મિડ-ડે રિવ્યુ – ‘નો પ્રોબ્લેમ’
મિડ-ડે તા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત
પ્રોબ્લેમ હી પ્રોબ્લેમ
આ બિકીનીલેન્ડમાં પ્રવેશતા પહેલાં દિમાગને ઘરે મૂકીને નહીં આવ્યા હો તો બ્રેઈન હેમરેજ થઈ જવાનું પૂરેપૂરું જોખમ છે. અનીસ બઝમીની આ કોમેડી ફિલ્મ તેમની આગલી ત્રણેય હિટ ફિલ્મોની તુલનામાં ઢીલી છે.
રેટિંગ – દોઢ સ્ટાર
પાક્કો હાઈવે છે, દૂર દૂર સુધી ક્યાંય દરિયાનું કે ઈવન સ્વિમિંગ પૂલનું નામોનિશાન નથી, પણ બિકીની પહેરેલી ગોરી છોકરીઓનું આખું ધાડું ગોળના ગાંગડા પર જેમ માખીઓ બણબણતી હોય તેમ હીરોલોગને વળગ્યા કરે છે અને કમરતોડ અંગમરોડ કરતી રહે છે. સેક્સી યુરોપિયન એકસ્ટ્રાઓ હિન્દી ગીત પર હોઠ ફફડાવે અને ઠેકડા મારતી મારતી ભાંગડાના સ્ટેપ કરે એટલે ઓડિયન્સને મજા પડી જાય એવું હિન્દી ફિલ્મમેકરો માનતા હશે?
વેલકમ ટુ ધ બિકીનીલેન્ડ!
ઘ્યાન રહે, આ હાહાહીહીનગરમાં પ્રવેશતા પહેલાં દિમાગને ઘરે મૂકીને નહીં આવ્યા હો તો બ્રેઈન હેમરેજ થઈ જવાનું પૂરેપૂરું જોખમ છે. ઈન ફેક્ટ, અનીસ બઝમીની કોઈપણ ફિલ્મ માટે આ વાત લાગુ પડે છે. તેમની આગલી ત્રણ હિટ ફિલ્મો ‘નો એન્ટ્રી’, ‘વેલકમ’ અને ‘સિંઘ ઈઝ કિંગ’એ આમદર્શકોનું ખૂબ મનોરંજન કરેલું. શેરડીના સંચાવાળો જેમ રસ કાઢી કાઢીને શેરડીનો કૂચો કરી નાખે તેમ રાઈટર-ડિરેક્ટર અનીસ બઝમીએ પોતાની હિટ ફોર્મ્યુલાનો આ ફિલ્મમાં કૂચો કાઢી નાખ્યો છે. મોટો પ્રોબ્લેમ એ છે કે અહીં રસને બદલે કૂચો જ દેખાય છે. બઝમીબાબુની આ ફિલ્મ તેમની આગલી ત્રણેય ફિલ્મોની તુલનામાં લોકોને એન્ટરટેઈન કરવામાં કાચી પૂરવાર થાય છે.
ગોરી, ગોરીલા અને ગોકીરો
તમે ‘નો પ્રોબ્લેમ’ના પ્રોમોમાં ચિમ્પાન્ઝીની પ્રચંડ વાછૂટને કારણે હવામાં ડી જતો સરદારજીને જોયો છે, રાઈટ? બસ, આ એકદમ કરેક્ટ પ્રોમો છે. આખી ફિલ્મમાં આવું જ બધું છે. સંજય દત્ત અને અક્ષય ખન્ના ચોર છે, પરેશ રાવલ તેમનો શિકાર બન્યા છે અને બાઘ્ઘો પોલીસવાળો અનિલ કપૂર ગુનેગારોને પકડવા ફાંફા મારે છે. માફિયા ડોન સુનીલ શેટ્ટી અને ચિત્રવિચિત્ર દેખાવ ધરાવતી એની ટીમ પણ સંજય-અક્ષય (ફિલ્મમાં તેમનાં નામ યશ-રાજ રાખવામાં આવ્યાં છે)ની પાછળ પડી છે. અનિલ કપૂરની સ્પ્લિટ પર્સનાલિટી ધરાવતી પત્ની સુસ્મિતા સેનને દિવસમાં એકાદ વાર હિંસક ઍટેક આવે છે. કંગના સુસ્મિતાની બહેન છે, જે અક્ષયના પ્રેમમાં છે. બસ, પછી માઈન્ડલેસ પકડાપકડા, ભાગાભાગી, મારામારી ને ગરબડ ગોટાળા ચાલ્યા કરે છે. આ શંભુમેળાનું આખરે શું કરવું તેનો રસ્તો દેખાતો ન હોય તેમ રાઈટર-ડિરેક્ટરે આખરે વાતનો જેમતેમ વીંટો વાળી દીધો છે.
મનોરંજનના નામે કંઈ પણ
‘નો પ્રોબ્લેમ’માં બે આધેડ થઈ ચૂકેલા હીરો છે (સંજય દત્ત, અનિલ કપૂર) અને ત્રીજો હીરો (અક્ષય ખન્ના) આધેડ થાઉં થાઉં કરે છે. પરેશ રાવલ પણ આધે઼ડ છે અને સુસ્મિતા સેન એક્સપાયરી ડેટ વટાવી ચૂકી છે. સુનીલ શેટ્ટી, શક્તિ કપૂર, રણજીત કાં તો સિનીયર સિટીઝન થઈ ચૂક્યા છે યા તો તે દિશામાં આગળ વધી રહ્યા છે. ટૂંકમાં, એક કંગના રનૌતને બાદ કરતાં અહીં લગભગ આખી ટીમ ઉંમરલાયક છે. આખેઆખી ફિલ્મ ઘરડી અને ખખડી ગયેલી ન લાગે તેના પ્રયાસ રૂપે અનીસ બઝમીએ અડધી નાગડીપૂગડી ગોરી એકસ્ટ્રાઓની ભરમાર કરી હશે?
બજેટ સારું હોય તો ફોરેનના લોકેશનનો અને વ્હાઈટ સ્કિનનો બને એટલો વધારે ઉપયોગ કરવો એવો આપણી મસાલા ફિલ્મોમોનો લેટેસ્ટ કાયદો છે. ફિલ્મ દર્શકની બુદ્ધિને અપીલ કરે કે ન કરે, તેની વિઝયુઅલ અપીલ હાઈક્લાસ હોવી જ જોઈએ યુ સી, એટલે આ ફિલ્મનું શૂટિંગ લેવા દેવા વગર દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું છે. અહીંના પોલીસ, હવાલદાર, મિનિસ્ટર, કમિશનર, માફિયા ડોન બધા જ ઈન્ડિયન છે અને શહેર તો ઠીક, ખોબા જેવડાં ગામડાના લોકોને પણ પાક્કુ હિન્દી આવડે છે. પરેશ રાવલ પોતાની ગોરી પત્નીનું નામ ‘સાવિત્રી’ રાખે છે અને એ ય હિન્દીમાં ડાયલોગ ફટકારે છે.
આ પ્રકારની કોમેડી ફિલ્મમાં લોજિક શોધવાનું ન હોય, કબૂલ, પણ દિમાગને દાબડામાં બંધ કરી દીધા પછી ય હસવું તો આવવું જોઈએ ને. ‘નો પ્રોબ્લેમ’માં હસતા હસતા જડબાં દુખી જાય તેવા સૉલિડ રમૂજી સિકવન્સ ખૂબ ઓછી છે. સ્માર્ટ વનલાઈનર્સ અને રમૂજી ગૅગ્સની કારમી તંગી છે. કેટલાંય સીન નકામાં છે અને બિનજરૂરી રિપીટેશન પણ ઘણું છે. દશ્યો આડેધડ બદલાય છે અને બે ક્રમિક દશ્યો વચ્ચે કનેક્ટિવિટી રહેતી નથી. સંવાદો ઢીલા છે. (‘યે આદમી આપકે લિએ સરદર્દ હો સકતા હૈ..’ … ‘ઔર તુમ જાનતે હો કિ મુઝે સરદર્દ બિલકુલ પસંદ નહીં હૈ.’!) અનીસ બઝમી હજુય ‘સિંઘ ઈઝ કિંગ’ના હેંગઓવરમાંથી બહાર આવ્યા નથી. એમણે અહીં એકેએક પુરુષ પાત્રને સરદારજીના વેશમાં ભાંગડા કરાવ્યા છે…. અને અક્ષય ખન્ના છોકરીના સ્વાંગમાં ભયાનક લાગે છે, પ્લીઝ!
પરેશ રાવલ, હંમેશ મુજબ, સૌથી વધુ અસરકારક છે. સાયકોનો રોલ આ વખતે કંગના રનૌતને બદલે, ફોર અ ચેન્જ, સુસ્મિતા સેને કર્યો છે. સુસ્મિતા સરસ કોમેડી કરી જાણે છે તે આ ફિલ્મ ફરી એક વાર પૂરવાર કરે છે. કંગના જોકે તદ્દન વેડફાઈ છે. વિજય રાઝ નાના રોલમાં પણ ધ્યાન ખેંચે છે. બાકી બધા રાબેતા મુજબ છે. પ્રીતમનું સંગીત ઘોંઘાટિયું અને નિરાશાજનક છે.
સો વાતની એક વાત. જો તમને અનીસ બઝમીની આગલી ફિલ્મો અને ‘ગોલમાલ-થ્રી’ ટાઈપની કોમેડીમાં જોરદાર મજા આવી જતી હોય તો ઘણું કરીને તમને ‘નો પ્રોબ્લેમ’માં પ્રોબ્લેમ નહીં થાય. બીજા બધાએ આ ફિલ્મથી સેફ ડિસ્ટન્સ જાળવવું.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply