રિવ્યુ – ‘ગોલમાલ – થ્રી’
મિડ-ડે, તા. ૬ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત
હા હા હી હી ને દેકારો
આ ફિલ્મ ‘ગોલમાલ’ બ્રૅન્ડને અલગ લેવલ પર લઈ જવામાં નિષ્ફળ જાય છે. જોકે એની લાઉડ અને સ્લૅપસ્ટિક કૉમેડી સમગ્રપણે નહીં, પણ ટુકડાઓમાં હસાવવામાં કામિયાબ થાય છે.
રેટિંગ ઃ બે સ્ટાર
કાળા વાળની ઘેઘૂર વિગ તેમ જ ભડકીલાં ગોલ્ડન કપડાં ધારણ કરીને ડાન્સ ફ્લોર પર સિત્તેરની ડિગ્રીએ ત્રાંસા ભા રહીને મિથુન ચક્રવર્તી તેમની કરીઅરનું સુપરહિટ ગીત લલકારે છે ઃ આઇ એમ અ ડિસ્કો ડાન્સર… ના, આ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ ટીવી-શોની કોડાક મોમેન્ટ નથી, બલકે ‘ગોલમાલથ્રી’નું એક દ્રશ્ય છે. પેલા ડાન્સ રિયલિટી શોને કારણે મિથુનની કારકિર્દીને જીવતદાન મળ્યું છે અને આ ઉંમરેય તેમને આઇટમબૉય બનવાનાં અસાઇનમેન્ટ મળે છે. અરે, ‘ગોલમાલ થ્રી’માં તો મિથુનને લવરબૉય સુધ્ધાં બનવાનો મોકો મળ્યો છે. આધેડ પ્રેમિકા રત્ના પાઠકશાહના ટકલુ પિતાજી પ્રેમ ચોપડા સામે મિથુન સ્પૂફના અંદાજમાં ડાયલૉગ ફેંકે છે ઃ શીશોં કે ઘરોં મેં રહનેવાલે બેઝમેન્ટ મેં કપડેં બદલતે હૈં! તાલિયાં.
રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ તેમ જ ‘ગોલમાલ રિટર્ન્સ’ તમે એન્જાૅય કરી હશે અને મિથુનનાં આવાં ટાયલાંમાં તમને મજા આવતી હશે તો ‘ગોલમલ- થ્રી’માં દુઃખી તો નહીં જ થાઓ. જોકે આગલા બે પાર્ટ્સ સાથે આની સરખામણી કરશો તો નિરાશ જરૂર થશો.
પાંચ પાંડવોની પારાયણ
રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ એક હિટ બ્રૅન્ડ છે અને લાઉડ કૉમેડીના નામે એમાં કંઈ પણ ચાલે છે. આગલી બે ફિલ્મોમાંથી અજય દેવગન, અર્શદ વારસી, તુષાર કપૂર અને શ્રેયસ તલપડે અહીં કૅરી ફૉર્વર્ડ થયા છે અને લટકામાં કુણાલ ખેમુ ઉમેરાયો છે. આ પાંચ પાંડવોની સામે (કોડવર્ડમાં) બે કટકા ગાળો બોલતી કરીના કપૂર છે. કરીના વાસ્તવમાં ફેવિકૉલની જેમ જુદાંજુદાં કિરદારોને જોડવાનું કામ કરે છે. ગોવાના બહુ જ ઓછા વપરાયેલા લોકાલમાં અજય-શ્રેયસ સામે અર્શદ-તુષાર-કુણાલ બાખડ્યા કરે છે. આ અનાથોને પાળીપોષીને મોટા કરનાર અનુક્રમે રત્ના શાહ અને મિથુન ચક્રવર્તી પુરાણા પ્રેમીઓ છે. કરીના આ સૌને વારાફરથી મિલાવે છે. આખરે કાજુ ખાઈને ફેણી પીને સૌ મજા કરે છે. વાત પૂરી.
ખોવાઈ છે – ક્લાઇમૅક્સ
‘ગોલમાલ-થ્રી’ જામે છે, પણ માત્ર ટુકડાઓમાં, સમગ્રપણે નહીં. આ એક સ્લૅપસ્ટિક, અતિ લાઉડ અને બ્રેઇનડેડ કૉમેડી છે. અહીં ચબરાકિયા સંવાદો છે, એસએમએસ જોક્સ પ્રકારની વનલાઇનર્સ છે, સ્લો મોશનમાં થતી મારામારી છે અને નબળાં ગીતો છે. રોહિત શેટ્ટી ડબલ ઢોલકી ઇન્સાન છે. ‘કૉમેડી સરકસ’ ટીવી-શોના જજ બને ત્યારે તેઓ સ્પર્ધકો પાસેથી શુદ્ધ કૉમેડીની અપેક્ષા રાખે છે અને અશ્લીલતા પીરસતા સ્પર્ધકોને એલિમિનેટ કરી નાખે છે, પણ ‘ગોલમાલ-થ્રી’માં તેમણે ખુદ વલ્ગર ચેનચાળા અને ગાળોના સૂચિતાર્થોનો વરસાદ વરસાવ્યો છે.
અર્શદ વારસી અને તુષાર કપૂર આ વખતે પણ હંમેશની જેમ સૌથી વધારે લાફ્ટર પેદા કરે છે. તુષારને બોબડાનું કિરદાર ખૂબ માફક આવી ગયું છે. કરીના (સાઇઝ ઝીરો, સ્ટાઇલ હીરો)ના ભાગે સારુંએવું કામ આવ્યું છે. સડકછાપ ટૉમબૉય તરીકે તે ખીલી છે. કોઈ આંગળી બતાવે તો હિંસક બની જતો અજય દેવગન આ ફિલ્મનો ઑફિશ્યલ હીરો છે. કુણાલ ખેમુ આટલી ભીડ વચ્ચે પણ ધ્યાન ખેંચી શક્યો છે, પણ શ્રેયસ બાપડો ખોવાઈ ગયો છે.
ફિલ્મનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ એની સ્ટોરીલાઇન છે. એક હાઈ-પૉઇન્ટ પર ઇન્ટરવલ પડે છે, પણ સેકન્ડ હાફ નબળો પડી જાય છે. ‘ગજની’છાપ જાૅની લીવરનો ચોરીના હારવાળો ટ્રૅક ઉભડક અને સગવડિયો છે. ફિલ્મનો અંત તદ્દન ફિસ્સો અને પંચ વગરનો છે. ડિરેક્ટર જાણે કે ક્લાઇમૅક્સ નાખતાં જ ભૂલી ગયા છે. ફિલ્મમાંથી લો-બજેટ જોણાની વાસ આવ્યા કરે છે. સાંજનાં દ્રશ્યો આશ્ચર્ય થાય એટલી કંગાળ રીતે શૂટ કરવામાં આવ્યાં છે.
પાર્ટ થ્રી ‘ગોલમાલ’ બ્રૅન્ડને નવી ઉચાઈ પર લઈ જવામાં નિષ્ફળ જાય છે, પણ જો દિવાળીના માહોલમાં તમારે ટેન્શન-ફ્રી થઈને માત્ર હા હા હી હી કરવાની હોય તો આ ફિલ્મ જોઈ નાખવામાં વાંધો નથી.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply