ફિલ્મ રિવ્યુ- રોબો
મિડ-ડે, તા. ૨ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત
જબરદસ્ત!
ચકિત કરી દે તેવી સ્પેશિયલ ઈફેક્ટ્સવાળી આ સાયન્સ ફિકશન જલસો કરાવે છે. આ અઠવાડિયે રિલીઝ થયેલી આ બેસ્ટ ફિલ્મ છે.
* * * * *
રેટિંગ – ચાર સ્ટાર
થેન્ક ગોડ! આખરે એવી ફિલ્મ આવી ખરી જે જોઈને તેેના નિર્માણ પાછળ ખચાર્યેલા ભયાનક મોટા આંકડા (આ કેસમાં ૧૬૦ કરોડ રૂપિયા) વસમા ન લાગે અને જેની ક્વોલિટી તેની જબરદસ્ત હાઈપ સાથે મેચ થતી હોય. અલબત્ત, રિલીઝ થવાનો વખત આવ્યો ત્યારે ‘રોબો’ની હિન્દી આવૃત્તિ આશ્ચર્ય થાય એટલી હદે લોપ્રોફાઈલ થઈ ગઈ હતી તે અલગ વાત થઈ. સાઉથ ઈન્ડિયન સિનેમાના દેવતા ગણાતા રજનીકાંત ‘રોબો’ થકી હિન્દી ફિલ્મો જોતા ઓડિયન્સને પણ મંત્રમુગ્ધ કરી દેશે. આ ફિલ્મ વાસ્તવમાં અપેક્ષા કરતાંય ઘણો મોટો જલસો કરાવે છે.
ભારતીય સિનેમામાં સાયન્સ ફિકશન ઓછી બને છે ત્યારે ‘રોબો’ એક મહત્ત્વનું પ્રકરણ બની રહેવાની. ઘણું કરીને આપણે ત્યાં બનતી ફિલ્મોમાં કમ્પ્યુટરજનરેટેડ દશ્યો કાં તો બાલિશ લાગતાં હોય છે યા તો ક્ષોભજનક. ‘રોબો’ની સ્પેશિયલ ઈફેક્ટ્સ, ફોર અ ચેન્જ, એટલીં સરસ છે કે આપણને સગર્વ આનંદ અનુભવ થાય. બીજી બાજુ મનમાં છાનો રંજ પણ જાગે- હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી રજનીકાંત જેવા કેરિશ્મેટિક સ્ટારને કેમ સાચવી ન શકી?
હમ દો હમારે સૌ
મેડિકલ સ્ટુડન્ટ ઐશ્વર્યા રાય બચ્ચનને પ્રેમ કરતા રજનીસર મોટા સાયન્ટિસ્ટ છે. તેમણે લેબોરેટરીમાં અદ્દલ પોતાના જેવો દેખાતો હ્યુમેનોઈડ બનાવ્યો છે, જેનામાં અપાર શક્તિઓ છે. તેનું નામ છે ચિટ્ટી. ચિટ્ટીમાં સો માણસની તાકાત છે, તે ચોસઠે કળાઓમાં પ્રવીણ છે, તે સુપરમેન, બેટમેન, આર્યનમેન સહિતના જાતજાતના ‘મેનો’નું કોમ્બિનેશન છે. ગુરૂ ડેની ડેંગ્ઝપ્પા પોતાના શિષ્ય રજનીકાંતની સુપર સફળતાથી બળી બળીને બેઠા થઈ જાય છે. રજનીકાંત ચિટ્ટી ભારતીય લશ્કરને સોંપી દેવા માગે છે, પણ તે એટલા માટે રિજેક્ટ થઈ જાય છે કે તેનામાં નથી સ્વતંત્ર દિમાગ કે નથી લાગણીઓ. રજનીકાંત તેનામાં હવે લાગણીઓ ‘ઈમ્પ્લાન્ટ’ કરે છે. ખરી મુસીબત હવે શરૂ થાય છે. એક સમયનો ભલોભોળો ચિટ્ટી ઓલમોસ્ટ શેતાનનું રૂપ ધારણ કરી લે છે. આખરે તેનું સર્જન કરનારા રજનીકાંતે આત્યંતિક પગલું ભરવું પડે છે અને….
સ્પેશિયલ ઈફેક્ટ્સનો નવો માપદંડ
ડિરેક્ટર શંકર અને રજનીકાંતના કોમ્બોએ છેલ્લે ‘શિવાજી’ નામની ફિલ્મમાં ધમાલ બોલાવી હતી. આ વખતે તેમણે ભેગા થઈને ઓર મોટો તહેલકો મચાવ્યો છે. રજનીકાંત સીધાસાદા માણસના રૂપમાં બંદૂકની ગોળીને વચ્ચેથી ચીરી શકતા હોય તો કલ્પના કરો કે એ જ્યારે સુપરહીરોના સ્વાંગમાં હોય ત્યારે શું શું ન કરી શકે. ખરેખર, આ ફિલ્મનો હીરો માત્ર અને માત્ર રજનીકાંત જ હોઈ શકે. ચિટ્ટીની નિર્દોષતા, અસહાયતા અને વિનાશકતા તેમણે આબાદ ઉપસાવી છે. ટોલ, ડાર્ક, હેન્ડસમ અને આધેડ ચિટ્ટીનો ચહેરો શરૂઆતમાં યંત્રમાનવ જેવો સપાટ છે, તેની હાલચાલ અક્કડ છે, પણ જેમ જેમ તેનામાં લાગણીઓ પ્રગટતી જાય છે તેમ તેમ ચહેરો પ્રવાહી બનતો જાય છે, બોડી લેંગ્વેજ બદલતી જાય છે. ચિટ્ટીના વ્યક્તિત્ત્વમાં ક્રમશ- આવતું જતું પરિવર્તન સરસ પસ્યું છે.
રજનીકાંત જેવો સ્ટાર ડબલ રોલ કરે તો પણ તેના ભક્તજનો ભાવવિભોર થઈ જાય છે, જ્યારે અહીં તો સ્ક્રીન પર એકસાથે સોએક જેટલા રજનીકાંત જાતજાતની કરામત કરતા જોવા મળે છે! ફિલ્મનો ક્લાઈમેક્સ અદભુત છે. રજનીકાંતોનું આખું ટોળું ક્યારેક રાક્ષસી એનાકોન્ડાનું રૂપ ધારણ કરીને વાહનોને ગળી જાય તો ક્યારેય મહાકાય ગોડઝિલા બનીને શહેરમાં તોફાન મચાવે છે. ફર્સ્ટ હાફમાં લોકલ ટ્રેનવાળી સિકવન્સ પણ સીટીમાર છે. ‘થ્રી ઈડિયટ્સ’ની પ્રસૂૂતિવાળાં લાઉ઼ડ દશ્યને ટક્કર મારે એવી સિકવન્સ પણ છે. આવું તો ઘણંુ છે. ફિલ્મની કમ્પ્યુટર જનરેટેડ ઈફેક્ટ્સ ‘જુરાસિક પાર્ક’ અને ‘અવતાર’ જેવી ફિલ્મો માટે એનિમેટ્રિક્સ પૂરી પાડનાર સ્ટેન વિન્સ્ટન સ્ટુડિયોની કમાલ છે. એકશન સીન્સ માટે શંકર ‘કિલ બિલ’ અને ‘મેટ્રિક્સ’ જેવી ફિલ્મો માટે કામ કરનાર હોંગકોંગસ્થિત યુએન વૂ પિંગને ઉપાડી લાવ્યા છે. ફિલ્મનું ૪૦ ટકા બજેટ તો આ બે ડિપાર્ટમેન્ટ જ ચાંઉ કરી ગયું છે, પણ સ્ક્રીન પર આ સઘળો ખર્ચ વસૂલ લાગે છે. ફિલ્મના મેકિંગમાં ભલે આટલાં બધાં વિદેશીઓએ ફાળો નોંધાવ્યો હોય, પણ મજા એ વાતની છે કે ફિલ્મની અપીલ અને તેમાં વપરાયેલા જાતજાતના મસાલા સંપૂર્ણપણે ઈન્ડિયન છે.
આ ફિલ્મમા માત્ર સ્પેશિયલ આઈટમો જ નથી, બલકે તેના માટે યોગ્ય જગ્યા બનાવતી અને ચોક્કસ શરૂઆતમધ્યઅંતવાળી વાર્તા પણ છે, ટકરાવ છે, ચડાવઉતાર છે, પુષ્કળ હ્યુમર છે અને સતત વહેતો ઈમોશનલ અંડરકરંટ છે. વાસ્તવમાં વેલડિફાઈન્ડ વાર્તા ન હોત તો ફિલ્મ સ્પેશિયલ ઈફેક્ટ્સના ભારથી તૂટી પડી હોત. અને હા, ફિલ્મમાં ઐશ્વર્યા પણ છે, જેણે રૂપરૂપના અંબાર જેવાં દેખાવાનું છે અને આંખો પહોળી કરીને આશ્ચર્યચકિત થવાનુું છે, ડરવાનું છે યા તો રજનીકાંતના કાળાા રબર જેવા ગાલ પર પપ્પીઓ કરવાની છે. ફિલ્મમાં નાયિકાનું મહત્ત્વ છે જ, પણ આ રોલમાં ઐશ્યર્વા સિવાયની કોઈપણ હિરોઈન પણ ચાલી જાત.
ફિલ્મમાં બોર કરતું કોઈ તત્ત્વ હોય તો તે છે વચ્ચે વચ્ચે નડ્યા કરતાં એ. આર. રહેમાનનાં ગીતો. રજનીકાંતનો પેલો મચ્છરો સાથે વાતો કરતો લાંબોલચ્ચ સીન પણ કંટાળાજનક છે. એક ગીતમાં જોકે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ ટીવી શોએ ફેમસ કરી દીધેલાં સ્ટેપ્સ જોવાની મજા આવે છે. એ જે હોય તે, બાકી એનિમેટ્રિક્સના મામલામાં ‘રોબોટે’ ભારતીય સિનેમામાં એક માપંદડ સ્થાપ્યો છે. હવે જોવાનું એ છે કે શાહરૂખ ખાનને સુપરહીરો તરીકે પેશ કરતી આગામી ફિલ્મ ‘રા.વન’ અને હ્યુતિક રોશનની ‘ક્રિશ-થ્રી’માં એ લોકો શું નવીન લાવે છે.
સો વાતની એક વાત. બચ્ચેલોગ અને બડેલોગ સૌને ગમી જાય તેવી ‘રોબો’ મિસ ન કરતા.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply