ફિલ્મ રિવ્યુ – નોક આઉટ
મિડ-ડે, તા. ૧૬ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત
નોટ આઉટ
ઊંચી અપેક્ષા વગર સિનેમાહોલમાં એન્ટ્રી મારી હશે તો ઈરફાન ખાનના સુપર્બ પર્ફોર્મન્સવાળી આ ફિલ્મ ગમી શકે એવી છે
રેટિંગ – અઢી સ્ટાર
ઓકે, ‘નોક આઉટ’ હોલીવૂડની હિટ ફિલ્મ ‘ફોનબૂથ’ પરથી પ્રેરિત છે તેની હવે બધાને ખબર છે. તેના નબળા પ્રોમોએ ઓડિયન્સમાં ઝાઝી અપેક્ષા જગાવી નહોતી તે ય સૌ જાણે છે. ગુડ ન્યુઝ એ છે કે જો તમે ‘અંગ્રેજી ફિલ્મની નબળી ઉઠાંતરી’ એવી ઈમેજ સાથે ‘નોક આઉટ’ જોવા બેસશો તો સાનંદાશ્ચર્યનો અનુભવ થશે. મણિ શંકરે લખેલી અને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ વાસ્તવમાં એક સરસ થ્રિલર બની શકી છે.
ભારતના ભ્રષ્ટ રાજકારણીઓ અને અમલદારોએ ૬૦ હજાર કરોડ રૂપિયાનું કાળું નાણું સ્વિસ બેન્કમાં સંતાડી રાખ્યું છે. આ પૈસા ભારતમાં પાછું આવવું જોઈએ તે વાત અવારનવાર ચર્ચાતી રહે છે. ‘નોક આઉટ’માં આ મુદ્દાને લાઉડ બન્યા વગર નાટ્યાત્મક રીતે વણી લેવામાં આવ્યો છે.
છીનાઝપટી
ઈરફાન ખાન એક ઐય્યાશ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. પત્ની છે, ક્યુટ બેબલી છે, પણ હરાયા ઢોરની જેમ તે તક મળે તો મોઢું મારતો ફરે છે. એક દિવસ એ કશાકની ડિલીવરી કરવા પોતાની કારમાં નીકળ્યો છે. અધવચ્ચે અટકીને કોઈકને ફોન કરવા, પોતાની પાસે બબ્બે મોબાઈલ હોવા છતાં, એક પારદર્શક કાચના સ્ટાઈલિશ ફોન બૂથમાં ઘૂસે છે. તે વાત પૂરી કરે ત્યાં જ પબ્લિક ફોન પર કોઈ અજાણ્યો કોલર કોલ કરે છે. તે શાર્પશૂટર સંજય દત્ત છે. ઈરફાન વાત કરે છે અને હવે શરૂ થાય છે મજેદાર છીનાઝપટી. સંજય દત્તની ગન સતત ઈરફાન પર તકાયેલી છે. તે ઈરફાન પાસે જાતજાતનાં કામ કરાવે છે. એને નચાવે છે, ટીવી ચેનલ પર કબૂલાત કરાવે છે અને એવું તો કેટલુંય. સંજય દત્તનો ફોન સતત ચાલુ છે. ફોનબૂથની આસપાસ પોલીસ, પબ્લિક અને મિડીયાની જમઘટ થઈ જાય છે. વાત ઘૂંટાતી જાય છે અને અંતે…
ટુ-ધ-પોઈન્ટ
‘નોક આઉટ’નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તે આમતેમ ફંટાયા વિના નિશ્ચિત દિશામાં એકધારી આગળ વધતી રહે છે. ધરાર ગીતો ઘુસાડવાની જગ્યા હોવા છતાં ડિરેક્ટરે એવી કોશિશ કરી નથી. ક્યાંય કોમેડીનાં અકારણ ટાયલાં પણ નથી. આવી ટુ-ઘ-પોઈન્ટ ફિલ્મો દર શુક્રવારે ક્યાં જોવા મળે છે? ફિલ્મના અંત ભાગમાં થયેલો દેશભક્તિનો વઘાર પણ માપસરનો છે અને તે ફિલ્મને વધારે ટેસ્ટી બનાવે છે.
ચાર ફૂટ બાય ત્રણ ફૂટની જગ્યામાં બંધાઈ રહ્યા પછી અભિનયમાં કેટલું સુંદર વૈવિધ્ય લાવી શકાય અને ઓડિયન્સને બાંધી રાખી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ લાંબા વાંકડિયા વાળવાળો ઈરફાન ખાન પૂરું પાડે છે. ઈરફાનની જગ્યાએ કોઈ ઊતરતો એક્ટર હોત તો ફિલ્મને ઊંધા મોંએ પછડાતાં વાર ન લાગત. સમય જતો જાય છે તેમ તેમ તેના કિરદારના નવા નવા રંગો ઊપસતાં છે વિલાસવૃત્તિ, ચીડ, ખોફ, અસહાયતા, અફસોસ અને છેલ્લે ફના થઈ જવાની તૈયારી.
સંજય દત્તની પાવરફુલ સ્ક્રીન પ્રેઝન્સ એનું અડધું કામ કરી નાખે છે. એની ફ્રેન્ચ કટ દાઢીની ઘટ્ટતાની કન્ટિન્યુટી જોકે જળવાઈ નથી. ઈરફાન સાથે તેની કેમિસ્ટ્રી જમાવટ કરે છે. બણે પાત્રો ક્યારેય એકબીજાની સામે આવતાં નથી, પણ ડિરેક્ટરે સ્પ્લિટ સ્ક્રીનનો સરસ ઉપયોગ કરીને તેમની જુગલબંદી સરસ ઊપસાવી છે.
કંગના રનૌત, ફોર એ ચેન્જ, આ ફિલ્મમાં ભૂતડી કે પાગલ બની નથી. તમે ક્યારેય ખુલ્લા ખભાવાળો પોષાક ધારણ કરેલી (ઓકે, પછી તે જેકેટ પહેરી લે છે) અને પગમાં છ ઇંચની હિલ્સવાળા સેન્ડલ પહેરીને આંટા મારતી ટીવી રિપોર્ટર જોઈ છે? ન જોઈ હોય તો ‘નોક આઉટ’માં કંગના રનૌતને ઈન્ડિયા ટીવીની આવી વરણાગી ટીવી રિપોર્ટરના રૂપમાં જોઈ શકશો. (ઈન્ડિયા ટીવીની ઈમેજ સાથે કોઈ પણ પ્રકારનું ચિત્રવિચિત્રપણું મેચ થાય છે.) કંગના આમ તો સારી એક્ટ્રેસ છે, પણ આ રોલમાં તેણે અભિનયના ખાસ અજવાળા પાથરવાના નથી.
ફિલ્મમાં ખૂંચે એવી વાતો ઓછી નથી. પાંચસો કરોડ રૂપિયાની નોટોના બંડલ ખુલ્લા રસ્તા પર કલાકો સુધી એમને એમ પડ્યા રહે તે વાત વાહિયાત છે. સ્વિસ બેન્કમાંથી મની ટ્રાન્સફરની વિધિ સીધીસાદી કોઓપરેટિવ બેન્ક કરતાં પણ આસાન છે! ગાંડાની જેમ ગોળીબાર થતો હોય, કેટલાયના ઢીમ ઢળી જતા હોય તો પણ લોકો સ્થળ પરથી હલવાનું નામ ન લે તે કેવું? ટીવી પર લાઈવ કવરેજ ચાલતું હોવા છતાં વધારાની પોલીસ કે કમાન્ડોઝ સ્થળ પર ફરકવામાં ભવ લગાડી દે છે. સેકન્ડ હાફમાં એકની એક ઘટનાઓ ફરી ફરીને થયા કરતી હોવાથી ફિલ્મની ગતિ ધીમી પડી જાય છે.
ખેર, આ ક્ષતિઓ સાથે પણ ફિલ્મ સરવાળે સહ્ય છે. આ ફિલ્મની અપીલ મર્દાના છે, તે મહિલા વર્ગને ખાસ આકર્ષે એવી નથી. જો થ્રિલર ફિલ્મો જોવી ગમતી હોય, બહેતર વિકલ્પ ન હોય અને અગાઉ કહ્યું તેમ ઊંચી અપેક્ષા રાખવાની આદત ન હોય તો ‘નોક આઉટ’ જોઈ નાખવામાં બહુ વાંધો નથી.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply