.’ મંદિર જેટલો પવિત્ર? (હાળુ આ નિવેદન વાંચીને હસી પડાયું.) બોલવા માત્રથી કંઈ આ વ્યવસાય મંદિર જેટલો પવિત્ર નથી થઈ જતો. જો આ વ્યવસાયની છાપ એટલી જ ઉજળી હોત તો વિરોધ લોકોમાંથી જ ઉઠ્યો હોત કે, આ ફિલ્મમાં ડોક્ટરોનું ખરાબ ચિત્રણ થયુ છે. ડોક્ટર્સ આવા નથી હોતા. પરંતુ એવું નથી થયુ. બલકે ખાનગી હોસ્પિટલોના કડવા અનુભવ કરનારા મોટાભાગના લોકો એ સિન જોઈ કન્વિન્સ થાય છે કે એ લોકો આવું કરતા જ હશે.
એ જમાના ગયા જ્યારે તબીબ અને દર્દી વચ્ચે ભક્ત અને ભગવાન જેવા સંબંધો રહેતા. હવે એ સંબંધો ગ્રાહક-વેપારી જેવા થઈ ગયા છે. એના માટે તબીબો પોતે જ જવાબદાર છે. ડો. કેતન દેસાઈના શરમજનક કૌભાંડો સામે આવતા હતા ત્યારે જે આલમના પેટનું પાણી નહોતુ હલતુ એમની લાગણીઓ માત્ર એક ફિલ્મ જોઈને આહત થઈ ગઈ છે. સામાન્ય સ્તરની એક ફિલ્મના એક નાનકડા દ્રશ્યએ જાણે આખા વ્યવસાયની આબરૂનુ ચીરહરણ કરી લીધુ હોય એવી સ્થિતિ છે. આઈએમએ એ રીતે ભડક્યુ છે જાણે ઉઘાડા ઝડપાયા હોય કે કોઈએ તેમની પોલ ખોલી નાખી હોય. બાકી આવી નોટીસ કાઢવાની ક્યાં જરૂર હતી?
આ તો ખોટો દાખલો બેસે છે. કાલે ઉઠીને ભ્રષ્ટાચારી બતાવવા બદલ કોઈ ફિલ્મ સામે વકીલો નોટીસ કાઢી શકે અથવા સરકારી બાબુઓ ધરણા પર બેસી શકે. વર્ષોથી જેમનું ફિલ્મોમાં વરવુ ચિત્રણ થતુ આવ્યુ છે એ પોલીસતંત્રની ખેલદિલીને આ મામલે સલામ ઠોકવી જોઈએ અને રાજકારણીઓને તો એકવીસ તોપોની સલામી આપવી પડે.
* * *
ચિત્રલેખા મેગેઝીનના 20 એપ્રીલના અંકમાં સિનિયર પત્રકાર હિરેન મહેતાએ ‘દર્દી મરો… સગાસંબંધી મરો…. ડોક્ટર-હોસ્પિટલના ખિસ્સાં ભરો’ હેડિંગ સાથે કરેલી કવર સ્ટોરીમાં હોસ્પિટલોમાં ચાલતી અનેક ગોબાચારી ઉજાગર કરી છે. આ સ્ટોરીમાં ‘ગબ્બર ઈઝ બેક’ને નોટીસ ફટકારનારા સંગઠન આઈએમએના સભ્યો સહિતના ડોક્ટર્સે જ પોતાના પવિત્ર વ્યવસાયને આભડી ગયેલી બદીઓ વિશે વ્યથા ઠાલવી છે. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એથિક્સના સંપાદક ડો. અમર જેસાણી કહે છે કે, દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હોય ત્યારે એના બિલ સામે કોઈનું ધ્યાન ન જાય એ હકિકતનો હોસ્પિટલવાળા બરાબર ગેરલાભ ઉઠાવે છે. એમાં પાછા ક્યારેક ડોક્ટર એમને યોગ્ય સલાહ આપવાના બદલે ડરાવે: અત્યારેને અત્યારે જ ફાલાણી કે ઢીંકણી પ્રોસિઝર નહીં કરાવો તો તો પેશન્ટ હોસ્પિટલમાંથી જીવતો બહાર ન નીકળે એવું પણ બની શકે!
તબીબી આલમમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા ‘ગબ્બર’ની જેમ મેદાને પડેલા મહારાષ્ટ્રના ડોક્ટર અરુણ ગદ્રે અને ડો. અભય શુકલાએ ઈંગ્લિશમાં ‘વોઈસીસ ઓફ કન્સાયન્સ ફ્રોમ ધ મેડિકલ પ્રોફેશન’ અને મરાઠીમાં ‘કેફિયત’ નામના પુસ્તક બહાર પાડ્યા છે. જેમાં નાસિકના ડો. રાજેન્દ્ર માલોસે પોતાની કેફિયતમાં ચોખ્ખુચટ્ટ લખ્યુ છે કે, ‘ક્યારેક હોસ્પિટલમાં મરી ગયેલા માણસનેય વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. એન્જિયોપ્લાસ્ટી જેવી પ્રોસિઝર માટે દર્દીને અમુક ચોક્કસ હોસ્પિટલમાં મોકલવા બદલ ડોક્ટરને ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા કમિશન મળે છે, અને કેટલીક પાર્ટીઓમાં ડોક્ટર્સ આજે કેવો બકરો આવ્યો અને પોતે એને કેવી રીતે હલાલ કર્યો એવી નિર્લજ્જ ચર્ચાઓ પણ થતી હોય છે.’
ઉપરોક્ત અહેવાલના તબીબી આલમમાંથી કેટલાક એવા રિએકશન્સ આવ્યા કે બીજા અંકમાં તંત્રી ભરત ઘેલાણીએ એક જાહેર પત્ર લખ્યો. જેમાં તેઓ નોંધે છે કે, (આ અહેવાલ બાદ) ‘ચિત્રલેખાના કાર્યાલયમાં એવા પણ ફોન તંત્રી-પત્રકાર પર આવ્યા છે, જેમાં પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપનારાઓએ ચીરી નાખીશું-ફાડી નાખીશું એવી ધમકીઓ આપી. સામાન્ય માણસ પણ જે ભાષામાં વાત ન કરે એવી ગંદી-ટપોરી ટાઈપ ભાષા આ ડોક્ટરોએ વાપરી. ‘
ડોક્ટર્સ દ્વારા ગાળાગાળી કરી, સારવારમાં બેદરકારી રાખી દર્દીનું મોત નિપજાવાયાનો કિસ્સો હજૂ સપ્તાહ પહેલા જ અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ પાસે આવેલી સંજીવની હોસ્પિટલમાં નોંધાયો છે. સંજીવનીમાં મૃત્યુ પામેલા વિનોદ ચૌહાણના ભાઈ કનુભાઈ ચૌહાણે વસ્ત્રાપુર પોલીસમાં કરેલી અરજીમાં ગાળાગાળી કરનારા અને બેદરકારી દાખવનારા આરોપી તબીબોમાં જેમનુ નામ છે તે ડો.વિનય ભોમિયા ઓલરેડી ગોદાવરીબેન ગોસ્વામીનું સારવારમાં બેદરકારી દાખવી મોત નિપજાવવાના કેસમાં જામીન પર છે! એન્ડ પોઈન્ટ ટુ બી નોટેડ કે ગોદાવરીબેનના પી.એમ. રિપોર્ટમાં ડોક્ટરની બેદરકારી પૂરવાર થયેલી છે. આ કેસમાં ડો. વિનય ભોમિયા, ડો. પંકજ પટેલ અને નાગેન્દ્ર મિશ્રા સામે હિટ એન્ડ રન કરી એકનું મોત નિપજાવનારા સલમાન ખાન પર લાગી હતી એ જ IPC 304 A લાગી છે. વેલ, જામીન પર છૂટ્યા બાદ સલમાને તો અકસ્માત કરી કોઈનું મોત નથી નિપજાવ્યું પણ ડો. ભોમિયા સામે જરૂર સારવારમાં બેદરકારીથી દર્દીનું મોત નિપજાવાયાનો આક્ષેપ થયો છે. જામીન પર છૂટેલો સલમાન કાર ડ્રાઈવ કરે એ કોઈના જીવન મરણનો પ્રશ્ન નથી પણ મેડિકલ સર્જરી જરૂર કોઈના જીવન મરણનો પ્રશ્ન છે. તો આવા કોઈ ડોક્ટરને કેસ બાદ મેડિકલ પ્રેકટીસ કરવા જ શા માટે દેવી જોઈએ? અથવા આવા ડોક્ટરની હોસ્પિટલમાં કોઈએ સારવાર માટે જવું જ શા માટે જોઈએ? સંજીવની હોસ્પિટલમાં જતા કેટલા લોકોને ત્યાંના ડોક્ટર્સની ‘કેસ હિસ્ટ્રી’ (મેડિકલ નહીં) ખબર હોવાની? બાય ધ વે ગોદાવરીબેન જેમાં મોતને ભેટ્યા એ ઓપરેશન તેમના શરીરમાં પથરીના ઓપરેશન સમયે મુકાયેલુ સ્ટેન્ટ કાઢવાનું હતું.
છેલ્લા કેટલાક સમયથી પચાસથી એંસી હજારની કિંમતની આવી સ્ટેન્ડ બેસાડવાનું પ્રમાણ ખુબ જ વધ્યુ છે. નેશનલ ઈન્ટરવેન્શન કાઉન્સિલના તાજા અહેવાલ પ્રમાણે 2008માં 1 લાખ 35 હજાર લોકોના શરીરમાં સ્ટેન્ટ બેસાડવામાં આવી હતી. તો ગયા વર્ષે 2014માં 4 લાખ લોકોને સ્ટેન્ટ બેસાડાઈ. જે દર્શાવે છે કે છેલ્લા 6 વર્ષમાં આપણે ત્યાં સ્ટેન્ટ બેસાડવાના કેસોમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. આ વધારો નોંધાવાનું એક કારણ એ પણ છે કે જરૂરી ન હોય તો પણ પૈસા ખંખેરવાના ઈરાદે દર્દીઓને સ્ટેન્ટ બેસાડાય છે. હદયરોગનો દર્દી મોટી ખાનગી હોસ્પિટલમાં જાય એટલે સ્ટેન્ટ બેસાડાયા વિના ભાગ્યે જ બહાર નીકળે. બિનજરૂરી તો બિનજરૂરી પણ સ્ટેન્ટ બેસાડીને પૈસા ખંખેરે એ તો થોડી ‘ઈમાનદારીભરી બેઈમાની’ થઈ પણ ઘણી હોસ્પિટલો તો સ્ટેન્ટ બેસાડ્યા વિના જ બકરા વધેરી સોરી ઘરાકોને ખંખેરી લે છે.
રાજકોટની ધકાણ હોસ્પિટલે તો જૂનાગઢના પૂર્વ મેયર ગીરીશ કોટેચાને પણ ચીરી લેવાની વેતરણ કરેલી. લગભગ ત્રણ-ચાર વર્ષ પહેલાનો કિસ્સો છે. ધકાણમાં સારવાર લેવા ગયેલા ગીરીશ કોટેચાને ડો. ધર્મેશ સોલંકીએ કહ્યું કે, તેમની રક્તનલિકામાં બે બ્લોક છે. સવારે જ ઓપરેશન કરીને સ્ટેન્ટ બેસાડવું પડશે. પણ ગીરીશભાઈ એ માટે તૈયાર ન થયા. તેમણે અમદાવાદની સાલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યુ. ત્યાં ડો.અનિલ જૈન અને ડો.તેજસ પટેલને મળ્યા. ફૂલ બોડી ચેકઅપ બાદ ત્યાંના તબીબોએ કહ્યું કે, કોઈ બ્લોકેજ નથી અને તમારે કોઈ સ્ટેન્ટની જરૂર નથી. ડો. સોલંકી દ્વારા મેડિકલ ઈમરજન્સીનું જૂઠ્ઠાણુ ચલાવી ડરાવી છેતરપિંડી કરવાનો નિર્લજ્જ પ્રયાસ કરાયો હોવાનું ખુલતા ગીરીશ કોટેચાએ એક પત્રકાર પરિષદ બોલાવી અને ડો.સોલંકી તથા ધકાણ હોસ્પિટલની પોલ ખોલી એમની આબરૂના જાહેરમાં લીરેલીરા ઉડાવ્યા.(આ ઘટનાની ખરાઈ માટે ગીરીશ કોટેચાને પૂછી લેવાની છૂટ. મેં તેમની સાથે વાત કરીને જ લખ્યું છે.) હવે તમે વિચાર કરો કે જેમને મેયર દરજ્જાના વ્યક્તિને છેતરતા કોઈ ખચકાટ ન થાય તેઓ સામાન્ય નાગરિકને કેટલા વેતરી લેતા હશે? એટલે જો તમારા ભોગ લાગ્યા હોય અને રાજકોટમાં ક્યારેય ડો.સોલંકીને ત્યાં જાઓ અને તેઓ તમને શરીરમાં સ્ટેન્ટ મુકાવવાની કે એવી બીજી કોઈ ‘મોંઘેરી’ સલાહ આપે તો મેડિએન્જલ્સ(પૈસા લઈ તબીબી અભિપ્રાય આપતી કંપની) જેવી કોઈ કંપની પરથી જરા ‘સેકન્ડ ઓપિનિયન’ મેળવી લેવો. આ સફેદપોશ તબીબને ત્યાંથી લાખોનું કાળું નાણું પણ ઝડપાયેલુ. રાજકોટમાં ડો.ધર્મેશ સોલંકી એકલા જ નહીં પણ આઈએમએ જેને મંદિર જેવો પવિત્ર વ્યવસાય ગણાવે છે તેના અડધોડઝન ‘પૂજારીઓ’ને ત્યાંથી પણ લાખોની કરચોરી ઝડપાઈ ચુકી છે.
* * *
એટલે મેડિકલ પ્રોફેશનની ઈમેજ આઈએમએ માને છે (અથવા તો મનાવવા ઈચ્છે છે) એટલી ઉજળી તો હરગિઝ નથી. અને આ સ્થિતિ કંઈ આજ-કાલની કે ‘ગબ્બર ઈઝ બેક’ આવ્યા બાદની નથી. તબીબીના આ ઉમદા વ્યવસાયની વિશ્વસનિયતાના પાયા તો વર્ષોથી ડોલી રહ્યા છે. એક અસ્મિતા પર્વમાં ડો. શરદ ઠાકરે તેમની પ્રસિધ્ધ કોલમ ‘ડોક્ટરની ડાયરી’ના વિચારબીજ માટે જવાબદાર એક ઘટના કહેલી. તેમના કોઈ બસપ્રવાસમાં તેમનું પર્સ ખોવાઈ કે ચોરાઈ જાય છે જેના કારણે લગભગ આખી બસ ચિંતામાં ગરકાવ થી જાય છે પણ જેવી લોકોને ખબર પડે છે કે તેઓ ડોક્ટર છે તો લોકોનું દુ:ખ પ્રમાણમાં ઓસરી ગયેલુ જણાય છે. કોઈકે તો એ મતલબની કોમેન્ટ પણ કરી કે એ તો એને જ લાયક છે. ડોક્ટર્સ દર્દીઓને બહુ લૂંટતા હોય છે. તબીબી વ્યવસાય પ્રત્યેના લોકોના આવા વિચારથી ડો. શરદ ઠાકરને આઘાત લાગ્યો અને તેમના મનમાં ‘ડોક્ટરની ડાયરી’ના બીજ રોપાયા. તેમણે નક્કી કર્યુ કે ભવિષ્યમાં જો ક્યારેક તક મળી તો તેઓ કલમ ચલાવી આ વ્યવસાયના ઉજળા પાસા અને મુઠી ઉંચેરા માનવીઓનો પરિચય સમાજને કરાવશે. જો એ સમયે એ બસના પ્રવાસીઓના મનમાં તબીબોની આવી છાપ હોય તો આજના કોર્પોરેટ હોસ્પિટલ્સની ગળાકાપ લૂંટના સમયમાં લોકોના મનમાં કેવી છાપ હશે? IMAએ સમજવું જોઈએ કે આ વ્યવસાયની ખરડાયેલી છબી માટે ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’ નહીં પણ દર્દીઓને ‘ગબ્બર’ની જેમ લૂંટતા લેભાગુ તબીબો જ જવાબદાર છે.
જોકે, વ્યક્તિગત રીતે હું ડોક્ટરને માતા-પિતા અને શિક્ષક પછીનું આ ધરતી પછીનું સૌથી મહત્વનું અને આદરણીય પાત્ર માનુ છું. કારણ કે, બધા જ તબીબો ખરાબ નથી. ખોટી રીતે પૈસા પડાવવાની લાલચ વિના દર્દીઓની સેવા કરનારા તબીબોની સંખ્યા બેઈમાન તબીબો કરતા અનેકગણી વધારે છે. તબીબોની બેઈમાનીના અહીં જેટલા પ્રસંગ ટાંક્યા એના કરતા અનેકગણા વધારે પ્રસંગો તેમની સારપના મળી આવશે. મળી આવે છે. આ ક્ષેત્રના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા રણશીંગુ ફૂંકનારા ડો.અરૂણ ગદ્રે અને ડો.અભય શુકલા, ગરીબ દર્દીઓને માત્ર 1 લાખમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી આપવાનુ અને ભારત માટે નોબેલ લઈ આવવાનુ સપનુ સેવનારા કિડની હોસ્પિટલના ડો.એચ.એલ. ત્રિવેદી, ગરીબ દર્દીની સારવારના ખર્ચ માટે કોલમમાં ટહેલ નાખી લોકો ભીની આંખે સારવારના પૈસા ચુકવવા દોડતા આવે તેવી કલમ ચલાવનારા ડો. શરદ ઠાકર સહિતના દેશના અનેક અશ્વિની કુમારોના વારસદારો અને પતંજલીના આધુનિક અવતારો શત શત વંદનના અધિકારી છે. કેટલીક કોર્પોરેટ હોસ્પિટલ્સની લૂંટ વચ્ચે સારણગાંઠથી માંડીને કેન્સર સુધીની સારવાર-સર્જરી વિનામૂલ્યે કરતી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબા ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ કે હદયરોગના દર્દીઓની પ્રશંસનિય સેવા કરતી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ જેવી અનેક હોસ્પિટલો પણ ધમધમે છે. અને સલામ છે એમની સેવાપ્રવૃત્તિને. ‘ગબ્બર ઈઝ બેક’ જેવા દ્રશ્યો હજાર ફિલ્મોમાં આવે તો પણ તેમની પ્રવૃત્તિ કે દાનત પર કોઈ શંકા નથી કરવાનું. ફિલ્મ સામે જે બખાળા કરે છે એમના માટે તો એટલુ જ કહી શકાય કે- ‘ચોર કી દાઢી મેં તિનકા’.
( ક્રમશ: )
~ તુષાર દવે
આર્ટિકલ લખાયા તારીખ : ૨૭-૦૫-૨૦૧૫
Leave a Reply