રિવ્યુ – જૂઠા હી સહી
મિડ-ડે તા. ૨૩ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત
સહી રે સહી
પ્રિડિક્ટેબલ વાર્તા અને મિસફિટ હિરોઈન હોવા છતાં સૂક્ષ્મ અને ધારદાર હ્યુમરવાળી આ સ્માર્ટ ફિલ્મ મજા કરાવે છે
રેટિંગ – ત્રણ સ્ટાર
એના ટીવી પર ચોવીસે કલાક નેશનલ જ્યોગ્રાફિક ચેનલ ચાલતી રહે છે. ટીવી જોતો જોતો તે સૂઈ જાય ત્યારે મોં એટલું ખુલ્લું રાખે છે કે ચાર આખા ગુલાબજાંબુ એકસાથે સમાઈ જાય. આમ તો વાતચીત કરતી વખતે એ નોર્મલ હોય છે, પણ સુંદર છોકરી જોતાંની સાથે જ તે થોથવાવા લાગે છે. સ્ટેમરિંગનો આ વિશિષ્ટ પ્રકાર થયો. તે જે બુકશોપમાં કામ કરે છે તેનું નામ મજાનું છે ‘કાગજ કે ફુલ’. શોપની બહાર એક પાટિયું ટીંગાય છે, જેના પર ભેદી લખાણ લખાયેલું છેઃ ‘વી ડોન્ટ ડુ દીપક ચોપરા’! તેના પરિવારનો કશો અતોપતો નથી, પણ હા, લંડનમાં તેના ભંડકિયા જેવા સ્ટુડિયો અપાર્ટમેન્ટની બરાબર સામેના ફ્લેટમાં બે પાકિસ્તાનીઓ રહે છે. સુપરહિટ અમેરિકન સિરિયલ ‘ફ્રેન્ડ્ઝ’નાં મોનિકા અને રોસની જેમ આ બણે પણ ભાઈબહેન કરતાં મિત્રો વધારે છે.
અબ્બાસ ટાયરવાલાની આ બીજી ફિલ્મ પર આમેય ‘ફ્રેન્ડ્ઝ’નો ઘણો પ્રભાવ છે. બે પાત્રો મળશે ત્યારે એક જણો કહેશે, ‘હેય!’ સામેવાળો તરત પડઘો પાડશે, ‘હેય!’ કશુંક વિચિત્ર, અણગમો પેદા થાય એવું કે નેગેટિવ જોશે તો તેઓ ‘વાઉ!’ બોલશે. સારું છે કે અબ્બાસભાઈએ આત્મસંયમ રાખીને જોન અબ્રાહમને ‘ફ્રેન્ડ્ઝ’ના જોયે વર્લ્ડફેમસ કરી દીધેલી ‘હાઉ યુ ડુઈન..?’ લાઈન નથી બોલાવડાવી.
અબ્બાસની પહેલી હિટ ફિલ્મ ‘જાને તુ યા જાને ના’નાં પાંચસાત પાત્રો મસ્તીખોર કોલેજિયનો હતાં. એમની આ બીજી ફિલ્મમાં પાત્રોની ઉંમર થોડી વધી છે. તેઓ વતનથી દૂર એકલા રહેતા, કમાતા અને કુંવારા ફ્રેન્ડલોકો છે. પાત્રોની મસ્તી અકબંધ રહી છે અને પ્રેમના અખતરા વધ્યા છે. આ દોસ્તારોની યારી અને આપસી કેમિસ્ટ્રી પ્રિડિક્ટેબલ ફિલ્મને સ્માર્ટ અને જોવાલાયક બનાવે છે.
ફોન-અ-ફ્રેન્ડ
જોન અબ્રાહમ લંડનમાં રહેતો એક સીધો સાદો અને ભલો જુવાનિયો છે, જે કોણ જાણે શી રીતે ખલનાયિકા જેવી દેખાતી એરહોસ્ટેસના સંબંધમાં બંધાયો છે. જોન આકસ્મિક રીતે એક ફોન હેલ્પલાઈન સર્વિસનો વોલેન્ટિર બની જાય છે. કોઈ એશિયન આત્મહત્યા કરવાનું પ્લાનિંગ કરતો હોય અને કોઈની પાસે હૈયું ઠાલવવું હોય તો ચોક્કસ નંબર પર ફોન કરવાનો. સામેના છેડે વોલેન્ટિયર તેને સહાનુભૂતિપૂર્વક સાંભળે, ‘જિંદગી હસીન હૈ’ પ્રકારની પ્રેરણાદાયી વાતો કરે અને તેને આત્યંતિક પગલું ભરતા અટકાવે. એક રાત્રે જોનને મિશ્કા નામની મરુંમરું કરી રહેલી અને હિબકાં ભરી ભરીને પિલૂડાં પાડતી એક પ્રેમભંગ યુવતીનો ફોન આવે છે. જોન એનું સરસ રીતે કાઉન્સેલિંગ કરે છે. બણે પહેલાં ફોનફ્રેન્ડ્ઝ અને પછી પ્રેમીઓ બને છે. જોન ડબલ રોલ અદા કરતો રહે છે. દિવસે તોતડાતો બુકશોપબોય અને રાત્રે આત્મવિશ્વાસથી છલકાતો ફોન-અ-ફ્રેન્ડ. આખરે જે થવાનું હોય છે તે થાય છે અને…
આપસી કેમેસ્ટ્રીની ઝમક
‘જૂઠા હી સહી’નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ, આગળ ક્હ્યું તેમ, દોસ્તારોની ટોળી છે. આ ટોળકીમાં ભાતભાતના નમૂનાઓ ભર્યા છે. તોતડો જોન, તેની મારફાડ ગર્લફ્રેન્ડ, એમટીવીના ‘રોડીઝ’ શોઝથી ફેમસ થયેલો ટકલુ રઘુ, અપરિણીત પ્રેગ્નન્ટ પાકિસ્તાની યુવતી, તેને દુનિયાની સૌથી પરફેક્ટ સ્ત્રી માનતો અને નિતનવી શૈલીથી પ્રપોઝ કર્યા કરતો મહારોમેન્ટિક ચશ્મીશ જપાની, એકબે હોમોસેક્સ્યુઅલ્સ જે ફોર-અ-ચેન્જ સ્ત્રેણ નથી, લાલ રંગની લટોવાળી બિન્ધાસ્ત ડીવીડી ગર્લ અને મેઈન હિરોઈન પાખી. આ સૌની ભાષા (તેઓ ‘સ્ટ્રેન્જ’ બોલવાને બદલે ‘અજીબ્સ’ બોલે છે), તેમનાં વર્તનવર્તણૂક અને ઈન્ટરપર્સનલ રિલેશનશીપ્સમાં આહલાદક તાજગી છે. રમૂજ એ ફિલ્મનો મુખ્ય સૂર છે. વાર્તાપ્રવાહમાં સૂક્ષ્મ છતાં ધારદાર હ્યુમરના પરપોટા સતત ઊઠ્યા કરે છે. અહીં ક્યાંય કશુંય લાઉડ નથી તે બહુ મોટી નિરાંત છે.
જોન અબ્રાહમે આ ફિલ્મમાં નથી સ્ટાઈલિશ કપડાં પહેરવાનાં, નથી બાઈક ચલાવવાની કે નથી વેંત જેવડી ટાઈટ ચડ્ડી પહેરીને બોડી બતાવવાની. જોન સ્ક્રીન પર મોડલ જેવો ન દેખાય તે પણ તેના માટે એક સિદ્ધિ જ ગણાય. નાયકનું બાઘ્ઘાપણું અને રોમેન્ટિક મૂંઝવણ તે સારી રીતે ઉપસાવી શક્યો છે. જોનની પર્સનાલિટીમાં એક પ્રકારની સ્વાભાવિક નિર્દોષતા છે, જે આ રોલમાં ઉપકારક સાબિત થઈ છે. ઈન ફેક્ટ, જોન અબ્રાહમની કરીઅરનું આ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે.
અબ્બાસ ટાયરવાલાએ તમામ પૂરક પાત્રો પાસેથી સરસ કામ લીધું છે. રઘુ હિન્દી ફિલ્મોમાં લાંબી ઈનિંગ્સ ખેલી શકશે તેવું લાગે છે. માધવન જોકે વેડફાયો છે. ફિલ્મ ધરાર લંડનમાં શૂટ કરવામાં આવી છે. બોલીવૂડના ફોરેન લોકેશનના વળગણ વિશે કેટલી વાર બખાળા કાઢવા? એ..આર. રહેમાનું સંગીત એવરેજ છે. ‘ક્રાય ક્રાય’ ગીતમાં અર્થ અને રિધમની દષ્ટિએ ‘જાને તુ યા….’ના ‘અદિતી..’ ગીતના પડઘા પડે છે.
ફિલ્મનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ છે એની મેઈન હિરોઈન પાખી. જેમ મિથુન ચક્રવર્તીએ તેના સાંઢ જેવો દીકરો મિમોહને આપણા માથા પર માર્યો હતો, બીજા કેટલાય હીરોલોગડિરેક્ટરોપ્રોડ્યુસરો પોતપાતાનાં નબળા સંતાનોને ઓડિયન્સના માથે પર મારતા રહે છે. આમાં અબ્બાસ ટાયરવાલાએ પોતાની પત્ની પાખીને નિર્દયીપણે આપણા મસ્તક પર ફરકારી છે. તે વાસ્તવમાં હિરોઈન કરતાં બાકીનાં તમામ પાત્રોની આન્ટી વધારે લાગે છે. પાખીનું માત્ર નામ વિચિત્ર નથી, તેની આખી પર્સનાલિટી વિચિત્ર છે. તે શેપલેસ બોડી પર કઢંગા કોસ્ચ્યુમ્સ ચડાવે છે ને ઠેકડા મારી મારીને લંડનના રસ્તા પર નૃત્ય કરે છે. આખી ફિલ્મના લૂક અને સેટઅપમાં આ એક જ સ્ત્રીરત્ન મિસફિટ અને ‘અજીબ્સ’ લાગે છે. આમ તો જોકે તે ઠીકઠીક પર્ફોર્મ કરે છે, પણ અબ્બાસે એકવીસમી સદીની હિન્દી ફિલ્મ હિરોઈનની જેમ એનું પેકેજિંગ કરીને પેશ કરી છે તેમાં ભયાનક ગરબડ થઈ ગઈ છે. મુખ્ય નાયિકા તરીકે પ્રિયંકા ચોપડા કે દીપિકા પદુકાણ જેવી હિરોઈનને કાસ્ટ કરવામાં આવી હોત તો ફિલ્મમાં ઝમક અને એનર્જી ઊમેરાઈ ગયાં હોત અને ફિલ્મ જુદા જ લેવલ પર પહોંચી શકી હોત. અરે, ડીવીડી સ્ટોરમાં પાખી સાથે કામ કરતી ફ્રેન્ડનો રોલ કરી રહેલી અનાહિતા નૈયરને મેઈન હિરોઈન બનાવી હોત તો પણ બહેતર રિઝલ્ટ આવ્યું હોત. બાય ધ વે, ફિલ્મની લેખિકા પણ પાખી જ છે. હિરોઈન તરીકે ભલે એને ચડાઉ પાસ કરવી પડે, પણ લેખિકા તરીકે, ખાસ કરીને, સંવાદોમાં તેને ફર્સ્ટકલાસ આપવો પડે.
પોતાની પહેલી બે ફિલ્મોથી અબ્બાસ ટાયરવાલા આત્મવિશ્વાસપૂર્વક પોતાની એક ચોક્કસ શૈલી અને રિધમ ઊપસાવી શક્યા છે. વાર્તાની પસંદગીમાં જોકે તે હજુ ચોગ્ગો ફટકારી શક્યા નથી. તેમની હવે પછીની ત્રીજી ફિલ્મમાં પાત્રો ઉંમરમાં વધારે મોટા અને મેચ્યોર થયાં હશે. તેમાં તેઓ પત્નીશ્રીને એની વયને શોભે એવો રોલ આપે તો કશો વાંધો નથી!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply