રિવ્યુ – હિસ્સ
મિડ-ડે તા. ૨૩ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત
ટાંય ટાંય ફિસ્સ
આ ઝેડ ગ્રેડની ફિલ્મમાં નથી સ્ટોરી-સ્ક્રીનપ્લેનાં ઠેકાણાં કે નથી પ્રોડકશન વેલ્યુનાં ઠેકાણાં. અભિનય અને ડિરેકશનની તો વાત જ નહીં કરવાની.
રેટિંગ – એક સ્ટાર
મિડીયા આપણને માહિતી આપતુંં રહે છે કે મલ્લિકા શેરાવત હવે મોટી માણસ બની ગઈ છે. તે લોસ એન્જલસમાં સેલિબ્રિટીઓના પાડોશમાં રહે છે અને હોલીવૂડનાં મોટા માથાં સાથે તેની ઉઠબેસ છે. તે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અસલી અજગરને ગળે વીંટાળીને મલપતી ચાલે છે અને દુનિયાભરના ફોટોગ્રાફરો એના ફોટા પાડે છે. તેની ‘હિસ્સ’ ફિલ્મની ડિરેક્ટર જેનિફર લિન્ચના બાપુજી ડેવિડ લિન્ચ હોલિવૂડના સારા માંહ્યલા ડિરેક્ટરોમાંના એક ગણાય છે વગેરે. ખૂબ બધા ઢોલનગારાં વચ્ચે આવડી આ મલ્લિકાની ‘હિસ્સ’ ફિલ્મ રિલીઝ થાય છે અને આપણે મોટા ઉપાડે તે જોવા જઈએ છીએ. આપણને થાય કે મલ્લિકાએ અત્યાર સુધી ભલે ગમે તેવી ફિલ્મો કરી, પણ આ વખતે એ નક્કી મીર મારવાની. ફિલ્મ જેવી શરૂ થાય છે એવી પૂરી થાય છે. તમે નસકોરાં બોલાવવાનું બંધ કરીને સફાળા જાગી જાઓ છો અને થિયેટરની બહાર ચાલતી પકડો છો. તમને થાય કે મલ્લિકાએ ખરેખર પ્રગતિ કરી છે. અત્યાર સુધી તે ફાલતુ ફિલ્મો કરતી હતી, આ વખતે તેણે મહાફાલતુ ફિલ્મ કરી છે.
હાલો, અમર થાવા ઈન્ડિયા જઈએ
વિદેશોમાં ઈન્ડિયા એટલે કામસૂત્ર અને મદારીઓનો દેશ એવી એક બેવકૂફ જેવી પણ સજ્જડ છાપ હજુય પ્રવર્તે છે. જેનિફરબહેન જ્યારે ઈચ્છાધારી નાગણની વાર્તા સાંભળી કે વાંચી હશે ત્યારે એમની આંખો પહોળી થઈ ગઈ હશે અને મોં ઉઘાડું રહી ગયું હશે. વાઉ… સો એક્ઝોટિક! ‘હિસ્સ’ની વાર્તા પણ તેઓશ્રીએ જ ઘસડી મારી છે. વાત લેવા દેવા વગર છેક ઈસવી સન પૂર્વે ૨૩૦૦થી શરૂ થાય છે. કોઈ ચક્રમ ગોરો કેન્સર પેશન્ટ ભારત આવે છે. આ બુઢિયો છ મહિનામાં મરવાનો છે, પણ તેને અમર થઈ જવાના ધખારા છે. કોઈ તેને કહી ગયું છે કે જો તારી પાસે ઈચ્છાધારી નાગણનો નાગમણિ આવી જાય તો તું અમર થઈ જઈશ. શાબાશ. તે ગેલ કરી રહેલાં નાગણ-નાગણીને વિખૂટા પાડે છે અને નર નાગને પોતાની સાથે લઈ જાય છે. નાગણી મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને મલ્લિકા શેરાવત બને છે. તે નાગને શોધતી શોધતી શહેરમાં આવે છે અને ઉધામા મચાવે છે. આખરે પેલા બેવકૂફ વિદેશીને પાઠ ભણાવી, પોતાના સ્વામીની ઘવાયેલી બોડીને કાંખમાં ઊંચકી તે જંગલ તરફ રવાના થઈ જાય છે. બસ, વાત પૂરી.
ન ઢંગ ન ધડા
આ ઝેડ ગ્રેડની ફિલ્મમાં નથી સ્ટોરી-સ્ક્રીનપ્લે-ડાગલોગ્ઝના ઠેકાણાં કે નથી સ્પેશિયલ ઈફેક્ટ્સ કે પ્રોડકશન વેલ્યુનાં ઠેકાણાં. અભિનય અને ડિરેકશનની તો વાત જ નહીં કરવાની. સૌથી પહેલો સવાલ એ આવે કે પેલા વૃદ્ધ વિદેશીને ઓલરેડી ખબર છે કે કામક્રીડામાં રત સર્પયુગલ પૈકીની માદા ઈચ્છાધારી નાગણ છે તો એ તે જ વખતે નાગણને કેમ ઉપાડી ન ગયો? ખેર. આ ફિલ્મમાં લોજિક શોધવું એટલે પીક અવર્સમાં વિરાર લોકલમા ખાલી વિન્ડો સીટ શોધવી. આપણે ઈચ્છાધારી નાગનાગણ વિશેની ‘નાગિન’ અને ‘નગીના’ જેવી હિટ ફિલ્મો જોઈ ચૂક્યા છીએ. આહા, રીના રોય અને શ્રીદેવી બ્લૂ રંગના કોન્ટેક્ટ લેન્સમાં અને ચળકભડક વસ્ત્રોમાં કેવી રૂપાળી લગાતી હતી. બિનના પેલા ફેમસ સૂર રેલાતા તેઓ કેવી હાઈક્લાસ ડાન્સ કરતી હતી. એકવીસમી સદીની આ ડોબી નાગણને ડાન્સ તો શું, કપડાં પહેરતાં પણ આવડતું નથી. મલ્લિકા શેરાવત આખી ફિલ્મમાં એક અક્ષર સુધ્ધાં બોલતી નથી. મલ્લિકા આમેય ડાયડોગ ડિલીવરી માટે ક્યારે ફેમસ હતી? એ જેના માટે દેશવિદેશમાં લખખૂટ કીર્તિ પામી છે તે વસ્ત્રો ઊતારવાનું કાર્ય એણે દિલ ખોલીને કર્યું છે. ફિલ્મમાં નગ્ન દશ્યોની ભરમાર છે. મલ્લિકા અને તેની ડુપ્લિકેટે શરીર દેખાડવામાં સહેજે કંજૂસાઈ કરી નથી.
‘સ્લમડોગ મિલ્યનેરે’ ભારતની ગંદકી અને ગંધાતી બસ્તીઓને વિશ્વના નક્સા પર મૂકી આપીને એક મોટી કુસેવા કરી છે. ‘હિસ્સ’માં એ બધું નવેસરથી પડદા પર આવે છે. જેનિફર લિન્ચને કદાચ ઘૃણાસ્પદ વિઝયુઅલ્સનું તીવ્ર આકર્ષણ છે. આ ફિલ્મમાં ચીતરી ચડે એવાં એટલાં બધાં દશ્યો છે કે બિચારી મલ્લિકાના સ્કિન શોની બધી અસર ધોવાઈ જાય છે. સર્પમાંથી મલ્લિકામાં અને મલ્લિકામાંથી સર્પમાં થતા સ્વરૂપાંતરવાળાં દશ્યોમાં વપરાયેલી કમ્પ્યુટર જનરેટેડ ઈફેક્ટ્સ અતિ હાસ્યાસ્પદ છે. ઈરફાન ખાન જેવો એક્ટર આવા પ્રોજક્ટમાં ક્યાં ફસાઈ ગયો? એની પત્નીનો રોલ દિવ્યા દત્તાએ કર્યો છે. દિવ્યા દત્તાની પાગલ બુઢી મા એક દશ્યમાં બ્લાઉઝની ઉપર બ્રા પહેરે છે. પ્લીઝ!
સો વાતની એક વાત. ‘હિસ્સ’ જે થિયેટરમાં ચાલતી હોય તે દિશામાં પણ ફરક્યા છો તો નાગદેવતાના સમ છે તમને.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply