રિવ્યુ – અ ફ્લૅટ
મિડ-ડે તા. ૧૩ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત
હોરર નહીં, હોરિબલ
આ ફિલ્મ માટે એક જ શબ્દ વાપરી શકાય -રેઢિયાળ. જો ડરવાનું બહુ મન થયું હોય તો ‘બિગ બોસ’માં ડોલી બિન્દ્રાને જોઈ લેજો. ‘અ ફલૅટ’ કરતાં તે સો ગણી વધારે ડરામણી છે.
રેટિંગ – એક સ્ટાર
હિન્દી ફિલ્મોવાળા બડા ચાલાક છે. તેઓ હોલીવૂડમાંથી જાતજાતની ઉઠાંતરીઓ કરશે, પણ તાત્કાલિક ઉઠાવી લેવા જેવો એક આઈડિયા ધરાર નહીં ઉઠાવે. તે છે, રૅઝી અવોર્ડ્ઝનો આઈડિયા. હોલીવૂડમાં વર્ષની સૌથી ખરાબ ફિલ્મો અને પર્ફોર્મન્સીસ માટે રૅઝી અવોર્ડ્ઝ ઘોષિત થાય છે. આપણાવાળા આવું કેમ કશું કરતા નથી? ધારો કે આપણે ત્યાં આવું કશુંક શરૂ થાય તો લગભગ તમામ કેટેગરીમાં હકથી નોમિનેશન મેળવી શકે તેવી એક ભવ્ય ફિલ્મ ગઈ કાલે સ્ક્રીન પર ત્રાટકી ચૂકી છે ‘અ ફ્લૅટ’.
હોરર એ સિનેમાનો એક રોમાંચક પ્રકાર છે. આપણને મજા આવતી હોય છે ઓડિટોરિયમના અંધરકારમાં ધડકી ઉઠવાની, કાન પર હાથ દાબી દઈને ફાટી આંખે સ્ક્રીનને જોયા કરવાની. પણ હોરર ફિલ્મનું મેકિંગ જો નબળા હાથમાં ગયું તો એને હોરિબલ બનતાં વાર નથી લાગતી. ‘અ ફ્લેટ’ આવી જે એક હોરિબલ હોરર ફિલ્મ છે.
બુઢી કે બાલ
મમ્મીપપ્પા સાથે રહેતા વાંઢા જિમી શેરગિલે ધરાર એક અલાયદો ફ્લેટ લીધો છે. અહીં તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કાવેરી ઝા સાથે જલસા કરે છે અને બણે પપ્પાઓને ટેન્શન આપતો રહે છે. એક વાર ગર્લફ્રેન્ડને મનાવવા એ ખાસ અમેરિકાથી મુંબઈ લાંબો થાય છે. એરપોર્ટ પર લૅન્ડ કરે તે પહેલાં જ એના પેલા ખાલી ફ્લૅટમાં એના પપ્પા (સચિન ખેડેકર)ની રહસ્યમય સંજોગોમાં ભયાનક રીતે હત્યા થઈ જાય છે. પોલીસને સબૂતના નામે ઘટનાસ્થળેથી કોઈ વૃદ્ધ સ્ત્રીના કાબરચીતરા લાંબા વાળ જ મળ્યા છે. પપ્પાને લાકડાભેગા કરીને જિમીભાઈ ફ્લેટમાં આંટો મારવા જાય છે અને તેને જાતજાતના ભૂતિયા અનુભવો થાય છે. ડોબા પોલીસોને ન મળી એવી એક ચાવીરૂપ ચીજ તેને જડી જાય છે અને તે સાથે જ પિતાશ્રીના મૃત્યુનું અને બીજી કેટલીય વાતોના રાઝ પરથી પડદો ઉઠે છે.
વાહિયાત
હેમંત મધુકર નામના મહાશયે લખેલી અને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ખરેખર ફ્લૅટ (એટલે કે સપાટ) છે. અહીં હરામ બરાબર તમને પણ વાર ભૂલેચુકે ય ભયનું લખલખું આવતું હોય તો. ઓરિજિનાલિટીના નામે આ ફિલ્મમાં મોટું મીંડું છે. મુંબઈના ધમધમતા વિસ્તારના એક જ ફ્લેટમાં આકાર લેતી સરસ હોરર ફિલ્મો આપણે જોઈ ચુક્યા છીએ. ઉદાહરણ તરીકે, રામગોપાલ વર્માની ‘ભૂત’. ‘૧૩બી’ નામની માધવનવાળી ફિલ્મ પણ ઠીકઠાક હતી. હેમંતભાઈએ પોતાની ફિલ્મ માટે ‘ભૂત’માં બતાવી છે અદ્દલ એવી જ બિલ્ડિંગ શોધી કાઢી છે. કેટલાય શોટ્સ પણ ‘ભૂત’ જેવા જ છે. જેમ કે, ઉપરનીચે આવજા કર્યા કરતી લિફ્ટ, વોચમેનની ખાલી ખુરસી, ધડાધડ દાદરા ઉતરતો હીરો, વગેરે.
‘અ ફ્લૅટ’ની વાર્તાગૂંથણી અને જે અણધડ રીતે વચ્ચે વચ્ચે ફ્લેશબેક મૂકાયા છે તે ત્રાસજનક છે. અચાનક બાથરૂમના નળમાં પાણી આવવા લાગે, શાવર ઓન થઈ જાય અને હીરો છળી ઉઠે. ભયની આ લાગણી ઘૂંટવાને બદલે ડિરેક્ટર ધડ દઈને આ જ વખતે કોઈ ભળતો જ ફ્લેશબેક ઓડિયન્સના માથા પર મારે જિમીનો દોસ્ત સંજય સૂરિ સ્વિમિંગ પુલમાં છબછબિયા કરી રહ્યો હોય કે એવું કંઈક. ફ્લેશબેક પૂરો થયા પછી મૂળ વાત સાથે કશું જ સંધાન નહીં. ઈન્ટરવલ પછી તો હદ થાય છે. ધારો કે પોપર્કોનપેપ્સી લેવામાં વાર લાગી અને સેકન્ડ હાફ શરૂ થઈ ગયો તો સીટ પર બેઠા પછી તમને પ્રશ્ન થશે કે હું ભુલથી સ્કીન-વનને બદલે સ્ક્રીન-ટુમાં તો ઘુસી નથી ગયોને? વાર્તાનો પ્રવાહ અને માહોલ અધવચ્ચેથી જુદી જ દિશામાં ફંટાઈ જાય છે. નવાં કિરદારો ઈન્ટ્રોડ્યુસ થાય છે, જૂનાં ગાયબ થઈ જાય છે અને ફિલ્મ જમાવટ કરવાને બદલે ઓર કંટાળજનક બની જાય છે. સસ્પેન્સમાં કે સ્ક્રીન પર શું ચાલે છે તે જોવામાં તમને કશો રસ રહેતો નથી. તમે એયને એસએમએસ જોક્સ દોસ્તોને ફોરવર્ડ કરવામાં બિઝી થઈ જાઓ છો.
જિમી શેરગિલ સારો એક્ટર છે, પણ બાપડાની કરિયર ટોપ ગિયરમાં ન આવી તે ન જ આવી. સંજય સૂરિના કેસમાં પણ લગભગ એવું જ. કન્યારત્નો કાવેરી અને હેઝલ એટલી નબળી છે કે તેમના વિશે ચુપ રહેવામાં જ ભલીવાર છે. વાર્તાનો પ્રવાહ, પાત્રાલેખન અને અભિનયની કંગાલિયત જાણે ઓછી હોય તેમ ડિરેક્ટરસાહેબ આપણા પર ભપ્પી લહેરીએ કંપોઝ કરેલાં બંડલ ગીતો વચ્ચેવચ્ચે ફટકારતા જાય છે. ફિલ્મ પૂરી થતાં જ તમે દૂમ દબાવીને દોટ મૂકો છો અને ફ્લેટના, સોરી, મલ્ટિપ્લેક્સનાં પગથિયાં ઉતરી જાઓ છો.
સો વાતની એક વાત. તમે બહુ ઉદાર પ્રેક્ષક હો તો પણ ‘અ ફ્લૅટ’માં એન્ટર થવાનું ન વિચારશો. અને જો ડરવાનું બહુ મન થયું હોય તો ‘બિગ બોસ’માં ડોલી બિન્દ્રાને જોઈ લેજો. ‘અ ફ્લૅટ’ કરતાં તે હજાર ગણી વધારે ડરામણી છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply