રિવ્યુ- લફંગે પરિંદે
“મિડ- ડે”, તા. 21 ઓગસ્ટ 2010માં પ્રકાશિત
ડિઝાઈનર ડિંડવાણું
અફલાતૂન બની શકવાનું કૌવત ધરાવતી આ ફિલ્મ સરેરાશ બનીને રહી ગઈ છે
રેટિંગ – બે સ્ટાર
——————————————–
આ ફિલ્મના હીરોની બેબી પિંક કલરની સ્કિન પર ડાર્ક બ્રાઉન રંગની દાઢી ઊગે છે. સફાચટ શેવિંગ કર્યું હોય તો તેનો ચહેરો છાલ ઊતારી લીધેલા બાફેલા ઇંડા જેવો લાગે. દર શુક્રવારે એ કુસ્તી કરવા મેદાનમાં ઉતરે ત્યારે થોડી વાર તો સામેના માણસનો માર ખાશે. અમુક વિકૃત માણસોમાં જેમ પટ્ટે પટ્ટે માર ખાધા પછી સેક્સનો પાવર જાગે તેમ આનેય લોહીલુહાણ થયા પછી એવું તો શૂરાતન જાગે કે એક જ ઘુસ્તામાં સામેવાળાને ચીત કરી દે છે. બસ્તીવાળાઓએ એટલે જ તેનું નામ ‘વનશોટ નંદુ્’ રાખ્યું છે. તે સડકછાપ ટપોરી છે, પણ મોબાઈલ હાઈકલાસ બ્લેકબેરીનો વાપરે છે. શું થાય? યશરાજ બેનરની ફિલ્મ છે. બધું ડિઝાઈનર રાખ્યા વગર છૂટકો છે? એટલે જ સડકછાપ ટપોરીના રોલમાં યુરોપિયન જેવો દેખાતો હીરો લેવામાં આવ્યો છે. હિરોઈન નાનકડી ખોલીમાં રહે છે, પણ એનાં કોસ્ચ્યુમ તાત્કાલિક નવો ફેશન ટ્રેન્ડ શરૂ કરી દે તેવા છે. દીપિકા પદુકોણ મૂળ સુપરમોડલ ખરીને. યશરાજની જેમ બિચારી તે ય ડિઝાઈનર આદતથી મજબૂર છે.
‘દેખને કે લિએ આંખ નહીં, કીડા મંગતા,’ હીરો નીલ નીતિન મૂકેશ ફિલ્મમાં દીપિકા સામે આવો ડાયલોગ ફેંકે છે. દીપિકા તો પ્રજ્ઞાચક્ષુ છે, પણ ઓડિયન્સ પાસે આંખ, કાન અને નવી ફિલ્મ જોવાના કીડા બધું જ છે. આથી તેને બરાબર સમજાય છે કે ઓનપેપર આ ફિલ્મ કેટલી દમદાર લાગતી હશે. કમનસીબે એક સારો આઈડિયા સ્ક્રીન પર પહોંચે ત્યાં સુધીમાં ડિરક્ટર પ્રદીપ સરકાર અને તેમના સાથીઓ ઘણું બધું જોવાનું ચૂકી ગયા છે. પરિણામે અફલાતૂન બની શકવાનું કૌવત ધરાવતી આ ફિલ્મ સરેરાશ બનીને રહી ગઈ છે.
ડાન્સ બિના ચેન કહાં રે
એક વંચિતા જેને ખૂબ બધું હાંસલ કરવું છે. મુંબઈના નિમ્ન વર્ગમાં મોટી થયેલી દીપિકા સારું ફિગર સ્કેટિંગ કરી જાણે છે અને પોતાની આ ટેલેન્ટના જોરે તેને કશુંક કરી બતાવવું છે. તે સપનું પૂરું કરી શકે તે પહેલાં જ અકસ્માત (અતિ કંગાળ વિઝયુઅલ ઈફેક્ટ)માં તેની આંખો જતી રહે છે. તેને સાથ મળે છે વનશોટ નંદુ એટલે કે નીલનો. પહેલાં ફાઈટર નીલ તેને અંધાપા સામે લડતા શીખવે છે. હવે દીપિકાનો વારો. ના ના, તે ફાઈટિંગ કરવાનું શરૂ કરી દેતી નથી ડોન્ટ વરી બલકે તે નીલને સ્કેટિંગ કરતાં કરતાં ડાન્સ કરવાનું શીખવે છે. જડભરત શીખી પણ જાય છે. પછી બણે ‘ઈન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ’ નામના રિયાલિટી શોમાં ભાગ લે છે. આ ટેલેન્ટ શોનું શું પરિણામ આવે છે તેની કલ્પના કરવા માટે કોઈ ટેલેન્ટની જરૂર નથી.
મોકો ખોઈ નાખ્યો
યશરાજ ફિલ્મ્સ ટીવી માટે સોફ્ટવેર પ્રોડ્યુસ કરે તેમાં કોઈને શો વાંધો હોય, પણ ભાઈસા’બ, તમારી ફિલ્મને ટીવી શો શા માટે બનાવી દો છો? હજુ હમણાં તો ‘રબને બના દી જોડી’માં તમે ‘નચ બલિયે’ ટાઈપની કોમ્પિટીશન બતાવી હતી અને હવે ‘લફંગે પરિંદે’માં ‘ઈન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ’ ઘુસાડ્યું? તે પણ આટલી નબળી રીતે? રિયાલિટી શોનાં દશ્યોમાં તાળી પાડતું ઓડિયન્સ અને હાથમાં વોકીટોકી લઈને ‘જલદી કરો… જલદી કરો’ કરતા પ્રોડકશનના માણસ સિવાયની બીજી કશી જ વિગતો જ નથી. વાસ્તવમાં આ આખેઆખી ફિલ્મ ડિટેલિંગના અભાવથી સખ્ખત પીડાય છે. નીલની સ્ટ્રીટ ફાઈટિંગ હોય, મુંબઈની બસ્તીઓમાં જીવાતું જીવન હોય, દીપિકાનો અંધાપા સામેનો સંઘર્ષ હોય કે સ્કેટ શૂઝ પહેરીને થતી ડાન્સ પ્રેકિટસ હોય આ તમામ પાસાને ઉપરછલ્લી રીતે સ્પર્શવામાં આવ્યાં છે. સૂક્ષ્મતાઓનું ચતુરાઈથી નક્સીકામ કરવાની અને દર્શકને આકર્ષી લે તેવી નાની નાની વિગતોમાં પડવાની સરકારસાહેબે તસ્દી જ લીધી નથી.
એક્ટર માત્રને આંધળા માણસનું પાત્ર ભજવવાના કીડા હોય છે. ટેક્નિકલી, આ ફિલ્મમાં દીપિકાને ખાસ્સો ચેલેન્જિંગ રોલ મળ્યો ગણાય. દીપિકા ધીમે ધીમે પણ મક્કમ રીતે વિકસી રહેલી એક્ટ્રેસ છે અને આ ફિલ્મમાં પણ તેણે પોતાનાથી બનતા ઉત્તમ પ્રયત્નો કર્યા છે. તોય અમુક દશ્યોમાં તે અંધ હોવાની એક્ટિંગ નહીં, પણ અંધ હોવાનંુ નાટક કરી રહી હોય તેવું લાગતું હોય તો તેનો દોષ દીપિકા કરતાં ડિરેક્ટરનો વધારે છે. વાસ્તવમાં સ્કેટિંગ કરતાં કરતાં ડાન્સ કરવાની અંધ છોકરીની જીદ અને જીત ફિલ્મનો આ ફોકલ પોઈન્ટ હોવો જોઈતો હતો, પણ કોણ જાણે કેમ આ વાતને ઘૂંટવામાં આવી નથી. દીપિકાની ભીષણ પીડા, તેણે કરવો પડેલો પાર વગરનો સંઘર્ષ, આ બધામાંથી તેણે શોધેલો માર્ગ અને આખરે હ્યુમન સ્પિરિટનો વિજય વગેરે પાસાઓનું યોગ્ય ખેડાણ થયું હોત તો આ એક હ્યદય વીંધી નાખે એવી, આંખમાંથી આંસું ખેંચી કાઢે એવી અને ઓડિયન્સનો પાનો ચડાવી દે એેવી યાદગાર ફિલ્મ બની શકી હોત. કમનસીબે, મારામારી કરતો હીરો, પોલીસ ઈન્વેસ્ટિગેશન, લોકલ ભાઈ વગેરે બાબતોને લીધે ફિઙ્ખલ્મની રિધમ વેરવિખેર થઈ ગઈ છે અને ફિલ્મે એક ઉત્તમ મોકો ખોઈ નાખ્યો છે.
નીલમાં ‘મોટા બેનરની ફિલ્મ હાથમાં આવી છે, કંઈક કરી બતાવવું છે’ તે પ્રકારનો એટિટ્યુડ દેખાય છે, જે સારી વાત છે. આમિર ખાન જેવો કાબેલ એક્ટર ચોકલેટી બોય જેવો દેખાવ ધરાવતો હોવા છતાં ‘રંગીલા’માં સડકછાપ ટપોરી કે ‘સરફરોશ’માં જાંબાઝ પોલીસ ઓફિસર તરીકે બહુ કન્વિન્સિંગ દેખાઈ શકે છે. નીલનું હજુ એ પ્રકારનું ગજું નથી. તેથી વનશોટ નંદુના પાત્રને નિષ્ઠાપૂર્વક ઊપસાવવાની કોશિશ કરી હોવા છતાં તેને પૂરેપૂરા માર્ક્સ આપી શકાતા નથી. હા, ફિગર સ્કેટિંગમાં દીપિકા અને નીલ બનેએ પુષ્કળ મહેનત કરી છે, જે છેક ક્લાઈમેક્સમાં દેખાય છે. સ્કેટ શૂઝ પહેરીને અઘરા લિફ્ટ્સ સાથેના કોમ્પિલીકેટેડ ડાન્સ કરવા ખાવાના ખેલ નથી. થ્રી ચિયર્સ ફોર ડેડલી ડાન્સિંગ!
ફિલ્મનું સંગીત (આર. અનંત) ઠીકઠાક છે. નીલદીપિકાના દોસ્તો બનતા કલાકારો ફિલ્મને એક પ્રકારની જીવંતતા બક્ષે છે. કે કે મેનનને અહીં અક્ષમ્ય રીતે વેડફી નાખવામાં આવ્યો છે. પીયૂષ મિશ્રા હંમેશ મુજબ અસરકારક છે. પોલીસની છાનબીનવાળો ટ્રેક આખી ફિલ્મમાં નડતો રહે છે. ફિલ્મના અંત તરફ નીલ અને દીપિકા વચ્ચે થતા કીટ્ટાબુચ્ચામાં પણ ગોટો વાળી દેવામાં આવ્યો છે. ફિલ્મની પરાકાષ્ઠા પાની કમ ચાય જેવી છે, જે ખરેખર તો ઓડિયન્સ નખ ચાવી નાખે તેવી દિલધડક બનવી જોઈતી હતી. ફિલ્મનો આ એક મોટો માઈનસ પોઈન્ટ છે.
યશરાજ બેનરની એક ઓર નબળી ફિલ્મ. જોકે ફિલ્મની યુથફુલ એનર્જી યુવા વર્ગને અપીલ કરી શકે. જો બહેતર વિકલ્પ ન હોય તો અને તો જ આ ફિલ્મ જોઈ નખાય. બાકી ટીવી પર ખરેખરો ‘ઈન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ’ શો ફ્રીમાં જોવાની કોણે મનાઈ કરી છે?
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply